લિબ્નેક્ટ કાર્લ

January, 2004

લિબ્નેક્ટ, કાર્લ (જ. 13 ઑગસ્ટ 1871, લાઇપઝિગ; અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન) : જર્મન સમાજવાદી અને ઉત્ક્રાંતિવાદી લોકશાહી સમાજવાદના પ્રણેતા. તેમના પિતા વિલ્હેલ્મ લિબ્નેક્ટ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા અને 19મી સદીના અંતભાગમાં તથા 20મી સદીના પ્રારંભે આ પરિવારે સમાજવાદના વિકાસમાં તથા સામાજિક જીવનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમના પિતા ઇંગ્લૅન્ડમાં કાર્લ માર્કસ દેશવટો ભોગવી રહ્યા હતા ત્યારે તેમને મળ્યા અને માકર્સ સાથે નજીકના સંબંધો બંધાયા. આ વાતાવરણ વચ્ચે કાર્લ લિબ્નેક્ટનો ઉછેર થયો તેથી સહજ રીતે સમાજવાદી વિચારધારાથી તેઓ આકર્ષાયા. સમાજવાદી પક્ષની આર્થિક મદદથી તેમણે પ્રારંભે લાઇપઝિગમાં અને પછી બર્લિનમાં કાયદા અને રાજકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી પ્રારંભે ધારાશાસ્ત્રી બનવાનું પસંદ કર્યું. થોડો સમય વેસ્ટ ફાલિયામાં નવાસવા ધારાશાસ્ત્રી તરીકે કામ પણ કર્યું. તે સાથે જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીના સક્રિય કાર્યકર બન્યા. ધારાશાસ્ત્રીની ટૂંકી કારકિર્દી ત્યજી માકર્સવાદના સમર્થનમાં પોતાની કારકિર્દી સમર્પિત કરવાનો તેમણે નિર્ણય કર્યો. 1893–94માં પૉટ્સડામમાં ઇમ્પીરિયલ પાયોનિયર ગાર્ડ (શાહી સલામતી રક્ષક દળ) તરીકે કામ કરી 1898માં તેઓ બર્લિન આવ્યા. 1900માં તેમના પિતાનું અવસાન થયું, અને ત્યારબાદ જૂલી પૅરેડાઇઝ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ત્રણ બાળકોના પિતા બન્યા. 1910માં પત્નીનું અવસાન થયું. 1912માં હાઇડલબર્ગ યુનિવર્સિટીના સ્નાતક અને રશિયન મહિલા સોફિયા રાસ સાથે તેમણે પુનર્લગ્ન કર્યાં.

1904માં કૉનિંગ્ઝબર્ગ ખાતેના એક મુકદ્દમામાં તેમણે ગરીબ ખેડૂતોનો બચાવ કર્યો. આથી તેમના પર પૂર્વ પ્રશિયામાંથી ઝારવાદી રશિયામાં સમાજવાદી પ્રચાર કરવાનો આરોપ મુકાયો. 1907માં તેમણે સ્ટટગાર્ટ ખાતે ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ સોશિયાલિસ્ટ યૂથ ઑર્ગેનિઝેશનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ જ વર્ષે ‘મિલિટરિઝમ્સ ઍન્ડ ઍન્ટિમિલિટરિઝમ્સ’ ગ્રંથના પ્રકાશન બદલ તથા જર્મન લશ્કરશાહીના વિરોધ બદલ તેમને 18 માસનો જેલવાસ ભોગવવાનો આવ્યો. જેલવાસ દરમિયાન તેઓ 1908માં પ્રશિયાની ધારાસભા લૅન્ડટૅગ(Landtag)માં ચૂંટાયા અને 1912માં જર્મન ધારાસભા રીચસ્ટાગમાં પ્રવેશ્યા. અહીં તેમણે સોશિયલ ડેમોક્રૅટ તરીકે તથા સરકાર વિરુદ્ધ મુખ્ય પ્રવક્તા તરીકે કામગીરી કરી. સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીમાં માર્કસના સિદ્ધાંતોને પુન: અસરકારક બનાવવાની માગ ઊભી થઈ ત્યારે તેની વિરુદ્ધ તેઓ મુખ્ય પ્રવક્તા બન્યા.

કાર્લ લિબ્નેક્ટ

1914માં પ્રથમ વિશ્વયુદ્ધના આરંભે તેમણે બર્લિનમાં યુદ્ધકાલીન સરકારના વિરોધમાં અગ્રણી ભૂમિકા ભજવી. રીચસ્ટાગમાં સરકાર વિરુદ્ધ વક્તવ્ય રજૂ કર્યું અને સરકાર પર આરોપ મૂક્યો કે તે યુદ્ધને આંતરવિગ્રહમાં તેમજ વર્ગવિગ્રહમાં પરિવર્તિત કરી રહી છે. આ યુદ્ધમાં સરકારે ફરજિયાતપણે તેમની ભરતી લશ્કરી સૈનિક તરીકે કરી તથા રીચસ્ટાગ અને પ્રશિયન એસેમ્બલીના નાયબ નેતા બનાવી તેમને લાંબા સમય માટે રજા પર ઉતારી દીધા. રશિયન સરહદે તેમણે સેવાઓ આપી. આ સરહદી કામગીરીમાં તેમને મુખ્યત્વે વૃક્ષકપાઈ અને બટાકાની ખોદાઈનું તથા મૃતદેહોને બાળવા યા દાટવાનું કામ સોંપવામાં આવતું. આવા શુષ્ક કામથી તેઓ શારીરિક રીતે ભાંગી પડ્યા અને ઑક્ટોબર 1915માં તેમને આ કામમાંથી દૂર કરવામાં આવ્યા.

1916માં સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીના નેતાનો વિરોધ કરતાં તેમને પક્ષમાંથી કાઢી મુકાયા. આ બહિષ્કારના દિવસો દરમિયાન તેઓ રોઝા લક્ઝમ્બર્ગ જેવી ક્રાંતિકારી મહિલાના સંપર્કમાં આવ્યા. બંનેએ મળી ‘સ્પાર્ટાક્સ જૂથ’ દ્વારા યુદ્ધનો વિરોધ કર્યો. છતાં તેમણે આ અંગેની પ્રવૃત્તિઓ ચાલુ રાખી; એટલું જ નહિ, પરંતુ આ જૂથના ‘સ્પાર્ટાક્સ લેટર્સ’ નામક પક્ષીય મુખપત્રનું સંપાદનકાર્ય હાથ ધર્યું. ‘સ્પાર્ટાક્સ જૂથ’ બર્લિનમાં કામ કરતું ભૂગર્ભ જૂથ હતું. તેમાંથી સ્પાર્ટાક્સ પક્ષ ઉદભવ્યો અને પછીથી આ પક્ષ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ જર્મનીમાં રૂપાંતરિત થયો. જર્મનીનો આ પ્રથમ સામ્યવાદી પક્ષ હતો, જે લિબ્નેક્ટ અને રોઝાના સંયુક્ત પ્રયાસોનું પરિણામ હતો. ‘રેડ ફ્લેગ’ (Red Flag) આ પક્ષનું સામયિક હતું, જેનું સંપાદન રોઝા લક્ઝમ્બર્ગ સંભાળતાં હતાં. આ બંને અગ્રણીઓ સામાજિક ક્રાંતિને સમર્પિત હતાં. 1લી મે 1916ના મજૂર-દિન નિમિત્તે બર્લિનમાં યોજાયેલા દેખાવોમાં તેમણે ભાગ લીધો, જેમાં સરકારને ઉથલાવવાની તથા યુદ્ધનો અંત લાવવાની હાકલ કરી. આથી તેમની પર કામ ચલાવવામાં આવ્યું અને તેમને કેદની સજા થઈ. ઑક્ટોબર 1918માં વાતાવરણ તંગ હોવા છતાં તેમને જેલમાંથી મુક્ત કરાયા. સોવિયેત સરકારે બર્લિન ખાતેની એલચી કચેરીમાં ભોજનસમારંભ યોજી તેમની મુક્તિની ખુશાલી વ્યક્ત કરી. આ સાથે સોવિયેત ઢબની જર્મન ક્રાંતિ માટે તેમણે સ્પાર્ટાક્સ જૂથ દ્વારા તૈયારી આરંભી. આ અંગે જોરદાર ભાષણો કરી ક્રાંતિના પ્રયાસોને તેમણે સમર્થન આપ્યું, જર્મન કૉમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવી. ક્રાંતિ માટે ઉદ્દામવાદી તત્વોને એકઠાં કરવાની તેમની નેમ હતી.

જાન્યુઆરી 1919માં જર્મનીમાં રાજાશાહીના પતન સાથે તેમની અને નવી કામચલાઉ સરકાર વચ્ચે ગંભીર સંઘર્ષો પેદા થયા. તેમાં બળનો ઠીક ઠીક ઉપયોગ સરકારે કર્યો. પરિણામે પ્રતિક્રાંતિવાદી બળો વિકસ્યાં અને રોઝા તથા લિબ્નેક્ટ કાર્લ તેનો ભોગ બન્યાં. 15 જાન્યુઆરી 1919ના દિવસે પ્રતિક્રાંતિવાદીઓ દ્વારા બંનેની હત્યા કરવામાં આવી. બંનેનાં શબ સિંચાઈની નહેરમાં ફેંકી દેવામાં આવ્યાં. પાછળથી આ શબો શોધી તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રક્ષા મ. વ્યાસ