લિપ્કિત્ઝ, જાક

January, 2004

લિપ્કિત્ઝ, જાક (જ. 22 ઑગસ્ટ 1891, ડ્રુસ્કિનીન્કાઈ, રશિયા; અ. 26 મે 1973, કૅપ્રી, ઇટાલી) : આધુનિક ઘનવાદી (cubist) શિલ્પી તથા અમૂર્ત (abstract) શિલ્પના એક પ્રણેતા.

પશ્ચાદભૂમાં સ્વસર્જિત શિલ્પ સાથે જાક લિપ્કિત્ઝનો ફોટોગ્રાફ

લિથુઆનિયામાં વિલ્ના નગરમાં ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કર્યો. 1909માં તેઓ પૅરિસ ગયા. ત્યાંની આધુનિક ફ્રેન્ચ કલા જોઈ તે દંગ રહી ગયા અને આધુનિક શિલ્પનો અભ્યાસ કરવો શરૂ કર્યો. 1912થી 1913 સુધી ઇમ્પીરિયલ રશિયન આર્મીમાં સેવા આપવા રશિયા પાછા ગયા. 1914માં પૅરિસ પાછા ફરીને એમણે ઘન આકારનાં ચોસલાંઓ વડે ઘનવાદી શિલ્પ સર્જવાં શરૂ કર્યાં. એ શિલ્પો પર તેઓ આછું રંગરોગાન પણ કરતા. 1914માં તેમણે સર્જેલું ‘સેઇલર વિથ એ ગિટાર’ એક શ્રેષ્ઠ નમૂનો છે.

1925થી તેમણે કાંસામાંથી શિલ્પ સર્જવાં શરૂ કર્યાં. એમાંથી ‘હાર્પિસ્ટ’ (1928) અને ‘ધ કપલ’ (1928–29) શ્રેષ્ઠ ગણાય છે.

1941થી લિપ્કિત્ઝે ન્યૂયૉર્ક નગરમાં વસવાટ કરવો શરૂ કર્યો. હવે એમને આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી હતી. પછીનાં એમનાં શિલ્પોમાંથી ઘનવાદી ખાંચાખૂંચી અને અક્કડતા દૂર થયાં હતાં અને તેના સ્થાને લાવણ્યમય વળાંકો તથા પ્રવાહિતા પ્રકટ્યાં હતાં. 1941થી 1977 સુધીનાં 36 વરસને તેમના સર્જનનો શ્રેષ્ઠ તબક્કો ગણવામાં આવે છે. તેમની શ્રેષ્ઠ કૃતિઓ છે : ‘પ્રેયર’ (1943), ‘પ્રોમીથિયસ સ્ટ્રૅંગ્લિંગ ધ વલ્ચર-II’ (1944) તથા ‘બેલેરોફોન ટેમિંગ પૅગાસસ’ (1977).

અમિતાભ મડિયા