લીલાવઇ (લીલાવતી) : પ્રાકૃત કથાકાવ્ય. ‘લીલાવઇ’ના અજ્ઞાત ટીકાકાર પ્રમાણે ભૂષણભટ્ટના સુપુત્ર કોઉહલ નામના બ્રાહ્મણે પોતાની પત્નીના આગ્રહ પર ‘मरहट्ठ देसीभासा’માં એની રચના કરી હતી. કવિએ પોતાના વંશનો પરિચય આપવા છતાં પોતાનું નામ આપ્યું નથી. તેમના પિતામહનું નામ બહુલાદિત્ય હતું. તે બહુ વિદ્વાન અને યજ્ઞયાગાદિક અનુષ્ઠાનોના વિશેષજ્ઞ હતા. આની રચના ઈ. સ.ની આઠમી–નવમી શતાબ્દીમાં થયેલી હોય એમ લાગે છે. આની ઉપર ‘લીલાવતીકથાવૃત્તિ’ નામે અજ્ઞાતનામી લેખકની એક સંસ્કૃત ટીકા મળે છે. ડૉ. એ. એન. ઉપાધ્યે દ્વારા સંપાદિત આ કાવ્ય ‘સિંઘી જૈન ગ્રંથમાળા’ મુંબઈથી ઈ. સ. 1949માં પ્રકાશિત થયું છે.

આ કાવ્યમાં પ્રતિષ્ઠાનના રાજા સાતવાહન અને સિંહલદેશની રાજકુમારી લીલાવતીની પ્રેમકથાનું વર્ણન છે. રાજા વિપુલાશયને અપ્સરા રંભાથી થયેલ કુવલયાવલી નામે કન્યા હોય છે. તે ગાંધર્વકુમાર ચિત્રાંગદ સાથે ગાંધર્વવિવાહથી જોડાતાં તેના પિતાના શાપથી કુમાર ભીષણાનન નામે રાક્ષસ બની જાય છે. આત્મહત્યા કરવા ઉદ્યત કુવલયાવલીને તેની માતા રંભા યક્ષરાજ નળકૂબરના આશ્રયે મૂકી આવે છે. નળકૂબરનાં લગ્ન વિદ્યાધરહંસની પુત્રી વસંતશ્રી સાથે થયેલાં હોય છે. તેમની પુત્રી મહાનુમતિ અને કુવલયાવલી બંનેને પરસ્પર પ્રીતિ થાય છે. તેઓ આનંદપ્રમોદ માટે મલય પર્વત પર જાય છે. ત્યાં મહાનુમતિ સિદ્ધકુમાર માધવાનિલ સાથે પ્રેમમાં પડે છે, પણ કોઈ શત્રુ તેને પાતાળમાં ઉપાડી જાય છે. મહાનુમતિ અને કુવલયાવલી ગોદાવરી તટ પર ભવાનીની ઉપાસના માટે પહોંચી જાય છે.

લીલાવતી સિંહલરાજ શિલામેઘ અને ગણપતિના શાપથી પૃથ્વીલોકમાં જન્મેલી તથા વસંતશ્રીની બહેન શરદશ્રીની પુત્રી હોય છે. પ્રતિષ્ઠાનના રાજા સાતવાહન(હાલ)નું ચિત્ર જોઈને મોહિત થયેલી લીલાવતી માતા-પિતાની અનુમતિથી તેને શોધવા નીકળી પડે છે. ગોદાવરીકિનારે તે મહાનુમતિ અને કુવલયાવલીને મળે છે. રાજ્યવિસ્તાર માટે સાતવાહન સિંહલરાજ પર આક્રમણ કરે છે, પણ સેનાપતિ વિજયાનંદ સિંહલરાજ સાથે મૈત્રીસંબંધ બાંધવાની સલાહ આપે છે. દૂત તરીકે સિંહલ જવા નીકળેલ વિજયાનંદ નાવ તૂટતાં ગોદાવરીકિનારે રોકાઈ જાય છે. લીલાવતીનો વૃત્તાન્ત જાણીને સાતવાહન લશ્કર લઈ ત્યાં પહોંચે છે. પોતાની બહેન મહાનુમતિનો પ્રિયતમ ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવાની લીલાવતીની પ્રતિજ્ઞા જાણીને સાતવાહન પોતાના ગુરુ નાગાર્જુનની મદદથી માધવાનિલને પાતાળમાંથી છોડાવી લાવે છે. ભીષણાનન સાથેના  યુદ્ધમાં પ્રહાર થતાં તે રાજકુમાર બની જાય છે. સંજોગવશાત્ ત્યાં આવી પહોંચેલા યક્ષરાજ નળકૂબર, વિદ્યાધર હંસ અને સિંહલનરેશ શિલામેઘ પોતપોતાની પુત્રીઓને તેમની ઇચ્છા મુજબ પરણાવે છે. આ રીતે ત્રણેય યુગલો આનંદ અને સંતોષ પામે છે.

પ્રાય: અનુષ્ટુપ છંદના 1,800 પદ્યોમાં લખાયેલ આ દિવ્ય માનુષી કથા સર્ગ કે ઉચ્છવાસમાં વિભાજિત નથી. થોડાક ગદ્યાંશો છે. મુખ્ય કથા સાથે ઘણી આડકથાઓ જોડાયેલી છે. ભાષા કાવ્યોચિત મહારાષ્ટ્રી પ્રાકૃત છે. શૈલી પ્રવાહી અને અલંકૃત છે. પ્રાકૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું આ કથાકાવ્ય કોઈ પણ સહૃદય પાઠકને રસમાં તરબોળ કરવાની ક્ષમતા ધરાવે છે. વસ્તુસંઘટન, કથાતત્વ, ચરિત્ર-રેખાંકન, રસાત્મક અનુભૂતિ અને કાવ્યતત્વનો પરિચય  આ બધી બાબતોમાં ‘લીલાવઇ’ પોતાના સર્જકને વિશિષ્ટ મહત્તા પ્રદાન કરે છે. વર્ણનો કવિની ઉત્કૃષ્ટ કલ્પનાશક્તિનો પરિચય કરાવે છે. ખૂબ જ સ્વાભાવિકતાથી કથાપ્રસંગને અનુસરતા કવિ અનાયાસે જ જાણે પોતાના કવિહૃદયને વશ બનીને વર્ણનો કરે છે. સંવાદો સરસ છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક સમાસોક્તિ, નિદર્શના, દૃષ્ટાંત આદિ અલંકારોનો પ્રયોગ સમુચિત રીતે મોટા પાયે થયો છે. શૃંગાર અને વીરરસનું ચિત્રણ બહુ સુંદર થયું છે.

આ કાવ્યમાં રોમૅન્ટિક મહાકાવ્યનાં લક્ષણો મોટા પાયે જોવા મળે છે. અલંકાર, વસ્તુ-વ્યાપાર, વર્ણનો, રસ અને ભાવોના સૌન્દર્યની અભિવ્યક્તિ, ઉદાત્ત શૈલી અને મહાકાવ્યોચિત ગરિમા – આ એવાં તત્વો છે, જેમને કારણે આને મહાકાવ્ય માનવું તર્કસંગત લાગે. છતાં શુદ્ધ સ્વરૂપે તેને મહાકાવ્ય ગણી શકાય તેમ નથી. શાસ્ત્રીય દૃષ્ટિએ પરીક્ષણ કરતાં આમાં મહાકાવ્ય અને કથા-આખ્યાયિકા બંનેનું સંમિશ્રણ જોવા મળે છે.

જૈન પ્રાકૃત કાવ્યોની જેમ આ કથાકાવ્ય ધાર્મિક કે ઉપદેશાત્મક નથી. પણ કાવ્ય ક્યારેય નિરુદ્દેશ બની શકે નહિ. પ્રકટ અને પ્રચ્છન્ન કેટલાય ઉલ્લેખો દ્વારા, સુભાષિતો અને કહેવતો દ્વારા તેમજ કથા દ્વારા પાઠકનું હૃદય પ્રફુલ્લિત થાય તેવો ઉપદેશ તેમાં જોવા મળે છે.

કાનજીભાઈ પટેલ