લિયો 3જો (જ. આશરે 675–680, જર્મેનિસિયા, સીરિયા; અ. 18 જૂન 741, કૉન્સ્ટૅન્ટિનોપલ) : બાયઝેન્ટાઇન (પૂર્વીય રોમન) સમ્રાટ (શાસનકાળ : ઈ. સ. 717 – 741). તેણે ઇઝોરિયન અથવા સીરિયન વંશ સ્થાપ્યો; આરબોનાં આક્રમણોનો સફળતાપૂર્વક સામનો કર્યો અને ધાર્મિક મૂર્તિઓના ઉપયોગનો પ્રતિબંધ ફરમાવીને સામ્રાજ્યમાં એક સદી સુધીનો સંઘર્ષ પેદા કર્યો હતો. આરબોએ પાટનગર કૉન્સ્ટૅન્ટિનોપલ ઘેરી લીધું, પરંતુ તેણે તેમને ઘેરો ઉઠાવી લેવાની ફરજ પાડી. તેણે આરબોના વિસ્તારવાદને અટકાવ્યો. તેણે સિસિલીમાં થયેલ બળવો કચડી નાખીને પોતાની સત્તા મજબૂત કરી. ઈ. સ. 740માં તેણે ફરી વાર આરબોને સખત પરાજય આપ્યો અને એશિયા માઇનર આરબોના અંકુશમાંથી મુક્ત થયું. લડાઈઓમાં તે પોતે સેનાપતિપદ સંભાળતો હતો. તેનું લશ્કર કાર્યક્ષમ હતું. વિજયો મળવાથી તેના લશ્કરનું ‘મોરાલ’ સુધર્યું. ઈ. સ. 730માં તેણે સામ્રાજ્યનાં બધાં દેવળોમાંથી ધાર્મિક ચિત્રો દૂર કરવાનો હુકમ કર્યો. તેના હુકમનો ધાર્મિક વર્તુળોમાંથી સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ