લૂઇસ, સેસિલ ડે (જ. 27 એપ્રિલ 1904, બેલિનટબર, આયર્લૅન્ડ; અ. 22 મે 1972) : બ્રિટનના રાજકવિ. તેમણે ઇંગ્લૅન્ડમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. રાજકવિ તરીકેની નિયુક્તિ પૂર્વેની તેમની કારકિર્દીમાં કાવ્યલેખનનો, વર્જિલ અને વાલેરીની કૃતિઓના અનુવાદનો, યુનિવર્સિટી-પ્રાધ્યાપક તરીકે અધ્યાપન તેમજ ‘નિકલસ બ્લૅક’ના ઉપનામથી રહસ્યકથાનું લેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.

બીજા કેટલાક બ્રિટિશ લોકોની જેમ તેમના પર પણ યુદ્ધનો અને તેનાં અનુવર્તી પરિણામો–પ્રત્યાઘાતોની ઘેરી અસર પડી હતી. ઑક્સફર્ડ ખાતે તેમજ પછી 1930ના દાયકા દરમિયાન તેઓ કવિવર્તુળ સાથે સંકળાયેલા રહ્યા હતા. શરૂઆતમાં જ્યૉર્જિયન જૂથના કવિઓ સાથે અને પછી ડબ્લ્યૂ. એચ. ઑડન, લૂઇ મૅકનિસ તથા સ્ટિફન સ્પેન્ડર સાથે.

આ કવિજનો માનતા હતા કે રાણી વિક્ટોરિયા અને રાજા એડવર્ડના  શાસનકાળ દરમિયાન ઊભી થયેલી સમાજવ્યવસ્થા યુદ્ધની સાથે જ નષ્ટ પામી હતી અને તેના સ્થાને નવ્ય સમાજની રચના કરવી જોઈએ. આથી યુદ્ધોત્તર વિશ્વમાં પ્રવર્તતી નવી પરિસ્થિતિઓમાં સુસંગત નીવડે એ પ્રકારના સામાજિક તથા સૌંદર્યપરક અભિગમ અપનાવવા વિકસાવવાની લેવિસે પણ સંનિષ્ઠ કોશિશ કરી.

સાહિત્યિક વિવેચનાના તેમના પ્રારંભિક ગ્રંથો ‘એ હોપ ફૉર પોએટ્રી’ (1934) અને ‘રેવોલ્યૂશન ઇન રાઇટિંગ’(1935)માં તેમણે આ ઉદ્દેશોનું ભારપૂર્વક સમર્થન કર્યું છે. કેમ્બ્રિજમાં તેમણે ક્લાર્ક વ્યાખ્યાનો (1946) આપ્યાં જે ‘ધ પોએટિક ઇમેજ’ (1947) તરીકે પ્રસિદ્ધ થયાં. તેમની કાવ્યકૃતિઓમાં ‘કલેક્ટેડ પોએમ્સ – 1929–33’ (1935) તથા બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોનાં ‘કલેક્ટેડ પોએમ્સ’ (1954), ‘પૅગસસ’ (1957) અને ‘ધ વ્હિસ્પરિંગ રૂટ્સ’(1970)નો સમાવેશ થાય છે. તેમણે ‘અ ક્વેશ્ચન ઑવ્ પ્રૂફ’ (1935) અને બીજી વીસ જેટલી રહસ્યકથાઓ લખી હતી. ‘એ ટૅન્ગલ્ડ વેબ’ (1956) તથા ‘ધ વૉર્મ ઑવ્ ડેથ’ (1961) જેવી સંસ્કારી રહસ્યકથાઓના લેખક તરીકે પણ તેમને ખાસ્સી ખ્યાતિ મળી હતી. તેમણે વાલેરી (1946) અને વર્જિલના ‘ઇનીડ’ (1952) તથા ‘ધી ઇક્લોગ્ઝ’(1963)ના અનુવાદો કર્યા છે. તેમણે ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ (1946) તથા હાર્વર્ડ યુનિવર્સિટી (1964–65) ખાતે અધ્યાપન કર્યું હતું. 1951થી 1956 સુધી તેઓ ઑક્સફર્ડ ખાતે કવિતાના પ્રાધ્યાપક (professor of poetry) રહ્યા હતા. તેમની આત્મકથા ‘ધ બરી ડે’ 1960માં પ્રગટ થઈ હતી.

મહેશ ચોકસી