લૂઇસ, (હૅરી) સિંકલેર

January, 2004

લૂઇસ, (હૅરી) સિંકલેર (જ. 7 ફેબ્રુઆરી 1885, સૉક સેન્ટર, મિનેસોટા, યુ.એસ.; અ. 10 જાન્યુઆરી 1951, રોમ નજીક) : અમેરિકન સાહિત્યકાર. 1930નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ અમેરિકન નવલકથાકાર. શિક્ષણ યેલ યુનિવર્સિટીમાં. ત્યાંથી 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. અભ્યાસ દરમિયાન અપ્ટન સિંકલેરના ન્યૂ જર્સીવાળા સમાજવાદી પ્રયોગમાં ‘હેલિકૉન હોમ કૉલોની’માં તેઓ પ્રત્યક્ષ રીતે જોડાયા. શરૂઆતના સામાન્ય કોટિના લેખક તરીકે થોડુંઘણું લખ્યા પછી અમેરિકામાં ભ્રમણ કર્યું. ન્યૂયૉર્કમાં સામયિક–છાપાંઓમાં તંત્રીવિભાગમાં કાર્ય કર્યું. ‘અવર મિસ્ટર રેન’ (1914), ‘ધ ટ્રેઇલ ઑવ્ ધ હૉક’ (1915), ‘ધી ઇનોસન્ટ્સ’ (1917) અને ‘ધ જૉબ’ (1917) નવલકથાઓ છે. આમાંની છેલ્લી ન્યૂયૉર્કના એક સામાન્ય કુટુંબની વાસ્તવિક કથા છે. ‘મેઇન સ્ટ્રીટ’ (1920) દ્વારા તેમના તરફ વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું. આ નવલકથાનું નાટ્યરૂપાંતર હાર્વી ઓ’હિગિન્સ અને હૅરિયટ ફૉર્ડે કર્યું છે. ગ્રોફેર પ્રેઇરી નામના ગામના એક ભલા દાક્તર વિલ કૅનિકૉટની પત્ની બનીને, ગામને સુધારવાનાં પોતાનાં સ્વપ્નોનું વાવેતર કરવાના નાયિકા નિષ્ફળ પ્રયત્ન કરે છે. જોકે ત્યાંના એરિક વાલ્બૉર્ગના પ્રેમમાં તે અંજાય છે. બંને અમેરિકા જતાં રહે છે. કૅનિકૉટ જાતે જ, બે વર્ષ બાદ તેને મનાવી લે છે અને જે લોકોને પોતે નજીકથી જાણે છે તેવા ગ્રોફેર પ્રેઇરીમાં પરત આવે છે. કૅનિકૉટ સાથે પોતાની રીતે જીવવાનું સ્વપ્નું નિરર્થક નીવડ્યું છે તેની ખાતરી તેને થઈ ચૂકી છે. ‘બેબિટ’ (1922) એક સામાન્ય અમેરિકન વેપારીનું કટાક્ષમય ચરિત્રચિત્રણ છે. ‘એરોસ્મિથ’(1925)ને પુલિત્ઝર પ્રાઇઝથી નવાજવામાં આવેલી, પરંતુ લેખકે તે ઍવૉર્ડનો અસ્વીકાર કરેલો. માર્ટિન એરોસ્મિથ વિષાણુ સામે પ્રતિકાર કરે તેવા ‘ઍક્સ-પ્રિન્સિપલ’ની શોધ કરે છે, પરંતુ પોતાની શોધેલી દવાનો તેણે બેફામ ઉપયોગ કરતાં પરિણામ નિરાશાજનક આવે છે. ‘એલ્મર ગૅન્ટ્રી’ (1927) ધાર્મિક દંભ ઉપરની કટાક્ષમય નવલકથા છે. ‘ધ મૅન હૂ ન્યૂ કૂલિજ’ (1928) પણ એક વેપારીની કથા છે.

‘ડૉડ્ઝવર્થ’(1929)નું નાટ્યરૂપાંતર થયેલું. મોટરગાડીઓના ઉત્પાદક સૅમ્યુઅલ ડૉડ્ઝવર્થને યુરોપની સંસ્કૃતિના રસદર્શનમાં વધુ રસ પડે છે. ‘ઍન વિકર્સ’ (1933), ‘વર્ક ઑવ્ આર્ટ’ (1934) તેમની અન્ય નવલકથાઓ છે. ‘ઇટ કાન્ટ હૅપન હિયર’ (1935) અમેરિકામાં ભવિષ્યમાં આવી પડનાર ફાસીવાદ(fascism)ની નિરંકુશ સત્તાવાદી રાજકીય મતપ્રચારની અને વ્યવહારગત ક્રાંતિની રજૂઆત કરે છે. ‘સિલેક્ટેડ શૉર્ટ સ્ટૉરિઝ’ (1935), ‘ધ પ્રૉડિગલ પૅરન્ટ્સ’ (1938), ‘બેથેલ મેરિડે’ (1940), ‘ગિદીઑન પ્લેનિશ’ (1943), ‘કાસ ટિંબરલેન’ (1945), ‘કિંગ્ઝ બ્લડ રૉયલ’ (1947), ‘ધ ગૉડ સીકર’ (1949) અને ‘વર્લ્ડ સો વાઇડ’ (1951) પણ નવલકથાઓ છે. ‘ફ્રૉમ મેઇન સ્ટ્રીટ ટૂ સ્ટૉકહોમ’ (1952) તેમના પત્રોનો સંગ્રહ છે. ‘ધ મૅન ફ્રૉમ મેઇન સ્ટ્રીટ’ (1953) નિબંધસંગ્રહ છે.

(હૅરી)  સિંકલેર લૂઇસ

સિંકલેર લૂઇસ અમેરિકાના મધ્યમ વર્ગની નિખાલસ ટીકા કરતા નવલકથાકાર છે. ઘણુંખરું પાત્રોની ‘સામે’ નહિ, પણ ‘સાથે’ તેમનું હાસ્ય વ્યક્ત થયું છે. તેમણે લખેલાં નાટકોમાં ‘હિયર’ (1930), ‘ડૉડ્ઝ્વર્થ’ (1934), ‘જૅહૉકર’ (1934) અને જૉન સી મૉફિત સાથે લખેલ ‘ઇટ કાન્ટ હૅપન હિયર’ (1930) નોંધપાત્ર છે. માર્ક શૉરરે ‘સિંકલેર લૂઇસ : ઍન અમેરિકન લાઇફ’ (1961) નામનું તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી