લિપ્ટન, ટૉમસ (સર)

January, 2004

લિપ્ટન, ટૉમસ (સર) (જ. 10 મે 1850, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 2 ઑક્ટોબર 1931) : સ્કૉટલૅન્ડના નામી ઉદ્યોગપતિ. તેઓ લિપ્ટન લિમિટેડ નામની ચા તથા અન્ય જીવનજરૂરી વસ્તુઓની કંપનીના સ્થાપક હતા. શરૂઆતમાં તેમણે સૂકવેલું માંસ, ઈંડાં, માખણ અને ચીઝના વેપારમાંથી ખૂબ કમાણી કરી. ગ્લાસગોમાં તેમનો નાનો સ્ટોર હતો અને તેમાંથી સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં દુકાનોની શૃંખલા તેમણે ઊભી કરી. તેમણે ચા, કૉફી, કોકો અને રબરના પરદેશના વિશાળ બગીચાની માલિકી મેળવી; તે ઉપરાંત ઇંગ્લૅન્ડમાં ફળવાડીઓ, બેકરી-શૃંખલા અને જામ-ફૅક્ટરીઓ ઊભાં કર્યાં; શિકાગોમાં માંસ પૅક કરવા માટે એક ઉદ્યોગગૃહ સ્થાપ્યું.

ટૉમસ લિપ્ટન (સર)

1898માં તેમને ‘સર’નો ખિતાબ એનાયત થયો અને 1902માં તેમને ‘બૅરોનેટ’ બનાવાયા.

મહેશ ચોકસી