લૂઇસિયન સંકુલ (Lewisian complex)

January, 2004

લૂઇસિયન સંકુલ (Lewisian complex) : પ્રી-કૅમ્બ્રિયન કાળગાળા દરમિયાનનું ખડકસંકુલ. પૃથ્વીના ઉત્પત્તિકાળ  460 કરોડ વર્ષથી 57 કરોડ વર્ષના કાળગાળા દરમિયાન જ્યારથી પોપડાની બંધાવાની ક્રિયા શરૂ થઈ હશે ત્યારે અને તે પછીથી તૈયાર થતા ગયેલા ખડકોના સંકુલને લૂઇસિયન ખડકસંકુલ અને તે કાળગાળાને લૂઇસિયન કાળગાળા તરીકે ઓળખાવાય છે. આ પ્રકારનું ખડકસંકુલ પૃથ્વીના પટ પર જ્યાં મળે છે તેને ‘ફન્ડામેન્ટલ કૉમ્પ્લેક્સ’ અથવા ‘બેઝમેન્ટ કૉમ્પ્લેક્સ’ના વિશિષ્ટ નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સંકુલના ખડકો પછીના સમયના ખડકો માટે સૌથી નીચેના આધારખડકો ગણાય છે. યુરોપનો વાયવ્ય સ્કૉટલૅન્ડનો પ્રદેશ આ માટેનો લાક્ષણિક પ્રદેશ ગણાય છે. આખુંય બાહ્ય હેબ્રિડીઝ, કૉલ અને ટિરી ટાપુઓ પણ આ પ્રકારના ખડકોથી જ બનેલા છે. સ્કૉટલૅન્ડના વાયવ્ય કિનારા પર આ ખડકો વિશિષ્ટપણે વિવૃત થયેલા છે. ભારતનો મોટાભાગનો દ્વીપકલ્પીય વિસ્તાર પણ આ જ પ્રકારના સમકક્ષ ખડકસંકુલથી બનેલો છે.

લૂઇસિયન કાળગાળાના ખડકો દુનિયાભરમાં જૂનામાં જૂનું ખડક-સંકુલ ગણાય છે. રેડિયોમાપન-તકનીકી પદ્ધતિથી નિર્ધારણ કર્યા મુજબ તેમનું વય 260–240 કરોડ વર્ષનું ગણાય છે. (જોકે વધુમાં વધુ જૂના ખડકો લૅબ્રેડૉરમાંથી મળેલા છે); નવામાં નવા લૂઇસિયન ખડકોનું વય 160 કરોડ વર્ષ નિર્ધારિત થયું છે. મૂળભૂત રીતે તો આ ખડકો અગ્નિકૃત ઉત્પત્તિજન્ય છે, પરંતુ પછીના સમયના કેટલાક ખડકો (જળકૃત પ્રકારના પણ) તેમાં સામેલ થયેલા છે. આ બંને પ્રકારો પર કાલાંતરે થયા કરેલી ગરમી, દબાણ અને એક કે બીજા પ્રકારનાં દ્રાવણોની અસરથી તે રૂપાંતરિત સ્વરૂપોમાં ફેરવાયા છે. લૂઇસિયન સંકુલ પૈકીનો મુખ્ય ખડક નાઇસ છે. તે લૂઇસિયન નાઇસ અથવા ફન્ડામેન્ટલ નાઇસ નામથી જાણીતો છે. તેનું બંધારણ ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર અને લોહસમૃદ્ધ ઘટકોથી બનેલું છે. આ જ ખડકપ્રકારોથી પછી બનેલા કેટલાક લૂઇસિયન જળકૃત ખડકોએ એ પરિવર્તન પામેલા હોવા છતાં બાહ્ય હિેબ્રડીઝમાં ક્યાંક ક્યાંક (Loch Maree અને હૅરિસમાં) તેમનાં મૂળ જળકૃત લક્ષણો જળવાઈ રહેલાં છે, આ લક્ષણો પરથી આ ખડકો મૂળ શેલ, રેતીખડકો અને ચૂનાખડકો હતા તેનો નિર્દેશ મળી રહે છે. આ બધા જ ખડકો અવારનવાર ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ અને ડૉલેરાઇટ જેવાં અંતર્ભેદકોથી અંતર્ભેદિત થયેલા છે.

લૂઇસિયન સંકુલમાં મુખ્યત્વે ત્રણ વિભાગો જુદા પાડી શકાય છે :  (1) નિમ્નતમ સ્કૉરિયન સંકુલ, તેના પર (2) ઇન્વરિયન સંકુલ રહેલું છે અને (3) લેક્સફૉર્ડિયન સંકુલ. આ ત્રણ વિભાગોની ઉપર તરફ અસંગતિ સહિત ટૉરીડૉનિયન જળકૃત સ્તરોની ખડકશ્રેણી જામેલી છે (ભારતના સંદર્ભમાં જોતાં આર્કિયન, ધારવાડ અને કડાપ્પા સંકુલોની ઉપર જેમ વિંધ્ય રચના રહેલી છે તેમ). સમગ્ર લૂઇસિયન સંકુલ બે મુખ્ય વિરૂપતાઓના કાળગાળાને આવરી લે છે, તે પૈકીનો પ્રથમ સ્કૉરિયન સંકુલથી અને બીજો લેક્સફૉર્ડિયન સંકુલથી રજૂ થાય છે. ઉપર જણાવ્યા મુજબ આખાય લૂઇસિયન સંકુલનું વય રેડિયોમાપન-પદ્ધતિ દ્વારા આ બંને વિરૂપતાઓને આવરી લે છે.

ગિરીશભાઈ પંડ્યા