લિબ્નેક્ટ, વિલ્હેલ્મ

January, 2004

લિબ્નેક્ટ, વિલ્હેલ્મ (જ. 29 માર્ચ 1826, ગીસન (Giessen), હેસ; અ. 7 ઑગસ્ટ 1900, બર્લિન) : જર્મન સમાજવાદી અને કાર્લ માર્કસના નજીકના સાથી તેમજ જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીના સ્થાપક. તેમની બાળવયે પિતાનું અવસાન થયું હતું. તેમણે ગીસન યુનિવર્સિટી અને બર્લિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તથા ફ્રેન્ચ સમાજવાદી ચિંતનમાં રસ કેળવ્યો. તેમને સ્વિટ્ઝર્લૅન્ડની પ્રાથમિક શાળામાં શિક્ષકપદે આમંત્રિત કરવામાં આવ્યા અને તેમણે તેનો સ્વીકાર કર્યો. ત્યાં નોકરી સાથે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1847માં ધારાશાસ્ત્રી બન્યા.

23 ફેબ્રુઆરી, 1848ના રોજ પૅરિસમાં ક્રાંતિ ફાટી નીકળી, જેમાં ભાગ લેવા ખૂબ મોડેથી તેઓ પૅરિસ પહોંચ્યા; પરંતુ ટૂંકા ગાળામાં જર્મની પાછા ફર્યા. જર્મનીમાં ક્રાંતિકારીઓ સાથે બળવામાં ભાગ લીધો, પણ બળવો નિષ્ફળ ગયો. આ ક્રાંતિકારી પ્રયાસ બદલ તેમની ધરપકડ થઈ અને આઠ માસ જેલવાસ વેઠ્યો. 1849માં જેલમાંથી મુક્ત થતાં તેઓ ફરી સ્વિટ્ઝર્લૅન્ડ ગયા.

વિલ્હેલ્મ લિબ્નેક્ટ

તેમના સમાજવાદી વિચારોના વધતા પ્રભાવથી ઑસ્ટ્રિયાની અને પ્રશિયાની સરકારો ચિંતિત હતી. આ સરકારોની વિનંતીથી તેમને જિનીવા છોડવાનો આદેશ આપવામાં આવ્યો. આથી તેઓ જિનીવા છોડી 1849માં ઇંગ્લૅન્ડ પહોંચ્યા અને 13 વર્ષ સુધી ત્યાં વસવાટ કર્યો. આ દરમિયાન લંડનની કૉમ્યુનિસ્ટ લીગમાં જોડાયા. અહીં કાર્લ માર્કસ અને ફ્રીડરિક એંગલ્સ(Engles)નો સંપર્ક થતાં તેમની સાથે વિલ્હેલ્મે કામ કર્યું અને તેમની સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા. આ જ અરસામાં ‘ઑગસ્બર્ગ ગૅઝેટ’માં સંવાદદાતા તરીકે કામ કરી જીવનનિર્વાહ ચલાવ્યો. 1862માં પ્રશિયાની સરકારે તેમને માફી બક્ષી આથી તેઓ બર્લિન પાછા ફર્યા અને લેખનનો વ્યવસાય સ્વીકાર્યો. અહીં તેઓ ‘નૉર્થ જર્મન ગૅઝેટ’ના સંવાદદાતા અને પ્રભાવકારી સમાજવાદી બન્યા. 1862માં ઑટો વૉન બિસ્માર્ક વડાપ્રધાન બન્યા, પરંતુ વિલ્હેલ્મનાં લખાણો બિસ્માર્ક સાથે વૈચારિક મેળ ઊભો કરી શક્યાં નહિ અને 1865માં બિસ્માર્કે તેમને દેશવટો દીધો.

આથી તેઓ લાઇપઝિગ ગયા, ત્યાં અગ્રણી સમાજવાદી નેતાઓ સાથે મિત્રાચારી કેળવી. ઑગસ્ટ બેનેલ જેવા સમાજવાદી સાથે મિત્રતા વિકસતાં બંનેએ સામાન્ય જનોની ગરીબી માટે સંઘર્ષ ખેલવાનું પસંદ કર્યું અને બંનેએ જર્મન સમાજવાદને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે આમજનતામાં સમાજવાદનો પ્રસાર અને શિક્ષણકાર્ય ચાલુ રાખ્યાં. આ કામ સારી રીતે કરી શકાય તે માટે ‘ડેમોક્રૅટિક વીકલી’ સામયિક શરૂ કર્યું. જર્મન ધારાસભા રીચસ્ટાગમાં તેઓ 1867માં મજૂરો દ્વારા ચૂંટાઈ આવ્યા. ત્યાં તેમણે પિતૃસત્તાક વ્યવસ્થાવાળા ‘paternalistic’ સમાજવાદનો વિરોધ કર્યો. 1869માં તેમણે બેબેલ સાથે મળી સોશિયલ ડેમોક્રૅટિક લેબર પાર્ટી સ્થાપી અને લંડનની આ પ્રકારની સંસ્થા સાથે તેનું જોડાણ કર્યું.

1870માં ફ્રાન્સ-જર્મની વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં તેમનો સમાજવાદ કસોટીની સરાણે ચડ્યો. યુદ્ધ અને સરકાર વિરુદ્ધનાં વક્તવ્યોને કારણે 1872માં બેબેલ અને તેમના પર ‘રાજદ્રોહ’નો આરોપ મૂકવામાં આવતાં બે વર્ષની જેલની સજા થઈ.

બિસ્માર્કે 1878 સુધી કાયદા દ્વારા સમાજવાદીઓને અને સમાજવાદી સાહિત્યના પ્રકાશનને દબાવી દેવા પ્રયાસો કર્યા. આ દમન છતાં સમાજવાદી પક્ષ જર્મનીમાં મજબૂત બન્યો. 1890માં સમાજવાદવિરોધી દમનકારી કાયદાઓનો અંત આવ્યો અને સમાજવાદી લોકશાહીના વિચારોને પાંગરવાની તક મળી. લિબ્નેક્ટ વિલ્હેલ્મ ફરી પક્ષમાં સક્રિય બન્યા અને સતત નવ વર્ષ સુધી પક્ષના પ્રવક્તા બની રહ્યા. આ પક્ષના ખ્યાતનામ વર્તમાનપત્ર ‘વૉરવાર્ટસ’(Vorwarts)ના તેઓ જાણીતા લેખક હતા.

આમ, જીવનમાં અનેક ઊથલપાથલો છતાં તેઓ સમાજવાદી વિચારધારાથી વિચલિત થયા નહોતા.

રક્ષા મ. વ્યાસ