લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી

January, 2004

લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી (જ. 1898, ઝામ્બિયા; અ. 21 જુલાઈ 1967, સ્ટેનગર, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની અશ્વેત પ્રજાની નાગરિક અધિકારો અંગેની લડતના નેતા અને 1960ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા.

ઝામ્બિયામાં તેમના પિતા ધાર્મિક દુભાષિયા તરીકે કામગીરી બજાવતા હતા. તેઓ ઝુલુલૅન્ડમાંથી ઝામ્બિયા ગયા હતા. તેમની 10 વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ માતા સાથે દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા અને ઝુલુ જીવનશૈલી શીખી ત્યાં સ્થિર થયા. ઝુલુ ભાષામાં ‘મવુમ્બી’ એટલે સતત વરસતો વરસાદ. માતાએ પારાવાર ગરીબી સાથે તેમને ઉછેર્યા. પ્રાથમિક શિક્ષણ પછી શિષ્યવૃત્તિ મળતાં તેમને વધુ અભ્યાસની તક મળી. અમેરિકન બૉર્ડ મિશન્સ કૉલેજ આદમ્સ, ડરબનમાંથી તેઓ સ્નાતક થયા અને શિક્ષક તરીકે 15 વર્ષ અધ્યાપનકાર્ય કર્યું. 1927માં તેઓ નોકખાન્યા ભેન્ગુ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.

આલ્બર્ટ જૉન મવુમ્બી લુથુલી

1936માં તેઓ નાતાલ પ્રાંતમાં ઝુલુ સમુદાયના વડા ચૂંટાયા. ભૂખ, ગરીબી અને રાજકીય રજૂઆતના અભાવથી પીડાતી પ્રજા માટે રાજકીય પગલાં લેવાનું કામ હજુ તેમણે આરંભ્યું નહોતું. આ વર્ષો દરમિયાન નાતાલ આફ્રિકન ટીચર્સ ઍસોસિયેશન, સાઉથ આફ્રિકન ફૂટબૉલ ઍસોસિયેશન જેવી અગ્રણી સંસ્થાઓમાં તેમણે મંત્રી તરીકેના અને ઇતર હોદ્દાઓ સંભાળ્યા.

1945માં રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસમાં જોડાઈ દક્ષિણ આફ્રિકાના તમામ નાગરિકોના પૂર્ણ નાગરિકત્વની તેમણે ભલામણ કરી. 1946માં તેઓ સરકાર દ્વારા રચાયેલી નેટિવ રેપ્રિઝેન્ટેટિવ કાઉન્સિલના સભ્ય ચૂંટાયા. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકાની પોલીસે આફ્રિકાના ખાણિયાઓની હડતાળ કચડી નાંખી, જેમાં 8 માણસો અવસાન પામ્યા અને 1,000 લોકો ઘાયલ થયા. તુરત જ આ લોકપ્રતિકારમાં લુથુલી જોડાયા અને કાઉન્સિલની રચના નિરર્થક છે તેમ સરકારને જણાવ્યું. 1948માં અમેરિકાના પ્રવાસ દરમિયાન ખ્રિસ્તી જગતને દક્ષિણ આફ્રિકામાં પ્રવર્તતા જાતીય ભેદભાવની ગંભીર સમસ્યાથી પરિચિત કર્યું. પરંતુ સ્વદેશ પાછા ફર્યા ત્યારે જાણ્યું કે રંગભેદનું સમર્થન કરતો ડચ ગોરાઓનો આફ્રિકાનેર નૅશનાલિસ્ટ પક્ષ સત્તા પર આવ્યો છે. 1951માં તેઓ આફ્રિકન નૅશનલ કૉંગ્રેસની નાતાલ શાખાના પ્રમુખ બન્યા. આ સંસ્થા દક્ષિણ આફ્રિકામાં માનવઅધિકારોની માંગ કરતી હતી; જેના પ્રત્યુત્તર રૂપે સરકાર દમન વધારતી જતી હતી. 1952માં આ સંસ્થા દ્વારા અન્યાયી કાયદાઓના રાષ્ટ્રવ્યાપી પ્રતિકારની લડત યોજાઈ. 8,500 લોકો જેલમાં ગયા, સરકારે તેમનું રાજીનામું માગ્યું; જેનો તેમણે ઇન્કાર કર્યો અને જણાવ્યું કે ‘સ્વાતંત્ર્યનો માર્ગ બલિદાનો માંગે છે.’ આથી તેમની લોકપ્રિયતામાં ભારે વધારો થયો. આ જ વર્ષે તેઓ આફ્રિકન નૅશનલ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા.

ડિસેમ્બર, 1956માં તેમની સાથે અન્ય 155 વ્યક્તિઓ પર ભારે દેશદ્રોહનો આરોપ મુકાયો અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા; પરંતુ આ આરોપ પુરવાર ન થઈ શકતાં 1957માં તેમને મુક્ત કરવામાં આવ્યા. આ સમગ્ર ગાળા દરમિયાન તેમના વ્યક્તિત્વની શાંત છબી દેશમાં અને અન્યત્ર ઊપસી આવી. આથી શાંતિ માટેના નોબેલ પુરસ્કાર માટે તેમનું નામ સૂચવાયું. 1957માં તેમણે સૂચવેલી શાંત પ્રતિકારની હડતાળને વ્યાપક સમર્થન સાંપડ્યું અને ગોરાઓ પણ તેમની સાથે જોડાયા. 1958માં તેમણે ગોરા મતદારો જોગ સંદેશો પાઠવી જણાવ્યું કે લોકશાહીના સિદ્ધાંતોનો – અધિકારોનો લાભ સમગ્ર પ્રજાને પહોંચાડવામાં નહિ આવે ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. આ તબક્કે સશસ્ત્ર બગાવતનો વિરોધ કરી તેમણે સક્રિય પ્રતિકારનાં પગલાં ભરવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 1959માં તેમના વતન  ગોરવિલમાં સરકારે તેમને નજરકેદ જેવી સ્થિતિમાં મૂકી દીધા. તેમનાં પ્રવચનો અને મિલન-મુલાકાતો પર પ્રતિબંધ જાહેર કર્યો. 1960માં ‘પરવાનગી દ્વારા જ પ્રવેશ’ના અન્યાયી કાયદાઓના વિરોધમાં દેખાવકારોને પોલીસે ગોળીએ દીધા ત્યારે તેમણે રાષ્ટ્રીય શોકનું એલાન આપ્યું. શ્યામ વ્યક્તિ તરીકે તેમને ખુદને અપાયેલા પરવાનગી-પત્રની હોળી કરી. આથી સરકારે આફ્રિકન નૅશનલ કૉંગ્રેસનો બહિષ્કાર જાહેર કર્યો.

ડિસેમ્બર, 1961માં ટૂંકસમય માટે ગોરવિલ છોડી શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર સ્વીકારવા માટે તેમને વિદેશ જવાની સંમતિ દક્ષિણ આફ્રિકાની સરકારે આપી. આ પ્રવાસ દરમિયાન તેમણે ન્યાયી લડત છતાં દક્ષિણ આફ્રિકાની શ્યામ પ્રજાને કેવી રીતે સ્વાતંત્ર્યથી દૂર રાખવામાં આવે છે તેની દૃઢ રજૂઆત કરી. તેઓ વતન પાછા ફર્યા ત્યારે અનિચ્છાએ પણ તેમને નજરકેદ જેવી સ્થિતિમાં મૂકી દેવાયા. માત્ર સરકારની સંમતિ ધરાવતા મુલાકાતીઓ જ તેમને મળી શકતા.

21 જુલાઈ, 1967ના રોજ આકસ્મિક રીતે ટ્રેન સાથે અથડાતાં તેમનું અવસાન નીપજ્યું.

રક્ષા મ. વ્યાસ