લીનાબહેન મંગળદાસ (જ. 18 ઑગસ્ટ 1915, અમદાવાદ) : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં બાળકલ્યાણ પ્રવૃત્તિ ચલાવતા ‘શ્રેયસ’ વિદ્યાસંકુલનાં સ્થાપક. ધનિક કુટુંબમાં જન્મ. પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. તેમના વડવા મગનભાઈ શેઠે ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. એ વારસો લીનાબહેને ‘શ્રેયસ’ વિદ્યાકીય સંકુલ દ્વારા જાળવી રાખ્યો છે. મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ઠાકુર, મેડમ મૉન્ટેસરી અને જે. કૃષ્ણમૂર્તિ જેવાના સંપર્કમાં આવ્યાં અને તેને લીધે લીનાબહેનનું વ્યક્તિત્વ વિકાસ પામ્યું. બાર વર્ષની વયે બાળમંડળમાં જોડાયાં અને તેનું સંચાલન કરવાની જવાબદારી પોતાના શિરે લીધી જેમાંથી નેતૃત્વના ગુણો ખીલ્યા. 1935–1942ના ગાળામાં બાલમંદિર, પ્રસૂતિગૃહ, સારવાર મંડળ, ઝૂંપડપટ્ટીઓનું સંરક્ષણ, સહકારી પ્રવૃત્તિઓ જેવામાં પરોવાયાં. સમયાંતરે ‘શ્રેયસ’ વિદ્યાસંકુલની સ્થાપના કરી, જ્યાં આજે પણ (2008) 93 વર્ષની ઉંમરે સક્રિય છે. આ સંકુલમાં તેમના માર્ગદર્શન હેઠળ બાલકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન થતું હોય છે. દા. ત., પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, છાત્રાલયો, પુસ્તકાલયો તથા વાચનાલયો, તરણ-ઘોડેસવારી–શરીરસૌષ્ઠવ પ્રવૃત્તિઓ, બાળકો માટે કઠપૂતળીના ખેલ (puppetry), વાર્ષિક મેળાઓ અને ઉત્સવોનું આયોજન વગેરે. 1966માં શ્રેયસ બાલગ્રામની સ્થાપના કરી, જે ભારતમાં સર્વપ્રથમ અને એશિયામાં આ પ્રકારની બીજી સંસ્થા છે. તેમણે સ્થાપેલ શ્રેયસ વિદ્યાસંકુલમાં ભણતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી તેમને વિવિધ પ્રકારની અભ્યાસેતર પ્રવૃત્તિઓનો લાભ અપાતો હોય છે. દા. ત., પક્ષીદર્શન, અવકાશદર્શન, શૈક્ષણિક શિબિરોમાં હાજરી, સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સભાનતા વધે તેવું માર્ગદર્શન, ખેતીકામ, બાગાયત, ગોપાલન, બાળઉછેર ઇત્યાદિ.

શ્રેયસ બાલગ્રામની પ્રવૃત્તિઓના સંદર્ભમાં લીનાબહેનને ‘મધર્સ રીંગ’ અર્થાત્ ‘માતૃમુદ્રિકા’થી સન્માનવામાં આવ્યાં છે. ઉપરાંત, લાયન્સ ક્લબ અને ગુજરાત વ્યાપારી મહામંડળ દ્વારા પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે