લીવિસ, એફ. (ફ્રૅન્ક) આર. (રેમંડ)

January, 2004

લીવિસ, એફ. (ફ્રૅન્ક) આર. (રેમંડ) (જ. 14 જુલાઈ 1895, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 17 એપ્રિલ 1978) : બ્રિટનની આર્નોલ્ડ અને રસ્કિનની પરંપરાના સાહિત્યવિવેચક. આ પ્રભાવશાળી વિવેચકનાં લખાણો તથા શિક્ષણની બ્રિટનની શાળાઓ તથા યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસ પર ઊંડી અને વ્યાપક અસર પડી. તેમના સમકાલીન અન્ય વિવેચકો આઈ. એ. રિચર્ડ્ઝ તથા વિલિયમ ઍમ્પસન અથવા અમેરિકાના ‘નવ્ય વિવેચકો’થી ઊલટું તેઓ કોઈ પણ કૃતિના શબ્દશ: પૃથક્કરણ વડે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કરતા નહિ. તેમનાં દલીલ અને તર્ક સંગીન દૃષ્ટાંતોના આધારે રજૂ થતાં હતાં, પણ લેખકોનું મૂલ્યાંકન કરવામાં તેઓ એ લેખક જીવનસત્વને અનુભવવામાં કેટલે અંશે પ્રૌઢિ અને સંવેદનપરકતા દાખવી શકે છે એ અવશ્ય જોતા.

તેમના પ્રથમ પુસ્તક ‘ન્યૂ બેરિંગ્ઝ ઇન ઇંગ્લિશ પોએટ્રી’(1932)માં ટી. એસ. એલિયટની વિવેચનાનો ઋણ-સ્વીકાર કરવા ઉપરાંત તેમણે એઝરા પાઉન્ડ, ટી. એસ. એલિયટ અને જી. એમ. હૉપકિન્સનાં લખાણોની પ્રશંસા કરી છે, જ્યારે ડબ્લ્યૂ. એચ. ઑડન અને ડબ્લ્યૂ. બી. યેટ્સની કૃતિઓને અપરિપક્વ અને કિશોરાવસ્થાની હોય તેવી ગણાવી છે. તેમના આવેશપૂર્ણ નિર્ણયો ઘણી વાર હતાશાપ્રેરક તિરસ્કાર વડે ઉચ્ચારાયા હતા અને એટલે જ તેની અભિવ્યક્તિના વાહનરૂપ ‘સ્ક્રૂટિની’ (1932–53) નામક સામયિકને વિશાળ વાચકવર્ગ મળી રહ્યો હતો. આ સામયિકનું તેમણે તેમનાં પત્ની અને વિદુષી વિવેચક ક્વીની ડૉરોથીના સહયોગથી સંપાદન કર્યું હતું.

‘રીવૅલ્યુએશન’(1936)માં અંગ્રેજી કવિતાની પરંપરાનું મૂલ્યાંકન કરાયું છે, જ્યારે ‘ધ ગ્રેટ ટ્રૅડિશન’(1948)માં જૅન ઑસ્ટિન, જ્યૉર્જ એલિયટ, હેન્રી જૅમ્સ, જૉસેફ કૉન્રેડ અને ડી. એચ. લૉરેન્સ જેવા નવલકથાકારોને માનવીય જાગરૂકતા પ્રબોધવા બદલ મહત્વના ઠેરવ્યા છે. ‘ધ કૉમન પરસ્યૂટ’ (1952) તેમની સૌથી સુંદર કૃતિ લેખાય છે. 1950ના દાયકામાં તેઓ સાહિત્યિક રાજકારણમાં વિશેષ પ્રવૃત્ત બન્યા અને તેમની ‘ડિકન્સ, ધ નૉવેલિસ્ટ’ (1970) જેવી ઉત્તરાર્ધની કૃતિની તેમાંની સાંપ્રત બ્રિટિશ સમાજ પરત્વેની અસંયત અને કડક-કડવી આલોચનાને કારણે ગુણવત્તા ગુમાવ્યાની ટીકા થઈ.

મહેશ ચોકસી