લૂઇસ, ક્લાઇવ સ્ટેપલ્સ

January, 2004

લૂઇસ, ક્લાઇવ સ્ટેપલ્સ (જ. 29 નવેમ્બર 1898, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963) : નવલકથાકાર, વિવેચક અને નીતિવાદી. ઑક્સફર્ડની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી અને માનવવિદ્યામાં ઉપાધિ મેળવી. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ભરતી થયેલા, જે દરમિયાન ઘાયલ થયેલા.

ક્લાઇવ સ્ટેપલ્સ લૂઇસ

1925થી 1954 સુધી ઑક્સફર્ડની મૅગ્ડેલિન કૉલેજમાં ફેલો તરીકે ફરજ બજાવ્યા પછી 1954માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મધ્યકાલીન તથા રેનેસાંસયુગના સાહિત્યના પ્રાધ્યાપક તરીકેની નિમણૂક. આ અભ્યાસપીઠના સમયગાળા દરમિયાન ફળશ્રુતિ તે, તેમનું ‘સિક્સ્ટીન્થ સેન્ચરી લિટરેચર (એક્સક્લૂડિંગ ડ્રામા)’ નામના દીર્ઘ લેખનું ‘ઑક્સફર્ડ હિસ્ટરી ઑવ્ ઇંગ્લિશ લિટરેચર’માં મહત્વનું પ્રદાન. જોકે વિવેચનના તેમના ‘ધી ઍલિગરી ઑવ્ લવ’ (1936) નામના પ્રથમ પુસ્તકે સાહિત્યજગતમાં સારું ધ્યાન ખેંચ્યું હતું. બ્રિટિશ અકાદમી સમક્ષ તેમણે તેમનું શેક્સપિયર પરનું પ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું હતું. ‘હૅમ્લેટ : ધ પ્રિન્સ ઑર ધ પોયેમ ?’ તેમની ‘પ્રીફેસ ટુ પૅરેડાઇસ લૉસ્ટ’માં મિલ્ટનને પોતાના કોઈ અંગત વાંધાથી ઉતારી પાડનાર વ્યક્તિઓને તેમના તરફથી અપાયેલો સણસણતો જવાબ છે. સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે તેમનાં અન્ય પ્રકાશનોમાં છે : ‘ઍન એક્સપરિમેન્ટ ઇન ક્રિટિસિઝમ’, ‘રીહેબિલિટેશન ઍન્ડ અધર એસેઝ’ અને ‘ધ આસ્ક્ડ ફૉર અ પેપર’. એક ચુસ્ત ખ્રિસ્તી તરીકે તેમણે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર પર પ્રેરક પુસ્તકો લખ્યાં છે અને એ રીતે તેઓ આવાં ધાર્મિક-નૈતિક લખાણોથી વધારે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમાં મહત્વનાં છે : ‘ધ પિલ્ગ્રિમ્સ રીગ્રેસ’ (1933), ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ પેઇન’ (1940), ‘ધ સ્ક્રૂટૅપ લેટર્સ’ (1942) વગેરે. તેમણે વિજ્ઞાન પર આધારિત નવલકથાઓ લખી છે, જેમાં પણ સબળ ધાર્મિક સૂર સંભળાય છે : ‘આઉટ ઑવ્ ધ સાઇલન્ટ પ્લાન્ટ’(1938)માં મંગળ ગ્રહ પરની કાલ્પનિક યાત્રાનું વર્ણન અને હેવાલ મળે છે. તો ‘પેરેલાન્દ્રા’(1943)માં એ જ પ્રકારનો શુક્ર(Venus)ના ગ્રહ પરનો રોમાન્સ. તેમણે આહલાદ પ્રેરતાં ઘણાં પુસ્તકો બાળકો માટે લખ્યાં છે; જેમ કે, ‘ધ લાયન, ધ વિચ ઍન્ડ ધ વૉર્ડરોબ’ (1950), ‘ધ સિલ્વર ચેર’ (1953). એમનું આત્મકથનાત્મક લખાણ ‘સરપ્રાઇઝ્ડ બાય જૉય’(1955)માં છે.

સી. એસ. લૂઇસની સાહિત્યિક સમીક્ષામાં એક પ્રકારનો રૂઢિચુસ્ત અભિગમ જોવા મળે છે. તેઓ કેમ્બ્રિજના ‘સ્ક્રૂટિનિયર્સ’થી (એફ. આર. લૂઇસનું સાહિત્યવર્તુળ ‘સ્ક્રૂટિની’ સાથે જોડાયેલું.) પોતાની અભ્યાસપૂત દૃષ્ટિથી જુદા પડી વિરોધ નોંધાવે છે. તેઓ સાહિત્યિક ઉપકરણો કે માધ્યમ દ્વારા ધર્મશાસ્ત્રીય હેતુઓ સિદ્ધ કરી રહ્યા છે એવી તેમની આકરી ટીકા પણ થઈ હતી. આમ છતાં એમની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ તેમજ પોતાના વિચારોને મોહક ભાષામાં અભિવ્યક્ત કરવાની એમની ક્ષમતા પ્રશસ્ય રહી છે. રૉજર, હૂપર અને વૉલ્ટરે ‘સી. એસ. લૂઇસ : અ બાયોગ્રાફી’ (1974) નામનું તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

અનિલા દલાલ