લીપોપ્રોટીનો : લોહીમાંની ચરબીના અણુઓનું એપોપ્રોટીન સાથે વહન કરતા ગોલબંધકો (globular packages). લોહીમાં ચરબીના મુખ્ય 2 પ્રકારના અણુઓનું આ રીતે વહન થાય છે – કોલેસ્ટિરોલ અને ટ્રાઇગ્લિસેરાઇડ. કોલેસ્ટિરોલ એક અનિવાર્ય રસાયણ છે, જે કોષોના પટલો(કલાઓ, membranes)ની રચનામાં, સ્ટિરોઇડ અંત:સ્રાવોના ઉત્પાદનમાં તથા પિતામ્લો(bite acids)ની બનાવટમાં ઉપયોગી છે. ખોરાકમાંની ઊર્જાને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય ટ્રાઇગ્લિસેરાઇડ કરે છે, પરંતુ તેમના વહન વખતે આ મેદ દ્રવ્યો (lipids) મધ્યમથી માંડીને મોટા કદની ધમનીની દીવાલોમાં કેમ જામે છે અને મેદચકતી (atheroma) તથા મેદજન્યકાઠિન્ય (atheros-cleresis) કેમ કરે છે તેની સ્પષ્ટ જાણકારી નથી.

લીપોપ્રોટીન આ મેદના અણુઓનું વહન કરે છે માટે મેદજન્યકાઠિન્ય થવામાં મહત્વનો ભાગ ભજવે છે, તેથી તેમનો અભ્યાસ કરવો જરૂરી છે. લીપોપ્રોટીનને મેદપ્રોટીન અથવા મેદનત્રલો પણ કહે છે. તેમને તેમની ઘનતાને આધારે વર્ગીકૃત કરાય છે. ટ્રાઇગ્લિસેરાઇડ ઓછી ઘનતાવાળું દ્રવ્ય છે, જ્યારે એપોપ્રોટીન વધુ ઘનતાવાળું દ્રવ્ય છે. સૌથી ઓછી ઘનતાવાળું કાયલોમાઇક્રોન જમ્યા પછી જ હોય છે અને જ્યારે રુધિરરસ(serum)ને મૂકી રાખવામાં આવે ત્યારે તે સપાટી પર તરતું સ્તર બની જાય છે. અન્ય લીપોપ્રોટીનો રુધિરરસમાં નિલંબિત થઈને રહે છે અને તેમને કેન્દ્રાપસારણ(centrifugation)ની ક્રિયા વડે અલગ પડાય છે. સૌથી વધુ ઘનતા ધરાવતા અને કદમાં સૌથી નાના કણો ધરાવતા લીપોપ્રોટીનમાં એપોપ્રોટીન અને કોલેસ્ટિરોલ હોય છે અને તેમને અતિઘન લીપોપ્રોટીન (high density lipoprotein, HDL) કહે છે. તેનાથી ઓછી ઘનતાવાળા લીપોપ્રોટીનને અલ્પઘન લીપોપ્રોટીન (low density lipoprotein, LDL) કહે છે. સૌથી ઓછી ઘનતા ધરાવતા અને મોટા કણો ધરાવતા લીપોપ્રોટીનને સ્વલ્પઘન લીપોપ્રોટીન (very low density lipoprotein, VLDL) કહે છે. તેમાં મુખ્યત્વે ટ્રાઇગ્લિસેરાઇડ હોય છે. જ્યારે વ્યક્તિ ભૂખી હોય ત્યારે તેનું મોટાભાગનું કોલેસ્ટિરોલ LDL દ્વારા વહન પામે છે અને તેથી તેને LDL કોલેસ્ટિરોલ કહે છે. તે સમયે મોટાભાગનું ટ્રાઇગ્લિસેરાઇડ VLDL દ્વારા વહન પામે છે. દરેક પ્રકારના લીપોપ્રોટીન સાથે વિશિષ્ટ પ્રકારનો એપોપ્રોટીનનો અણુ સંકળાયેલો હોય છે.

ખોરાકમાં લેવાયેલા તૈલી પદાર્થો કાયલોમાઇક્રોન સ્વરૂપે નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં જાય છે અથવા વક્ષીય નલિકા (thoracic duct) દ્વારા રુધિરાભિસરણમાં પ્રવેશે છે. તેમનો સંપૂર્ણ ચયાપચય થાય છે અને તે સ્નાયુ અને મેદકોષોને ખોરાકમાંની ઊર્જા આપે છે. યકૃતમાં સંગ્રહાયેલાં તૈલી દ્રવ્યો અને કાર્બોદિત પદાર્થોમાંથી VLDLનું ઉત્પાદન થાય છે, જે શરીરના કોષો સુધી ટ્રાઇગ્લિસેરાઇડ લઈ જાય છે. પેશીમાં ટ્રાઇગ્લિસેરાઇડ ગુમાવ્યા પછી તે LDL કણ બને છે, જે કોષોને કોલેસ્ટિરોલ આપે છે. વધારાનું LDL યકૃતમાં પાછું ફરે અને તેમાંનું કોલેસ્ટિરોલ પિત્તમાં વહી જાય છે. HDLના કણો યકૃત અને આંતરડાંમાં બને છે અને તેઓ લીપોપ્રોટીનમાંના એપોપ્રોટીનના સ્થળાંતરને સરળ કરે છે. તેઓ કોલેસ્ટિરોલના પેશીમાંથી યકૃત તરફના વિપરીતમાર્ગી સ્થળાંતર(reverse transport)માં પણ ભાગ લે છે. તે કોલેસ્ટિરોલને અન્ય પ્રકારના લીપોપ્રોટીનમાં પણ સ્થાનાંતરિત કરે છે.

જે દર્દીઓની ધમની જાડી અને કઠણ થયેલી હોય તેઓની દીવાલમાં કોલેસ્ટિરોલવાળી ચકતીઓ જામેલી હોય છે. આ ચકતીઓને મેદચકતી (atheroma) કહે છે. તેને કારણે ધમની કઠણ બને છે. તેને મેદજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis) કહે છે. તેને કારણે ધમનીનું પોલાણ સાંકડું થાય છે અને તેની અંદરની સપાટી અનિયમિત બને છે. તેથી તેના પર ગંઠનકોષો (platelets) ચોંટે છે, તેને કારણે ત્યાં લોહીનો ગઠ્ઠો જામે છે, જે ધમનીના પોલાણને પૂરી દે છે. જે મેદચકતીમાંથી મેદદ્રવ્ય વધુ હોય અને તેના આવરણરૂપ તંતુઓનું પાતળું પડ હોય તેમાં પાતળું પડ તૂટી જાય અને મેદદ્રવ્ય લોહીમાંના ગંઠનકોષોના સંસર્ગમાં વધુ આવે એવી સંભાવના વધુ રહે છે. તેથી તેવી મેદ ચકતીમાં ગંઠનકોષોનું અધિગૂંફન (ચોંટવાની પ્રક્રિયા વધુ થાય છે. તેવે સમયે તે ધમની જે પેશી કે અવયવને લોહી પહોંચાડતી હોય તેના કોષો મૃત્યુ પામે છે. તેને પ્રણાશ (infarction) કહે છે. હૃદયના સ્નાયુના પ્રણાશને હૃદ-સ્નાયુપ્રણાશ (myocardial infarction) અથવા હૃદયરોગનો હુમલો કહે છે. તેવું જ મગજમાં થાય તો તેને મસ્તિષ્કી પ્રણાશ (cerebral infarction) કહે છે અને તે સમયે લકવો થાય છે. જ્યારે પણ LDL–કોલેસ્ટિરોલનું પ્રમાણ લોહીમાં વધુ હોય તો હૃદયરોગનો હુમલો થવાનો ભય વધે છે, અને તેનાથી વિપરીત, જ્યારે પણ HDL – કોલેસ્ટિરોલનું પ્રમાણ વધુ હોય તો હૃદયરોગનો હુમલો થવાનું પ્રમાણ ઘટે છે. આ દરેક જાતિના પુરુષ અને સ્ત્રીઓમાં દરેક ઉંમર માટે સાચું છે. લોહીમાં કોલેસ્ટિરોલ મુખ્યત્વે LDL પ્રકારનું હોય છે માટે કુલ કોલેસ્ટિરોલનું પ્રમાણ વધુ હોય તોપણ તે હૃદયરોગનું જોખમ વધારે છે. જો કોઈ વ્યક્તિના લોહીમાં કોલેસ્ટિરોલનું પ્રમાણ 230 મિગ્રા / ડેસિલિટરથી વધુ હોય તો તેને 65 વર્ષની ઉંમર સુધીમાં હૃદયરોગ થવાની સંભાવના 10 % રહે છે અને જો તે 130 મિગ્રા / ડેસિલિટરથી ઓછું હોય તો આ જોખમ 3 % જેટલું જ હોય છે. 65 વર્ષથી નાની વયે સ્ત્રીઓમાં હૃદયરોગથી થતા મૃત્યુનું પ્રમાણ ઓછું રહે છે. (પુરુષો કરતાં આશરે 1/3 ભાગનું જોખમ) પુરુષમાં LDL કોલેસ્ટિરોલ 10 મિગ્રા./ડેસિલીટર વધે તો આ જોખમ 10 % વધે છે અને જો HDL–કોલેસ્ટિરોલ 5 મિગ્રા / ડેસિલીટર વધે તો આ જોખમ 10 % જેટલું ઘટે છે. સ્ત્રીઓમાં HDL કોલેસ્ટિરોલની અસર વધુ હોય છે, પરંતુ તે ઉંમર વધવા સાથે ઘટે છે.

આકૃતિ 1 : LDLનું બંધારણ અને સંરચના

LDL અને HDL કોલેસ્ટિરોલની મેદચકતી બનવાની ક્રિયા સાથે કેવી રીતનો સંબંધ છે તે સ્પષ્ટ નથી. LDL કણોનું ઑક્સિકરણ (oxidation) કદાચ મેદચકતીકરણ (atherogenesis) કરે છે, એવું મનાય છે. મેદચકતીની સપાટી પરના તથા તેની અંદર રહેલા મહાભક્ષીકોષો (macrophages) પર ઑક્સિકૃત LDL માટેના સ્વીકારકો (receptors) રહેલા હોય છે. ઑક્સિકૃત LDL સામે પ્રતિદ્રવ્યો (antibodies) પણ બને છે. તેઓ પણ કદાચ મેદચકતી બનાવવામાં ઉપયોગી હોઈ શકે. LDL કણોના કદને કારણે પણ મેદચકતી બનવાની ક્રિયા થતી હોય એવું પણ મનાય છે. VLDL કોલેસ્ટિરોલ અને ધમનીકાઠિન્ય વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ તે સ્પષ્ટ નથી. કદાચ VLDL કણોની સંખ્યા, કદ કે ઉપપ્રકારોને સંબંધ હોઈ શકે, પરંતુ તેના લોહીમાંના કુલ પ્રમાણને હૃદયરોગ સાથે ખાસ સીધો સંબંધ જણાતો નથી. વળી HDL અને VLDL વચ્ચે વ્યસ્તપ્રમાણનો સંબંધ છે, તેથી જ્યારે VLDL વધે ત્યારે HDL ઓછું હોય છે. તેથી હૃદયરોગ થવાની સંભાવના શેનાથી વધે છે, સ્પષ્ટ નથી.

કેટલાક જનીની વિકારોમાં LDL અને VLDLનું પ્રમાણ વધે છે. દર 10 લાખની વસ્તીએ એક વ્યક્તિમાં LDLના સ્વીકારકો હોતા નથી કે ક્ષતિયુક્ત હોય છે. તેઓમાં LDLનું ઉત્પાદન અનિયંત્રિતરૂપે વધુ થાય છે. તેને કૌટુંબિક અતિકોલેસ્ટિરોલરુધિરતા (familial hypercholesterolaemia) કહે છે. જો દર્દીની એક રંગસૂત્રિકા (chromatid) પર વિકૃત જનીન હોય તો તેને 30થી 40 વર્ષની વયે હૃદયરોગનો હુમલો થવાની શક્યતા છે અને જો દર્દીની બંને રંગસૂત્રિકાઓ પર વિકૃત જનીન હોય તો બાળપણમાં જ મેદજન્ય ધમનીકાઠિન્ય થાય છે. તેઓમાં ઉપચાર માટે યકૃતનું પ્રતિરોપણ (hepatic transplant) કરવું પડે છે. એક અન્ય જનીની વિકારમાં લીપોપ્રોટીન લાયપેઝ નામના ઉત્સેચકનો વિકાર થાય છે. આ ઉત્સેચકની મદદથી વ્યક્તિના કોષો કાયલોમાઇક્રોન અને VLDLમાંથી ટ્રાઇગ્લિસેરાઇડ મેળવે છે. તેથી તેના વિકારમાં દર્દીના લોહીમાં ટ્રાઇગ્લિસેરાઇડ અને કાયલોમાઇક્રોનનું પ્રમાણ વધે છે. તેને કૌટુંબિક અતિકાયલોમાઇક્રોનરુધિરતા (familial chylomicro-naemia) કહે છે. તેમાં બાળપણમાં જ યકૃત અને બરોળ મોટાં થાય છે અને વારંવાર સ્વાદુપિંડશોથ (pancreatitis) થાય છે. આ ઉપરાંત અન્ય જનીની વિકારો પણ છે, જેમ કે દુ:બીટા-લીપોપ્રોટીનરુધિરતા (dysbetalipoproteinaemia), કૌટુંબિક મિશ્ર અતિમેદરુધિરતા (familial combined hyperlipidaemia) વગેરે. આ જનીની વિકારોના અભ્યાસ વડે લીપોપ્રોટીનના કાર્ય તથા તેના વિકારોથી થતા રોગો વિશે સમજણ પડે છે.

ભૂખ્યા પેટે રુધિરરસમાં કોલેસ્ટિરોલનું પ્રમાણ જાણવા માટે વિવિધ લીપોપ્રોટીનનું પ્રમાણ જાણવામાં આવે છે. તેમનો એકબીજા સાથેનો સંબંધ નીચેનાં સૂત્રોમાં દર્શાવ્યો છે :

મોટાભાગની નિદાનલક્ષી પ્રયોગશાળાઓ કુલ કોલેસ્ટિરોલ HDL કોલેસ્ટિરોલ તથા ટ્રાઇગ્લિસેરાઇડનું પ્રમાણ શોધીને ઉપર જણાવેલાં સૂત્રો વડે LDL અને VLDL ગણી કાઢે છે. આ રીતે ગણતરી કરવાની હોવાથી ફક્ત ભૂખ્યા પેટે લોહીનો નમૂનો લેવો આવશ્યક છે. જો ટ્રાઇગ્લિસેરાઇડનું પ્રમાણ 400–500 મિગ્રા./ડેસિલી.થી વધુ હોય તો ઉપરનાં સૂત્રો ઉપયોગી નથી અને તેથી અલગ પદ્ધતિએ LDL તથા VLDLનું પ્રમાણ જણાય છે. ખાતરીપૂર્વક લોહીમાં LDLનું પ્રમાણ જાણવા માટે 2 અથવા 3 વખત (જો પ્રથમ 2 તપાસમાં 10 %થી વધુ તફાવત રહે તો) તપાસ કરવી જરૂરી ગણાય છે. એકસરખું કોલેસ્ટિરોલનું પ્રમાણ હોય પણ HDL અને LDLનું પ્રમાણ જુદું હોય, તો હૃદયરોગ થવાનું જોખમ જુદું જુદું રહે છે (સારણી 1). માટે કુલ કોલેસ્ટિરોલને બદલે HDL/LDL કોલેસ્ટિરોલ મપાય છે.

આકૃતિ 2 : ધમનીમાં મેદચકતીનું જાળવું અને તેનાથી તેના પોલાણમાં ઘટાડો થવો

સારણી 1 : LDL, HDL અને કુલ કોલેસ્ટિરોલ તથા હૃદયરોગ વચ્ચે સંબંધ

પરિમાણ

વ્યક્તિ

વ્યક્તિ

1. કુલ કોલેસ્ટિરોલ 275 મિગ્રા./ડેસિલિટર 275 મિગ્રા./ડેસિલિટર
2. HDL કોલેસ્ટિરોલ 110 મિગ્રા./ડેસિલિટર 25 મિગ્રા./ડેસિલિટર
3. LDL કોલેસ્ટિરોલ 135 મિગ્રા./ડેસિલિટર 210 મિગ્રા./ડેસિલિટર
4. ટ્રાઇગ્લિસેરાઇડ 150 મિગ્રા./ડેસિલિટર 200 મિગ્રા./ડેસિલિટર
5. હૃદયરોગનું જોખમ 10 ગણું ઓછું 10 ગણું વધારે

કેટલીક નિદાન પ્રયોગશાળાઓ HDL/કુલ કોલેસ્ટિરોલનું ગુણોત્તર પ્રમાણ કાઢે છે. પરંતુ તેની ઉપયોગિતા વિશે અનિશ્ચિતતા છે. જુદી જુદી જાતિઓમાં કોલેસ્ટિરોલના જુદા જુદા પ્રકારોનું જુદું જુદું પ્રમાણ જોવાતું હોવાથી સામાન્ય પ્રમાણ કયું ગણવું તે કહેવું મુશ્કેલ બને છે.

કોલેસ્ટિરોલ ઘટાડતી સારવારપદ્ધતિ : તંદુરસ્ત વ્યક્તિમાં હૃદયરોગના પ્રથમ હુમલાની સંભાવના ઘટાડે છે. આવી સારવાર LDL કોલેસ્ટિરોલ ઘટાડે છે અને HDL કોલેસ્ટિરોલ વધારે છે. HDL વધારતી સૌથી વધુ અસરકારક દવા નિઆસિન પ્રાવેસ્ટેટિન નામની એક દવા સાથેના એક અભ્યાસમાં હૃદયરોગના પ્રથમ હુમલામાં  31 % જેટલો ઘટાડો થયો હતો. અન્ય અભ્યાસોમાં લોવાસ્ટેટિન નામની દવા વપરાઈ હતી અને તેમાં પણ તેવો જ ફાયદો નોંધાયો હતો. આ સારવારથી મૃત્યુદર પણ 20 % ઘટ્યો હતો. જેમને હૃદયરોગનો હુમલો થયો છે અથવા તો જેમને હૃદય-ધમનીમાં મેદચકતીજન્ય ધમનીકાઠિન્ય થયેલું છે, તેઓમાં પણ આ સારવારથી માંદગી અને મૃત્યુનું પ્રમાણ ઘટે છે. કેટલાક દર્દીઓમાં મેદચકતી પણ ઘટેલી દર્શાવી શકાઈ છે. એક અન્ય જૂથની દવા  જેમફિબ્રોઝિલ  વડે આટલો સારો ફાયદો નોંધાયેલો નથી, પરંતુ તે ટ્રાઇગ્લિસેરાઇડ ઘટાડવામાં ઉપયોગી છે. કસરત કે પરિશ્રમ કરવાથી તથા ખોરાકમાં તૈલી દ્રવ્યો ઘટાડવાથી પણ HDL/LDL કોલેસ્ટિરોલ પર વિધાયક અસર થાય છે અને હૃદયરોગનું જોખમ તથા તેનાથી થતા મૃત્યુનો દર ઘટે છે, એવું નોંધાયેલું છે. તેથી HDLનું પ્રમાણ 60 મિગ્રા./ડેસિલિટરથી વધે અને LDLનું પ્રમાણ 100 મિગ્રા./ડેસિલિટરથી ઘટે તે પ્રમાણે પ્રયત્ન કરાય છે. સિમ્વાસ્ટેટિન તથા એરોમાસ્ટેટિન નામની દવાઓ ઉપલબ્ધ થયેલી છે. પ્રાવાસ્ટેટિનનો ઉપયોગ બંધ કરાયેલો છે, તેનું કારણ તેની કેટલીક આડઅસરો છે. LDH માટે હાલ એવું સૂચવાય છે કે તેના પ્રમાણ કરતાં તેના અણુઓનું કદ વધુ મહત્વનું છે. મધુપ્રમેહના દર્દીઓમાં LDHનું પ્રમાણ સામાન્ય હોય પરંતુ તેનો અણુ વધુ ઘટ્ટ હોય તો તે વધુ જોખમી છે.

શિલીન નં. શુક્લ

જય અરવિંદ ભટ્ટ