લુણાવાડા : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) તથા ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે. પરનો 946 ચોકિમી. જેટલો વિસ્તારી આવરી લે છે. તાલુકામાં લુણાવાડા શહેર ઉપરાંત 327 જેટલાં ગામો (4 વસ્તીવિહીન) આવેલાં છે.
તાલુકાનું ભૂપૃષ્ઠ તેના પશ્ચિમ ભાગને બાદ કરતાં મુખ્યત્વે ટેકરીઓ અને ખીણોવાળું છે. અહીંની ટેકરીઓ ઊંચાઈવાળી નથી. ઉત્તર ભાગોમાં ગીચ જંગલો અને ઝરણાં આવેલાં છે. બારેમાસ પાણીવાળી રહેતી મહી અને પાનમ ઉપરાંત આ તાલુકામાંથી રેહી, શેઢી, ભાદર, વેરી અને લૂણી જેવી નાની નદીઓ પસાર થાય છે. માળવાની ટેકરીઓમાંથી નીકળતી મહી નદી રાજસ્થાનમાં થઈને સંતરામપુર તાલુકાનાં અગિયાર ગામો પાસેથી વહીને લુણાવાડા તાલુકામાં પ્રવેશે છે. અહીં તેને કાંઠે 19 ગામો આવેલાં છે. લુણાવાડા તાલુકાના કાકચિયા ગામ નજીક મહીને પાનમ નદી મળે છે. તાલુકાના ડેઝર ગામ નજીક પાનમ નદી પર બંધ આવેલો છે. અહીંની જમીનો મુખ્યત્વે કાળી અને ફળદ્રૂપ છે. તાલુકામાંથી બાંધકામ માટેના ઇમારતી પથ્થરો તેમજ રસ્તા બાંધવાના પથ્થરો મળે છે. આ ઉપરાંત કપચી માટેના ચૂનાયુક્ત ડૉલોમાઇટ (ચૂનાખડક), ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ, કાચ-રેતી અને કંકર પણ મળે છે.
આબોહવા : લુણાવાડા તાલુકો દરિયાથી દૂર, કર્કવૃત્ત નજીક આવેલો હોવાથી તેની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રદેશ જેવી રહે છે. તાલુકાનાં મે અને જાન્યુઆરીનાં દિવસ-રાત્રિનાં મહત્તમ–લઘુતમ તાપમાન અનુક્રમે 42° સે. અને 26° સે. તથા 27° સે. અને 5° સે. જેટલાં રહે છે. ઉનાળામાં ક્યારેક તાપમાન વધીને 45° સે. જેટલું પણ થઈ જાય છે. ચોમાસાના 15 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન પડતા કુલ વરસાદનો 50 % જેટલો વરસાદ જુલાઈમાં પડી જાય છે. અહીંના વરસાદનું સરેરાશ પ્રમાણ આશરે 778 મિમી. જેટલું રહે છે.
આઝાદી પૂર્વે દેશી રાજ્યમાં જંગલો જળવાયાં હતાં, હવે પાંખાં જઈ જવાથી વિસ્તાર ઘટ્યો છે. અહીં સાગ, મહુડો, ટીમરુ, ખેર, કડો, બાવળ, ખાખરો, રાદડ, રોહણ, વાંસ તથા ઘાસનાં બીડ જોવા મળે છે. આંબા, જમરૂખડી, દાડમ, પપૈયાં, બોરડી, કોઠાં, ભિલામા અહીં કુદરતી રીતે ઊગી નીકળે છે. જંગલવિસ્તાર ઘટતાં જંગલી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી છે. દીપડા, વાંદરાં, શિયાળ, વરુ, જંગલી ડુક્કર, શાહુડી, સસલાં, નીલગાય, નોળિયા, હરણ, સાપ જેવાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. પાલતુ પશુઓમાં ગાયો, ભેંસો અને ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. આદિવાસીઓ તથા અહીંના મુસલમાન લોકો મરઘાંઉછેર કરે છે. પાલતુ પ્રાણીઓ માટે ગોચરો અને જંગલોનો ઉપયોગ થાય છે.
તાલુકામાં થતા કૃષિપાકોમાં ઘઉં, ચણા, બાજરી, મકાઈ, ડાંગર, કપાસ, મગફળી, તલ, એરંડા, તમાકુ જેવા ખાદ્ય તેમજ રોકડિયા પાકોનો સમાવેશ થાય છે. કૂવાઓ તેમજ પાનમ બંધની નહેરો દ્વારા સિંચાઈની સગવડ મળે છે.
તાલુકાની કુલ વસ્તી આશરે 2,29,786 (2001) જેટલી છે. અહીંના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કેટલાક વેપારમાં, કુટિરઉદ્યોગોમાં, બાંધકામમાં, પરિવહનક્ષેત્રમાં, ખાણકામમાં સંકળાયેલા છે. તાલુકામાં સ્ત્રીપુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. અહીં ગ્રામીણ વસ્તી વિશેષ છે, જ્યારે શહેરી વસ્તી બહુ જ ઓછી (10 %) છે. તાલુકામાં શિક્ષિતોનું પ્રમાણ આશરે 55 % જેટલું છે. તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સગવડ છે. વળી વિનયન–વિજ્ઞાન-વાણિજ્યની કૉલેજ પણ છે. આ ઉપરાંત આ તાલુકામાં પુસ્તકાલયો, પ્રૌઢ-શિક્ષણનાં કેન્દ્રો પણ ચાલે છે.
શહેર : ભૌગોલિક સ્થાન : 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે.. તે જિલ્લામથક ગોધરાથી 40 કિમી. ઉત્તર તરફ આવેલું છે. આ શહેરની સ્થાપના રાણા ભીમસિંહજીએ ઈ. સ. 1434માં કરી હતી. શહેરની વસ્તી 33,381 (2001) પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ એકસરખું છે. શિક્ષિતોનું પ્રમાણ આશરે 70 % જેટલું છે.
શહેરમાં ડાંગર ભરડવાની, લાકડાં વહેરવાની અને તેલની મિલો તથા બરફનું કારખાનું આવેલાં છે. અહીંના માર્કેટયાર્ડમાં આજુબાજુનાં ગામોમાંથી મકાઈ, બાજરી, મગફળી, તુવેર, ડાંગર આવે છે. તેના સંગ્રહ માટે વખારો પણ છે. લુણાવાડા આજુબાજુનાં ગામો માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર છે. ગોધરા–લુણાવાડા નૅરોગેજ રેલમાર્ગનું તે છેલ્લું મથક હતું. રેલસુવિધાને કારણે તાલુકાની જંગલ-પેદાશો તથા અન્ય માલસામાનની હેરફેર સરળતાથી થતી હતી. પાલી–લુણાવાડા તથા ગોધરા–શહેરા–લુણાવાડાને જોડતા માર્ગો હોવાથી માળવા અને રાજસ્થાન સાથેના અહીંના વેપારને પ્રોત્સાહન મળ્યું છે. લુણાવાડાથી ગોધરા થઈને જતો એક પાકો માર્ગ કાલોલ–હાલોલને જોડે છે. અહીંનું મુખ્ય બજાર ઉત્તરમાં આવેલ વાંસિયા દરવાજાથી દક્ષિણમાં આવેલા દરકોલી દરવાજાને જોડે છે. શહેરના અંદરના માર્ગો સાંકડા અને ગલીઓવાળા છે. જૂના આવાસોના ગવાક્ષભાગો સુંદર કોતરકામવાળા છે.
આ શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક કુમારશાળાઓ અને કન્યાશાળાઓ, હાઈસ્કૂલો અને કન્યાવિદ્યાલય, સજ્જનકુંવરબા સંસ્કૃત પાઠશાળા અને મદરેસા તથા હરિજન છાત્રાલય અને પુસ્તકાલયો વગેરે આવેલાં છે. ઉચ્ચ શિક્ષણ માટે વિનયન-વિજ્ઞાન-વાણિજ્યની કૉલેજ પણ છે. સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન શાસ્ત્રીઓને કારણે લુણાવાડા અગાઉ ‘છોટી કાશી’ તરીકે ઓળખાતું હતું. સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોને રાજાએ આમંત્રણ આપીને અહીં વસાવેલા. ત્યારે પાઠશાળાનો તમામ ખર્ચ રાજવીઓ ભોગવતા હતા. લુણાવાડામાં પ્રથમ કન્યાશાળા 1878માં અને માધ્યમિક શાળા 1917માં શરૂ કરવામાં આવેલી.
આ શહેરને ફરતો કોટ રાજા નહારસિંહજીએ 1788માં બંધાવેલો. શહેરની નજીકમાં વસંતસાગર અને સોરારી તળાવો તથા કિશન સાગર સરોવર આવેલાં છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, ટાવર, નાથબાવાનો અખાડો, મઠ, લૂણેશ્વર મહાદેવનું મંદિર, રણછોડજીનું મંદિર, રામજીમંદિર, વોરાની મસ્જિદ અને જૈન મંદિરનો સમાવેશ થાય છે. અહીં શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ લોકમેળા ભરાય છે.
ઇતિહાસ : સ્વતંત્રતા પૂર્વે ગુજરાતમાં રેવાકાંઠા એજન્સી હેઠળનું બીજા વર્ગનું રાજ્ય.
ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે એના પિતરાઈ ભાઈ અર્ણોરાજને ‘વ્યાઘ્રપલ્લી’ નામનું ગામ ગરાસમાં આપ્યું હતું. આ ‘વ્યાઘ્રપલ્લી’ પરથી અર્ણોરાજના વંશજો ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. અર્ણોરાજનો પુત્ર લવણપ્રસાદ શક્તિશાળી હતો. સોલંકી રાજા ભીમદેવ 2જાએ તેની નિમણૂક ‘મંડલેશ્વર’ તરીકે કરી. લવણપ્રસાદે ધોળકામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. લવણપ્રસાદનો પુત્ર વીરધવલ પ્રતાપી હતો. વીરધવલને વીરમદેવ અને વિશલદેવ નામના બે પુત્રો હતા. એમાંથી વિશલદેવે પાટણની ગાદી મેળવી અને વીરમદેવે કાલરીગઢમાં સત્તા સ્થાપી. ઈ. સ. 1225માં માલદેવ કાલરીગઢનો રાજા હતો. ત્યારે એના મોટા પુત્ર વીરભદ્રસિંહ(પહેલા)એ બાલાસિનોર રાજ્યનું વીરપુર ગામ જીતીને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. લુણાવાડાના સોલંકી રાજવંશે સૌપ્રથમ વીરપુરમાં રાજ્ય સ્થાપ્યું હોવાથી તેઓ ‘વીરપુરા સોલંકીઓ’ તરીકે ઓળખાય છે. આ રાજવંશનાં કુળદેવી અવિચલ માતાનું મંદિર પણ વીરપુરમાં આવેલું છે.
આ સોલંકી રાજવંશે વીરપુરમાં ઘણા સમય સુધી રાજ્ય કર્યું. ઈસુની ચૌદમી સદીની શરૂઆતમાં મહારાણા વિઠ્ઠલસિંહે મહી નદીના કિનારે આવેલા પાટણ ઉપર પોતાની સત્તા સ્થાપી.
ઈ. સ. 1434માં વૈશાખ સુદ ત્રીજ(અક્ષયતૃતીયા)ના દિવસે મહારાણા ભીમસિંહે તે નિશાનીવાળા સ્થળે લુણાવાડા શહેરનો પાયો નાખ્યો અને ત્યાં પોતાની રાજગાદીની સ્થાપના કરી. મુસ્લિમોના આક્રમણને લીધે તેઓ મહી નદી પાર કરીને લુણાવાડા ગયા હોય એ શક્ય છે. ભીમસિંહ પછી એમના વંશના કેટલાક રાજાઓએ લુણાવાડામાં રાજ્ય કર્યું. એમના એક વંશજ મહારાણા ચંદ્રસિંહજીએ 1674માં ઈડરના રાવ પૂંજાએ અમદાવાદ પર આક્રમણ કર્યું ત્યારે એ આક્રમણમાં એને મદદ કરી હતી. ચંદ્રસિંહજીના પૌત્ર નહારસિંહજી મુત્સદ્દી અને શક્તિશાળી રાજવી હતા. 1718માં એમણે શહેરના રક્ષણ માટે લુણાવાડા ફરતો કોટ બંધાવ્યો. એમણે સંતરામપુર રાજ્ય પર હુમલો કરી ત્યાંના દરવાજા તોડ્યા અને વિજયના પ્રતીક તરીકે એ દરવાજા લુણાવાડા લાવ્યા હતા.
નહારસિંહજી પછી એમના પૌત્ર વખતસિંહજી (પહેલા) ગાદીએ આવ્યા. એમના પછી એમના પુત્ર દીપસિંહજીએ ગાદી ભોગવી. એમના સમયમાં પેશ્વાના સરદાર સદાશિવ રામચંદ્રે ખંડણીની માગણી કરી. પરંતુ તે આપવામાં આવી ન હતી. દીપસિંહજી પછી દુર્જનસાલજી સત્તા પર આવ્યા. એમ કહેવાય છે કે એમના કારભારી અને નડિયાદના વતની શંકરલાલ દેસાઈએ એમનું ખૂન કરાવ્યું હતું. એ પછી શંકરલાલ મહેતા નામના પોરવાડ વાણિયાએ ભીલોની મદદથી શંકરલાલ દેસાઈને હાંકી કાઢ્યા અને દુર્જનસાલજીના સગીર પુત્ર પ્રતાપસિંહજીને ગાદીએ બેસાડી રાજમાતા કુશલકુંવરબાને તેમના વતી વહીવટ કરવાની સત્તા સોંપી. આ કુશલકુંવરબાએ 1804માં લુણાવાડામાં રામજી મંદિર બંધાવ્યું હતું.
પ્રતાપસિંહજી પછી ફતેહસિંહજી ગાદીએ આવ્યા. એમણે 27મી સપ્ટેમ્બર, 1803ના રોજ વડોદરાના અંગ્રેજ રેસિડન્ટ મેજર ઍલેક્ઝાન્ડર વૉકર સાથે સંધિ કરી. એ પછીનાં વર્ષોમાં ગાયકવાડ, હોલકર અને સિંધિયાનાં લશ્કરોએ લુણાવાડા ઉપર હુમલા કરી લૂંટ ચલાવી. અંગ્રેજોના પ્રયાસોથી 1812માં લુણાવાડાએ ગાયકવાડને વાર્ષિક 6,000 બાબાશાહી રૂપિયાની ખંડણી આપવી એમ નક્કી થયું. એવી જ રીતે 1819માં લુણાવાડાના રાજા ફતેહસિંહજીએ સિંધિયાને વાર્ષિક 12,000 બાબાશાહી રૂપિયા(અંગ્રેજ સરકારના ચલણના 9,230 રૂપિયા)ની ખંડણી આપવાનું નક્કી થયું. અંગ્રેજ સરકાર અને સિંધિયા વચ્ચે 12મી ડિસેમ્બર, 1860ના રોજ થયેલ સંધિથી પંચમહાલનો સમગ્ર પ્રદેશ અંગ્રેજોની સત્તા નીચે આવ્યો. એ પછી લુણાવાડા સિંધિયાને જે ખંડણી આપતું હતું તે અંગ્રેજ સરકારને આપતું થયું.
1817માં હોલકરના સરદાર મોહનસિંહ અને સિંધિયાના દીવાન પાટણકરે લુણાવાડા ઉપર આક્રમણ કર્યું. આ લડાઈમાં લુણાવાડાના સરદાર મેઘરજ અને એક વફાદાર વણિક રૂપા વ્રજદાસ મૃત્યુ પામ્યા. તેથી કાલિકા માતાના મંદિર નજીક એક ટેકરી પર એમની ‘સ્મારક છત્રી’ બનાવવામાં આવી. આ લડાઈમાં દીવાન પાટણકરનો પુત્ર મૃત્યુ પામ્યો. 1819માં સિંધિયા અને અંગ્રેજ સરકાર વચ્ચે થયેલી સંધિથી લુણાવાડા રાજ્યના રક્ષણની જવાબદારી અંગ્રેજોએ સ્વીકારી. 1820માં મહીકાંઠા એજન્સી નીચે અને 1825માં રેવાકાંઠા એજન્સીની રચના થઈ ત્યારે એની સત્તા નીચે લુણાવાડા રાજ્યને મૂકવામાં આવ્યું.
1849માં મહારાણા ફતેહસિંહજીનું અવસાન થયું. એમણે એક ભાયાતના પુત્ર દલપતસિંહજીને પોતાના વારસ તરીકે અપનાવ્યા. પરંતુ 1851માં દલપતસિંહજીનું સગીરાવસ્થામાં અવસાન થયું. તેથી દલપતસિંહજીની માતા નામબાઈએ દલેલસિંહજીને દત્તક પુત્ર તરીકે લીધા. એ પછી થોડાં વર્ષો સુધી રાજગાદી માટે તીવ્ર ઝઘડા ચાલ્યા અને બળવા તથા હુમલા થયા. પડોશી સુંથ રાજ્ય (સંતરામપુર) સાથે સરહદનો ઝઘડો થયો જે બ્રિટિશ સરકારે પતાવ્યો. 18મી જૂન 1867ના રોજ મહારાણા દલેલસિંહજીનું અપુત્ર અવસાન થયું. એમની રાણી મોતીકુંવરબાએ ભાયાત અજિતસિંહજીના સાત વર્ષના પુત્ર વખતસિંહજી(બીજા)ને દત્તક લઈ ગાદીના વારસ બનાવ્યા. વખતસિંહજીના 1867ની સાલના એક પૈસા અને અરધા પૈસાના ચોરસ કે લંબચોરસ આકારના કેટલાક સિક્કા મળે છે. 1880 સુધી રાજ્યમાં બ્રિટિશ સરકારના વહીવટકર્તા, સૂરતના વતની નંદશંકર તુળજાશંકર મહેતાએ (‘કરણઘેલો’ નવલકથાના લેખકે) વહીવટ કર્યો. એમણે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી. લુણાવાડામાં ‘કિશન સાગર તળાવ’ બંધાવ્યું અને એના કાંઠે ‘નંદકેશ્વર મહાદેવ’ના મંદિરની સ્થાપના કરી.
મહારાણા વખતસિંહજી પુખ્ત ઉંમરના થતાં 20મી ઑગસ્ટ, 1880ના રોજ એમને વહીવટી સત્તાઓ સોંપવામાં આવી. રાજ્યકર્તા વખતસિંહજીએ લુણાવાડાને આધુનિક રાજ્ય બનાવ્યું. ત્યાં ગુજરાતી શાળા, કન્યાશાળા, હાઈસ્કૂલ વગેરે શરૂ કરી. સારા રસ્તા બંધાવ્યા. અંગ્રેજ સરકારે 1889માં વખતસિંહજીને કે. સી. આઈ. ઈ.(Knight Commander of The Indian Empire)નો ખિતાબ આપી એમનું સન્માન કર્યું. એમના સમયમાં કપડવંજ, મોડાસા અને અન્ય ગામોના વેપારીઓ, રાઠોડો, ગોહિલો, સિસોદિયાઓ વગેરે લુણાવાડામાં આવીને રહ્યા.
મહારાણા વખતસિંહજીને 1896માં પક્ષાઘાતનો રોગ થતાં એમના સૌથી મોટા પુત્ર મહારાજકુમાર રણજિતસિંહજીને વહીવટની સત્તાઓ સોંપવામાં આવી. એમનાં માતુશ્રી સ્વરૂપકુંવરબાએ વરધરી ગામમાં સ્વરૂપસાગર નામનું તળાવ બંધાવ્યું. સજ્જનકુંવરબાએ લુણાવાડામાં સંસ્કૃત પાઠશાળા, સજ્જનકુંવરબા હાઇસ્કૂલ અને સત્યનારાયણના મંદિરની સ્થાપના કરી. દોલતકુંવરબાએ લુણાવાડામાં પોતાની મિલકતથી દવાખાનું શરૂ કરાવ્યું, જેનો ભવિષ્યમાં હૉસ્પિટલ તરીકે વિકાસ થયો.
મહારાણા વખતસિંહજીના જીવનકાલ દરમિયાન મહારાજકુમાર રણજિતસિંહજી અને રણજિતસિંહજીના મોટા પુત્ર લાલસિંહજી અવસાન પામ્યા હતા. તેથી વખતસિંહજીના અવસાન પછી રણજિતસિંહજીના પુત્ર વીરભદ્રસિંહજી 1930માં લુણાવાડાની ગાદીએ આવ્યા. એમનો જન્મ 8મી જૂન 1910ના રોજ થયો હતો. એમની સગીરાવસ્થા દરમિયાન સરદાર એફ. બી. ગાર્ડાએ વહીવટકર્તા તરીકે કામગીરી કરી હતી. 23મી જાન્યુઆરી 1939ના રોજ કમળાશંકર પંડ્યાની આગેવાની નીચે પંચમહાલ રેવાકાંઠા યુવક પરિષદની સભા લુણાવાડામાં મળી અને તેમાં લુણાવાડા પ્રજામંડળની સ્થાપના થઈ હતી. આ છેલ્લા રાજવી વીરભદ્રસિંહજીએ રાજ્યમાં લોકશાહી સંસ્થાઓની રચના કરી. 1868માં લુણાવાડામાં જે શહેર સુધરાઈની શરૂઆત થઈ હતી તેને તેમણે લોકશાહી સ્વરૂપ આપ્યું. એના બધા સભ્યોની ચૂંટણી થતી. રાજ્યની ધારાસભાની રચના કરવામાં આવી, જેમાં ચૂંટાયેલા સભ્યોની બહુમતી હતી. એમાં ચૂંટાયેલા એક સભ્યની પ્રધાન તરીકે નિમણૂક થતી.
લુણાવાડા બીજા વર્ગનું રાજ્ય હતું અને એના રાજાને 9 તોપોની સલામી આપવામાં આવતી. આઝાદી પછી દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું ત્યારે તેને પંચમહાલ જિલ્લામાં મૂકવામાં આવ્યું. તેના રાજાનું વાર્ષિક સાલિયાણું રૂ. 1,31,000 નક્કી થયું હતું. ભારતના પ્રમુખના 6–9–1970ના વટહુકમથી એ નાબૂદ કરવામાં આવ્યું. પરંતુ ભારતની સર્વોચ્ચ અદાલતે 7–12–1970ના રોજ એ વટહુકમને ગેરકાયદેસર જાહેર કર્યો. તેથી ભારત સરકારે બંધારણીય સુધારો કરીને 28મી ડિસેમ્બર 1971થી રાજાઓનાં સાલિયાણાં અને વિશેષાધિકારો કાયમ માટે નાબૂદ કર્યાં. તે પછી 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યા પછીના સમય દરમિયાન અન્ય દેશી રાજ્યોની જેમ લુણાવાડા રાજ્યનું પણ સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ થયેલું છે.
શિવપ્રસાદ રાજગોર
મુગટલાલ પોપટલાલ બાવીસી