લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ

January, 2004

લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ : ચીનની દંતકથામાં આવતી ફુ-શાઉ-લુ નામની તારકત્રયી પૈકીના એક દેવ. આ એક એવા દેવ છે જે માણસોના વેતનમાં વધારો કે નોકરીના સ્થાનમાં બઢતી આપે છે. તે સમૃદ્ધિ(લુ)ના દેવ છે.

ખરેખર તો લુ શિંગ મોટા વિદ્વાન હતા. તેમનું નામ શી ફેન હતું. ઈ. પૂ.ની બીજી સદીમાં તે સમ્રાટ શિંગના વિશ્ર્વાસુ હતા. દરબારમાં તેમનું સ્થાન અજોડ હતું. સમ્રાટની કૃપાને લીધે તેમનું કુટુંબ અતિ ધનાઢ્ય બન્યું હતું. ચીનની દંતકથાઓમાં લક્ષ્મી અને સુખસમૃદ્ધિના દેવોની સંખ્યા મોટી છે. એટલે ચીની લોકોના મનમાં લુ શિંગ એટલી પ્રતિષ્ઠા પામ્યા નથી, જેટલી પ્રતિષ્ઠા દીર્ઘાયુના દેવ શાઉ શિંગને મળી છે.

વિ. પ્ર. ત્રિવેદી