લીશ્મનિયા (Leishmania) : રેતીમાખી (phlebotomus) વડે રક્ત ચૂસવાથી માનવશરીરનાં અંતરંગોમાં પ્રવેશીને હાનિ પહોંચાડતો પરોપજીવી ઉપદ્રવી પ્રજીવ (protozoon). પ્રજીવ સમુદાયના કશાધારી (mastigophera) વર્ગના આ સૂક્ષ્મજીવનો સમાવેશ Leishmaniadae કુળમાં થયેલો છે. કશા (flagellum) વડે પ્રચલન કરી તે માનવશરીરના વિવિધ ભાગોમાં પ્રસ્થાપિત થઈને ચેપ લગાડે છે અને નુકસાન કરે છે. આ પ્રજીવની L. tropica, L. major અને L. donavani જાતો આફ્રિકા, એશિયા અને દક્ષિણ યુરોપના માનવોના શરીરમાં વસે છે; જ્યારે અમેરિકાના માનવોના શરીરમાં પરોપજીવી જીવન પસાર કરતી બે જાતિઓ L. maxicana અને L. brasiliensis જોવા મળી છે.  આ પ્રજીવોના ચેપ વડે ઊપજતો વ્યાધિ સામાન્યપણે કાળા આજાર (Leishmanisis) નામે ઓળખાય છે. આ પરોપજીવ અલ્પજીવી છે; પરંતુ તેના વંશજો વૃદ્ધિ અને ગુણનના પરિણામે માનવીનાં અંતરંગોમાં બે વરસ સુધી જીવન પસાર કરી શકે છે. ત્યારબાદ માનવશરીરની વધતી પ્રતિકારશક્તિને લીધે આ પ્રજીવો નબળા પડી જવાથી માનવ રાહત અનુભવે છે. સામાન્યપણે આ ચેપ ભાગ્યે જ જીવલેણ નીવડે છે. જોકે L. donavaniના સભ્યો માનવનાં અસ્થિમજ્જા, યકૃત અને બરોળ જેવા ભાગોમાં ઘણો સમયગાળો પસાર કરતા હોય છે; અને એ લાંબા સમયગાળાનો ઉપદ્રવ રોગી માટે જીવલેણ નીવડી શકે છે. કાળા આજારની વિપરીત અસર હેઠળ રોગીનાં અંતરંગોમાં ઘણી વાર કેટલીક ક્ષતિઓ જોવા મળે છે. દાખલા તરીકે, તેના શરીરમાં થતા કોષના વિભાજન દરમિયાન DNA ન્યૂક્લિક ઍસિડનું ઉત્પાદન ધીમું બને છે.

Pentamidine દવાના ઉપચારથી કોષવિભાજનને લગતી પ્રક્રિયાઓ પૂર્વવત્ સક્રિય બને છે. તે જ પ્રમાણે કોષના રસપડ(plasma membrane)માંથી ખોરાક, ઉત્સેચકો તેમજ અન્ય શારીરિક ઊપજો(products)ના થતા પ્રસરણમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ મુશ્કેલી amphotiricin દવા વડે નિવારી શકાય છે. તે જ પ્રમાણે શરીરમાં થતી વિવિધ ચયાપચયી પ્રક્રિયા માટે જોઈતી કાર્યશક્તિ(energy)ના વિમોચનનું પ્રમાણ ઘટે છે. આ ઊણપને buparvaquone દવા વડે દૂર કરવામાં આવે છે.

મ. શિ. દૂબળે