લી સિગવાન્ગ (જ. 1889; અ. 1971) : ચીની ભૂસ્તરશાસ્ત્રી. જીવાવશેષવિદ્યા, હિમવિદ્યા અને ભૂકંપવિદ્યામાં કરેલાં વિશિષ્ટ પ્રદાનો માટે તેઓ જાણીતા છે. પૃથ્વીની અંદર કાર્યરત પ્રતિબળો અને તેમની અસરો સાથે સંકળાયેલી ભૂસ્તરશાસ્ત્રની એક નવી શાખા ભૂસ્તરીય યાંત્રિકી(geological mechanics)નો તેમણે ઉમેરો કર્યો છે. આ શાખામાં તેમણે સૂચવેલાં માર્ગદર્શનો દ્વારા ચીનમાં ઘણાં મોટાં તેલક્ષેત્રો શોધી કાઢવામાં મદદ મળેલી છે. ‘ક્વાર્ટનરી ગ્લેશિયેશન ઇન ધ લ્યુશાન એરિયા, સેન્ટ્રલ ચાઇના’ (1947) અને ‘ઇન્ટ્રોડક્શન ટુ જિયોમિકૅનિક્સ’ (1962)  એ તેમનાં જાણીતાં બનેલાં પ્રકાશનો છે.

લી સિગવાન્ગનો જન્મ હુબાઈ પ્રાન્તના હુઆનગાંગ પરગણામાં થયેલો. તેમણે જાપાન અને યુ.એસ.માં વિજ્ઞાનનો અભ્યાસ કરેલો. 1920માં તેમણે બેજિંગ યુનિવર્સિટીમાં ભૂસ્તર-વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1927માં નાનજિંગમાં તે વખતે ચાલતા એકૅડેમિયા સિનિકાના જિયૉલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે ડિરેક્ટર તરીકે તથા 1949માં સામ્યવાદીઓ દ્વારા સ્થપાયેલા ચીનના પ્રજાસત્તાકમાં પણ તેમણે ભૂસ્તરવિદ્યા-વિભાગના મંત્રી તરીકે સરકારને સેવાઓ આપેલી.

ગિરીશભાઈ પંડ્યા