લીસિયમ : (1) પ્રાચીન ઍથેન્સની વ્યાયામશાળા. ત્યાં છોકરાઓ અને યુવકો શારીરિક તાલીમ લેતા તથા પ્રસિદ્ધ શિક્ષકોનાં વ્યાખ્યાનો સાંભળતા હતા. તે વ્યાયામશાળા ઍથેન્સની દીવાલોની બહાર, લિસસ નદીના કિનારે આવેલી હતી. તે દેવ એપૉલો લિકિયોસના પવિત્ર ઉપવન પાસે હતી, અને તેના નામથી ઓળખાતી હતી. આશરે ઈ. પૂ. 335માં ઍરિસ્ટૉટલે ત્યાં લીસિયમ નામની એક પ્રસિદ્ધ શાળા સ્થાપી હતી. તેણે ત્યાં આપેલાં પ્રવચનો, તેનાં લખાણો તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.

(2) યુનાઇટેડ સ્ટેટ્સમાં 19મી સદીમાં શરૂ થયેલું આંદોલન. મૅસેચૂસેટ્સ રાજ્યના મિલબરી નગરમાં 1826માં જોસિયા હોલ્બ્રુકે તેની શરૂઆત કરી હતી. તેમાં વ્યાખ્યાનો, સંગીતના જલસા, ચર્ચાસભાઓ તથા શૈક્ષણિક કાર્યક્રમો ગોઠવવામાં આવતાં હતાં. વક્તાને પુરસ્કાર આપવામાં આવતો. તેથી સ્થાનિક સામાજિક આગેવાનો તથા ફ્રેડરિક ડગ્લાસ, રાલ્ફ વાલ્ડો એમર્સન, હેન્રી ડેવિડ થૉરો અને ડૅનિયલ વેબ્સ્ટર જેવા નામાંકિત સદગૃહસ્થો પણ તેમાં ભાગ લેતા હતા. પ્રાચીન ઍથેન્સમાં ઍરિસ્ટૉટલની શાળા પરથી તેનું નામ ‘લીસિયમ’ રાખ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની સ્થાનિક, કાઉન્ટી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની લીસિયમો સ્થપાઈ. 1834માં 3,000 લીસિયમો હતી. દરેક લીસિયમ વિદ્યાના વિકાસમાં ફાળો આપતી. આ પ્રવૃત્તિને કારણે સ્થાનિક મ્યુઝિયમો અને ગ્રંથાલયોની સ્થાપના થઈ. અમેરિકન આંતરવિગ્રહ (1861–65) સુધી આ પ્રવૃત્તિ ચાલુ રહી.

જયકુમાર ર. શુક્લ