લિપ્સકોમ્બ, વિલિયમ નન

January, 2004

લિપ્સકોમ્બ, વિલિયમ નન (જ. 9 ડિસેમ્બર 1919, ક્લીવલૅન્ડ, ઓહાયો) : અમેરિકન અકાર્બનિક રસાયણવિદ્ અને 1976ના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ 1941માં યુનિવર્સિટી ઑવ્ કેન્ટકીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1946માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1942થી 1946 દરમિયાન તેમણે ઑફિસ ઑવ્ સાયન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં ભૌતિકરસાયણવિદ્ તરીકે કામ કર્યું અને તે પછી 1946–1959 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ મિનેસોટામાં પ્રથમ મદદનીશ પ્રાધ્યાપક અને 1954થી રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. 1959માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક પામ્યા અને ત્યાં 1962–65 દરમિયાન રસાયણવિભાગના અધ્યક્ષ તરીકે રહ્યા. નિમ્ન તાપમાની એક્સ-કિરણ-સ્ફટિકવિજ્ઞાન વિકસાવવામાં અને બોરેન (બોરૉનના હાઇડ્રાઇડ) સંયોજનોની સંરચના સમજાવવામાં તેમનું પ્રદાન મહત્વનું છે.

વીસમી સદીની શરૂઆતમાં આલ્ફ્રેડ સ્ટૉકે બોરૉનનાં હાઇડ્રાઇડ સંયોજનો સૌપ્રથમ બનાવેલાં, પરંતુ તેમની સંરચના (structure) નક્કી થઈ શકી ન હતી, કારણ કે તત્કાલીન પ્રચલિત સિદ્ધાંતો અનુસાર આ સંયોજનો ઇલેક્ટ્રૉન-ઊણપ(electron-deficiency)વાળાં જણાતાં હતાં. બોરૉનનાં હાઇડ્રાઇડોનાં સૂત્રો B2H6, B4H10, B10H14 તથા B18H22 નક્કી કરવામાં આવ્યાં, જે હાઇડ્રોકાર્બન શ્રેણી CH4, C2H6, C4H10 સાથે સામ્ય ધરાવે છે. પરંતુ બોરૉનનો પરમાણુ સૌથી બહારની કક્ષામાં કાર્બનના ચાર ઇલેક્ટ્રૉનની સરખામણીમાં માત્ર ત્રણ જ ઇલેક્ટ્રૉન ધરાવતો હોવાથી તેના હાઇડ્રાઇડોમાં સહસંયોજક (covalent) બંધોને કેવી રીતે સમજાવવા તે યક્ષ-પ્રશ્ન હતો. લિપ્સકોમ્બે નિમ્ન તાપમાને બોરૉનના સ્ફટિકોના એક્સ-કિરણ-વિવર્તન(X-ray diffraction) વિશ્લેષણનો અભ્યાસ કરી 1950માં ત્રિ-કેન્દ્ર-બંધ(three centre bond)ની રજૂઆત કરી, જે અગાઉ લૉંગ્વેટ હિગિન્સે ડાઇબોરેન માટે સૂચવેલી. આ ત્રિ-કેન્દ્ર-બંધમાં ઇલેક્ટ્રૉનનું એક યુગ્મ ત્રણ પરમાણુઓ વચ્ચે સરખે ભાગે વહેંચાયેલું ગણવામાં આવે છે. આ જ સિદ્ધાંત લિપ્સકોમ્બે કાર્બોરેન સંયોજનોની સંરચના માટે પણ લાગુ પાડ્યો. આ માટે તેમણે નાભિકીય ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance) પદ્ધતિઓનો પણ ઉપયોગ કર્યો. નીચાં તાપમાનોએ એક્સ-કિરણોના વિવર્તન દ્વારા સ્ફટિકવિજ્ઞાનમાં સંશોધન માટે તેમણે વિકસાવેલી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. આ ટૅકનિક તેમણે તથા અન્ય વૈજ્ઞાનિકોએ પાછળથી ઑક્સિજન તથા નાઇટ્રોજનના એકાકી (single) સ્ફટિકો સહિત અનેક રાસાયણિક સંયોજનો માટે વાપરી છે. બોરેન સંયોજનોની સંરચનાના અભ્યાસ તથા રાસાયણિક બંધને લગતા પ્રશ્નો ઉપર પ્રકાશ પાડવા બદલ લિપ્સકોમ્બને 1976ના વર્ષનો રસાયણશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

વિલિયમ નન લિપ્સકોમ્બ

સંકીર્ણ સંયોજનોના નાભિકીય ચુંબકીય અનુનાદના અભ્યાસમાં રાસાયણિક અસરો અંગે પણ લિપ્સકોમ્બે એક સિદ્ધાંત રજૂ કર્યો છે. આ ઉપરાંત મોટાં સંકીર્ણ સંયોજનોની ક્વૉન્ટમ યાંત્રિકી ઉપર પણ તેમણે કામ કરેલું છે. તેમની એક્સ-કિરણ-વિવર્તન-પદ્ધતિ પ્રોટીન સંયોજનો, ઉત્સેચકો તથા જૈવરાસાયણિક દૃષ્ટિએ મહત્વના પદાર્થોની સંરચના માટે પણ ઉપયોગમાં લેવામાં આવી છે.

‘બોરૉન હાઇડ્રાઇડ્ઝ’ (1963) અને ‘ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ ઑવ્ બોરૉન ઍન્ડ રિલેટેડ કંપાઉન્ડ્ઝ’ (1969) તેમનાં મહત્વનાં પ્રકાશનો છે.

જ. પો. ત્રિવેદી