લીપ વર્ષ (leap year) : પાશ્ચાત્ય પ્રણાલી અનુસારનું વર્ષ (365 દિવસ  ધરાવતા સામાન્ય વર્ષ કરતાં એક વધુ દિવસ, એટલે કે 366 દિવસ ધરાવતું વર્ષ). તે 366 દિવસ ધરાવતી ઈસવી સન જ છે. સામાન્ય રીતે ઈસવી સનની અવધિ 365 દિવસની હોય છે, પરંતુ ચોથું વર્ષ આ પ્રકારનું હોય છે. (100 વર્ષે આ નિયમમાં જે અપવાદ આવે છે તેની ચર્ચા પણ અહીં યથાસ્થાન છે.)

આ જૂલિયન ગ્રૅગ્રૉરિયન તિથિપત્રના પાયામાં, કૃષિ-સંસ્કૃતિના પ્રારંભકાળમાં ઇજિપ્તમાં વપરાતું તિથિપત્ર છે. ઇજિપ્તના આદિ તિથિપત્રમાં વર્ષના 360 દિવસ મનાતા, પરંતુ ઋતુચક્રની વાસ્તવિક અવધિ (એટલે કે વાસ્તવમાં પૃથ્વીનો સૂર્ય ફરતો કક્ષાકાળ) આશરે 365 દિવસ જેટલી હોવાથી ઇજિપ્તનું આ પ્રાચીન તિથિપત્ર થોડાં વર્ષોમાં જ ઋતુચક્ર સાથે તાલ ગુમાવતું જણાયું. આ કારણથી ઇજિપ્તના સુધારેલા તિથિપત્રમાં વધારાના પાંચ દિવસ ઉમેરાયા. (પારસી તિથિપત્રમાં આ જ કારણે વર્ષના અંતે પાંચ વધારાના દિવસ ઉમેરાય છે.)

લાંબા ગાળાનાં અવલોકનોએ દર્શાવ્યું કે આ સુધારો પૂરતો નથી અને હજી ઋતુચક્ર સાથે 365 દિવસનું વર્ષ 0.25 દિવસની ‘તાલચૂક’ ધરાવે છે. વાસ્તવિક ઋતુચક્રની લંબાઈ (એટલે કે ‘ક્રમિક વસંતસંપાત’ વચ્ચેનો ગાળો) 365.25 દિવસનો જણાવાથી, દર ચાર વર્ષે, વર્ષની લંબાઈમાં એક વધારાનો દિવસ ઉમેરવાનું આવશ્યક જણાયું. આ માટે તત્કાલીન રોમન સમ્રાટ (જેમનું તે સમયે ઇજિપ્ત પર પણ શાસન હતું.) જૂલિયસ સીઝર દ્વારા એક સંશોધિત તિથિપત્ર અપનાવવા માટેનું ફરમાન જારી કરાયું. આ તિથિપત્રની રચના, સીઝરના સલાહકાર સૉસિજેનીઝ(sosigenes)ની સલાહ અનુસારની હતી અને તેમાં સામાન્ય વર્ષ 365 દિવસનું અને દર ચાર વર્ષે આવતું એક લીપવર્ષ 366 દિવસનું રખાયું. આ પ્રકારનું તિથિપત્ર જૂલિયન કૅલેન્ડર (Julian calendar) તરીકે ઓળખાવાયું અને (હાલની વર્ષ ગણતરી અનુસાર) વર્ષ ઈ. પૂ. 46માં અપનાવાયું.

વર્ષના 12 માસમાંથી 6 માસ 30 દિવસના અને 6 માસ 31 દિવસના ગણતાં વર્ષની લંબાઈ 366 દિવસની થાય. આ કારણે આ પ્રકારના પ્રારંભિક તિથિપત્રમાં સામાન્ય વર્ષ માટે ફેબ્રુઆરી માસના 29 દિવસ ગણી તેને 365 દિવસનું બનાવાયું. જ્યારે લીપ વર્ષ માટે ફેબ્રુઆરી 30 દિવસનો રખાયો; પરંતુ જૂલિયસ સીઝર પછીના રોમન સમ્રાટ ઑગસ્ટસને તેના સન્માન અર્થે નામકરણ પામેલા ઑગસ્ટ માસને ફક્ત 30 દિવસ હોય, અને જૂલિયસ સીઝરના માસ જુલાઈને 31 દિવસ હોય તે રુચ્યું નહીં અને આ કારણે તેણે ફેબ્રુઆરી માસમાંથી એક દિવસ ઉઠાવીને ઑગસ્ટને 31 દિવસનો કર્યો. આમ હાલની પ્રણાલી અનુસારનો 28 દિવસનો સામાન્ય વર્ષ માટેનો ફેબ્રુઆરી અને લીપ વર્ષ માટેનો 29 દિવસનો ફેબ્રુઆરી બન્યો. લીપ વર્ષની ગણતરી માટે તો સરળ નિયમ અપનાવાયો કે જે વર્ષના ક્રમાંકને 4થી પૂર્ણાંકમાં ભાગી શકાય તે લીપ વર્ષ ગણવું.

1,500 વર્ષ બાદ ધ્યાનમાં આવ્યું કે હજી ઋતુચક્ર સરેરાશ 365.25 દિવસની અવધિના વર્ષ સાથે સંપૂર્ણ તાલમાં નથી રહેતું. ચોકસાઈપૂર્વકનાં અવલોકનોમાં જણાયું કે ઋતુચક્રની અવધિ 365.242 દિવસ જેટલી છે, અને આ કારણે 1,500 વર્ષના ગાળામાં તો ઋતુચક્ર, જૂલિયન વર્ષના સંદર્ભમાં 14 દિવસ જેટલું આગળ વધી ગયેલું જણાયું. આ કારણથી ઈ.સ. 1582માં તત્કાલીન પોપ ગ્રેગોરી તેરમા દ્વારા એક સુધારો સૂચવાયો, જે અનુસાર દર સોમા વર્ષને લીપ વર્ષ નહિ ગણવું, પરંતુ જો, એ સોમું વર્ષ 400ના પૂર્ણાંકમાં હોય તો તેને લીપ વર્ષ ગણવું. આમ 1700, 1800 અને 1900નાં વર્ષો લીપ વર્ષ નહિ ગણાયાં, પરંતુ 2000નું વર્ષ લીપ વર્ષ ગણાયું. આ સુધારેલ તિથિપત્ર જૂલિયન ગ્રેગૉરિયન કૅલેન્ડર તરીકે ઓળખાવાય છે.

ઈ.સ. 1582માં આ સુધારેલા તિથિપત્રના અમલ સાથે જ ત્યાર-સુધીમાં જે 14 દિવસની તાલચૂક ઋતુચક્ર સાથે એકઠી થઈ હતી તે દૂર કરવા માટે  1582ના વર્ષ માટે 4 ઑક્ટોબર પછીનો દિવસ સીધો 15 ઑક્ટોબર લેવાયો, જેથી દસ દિવસ વર્ષ આગળ વધે ! બાકી રહેતી ચાર દિવસની ક્ષતિ દૂર કરવા માટે વસંતસંપાત(vernal equinox)નો દિવસ 25 માર્ચથી ફેરવીને 21 માર્ચ રખાયો !

આ સુધારેલું તિથિપત્ર, તે સમયે તો ફક્ત રોમન કૅથલિક વિસ્તારોમાં જ અપનાવાયું. બ્રિટનમાં તો આ સુધારેલ તિથિપત્ર છેક 1752માં અપનાવાયું અને તે વર્ષમાં બ્રિટનમાં સપ્ટેમ્બર માસની 3થી 13 તારીખો બાદ કરાઈ. આને કારણે આમ જનતામાં સારી એવી ગેરસમજ થઈ હતી અને આંદોલનો પણ થયાં હતાં ! રશિયામાં તો આ ગ્રેગ્રૉરિયન સુધારો છેક 1918માં અપનાવાયો.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ