લિયૉન (Lyons) : પૅરિસ અને માર્સેલ્સ પછીના ત્રીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે ફ્રાન્સના અગ્નિકોણમાં 45° 45´ ઉ. અ. અને 4° 51´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર રહોનના વહીવટી જિલ્લાનું તેમજ રહોન આલ્પ્સ વિસ્તાર પૂરતું પાટનગર પણ ગણાય છે. રહોન અને સિયૉન નદીઓ લિયૉન ખાતે ભેગી થાય છે અને આ શહેરને ત્રણ વિભાગોમાં વહેંચી નાખે છે. વ્યસ્ત રહેતો ગોદીઓનો ભાગ અને ગોદામો નદીના આગળના ભાગમાં, લિયૉનનો મુખ્ય વ્યાપારી અને મનોરંજનનો વિસ્તાર બે નદીઓના વચ્ચેના દ્વીપકલ્પીય ભાગમાં તથા સાંકડી શેરીઓ અને ગગનચુંબી ઇમારતોવાળો શહેરનો પ્રાચીન વિભાગ સિયૉન નદીના પશ્ચિમ કિનારે આવેલો છે. લિયૉનનો નવો નિર્માણ પામેલો ભાગ રહોનના પૂર્વ કિનારે આવેલો છે. તેમાં કારખાનાં, યુનિવર્સિટીની વિશાળ-ભવ્ય ઇમારત તથા ઘણા બધા આકર્ષક આવાસો આવેલાં છે. લિયૉનનાં મુખ્ય લાક્ષણિક દર્શનીય સ્થાનોમાં સેન્ટ માર્ટિન દ’એઇનીનું દેવળ અને સેન્ટ જીનનું કેથીડ્રલ વિશેષ ઉલ્લેખનીય છે, બંને બારમી સદીનાં છે.

લિયૉન તેના કાપડઉદ્યોગ માટે, વિશેષે કરીને તો, રેશમ અને રેયૉન માટે જાણીતું બનેલું છે. આ શહેરમાં ઘણા સ્પિનિંગ-વીવિંગ-ડાઇંગ એકમો પણ છે. અહીંના અન્ય ઉદ્યોગોમાં મોટરગાડીઓ, રસાયણો, ધાતુની ચીજો, દારૂ તેમજ પનીરનું ઉત્પાદન અને મુદ્રણ-છાપકામનો સમાવેશ થાય છે.

ઈ. પૂ. 43માં રોમન સૈનિકોએ જ્યાં લિયૉન વસેલું છે ત્યાં એક વસાહત સ્થાપેલી. અગાઉ અહીં ફ્રાન્સનો એક મહત્વનો કિલ્લો હતો, તેનો કબજો તે વખતે રોમનોએ લઈ લીધેલો.

પંદરમી સદી દરમિયાન, લિયૉન એક સમૃદ્ધ વેપારી મથક બનેલું. સોળમી સદી દરમિયાન, ઇટાલીમાંથી અહીં રેશમ બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો, વિકસતો ગયો અને યુરોપભરમાં ફ્રાન્સને તેની લાંબા ગાળાની ખ્યાતિ મળી. આમ લિયૉન રેશમઉદ્યોગ માટે જાણીતું બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લિયૉન જર્મન દળોનો પ્રતિકાર કરવા માટેનું સ્થળ બની રહેલું. 1999 મુજબ લિયૉન શહેરની તથા મહાનગરની વસ્તી અનુક્રમે 4,53,187 અને 13,48,832 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા