લીવોડોપા : પાર્કિન્સનના રોગમાં સારવાર રૂપ વપરાતું પ્રતિદુશ્ચલન (antidyskinetic) ઔષધ. તેને સામાન્ય રીતે ડીકાર્બૉક્સિલેઝ નામના ઉત્સેચકના પરિઘવર્તી અવદાબક(કાર્બીડોપા)ની સાથે અપાય છે. જેથી કરીને મગજમાં પ્રવેશતા લીવોડોપાનું પ્રમાણ ઊંચું અને ચિકિત્સીય ઉપયોગિતા ધરાવતું હોય. વળી પરિઘવર્તી ડિકાર્બૉક્સિલેશનની પ્રક્રિયાથી લીવોડોપામાંથી ડોપામિન બને છે; જે ઊબકા, ઊલટી અને લોહીનું ઘટતું દબાણ જેવી અન્ય તકલીફો પણ કરે છે. આ તકલીફો પણ કાર્બીડોપા સાથે આપવાથી ઘટે છે. પાર્કિન્સનના રોગની લક્ષણલક્ષી સારવારમાં હાલ લીવોડોપા મુખ્ય આધારરૂપ દવા છે. જોકે તેના લાંબા સમયના ઉપયોગથી ઘણા દર્દીઓ હલનચલનના વિકારો, દુશ્ચલન (dyskinesia) અને મનશ્ચેતાકીય (neuro psychiatric) આડઅસરો અનુભવે છે. જોકે તેમાં લીવોડોપા ઉપરાંત મૂળ રોગનો લાંબો સમયગાળો અને વધેલી તીવ્રતા પણ કારણરૂપ હોય છે. હલનચલનના વિકારોમાં દુશ્ચલન ઉપરાંત હલનચલનમાં વધઘટ (fluctuations) પણ અનુભવાય છે. આ પ્રકારની આનુષંગિક તકલીફને કારણે લીવોડોપાને લાંબા સમય સુધી આપવામાં તકલીફ રહે છે. આવું થવાનું કારણ લીવોડોપાની રુધિરસપાટીમાં થતી વધઘટ હોય છે. એક સિદ્ધાંત (theory) પ્રમાણે ડોપામિન-સંલગ્ન સ્વીકારકોનું સતત ઉત્તેજન થવાથી ડોપામિનનો જરૂરી સંગ્રહ થવાને બદલે તેનો ઝડપી સ્રાવ થઈ જાય છે. જો લીવોડોપાની એક માત્રા (dose) આપવામાં આવે તો થોડા કલાક માટે સ્નાયુની અક્ષમતા ઘટે છે. પરંતુ તેના લાંબા ગાળાના ઉપયોગમાં થોડા દિવસો સુધી પ્રતિપાર્કિન્સન અસર જળવાઈ રહે છે. લીવોડોપાનો ક્યારે અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તે અંગે વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે. હાલ કાર્બીડોપા-લીવોડોપાનો સાથે ઉપયોગ કરીને પાર્કિન્સનનો રોગ, મસ્તિષ્કશોથોત્તર પાર્કિન્સનતા (postencephatic parkinsonism), લક્ષણદર્શી (symptomatic) પાર્કિન્સનતા અને કાર્બન મોનૉક્સાઇડ કે મૅંગેનીઝથી થતી ઈજા પછી થતી પાર્કિન્સનતામાં સફળતાપૂર્વકની ચિકિત્સા કરાય છે.
લીવોડોપાનું રાસાયણિક નામ ડાઇહાઇડ્રૉક્સિ ફિનાયલ એલેનિનનો લીવોરોટેટરી આઇસોમર છે. તેને LDOPA પણ કહે છે. કાર્બીડોપા તેનો હાઇડ્રેઝિન સમધર્મી છે. મગજમાં આવેલા કૃષ્ણરંગી દ્રવ્યવિસ્તાર(substantia nigra)માંથી નીકળતા ચેતાતંતુઓ સરેખકાય (corpus striatum) નામના વિસ્તારમાં જાય છે. આ ચેતાકોષો યોગ્ય પ્રમાણમાં ડોપામિનનું ઉત્પાદન કરીને ચેતાગ્રથન(synapse)માં મુક્ત કરતા હોવા જોઈએ. જો કોઈ કારણસર આ ચેતાકોષોનું દુર્જનન (degeneration) થાય તો ચેતાગ્રથનોમાં ડોપામિનનું પ્રમાણ ઘટે છે, જે પાર્કિન્સનતા કે પાર્કિન્સનનો રોગ કરે છે. પાર્કિન્સનના રોગમાં આ ઘટાડો 60 %થી 80 % જેટલો હોય છે. બહારથી ડોપામિન આપવા માટે લીવોડોપાનો ઉપયોગ કરાય છે; કેમ કે, લીવોડોપા ડોપામિનનો પૂર્વગ (precursor) છે અને લીવોડોપામાંથી ડોપામિન બને છે. હવે નવપ્રાપ્ત ડોપામિન ચેતાગ્રથનનું કાર્ય સામાન્ય કરીને રોગ કે વિકારનાં લક્ષણો ઘટાડે છે. કાર્બીડોપા મગજની બહાર લીવોડોપામાંથી ડોપામિન થતું અટકાવે છે. તેથી મગજમાં જ્યાં જરૂર છે એવા ચેતાગ્રથનોમાં ડોપામિનનું પ્રમાણ વધે છે અને લીવોડોપાની ઓછી માત્રાએ પણ ધાર્યું પરિણામ મળે છે. લીવોડોપા આ ઉપરાંત પીયૂષિકા ગ્રંથિમાંથી વૃદ્ધિકારક અંત:સ્રાવનું પ્રમાણ પણ વધારે છે.
મોં વાટે લીધા પછી તે નાના આંતરડાના જઠર તરફના ભાગમાંથી એક વિશિષ્ટ વાહક-પ્રણાલી દ્વારા અવશોષાય છે. આ વાહક-પ્રણાલી સગંધ (aromatic) અને સશાખ (branching) ઍમિનોઍસિડનું અવશોષણ કરવામાં સક્રિય છે. આ ક્રિયામાં ઊર્જા વપરાય છે, માટે તેને સક્રિય પરિવહન (active transport) કહે છે. જઠર અને આંતરડામાં ડીકાર્બૉક્સિલેઝ ઉત્સેચક હોય છે જે લીવોડોપાનું વિઘટન કરે છે, માટે લેવાયેલી માત્રાના માત્ર 30 % જેટલું જ ઔષધ અવશોષાય છે. જઠરના સંચલન(motility)માં વધારો કે ઘટાડો, આહારમાં અન્ય ઍમિનોઍસિડની હાજરી કે વધુ પડતો શ્રમ જઠર અને આંતરડાને બદલે અન્ય તરફ લોહીને વાળતું રુધિરાભિસરણ પણ લીવોડોપાનું અવશોષણ ઘટાડે છે. પરંતુ કાર્બીડોપા અને લીવોડોપાની સંયુક્ત ગોળીનું અવશોષણ લગભગ સંપૂર્ણ અને ઝડપી હોય છે. પ્રવાહીરૂપે આ ઔષધો અપાય તો તેમનું અવશોષણ વધુ ઝડપી બને છે. અવશોષાયા પછી લીવોડોપા આખા શરીરમાં ફેલાય છે, પરંતુ તેનો મગજમાંનો પ્રવેશ મર્યાદિત રહે છે. કાર્બીડોપા મગજમાં પ્રવેશતું નથી. યકૃત, મૂત્રપિંડ, આંતરડાં અને જઠરમાં લીવોડોપામાંથી ડોપામિન બને છે જે મગજમાં પ્રવેશી શકે છે. જે થોડું ઘણું લીવોડોપા મગજમાં પ્રવેશે છે તે પણ ડોપામિનમાં રૂપાંતરિત થાય છે અને તે ચેતાગ્રથન-પૂર્વ ચેતાંતો(presynaptic nerve endings)માં સંગ્રહાય છે. લીવોડોપાનો લોહીમાંનો અર્ધકાળ 45 મિનિટથી 1 કલાક 30 મિનિટનો હોય છે. કાર્બીડોપાનો અર્ધકાળ 1થી 2 કલાક હોય છે. લીવોડોપાનો ચયાપચયી શેષ (metabolite) મૂત્રમાર્ગે બહાર વહી જાય છે (24 કલાકમાં 70 %થી 80 %). લીવો મૂળ સ્વરૂપે આશરે 1 % જેટલી મૂત્રમાં વહે છે. તેનાં ચયાપચયી શેષદ્રવ્યો મૂત્રને લાલ રંગનું કરે છે, જે મૂકી રાખવામાં આવે તો કાળા રંગનું થાય છે. કાર્બીડોપાનો મૂત્રમાર્ગી ઉત્સર્ગ પ્રથમ 24 કલાકમાં 30 % જેટલો હોય છે.
પ્રાણીઓ પરના પ્રયોગોથી જણાયું છે કે તે કૅન્સર કરતું નથી તથા તેનાથી વ્યંધ્યતા આવતી નથી; પરંતુ તેનો ઉપયોગ સગર્ભાવસ્થામાં કે સ્તન્યપાનકાળમાં ન કરવાનું સૂચવાયું છે. નાનાં બાળકોમાં તેનો ઉપયોગ સુરક્ષિત છે કે નહિ તે જાણમાં નથી, મોટી ઉંમરે તેને ઓછી માત્રામાં અપાય છે. શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને બેભાન કરવો પડે તેમ હોય તો લીવોડોપા થોડા સમય માટે બંધ કરાય છે. તેને એમેન્ટીડિન, બેન્ઝોટ્રોપિન, પ્રોસાઇક્લિડિન તથા ટ્રાઇહેક્સિફેનિડિલની સાથે વપરાતું નથી. તેવી રીતે બેભાન કરતી દવાઓ, બેન્ઝોડાયાઝેપિન્સ, બ્રોમોક્રિપ્ટીન, કોકેઇન, હેલોપેરિડેપ્લા, લોક્ઝાપિન, મોલિન્ડોન, પેપાવરિન, ફિનોથાયેઝીન અથવા થાયોઝેન્થિન સાથે પણ તેને વાપરવામાં મુશ્કેલી ઉદભવે છે. ખોરાકમાં પ્રોટીનવાળું દ્રવ્ય હોય તો તે સમયે લીવોડોપા લેવાતી નથી. આ ઉપરાંત તેની આંતરક્રિયા લોહ, મિથાયલડોપા, મેટોક્લોપ્રેમાઇડ, MAO અવદાબકો સાથે પણ નોંધાઈ છે.
લીવોડોપા લેતી વ્યક્તિમાં કુમ્બની કસોટી તથા પેશાબમાં ગ્લુકોઝ માટેની કસોટી ખોટી રીતે હકારાત્મક પરિણામ આપે છે. તેવું જ પેશાબમાં કિટોન દ્રવ્યો માટે, પ્રોટીન માટે, યુરિક ઍસિડ માટે પણ જોવામાં આવ્યું છે, લોહીમાં યકૃત કાર્યક્ષમતા કસોટીઓમાં પણ વિષમ પરિણામો જોવાં મળે છે. તેના ઉપયોગ પછી હીમોગ્લોબિન અને રક્તકોષદાબ પણ ઘટે છે. આ ઔષધને દમ, શ્વસનમાર્ગના તીવ્ર રોગો, હૃદયના તીવ્ર રોગો, આંચકી (convulsion), મધુપ્રમેહ, અન્ય અંત:સ્રાવી રોગો, ઝામર, યકૃતનો વિકાર, ખિન્નતા, તીવ્ર મનોવિકાર હૃદયરોગનો હુમલો (હૃદસ્નાયુપ્રણાશ, myocardial infarction), જઠરમાં ચાંદું, મૂત્રપિંડના વિકારો તથા આ ઔષધોની ઍલર્જી જેવા રોગોમાં આ દવાથી થતા ફાયદા અને તેના વાપરવાના જોખમને વિચારીને નિર્ણય કરાય છે.
દર્દીને લીવોડોપા અપાય ત્યારે તેના લોહીના કોષોની સંખ્યા, હીમોગ્લોબિનનું પ્રમાણ, યકૃત અને મૂત્રપિંડની કાર્યક્ષમતા કસોટીઓ, ઝામર માટે આંખનું પરીક્ષણ, હૃદયની તપાસ વગેરે વિવિધ તપાસ વારંવાર અને નિયમિત સ્વરૂપે કરાય છે. તેવી રીતે દર્દીમાં ઉશ્કેરાટ, મનોવિકારી ચિંતા, અસંતુલન, દાંત કચરવા, હાથપગનું અનિયંત્રિત સંચલન થયા કરવું, માનસિક ગૂંચવણ, ભ્રાંતિ (delusion), સ્વર્ગ-સુખાભાસ (euphoria), થાક, અંધારાં આવવા, દૃષ્ટિભ્રમ, હાથની વધેલી ધ્રુજારી, ઊબકા, ઊલટી, વધુ પડતી લાળ ઝરવી (અતિલાલા-સ્રાવ, sialorrhoea) તથા અશક્તિ જેવી તકલીફો થાય છે અને તેની સારવાર કરવી જરૂરી બને છે. આ ઉપરાંત ક્યારેક થતી તકલીફોમાં વારંવાર આંખ મીંચકાવી, ઝાંખું દેખાવું, હૃદયની ધડકન અનિયમિત થવી, ગરમી લાગવી, ખિન્નતા, ખોટી માન્યતાઓ, આપઘાત કરવાની વૃત્તિ, ચામડી પર સ્ફોટ, મોઢું ખોલવામાં તકલીફ થવી, વજનમાં વધઘટ, પેશાબના નિયંત્રણમાં મુશ્કેલી વગેરેનો સમાવેશ થાય છે. લોહીમાં સફેદ કોષો ઘટી જાય, પક્વાશયમાં ચાંદું પડે, સોજાઓ, જઠર-આંતરડામાંથી લોહી પડે, રક્તકોષવિલયનકારી પાંડુતા (haemolytic anaemia) થાય, લોહીનું દબાણ વધે, આંખનાં હલનચલનમાં મુશ્કેલી પડે, સપીડ, શિશ્નોત્થાન (priapism) થાય, આંચકી આવે જેવા વિકારો જવલ્લે જ થાય છે. આ કારણસર આ ઔષધ વાપરતાં પહેલાં દર્દીને ઘણી સમજણ આપવી જરૂરી બને છે.
શિલીન નં. શુક્લ
બશીર અહમદી