લુવ્ર મ્યુઝિયમ : પૅરિસ નગરમાં સીન નદીના ઈશાન કાંઠે આવેલું સર્વ પ્રકારની કલાકૃતિઓનો સંગ્રહ ધરાવતું અને વિશ્વનાં સૌથી મોટાં અને સૌથી વિખ્યાત મ્યુઝિયમોમાંનું એક. આખું નામ મુઝી નેતિયોના દ લુવ્ર (ફ્રેન્ચ), નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ધ લુવ્ર (ઇંગ્લિશ). 48 એકર(19 હેક્ટર)માં તેનો પરિસર પથરાયેલો છે. તેમાં અનેક બાગબગીચા, ફુવારા, મકાનો, ચોક વગેરેનો સમાવેશ થાય છે.

લુવ્ર મ્યુઝિયમ

મકાનો : 1214માં ફિલિપ ઑગસ્ટસ પૅરિસ ફરતે કિલ્લો ચણાવી રહેલો ત્યારે એણે આ જ સ્થળે એક ઊંચો મિનાર ચણાવેલો. એના પાયાના અવશેષો પ્રાચીન વસ્તુઓ(antiquities)ના વિભાગના ભોંયરામાંથી 1885માં મળી આવેલા. 1364થી 1380 દરમિયાન રાજા ચાર્લ્સ પાંચમાએ કિલ્લાની મૂળ દીવાલોની ઊંચાઈ વધારીને 9 મીટર (30 ફૂટ) કરી. એણે પણ આ જ સ્થળે પોતાનું પુસ્તકાલય અને કલાકૃતિઓનો ખજાનો સાચવેલો. રાજા ચાર્લ્સ છઠ્ઠાએ (રાજ્યકાળ 1380–1422) આ સ્થળનો ઉપયોગ અતિથિ રાજવીઓના ઉતારા માટે કરેલો; ત્યારથી અહીંનો મહેલ ‘લુવ્ર’ નામે જાણીતો બન્યો.

આધુનિક લુવ્રનો ઇતિહાસ રાજા ફ્રાંસ્વાથી શરૂ થાય છે. એણે સ્થપતિ પિયેરે લૅસ્કૉટ પાસે 1546માં આ જ સ્થળે પોતાને રહેવા માટે નવા મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું. ફ્રાંસ્વા પહેલાના મૃત્યુ પછી રાજા હેન્રી બીજાએ એ બાંધકામ આગળ ધપાવ્યું. 1566માં હેન્રી બીજાની વિધવા રાણી કૅથરિન દ મેડિચીએ પેટીટ ગૅલરી બંધાવી. એના મૃત્યુ પછી રાજા હેન્રી ચોથાએ એ ગૅલરી 1609માં પૂરી કરાવી, પણ 1661માં એ આગમાં બળીને ખાખ થઈ ગઈ. પછી સ્થપતિ લુઈ લ વૉએ એ ગૅલરી ફરી બાંધી અને ચાર્લ્સ લ બ્રુંએ એનો આંતરિક શણગાર કર્યો. કૅથરિન દ મેડિચીએ 1565માં ગૅલરી દુ બો દ લિયુ બંધાવવી શરૂ કરી.

સ્થપતિઓ લેસ્કૉટ અને ફેલિક્સ દુબાને લુવ્રનાં મુખ્ય મકાનો બાંધવા શરૂ કરેલાં. સ્થપતિ જાક લેમર્શિયે એમને પૂરાં કરવા માંડેલાં. પેવિલોં દ લ્હૉર્લૉગ ગૅલરી સ્થપતિ હેક્ટર-માર્ટિન લેફૂલે બાંધી. રાજાઓ લુઈ તેરમા અને લુઈ ચૌદમાના શાસનકાળમાં તુઇલેરિસ ગૅલરી બંધાઈ. સ્થપતિઓ ચાર્લ્સ પર્સિએ ક્લોદ પેરો અને પિયેરે ફૉન્તેઇને તેની રચના કરેલી.

ઓગણીસમી સદીમાં નેપોલિયાં ત્રીજાએ સ્થપતિ લુફે પાસે નવાં મકાનો ઉમેરાવડાવ્યાં. તેમાં ખાસ ઉલ્લેખપાત્ર ‘ગ્રાન્દે ગૅલરી’, ‘સેલે દ લે પેઈ’ અને ‘‘ગૅલરી દ’ એપૉલોં’’ છે. આ ઉપરાંત અન્ય ઘણી ગૅલરીઓ પછીથી ઉમેરાઈ : ‘સેલે દ કેરિયેતાઇદ’, ‘રોતોન્દે દ મા’, ‘સેલે દ એન્તૉની’, ‘શામ્બ્ર દાઇત દ પરેદ’, ‘સેલે દ મેસિન’ અને ‘સેલે દ સેઇસોં’. એમાં છતોના તાળવે મોઝાઇસ, મેઇનર, રોમાનેલી અને બ્રાકે ભીંતચિત્રો ચીતર્યાં છે.

સંગ્રહો : 1793ના ઑગસ્ટની સત્તરમીએ પૅરિસ કન્વેન્શને લુવ્ર ખાતેનાં મકાનોને કલાકૃતિઓના મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય લીધો અને મ્યુઝિયમનું નામકરણ કર્યું : મુઝી નેતિયોના દ લુવ્ર. આ મકાનો મ્યુઝિયમોમાં ફેરવાયાં તે અગાઉથી જ અનેક પ્રાચીન અને દુર્લભ સૌંદર્ય ધરાવતી કલાકૃતિઓ ધરાવતાં હતાં. હવે તેમાં નવા ઉમેરા શરૂ થયા. પહેલાં ઍલેક્સાન્દ્ર લેનોઈએ બચાવી લીધેલો પેતી ઑગુસ્તિન્સ કૉન્વેન્ટનો સંગ્રહ ઉમેરાયો. આખું યુરોપ પગ તળે કચડીને જીતી લેનાર સમ્રાટ નેપોલિયને યુરોપની મહાનગરીઓ લૂંટીને ભેગી કરેલી અમૂલ્ય દુર્લભ પ્રાચીન અને અર્વાચીન લાખો કલાકૃતિઓ અહીં ગોઠવી. પણ નેપોલિયનની પડતી પછી બ્રિટિશ સરકારે એમાંની ઘણી કલાકૃતિઓ તેમના મૂળ માલિકોને પાછી પહોંચાડવાનો હુકમ કર્યો. આમ છતાં એમાંથી કેટલીક પાછી ગઈ, પણ કેટલીક કાયમ માટે અહીં જ રહી. એમાં ફ્રેન્ચ સરકારે નવી ખરીદ કરેલી કલાકૃતિઓ તેમજ ફ્રેંચ સરકારને ભેટ મળતી કલાકૃતિઓ ઉમેરાતી ગઈ. હાલમાં લુવ્રમાં અસંખ્ય ડ્રૉઇન્ગ; અસંખ્ય છાપચિત્રો; 3,000થી વધુ ચિત્રો તથા પ્રાચીન ગ્રીસ, પ્રાચીન રોમ, પ્રાચીન ઇજિપ્ત, પ્રાચીન મેસોપોટેમિયા તથા પ્રાચીન ભારતનાં અસંખ્ય શિલ્પ, ઝવેરાત, શેતરંજીઓ અને રાચરચીલાંનો સમાવેશ થયેલો છે.

પ્રાચીન મેસોપોટેમિયન વિભાગમાં એસિરિયાના ખોર્સાબાદના મહેલમાંથી મળી આવેલ અર્ધમૂર્ત શિલ્પો, પાંખાળા પૂર્ણમૂર્ત આખલા તથા રાજા હમ્મુરાબીના કાયદાનો શિલાલેખ સૌથી વધુ કીમતી છે. પ્રાચીન ગ્રીક વિભાગમાં ફિડિયાસ તથા પૉલિક્લિટસે કંડારેલાં શિલ્પો, પ્રૅક્સિટિલસે કંડારેલું એક શિલ્પ તથા પેનાથિનિયાની એક શિલ્પશૃંખલા અને વિનસ ઑવ્ મિલોસ સમાવેશ પામે છે.

યુરોપના બધા જ દેશોનાં ચિત્રો લુવ્રમાં છે; પણ ફ્રાન્સ, નેધરલૅન્ડ્ઝ, ઇટાલી અને ફ્લેન્ડર્સનાં ચિત્રો ખૂબ મોટી સંખ્યામાં છે.

ઇટાલિયન ચિત્રો : લુવ્રમાં રહેલા રફાયેલનાં ચિત્રોની સંખ્યાની તોલે યુરોપમાં બીજું કોઈ મ્યુઝિયમ આવી શકતું નથી. તેમાં રફાયેલનાં પ્રારંભકાળનાં ચિત્રો ‘સેંટ જ્યૉર્જ’ અને ‘સેંટ માઇકલ’, એના ફ્લૉરેન્ટાઇન તબક્કાનું ચિત્ર ‘બેલે જાર્દીનિયરે’ તથા એના અંતિમ તબક્કાનાં ચિત્રો ‘પૉર્ટ્રેટ ઑવ્ કાઉન્ટ બેલ્દાસારે કાસ્તિલ્યોને’ તથા ‘સેંટ માઇકલ કૉન્કરિન્ગ સેટાન’ સમાવેશ પામે છે. તિશ્યોંનાં ચિત્રો પણ મોટી સંખ્યામાં અહીં છે; જેમાં સૌથી વધુ ધ્યાનપાત્ર છે : ‘મેડૉના ઍન્ડ ધ રૅબિટ’, ‘ક્રાઇસ્ટ ક્રાઉન્ડ વિથ થૉર્ન્સ’ તથા ‘ધ મૅન વિથ ધ ગ્લવ’. આ ઉપરાંત ઇટાલિયન ચિત્રકારો બોત્તિચેલ્લી, માન્તેન્યા, પેરુજિનો, જિયોવાની બેલિની જ્યૉર્જ્યોને, તિન્તોરેત્તોનાં ચિત્રો મોટી સંખ્યામાં અહીં છે. લિયોનાર્દો દ વિન્ચીનું મશહૂર વ્યક્તિચિત્ર ‘મોનાલીસા’ પણ અહીં જ છે. એનાં બીજાં બે ચિત્રો ‘સેંટ જૉન ધ બૅપ્ટિસ્ટ’ તથા ‘વર્જિન ઑવ્ ધ રૉક્સ’ની પહેલી આવૃત્તિ પણ અહીં જ છે.

સ્પૅનિશ ચિત્રકારોમાં અલગ્રેકો, રિબેરા, ઝુર્બારેન, વાલાસ્ક્વેથ, મુરિલ્યો, ગોયા અને ઓછા જાણીતા સ્પૅનિશ ચિત્રકારોનાં ચિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.

ફ્લેમિશ ચિત્રોમાં ઇયાન ફાન આઇકનું ‘મેડૉના’ તથા પીટર પૉલ રુબેન્સનાં એકવીસ ચિત્રો સૌથી વધુ લોકપ્રિય છે. ડચ ચિત્રોમાં 20 તો રેમ્બ્રાંના છે; જેમાં એક આત્મચિત્ર છે. ફ્રાન્સ હોલ્સનાં પણ થોડાં ચિત્રો છે, જેમાં ‘લ બોહેમાઇન’ ખૂબ પૉપ્યુલર છે. હાલ્બિનનાં વ્યક્તિચિત્રો પણ છે.

રેનેસાંસ, બરૉક અને રોકોકો તબક્કાનાં 1,000થી પણ વધુ ફ્રેંચ ચિત્રોમાં ઝાં ક્લ્યૂ નિકોલા પુસોં, ઉત્સ્યાશી લ સૂ, શાર્લે લ બ્રૂ, ફ્રાંસ્વા બૂશે, ઍન્તૉની વાતુ ઝાં બાપ્તિસ્તા સિમીયોં શાર્દા, ઝાં હોનોરે ફ્રૅગોના, ઝાક-લૂઇ દાવીદ, યૂજીન દેલાક્રવા, ઝાં ફ્રાંસ્વા મિલે, કેમિલી કૉરો, થિયોડૉર રૂસો વગેરેનાં ઘણાં બધાં ઉત્તમ અને પ્રશિષ્ટ ચિત્રો સમાવેશ પામે છે. આધુનિક પ્રભાવવાદ, ઘનવાદ, અભિવ્યક્તિવાદ, ફોવવાદ, ઑર્ફિઝમ વગેરે શૈલીઓનાં પણ કેટલાંક શ્રેષ્ઠ ચિત્રો અને શિલ્પો લુવ્રમાં છે. તેમાં મોને, માને, રેન્વા, પિસારો, સિસ્લે, દગા, બર્થેમૉરિસો, મોદિલ્યાની, કર્ખનર, શીલ, બૅક્મૅન, સેઝાં, બ્રાક, પિકાસો, માતીસ, દેલોના આદિની કૃતિઓ સમાવેશ પામે છે.

પ્રાગ્આધુનિક સમયની કેટલીક શ્રેષ્ઠ શિલ્પકૃતિઓ લુવ્રમાં છે; તેમાં માઇકલૅન્જેલો, બેન્વેનુતો યેલિની, ઝાં ગૂજાં, જેર્મેઇન પિલોં આદિની કૃતિઓ સમાવેશ પામે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ તથા દ્વિતીય વિશ્વયુદ્ધમાં લુવ્રનાં મકાનો તેમજ કલાકૃતિઓ અક્ષુણ્ણ રહ્યાં છે. 1983માં સ્થપતિ આઇ.એમ. પીએ લુવ્રના આંગણામાં પ્રવેશદ્વાર ઉપર કાચનો પિરામિડ રચ્યો છે. એમાંથી પસાર થઈને જ હવે મ્યુઝિયમમાં પહોંચી શકાય છે.

અમિતાભ મડિયા