લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક

January, 2004

લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક (જ. 17 ડિસેમ્બર 1908, ગ્રાન્ડ વૅલી, કૉલોરાડો, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1980, લૉસ એન્જેલસ, યુ.એસ.) : રેડિયો કાર્બન કાળગણના ટૅકનિક વિકસાવવા બદલ 1960ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકન રસાયણવિદ્. લિબ્બીએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી પીએચ.ડી. પદવી મેળવી અને 1933થી 1945 સુધી ત્યાંની વિદ્યાશાખામાં કામ કર્યું. 1945થી 1959 દરમિયાન તેઓ શિકાગો યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂક્લિયર સ્ટડીઝમાં હતા. તે પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, લૉસ ઍન્જેલસમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને જીવનના અંત સુધી ત્યાં જ રહ્યા.

પ્રથમ પરમાણુ બૉંબ માટેના મૅનહટન પ્રૉજેક્ટ (1941–45) સાથે તેઓ સંકળાયેલા હતા. આ દરમિયાન તેમણે યુરેનિયમના સમસ્થાનિકો(isotopes)ના અલગીકરણ માટેની પદ્ધતિ વિકસાવી કે જે પરમાણુ બૉંબ બનાવવા માટે મહત્વનું સોપાન હતું. 1946માં તેમણે દર્શાવ્યું કે ટ્રિટિયમ (હાઇડ્રોજનનો સૌથી ભારે સમસ્થાનિક) કૉસ્મિક વિકિરણ દ્વારા ઉત્પન્ન થાય છે.

વિલાર્ડ ફ્રૅન્ક લિબ્બી

અગાઉ 1939માં – સર્જે કૉર્ફે કાર્બનના વિકિરણધર્મી સમસ્થાનિક કાર્બન–14ની શોધ કરી તેનો અર્ધઆયુષ્યકાળ 5,730 વર્ષ હોવાનું જણાવ્યું હતું. તેમણે બતાવેલું કે તે ઉપલા વાતાવરણમાં નાઇટ્રોજન પરમાણુઓ ઉપર કૉસ્મિક કિરણોની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. 1947માં લિબ્બી અને તેમના સહકાર્યકરોએ આ શોધનો ઉપયોગ રેડિયો કાર્બન કાળગણના ટૅકનિક વિકસાવવામાં કર્યો. આ પદ્ધતિના પાયામાં એ હકીકત રહેલી છે કે જીવંત જૈવિક દ્રવ્યમાં કાર્બનના બે સમસ્થાનિકો 14C અને 12Cનું પ્રમાણ વાતાવરણ સાથે સમતોલનમાં હોય છે; પણ જ્યારે સજીવ અવસાન પામે છે ત્યારે તે હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ લેવાનું બંધ કરી દે છે અને આથી તેનામાં 14Cનું પ્રમાણ પોતાના વિકિરણધર્મી ક્ષયને કારણે ઘટવા માંડે છે. નમૂનામાં 14C અને 12Cનું પ્રમાણ જાણવાથી તે કેટલો જૂનો હશે તે જાણી શકાય છે. આ પદ્ધતિ  લગભગ 50,000 જેટલાં વર્ષ અગાઉ મૃત્યુ પામેલા સજીવોમાંથી મળેલું દ્રવ્ય કેટલું જૂનું છે તે નક્કી કરવામાં ઉપયોગી નીવડી છે. તેમની ટૅકનિક પુરાતત્વવિદો, નૃવંશશાસ્ત્રીઓ તથા ભૂસ્તરવિજ્ઞાનીઓ માટે ખૂબ મહત્વની નીવડી છે.

લિબ્બીએ 1955–59 દરમિયાન યુ.એસ. ઍટમિક એનર્જી કમિશનમાં  પણ સેવાઓ આપી હતી. ‘રેડિયો કાર્બન ડેટિંગ’ (1952) તેમનું બહુ જાણીતું પુસ્તક છે.

જ. પો. ત્રિવેદી