લી સુહ્સુન (Li Ssuhsun) (જ. 651, ચીન; અ. 716, ચીન) : તાંગ કાળના નિસર્ગના ચીની ચિત્રકાર.

તાંગ રાજવંશમાં લી સુહ્સુનનો જન્મ થયેલો. રાજકીય ઊથલપાથલોભર્યું જીવન એ જીવેલા, દેશનિકાલ વેઠેલો તેમજ દેશમાં પુન:પ્રવેશ પણ કરેલો. માનદ લશ્કરી સેનાપતિનો હોદ્દો પણ મેળવેલો. આ ચિત્રો લી સુહ્સુને જ ચીતરેલાં એમ અધિકારપૂર્વક કહી શકાય એવી પરિસ્થિતિ આજે નથી, છતાં એવું માનવામાં આવે છે કે રંગો નીલો, લીલો, સફેદ અને સોનેરીનું પ્રભુત્વ ધરાવતાં, બારીક વિગતોથી પ્રચુર, શણગારાત્મક નિસર્ગચિત્રો એ ચીતરતા હતા. તાંગ ચિત્રશૈલીની ઉત્તર (ચીની) શાખાના સ્થાપક તરીકેનું શ્રેય પણ તેમને મળે છે. તત્કાલીન દક્ષિણ (ચીની) તાંગ શૈલીમાં વિદ્વત્તા ઉપર વધુ ભાર મૂકવામાં આવતો. પુત્ર લીચાઓતાઓ પણ ચિત્રકાર હતો.

અમિતાભ મડિયા