લુ-શુન : ચીનના લિયાઓતુંગ પ્રાંતનું શહેર અને નૌકાબંદર, જે અગાઉ પૉર્ટ આર્થર કહેવાતું. તે લુ-તા મ્યુનિસિપાલિટીનો વહીવટી ભાગ છે. લિયાઓતુંગ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલું લુ-શુન ઊંડા પાણીનું બંદર છે અને બારે મહિના ઉપયોગમાં લેવાય એવું છે.

દક્ષિણ મંચુરિયામાં પ્રવેશ માટે તે મહત્વનું બંદર છે. ઉત્તર કોરિયાના હાન વંશના વસાહતીઓ દ્વારા ઈ. પૂ. બીજી સદીમાં તે વહાણોને થોભવાના સ્થળ તરીકે વપરાતું હતું. તે સાતમી સદીમાં ટાંગ વંશ દ્વારા ચડાઈઓ કરવા ઉપયોગમાં લેવાતું હતું. મિંગ વંશના રાજાઓ હેઠળ, પંદરમી તથા સોળમી સદીમાં લિયાઓતુંગ વિસ્તારમાં, ચીની વસાહતો માટે તે કિલ્લેબંધીવાળું બંદર હતું. ઈ. સ. 1633માં મંચુઓએ તેને કબજે કર્યું અને તે ચીંગ વંશના શાસકો હેઠળ કિનારાના સંરક્ષણનું મુખ્ય મથક બન્યું. ઈ. સ. 1878માં ચીનના પ્રથમ આધુનિક નૌકાદળ માટેના મથક તરીકે તેને પસંદ કરીને કિલ્લેબંધી કરવામાં આવી.

ઈ. સ. 1894–95ના ચીન-જાપાન યુદ્ધમાં જાપાને તે કબજે કર્યું અને શિમોનોસેકીની સંધિ હેઠળ જાપાનને પટેથી આપવામાં આવ્યું; પરંતુ પશ્ચિમની સત્તાઓની દરમિયાનગીરીથી તે ચીનને પરત કરવામાં આવ્યું. રશિયા, પૅસિફિક સમુદ્ર પર બરફ-મુક્ત (શિયાળામાં બરફ ન જામી જાય એવું) બંદર મેળવવા ઉત્સુક હતું. તેથી તેણે 1898માં લિયાઓતુંગ દ્વીપકલ્પ પટેથી મેળવ્યો અને ત્યાં રેલવે બાંધવાનો અધિકાર મેળવ્યો. 1904–05માં થયેલ રશિયા-જાપાન યુદ્ધ પછી થયેલ પૉર્ટસ્મથની સંધિ મુજબ પૉર્ટ આર્થર જાપાનને મળ્યું. જાપાને તેને રિયોજન (Ryojan) નામ આપીને તેના ક્વાન્તુંગ પ્રાંતની સરકારનું વહીવટી તથા લશ્કરી મુખ્ય મથક બનાવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તે સોવિયેત સંઘના કબજામાં હતું અને 1955માં ત્યાંથી સોવિયેત સેના ખસેડી લેવામાં આવી. તે પછી તે ચીનનું નૌકાદળનું મથક છે. હાલનું લુ-શુન એક સુંદર શહેર છે.

જયકુમાર ર. શુક્લ