લી પો (લી તાઈ પો) (જ. 701, જિલ્લો ઝેરવાન, ચીન; અ. 762, તાંગ્તુ, જિલ્લો અન્વી) : ચીનના પ્રખ્યાત ઊર્મિકવિ. બાળપણનો મોટો ભાગ અને યુવાની વતનની આસપાસ પર્વતો વચ્ચે પરિભ્રમણ અને સાહસોમાં પસાર. ઓગણીસમા વર્ષે ગૃહત્યાગ કરીને તાઓના સંઘમાં ભળ્યા. પચીસમા વર્ષે મધ્ય એશિયાની ઉત્તર સરહદ સુધીના પ્રદેશો ખૂંદી વળ્યા. 727માં અન-લૂના વડાપ્રધાનની દીકરી સાથે લગ્ન અને આઠેક વર્ષ ત્યાં નિવાસ. ત્યાંના વસવાટ દરમિયાન આજુબાજુના પ્રદેશોનાં નદી-નાળાં, સરોવરો, અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં તમામ સ્થળોની મુલાકાત લીધી. 735માં લાંબા પરિભ્રમણની શરૂઆત. યલો રિવરની ઉત્તરે અને યાંગસે નદીની પૂર્વે આવેલાં તમામ સ્થળો જોઈ નાખ્યાં. શૂંગ વંશનો આ સુવર્ણકાળ હતો અને કવિના જીવનનાં પણ ઉત્તમ વર્ષો હતાં. 742ની આસપાસમાં સમ્રાટ હુઆન-શૂંગે તેમની પ્રતિભાની કદર રૂપે તેમની હાનલીન એકૅડેમીમાં નિમણૂક કરી. કવિની કવિત્વશક્તિ આ સમય દરમિયાન ચરમસીમાએ હતી. પરંપરાગત વિષયોને લઈને લખાયેલાં તેમનાં કાવ્યોમાં ભવ્યતા અને પ્રવાહિતા પ્રતિબિંબિત થાય છે. શરાબ, સુંદરી અને પ્રકૃતિ અંગેનાં રોમૅન્ટિક કાવ્યો આ ગાળા દરમિયાન મુખ્ય રહ્યાં. રાજદરબારના ઉત્સવો પ્રસંગે તેમની રચનાઓનું ગાન થતું. મધુશાલાઓની તેમની મુલાકાતો વધવા માંડી અને બીજા સાત દરબારીઓ સહિત તેમની ગણના ‘શરાબના જામના આઠ અમર અઠંગો’માં થવા માંડી. બે વર્ષ દરબારી જીવન માણ્યું, પણ નિંદાનો ભોગ બનતાં દેશનિકાલ થયા અને ફરી પાછું પરિભ્રમણ શરૂ કર્યું.

744માં તેમની મુલાકાત જાણીતા કવિ તૂ-ફૂ સાથે થઈ અને તેમણે તાઓ ધર્મ અંગીકાર કર્યો. ફરીવાર લગ્ન. કુટુંબને એક સ્થળે સ્થિર કરી ફરીવાર કવિ 10 વર્ષ સુધી ચીનના પૂર્વ અને ઉત્તરના પ્રદેશોમાં પરિભ્રમણ કરતા રહ્યા. હવે યુવાનીનાં સાહસોનું સ્થાન તાઓવાદની ફિલસૂફીએ લીધું. કવિ તરીકેની કીર્તિને કારણે ઠેકઠેકાણે માન-પાન મળ્યાં, પણ ધનના અભાવની ફરિયાદ તો ચાલુ રહી. 755માં ચીનમાં થયેલા બળવા દરમિયાન તે યુવરાજ યુંગના લશ્કરમાં જોડાયા. યુવરાજનો બળવો નાકામયાબ નીવડતાં લી પો કેદ થયા. તેમને દેશનિકાલની સજા થઈ. પાછળથી 758ના ઉનાળામાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

ફરીવાર પરિભ્રમણ શરૂ. પોતાના વતનની નિરાંતે મુલાકાત લેવાનું વિચાર્યું, પણ અચાનક લશ્કર નજરે પડતાં તે પૂર્વ તરફ ફંટાયા અને યાંગસેના પ્રદેશોમાં બે વરસ ભ્રમણ કરતા રહ્યા. 762ના ડિસેમ્બરમાં તેમનું નિધન થયું.

લી પોને ‘શાશ્વત દેશનિકાલ કવિ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનાં કાવ્યોમાં સાહસ, પરિભ્રમણ માટેની લગની, જીવનને સાર્થક બનાવવાની જડીબુટ્ટીની શોધનો પ્રયાસ, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અને તાઓવાદનું તત્વજ્ઞાન જોવા મળે છે. લી પોનાં સ્વયંસ્ફુરિત ઊર્મિ-કાવ્યોમાં ઉદાત્ત કલ્પનાઓ અને એક પ્રકારનું ‘દૈવી પાગલપન’ પ્રગટ થાય છે. 1951માં આર્થર વૅલીએ ‘ધ પોએટ્રી ઍન્ડ કૅરિયર ઑવ્ લી પો’ શીર્ષકથી કવિનું જીવનચરિત્ર લખ્યું છે.

પંકજ  સોની