લિપિ

કોઈ પણ ભાષાના વર્ણો લખવાની રીત. માનવ-સંસ્કૃતિના ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકળા મહત્વનું અંગ ગણાય છે. માનવે લેખનકળાની શોધ કરી ત્યારથી એને વ્યવહારનું એક મહત્વનું સાધન પ્રાપ્ત થયું. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાના કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો થયો. માનવીએ પોતાના મનના વિચારો વ્યક્ત કરવા લિપિ શોધી એ પહેલાં તે ઇશારા કે અણસાર માટે હાથ, માથું વગેરેના હલનચલન(gesture)નો ઉપયોગ કરતો હતો. આજે પણ બહેરાં-મૂંગાં લોકો આ રીતે પોતાના વિચારો વ્યક્ત કરે છે. હલનચલન ઉપરાંત સ્પર્શ વડે પણ વિચારોની અભિવ્યક્તિ થઈ શકે છે. નેત્રહીન લોકો સ્પર્શની ભાષાથી સહેલાઈથી સમજી શકે છે. ભરતનાટ્યમ્ જેવા નૃત્યમાં હાથની વિવિધ મુદ્રાઓ દ્વારા કથાવસ્તુ અભિવ્યક્ત કરવામાં આવે છે. લશ્કરમાં બંદૂકના ગોળીબારની સંખ્યા કે કોઈ વિશિષ્ટ અવાજ વડે સંદેશાની આપ-લે થતી હોય છે. લશ્કર અને સ્કાઉટમાં ધજા (flag) વડે સંદેશા મોકલવામાં આવે છે. સાગર વ્યવહાર માટે ખાસ સંકેત લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારનાં પાટિયાં પર રાત્રે લાલ અને સફેદ વર્તુલો દ્વારા સંકેત અપાય છે. અંગ્રેજી અક્ષરો તથા અંકો દર્શાવવા ધ્વજ સંકેતો વાપરવામાં આવે છે. આમ વિચાર કે સંદેશાની રજૂઆત માટે આવા જુદા જુદા તરીકાઓ અજમાવવામાં આવતા હોય છે. પરંતુ આ બધાં કરતાં લિપિ દ્વારા થતી અભિવ્યક્તિ વધુ અસરકારક અને ટકાઉ હોય છે. લિપિમાં લખાયેલું લખાણ વર્ષો પછી વાંચી શકાય છે અને તે દ્વારા તત્કાલીન ઇતિહાસ-સંસ્કૃતિનો ખ્યાલ આવે છે. લિપિ દ્વારા ઊંડામાં ઊંડી લાગણી વ્યક્ત કરી શકાય છે. માનવ-વ્યવહાર માટે લિપિ ઘણી ઉપકારક છે. લિપિ દ્વારા સમજવા તેમ જ સમજાવવાની ક્રિયા સૌથી સારી રીતે થઈ શકે છે તેથી અનેક સંઘર્ષો નિવારી શકાય છે. લેખનકળાની શોધ પહેલાંની માનવ-સંસ્કૃતિને ‘પ્રાગૈતિહાસિક’ કહે છે. પ્રાગૈતિહાસિક કાળમાં માનવને લેખનની કે અન્ય કોઈ પ્રકારની નોંધ રાખવાની આવશ્યકતા જણાઈ નહોતી. મનુષ્ય ભાગ્યે જ પોતાના વતનની સીમામાંથી બહાર જવાની હિંમત કરતો. પોતાના અનુભવો એ પોતાનાં સંતાનોને કહેતો, જે તેઓ સ્મૃતિમાં રાખી લેતાં. તીવ્ર યાદશક્તિવાળા કથકો કે ગાયકો કોઈ વિશિષ્ટ વિધિઓને પ્રસંગે ટોળીની યશોગાથાઓ સંભળાવતા. આવા કથકો અને ગાયકોએ લેખનકળાની શોધ પહેલાં ઐતિહાસિક કથાઓ અને અન્ય વૃત્તાંતના જ્ઞાનનો પ્રસાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

લગભગ ઈ. પૂ. 3500 પછી લેખનપદ્ધતિનો ઉદય થયાના પુરાવા ઉપલબ્ધ થાય છે. આદિમ માનવને જ્યારે સ્મૃતિ પર આધાર રાખવાનું મુશ્કેલ જણાયું ત્યારે તેણે કાપા પાડેલી નિશાનીઓવાળી લાકડીઓ કે ગાંઠો મારેલી દોરીઓ જેવાં સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આદિમ ઑસ્ટ્રેલિયનોની સંદેશવાહક લાકડીઓમાં આંકા પાડેલા હોય છે, જેના વડે માહિતી કે હુકમ મોકલવામાં આવતાં. આ પ્રકારના સંદેશાઓ નિષ્ણાત સંદેશવાહક જ સમજાવી શકતો. એમાંના આંકા વિચારોની સંખ્યા અને ક્રમ સૂચવતા.

સંદેશવાહક લાકડી

આ જ પ્રકારના પેરૂના ક્વીપૂ (quipu) અને ઉત્તર અમેરિકા-કૅનેડાની ઇન્ડિયન જાતિની ઇરોક્કા ટોળીએ પ્રયોજેલ વૉમપમ (wampum) છે. ક્વીપૂમાં જુદા જુદા રંગના ઊનના દોરાઓમાં જુદી જુદી ઊંચાઈએ વિશિષ્ટ પ્રકારની ગાંઠો મારેલી હોય છે. એમાં રંગોવાળા દોરાઓની વિશિષ્ટ પ્રકારની મેળવણીથી અને ગાંઠોનાં સ્થાન તેમજ જાડાઈ વડે અને દોરાઓ અમુક વિશિષ્ટ પદ્ધતિએ રૂઢિગત વિધિથી બાંધવાથી અમુક પ્રકારના વિચારોને તથા ભાવોને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવતા.

ક્વીપૂ

વૉમપમ એ છીપોના ખંડોને જોડીને બનાવેલી પટ્ટીઓ હોય છે, જેમાં છીપખંડોને અમુક પદ્ધતિએ ગોઠવવામાં આવ્યા હોય છે, જે એકઠા થતાં એક ભૌમિતિક આકૃતિ રચાય છે. આવા કેટલાક વૉમપમ છથી સાત હજાર છીપખંડોના બનેલા હોય છે. સહુથી લાંબા વૉમપમમાં 49 સેરોની માળા હોય છે. પેન સુલેહ-પટ એ વૉમપમ દ્વારા ચિત્રાંકનનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. લેનિ-લેનેપ ટોળીના મુખીઓએ વિલિયમ પેનની સાથે ઈ. સ. 1682માં સુલેહ કરી ત્યારે એના સ્મારક તરીકે એ આપેલું હતું. એમાં એક ગોરા મનુષ્યની અને એક અમેરિકન ઇન્ડિયનની આકૃતિઓ છીપખંડોથી ભરેલી છે. મૈત્રીના પ્રતીક રૂપે તેઓએ હસ્તધૂનન કર્યું છે.

પેન સુલેહ-પટ – વૉમપમનો સુંદર નમૂનો

આ ક્વીપૂ અને વૉમપમ એ બંને માત્ર સ્મૃતિસહાયક રચનાઓ (Mnemonic contrivances) છે. એમને કોઈ પણ પ્રકારની લેખનપદ્ધતિ ગણાવી શકાય નહિ.

પ્રાગૈતિહાસિક કાલનાં પ્રાકૃતિક ચિહનો : આદિમ માનવ ફુરસદના સમયમાં આસપાસનાં પ્રકૃતિનાં દૃશ્યોનું આલેખન કરતો. હાડકાંની સપાટી પર શ્યમાન પદાર્થ કોતરતો. મધ્ય યુરોપની ગુફાઓમાં વસતા અશ્મયુગના માનવે શીતપ્રદેશના આદિમ હાથી, રુવાંટીવાળા ગેંડા, પાડા અને જંગલી સાંઢનાં ચિત્રો ગુફાઓની ભીંત ઉપર રંગીન માટી કે વનસ્પતિના રંગોથી દોરેલાં છે. આવા ચિત્રાલેખનમાંથી કાળક્રમે વિકાસ પામતાં પામતાં લેખનકળાનો ઉદય થયો હશે એમ માની શકાય.

આ પ્રાકૃતિક ચિત્રો જ્યારે ચિત્રો મટીને તે તે પદાર્થોના સંકેતરૂપ ગણાવા લાગ્યાં ત્યારે લેખનના વિકાસમાં એક મહત્વનું સોપાન સર થયું અને એક પ્રકારની સંકેત-ભાષાનો ઉદભવ થયો. પ્રાગૈતિહાસિક કાલમાં સ્પેન, પોર્ટુગલ અને ઇટાલીમાંથી પથ્થર પર કોતરેલાં સંકેત-ચિત્રો કે ભૌમિતિક આકૃતિઓ વગેરે મળી આવ્યાં છે. તેવી રીતે ગ્રીસ પાસેના ક્રીટ અને મિસરમાંથી પથ્થર પર અને માટીનાં વાસણો ઉપર ભૌમિતિક આકૃતિઓ મળી આવી છે. ઉત્તર આફ્રિકાના અને સ્કૅન્ડિનેવિયાના પર્વતોની ગુફાઓમાં દોરેલાં શૈલચિત્રોમાં પ્રાગૈતિહાસિક કાલની સંકેતાત્મક ચિત્રાકૃતિઓ મળી આવી છે. અમેરિકાની આદિમ જાતિઓ હજુ પણ આ પ્રકારના ચિત્રસંકેતો પ્રયોજે છે.

લેખનકળાના વિકાસમાં ત્રણ સોપાનો મળે છે :

1. ચિત્રાંકન કે ચિત્રાલેખન-લિપિ (pictographic writing), જેમાં પ્રાકૃતિક પદાર્થોનાં ચિત્રો દ્વારા એમના એકત્રિત સમગ્ર રૂપમાંથી કોઈ વિચાર, સંદેશ કે કથા પ્રગટ થાય છે.

2. વિચાર-સંકેત કે શબ્દ-સંકેત લિપિ (ideographic writing), જેમાં મૂળ ચિત્રોમાંથી વિકાસ પામેલા સંકેતો વડે વિચાર કે પદાર્થ વ્યક્ત થાય છે.

3. ધ્વન્યાત્મક લિપિ (phonetic writing), જેમાં ભિન્ન ભિન્ન મૂળાક્ષરો (ચિત્રાત્મક સંકેતોનાં અત્યંત સરળ રૂપો) વડે જુદા જુદા ધ્વનિઓ દર્શાવાય છે. દરેક મૂળાક્ષર એક એક ધ્વનિનું ચિહન હોય છે.

ચિત્રાલેખનલિપિ : લેખનની આ સહુથી પ્રાચીન કે આદિમ કક્ષા છે. આદિમ સમાજની સંસ્કૃતિઓનો ક્રમિક વિકાસ થતાં જુદી જુદી ટોળીઓ અને જાતિઓ પરસ્પરના સંપર્કમાં આવવા લાગી અને જીવન વધારે સંકુલ બન્યું. માત્ર મૌખિક વાણી વિચારના વાહન તરીકે પર્યાપ્ત નહિ લાગતાં યુદ્ધમાં તેમજ સ્વરક્ષણ માટે અલગ અલગ જાતિઓ સમજી શકે એવી કોઈ ચેષ્ટાઓ કે હાથની જુદી જુદી મુદ્રાઓની બનેલી સંકેતભાષા યોજવાની આવશ્યકતા જણાઈ હશે; ઉ. ત., માથું નમાવીને ઊંઘવાની ક્રિયા કે હાથની પહેલી બે આંગળીઓ વારાફરતી હલાવીને ચાલવાની ક્રિયા, જેનાથી રાત્રિ દર્શાવી શકાય. આ સંજ્ઞાઓ કાલક્રમે ચિત્રાકારે આલેખવામાં આવી. મનુષ્યના પગની આકૃતિ ‘ચાલવાની ક્રિયા’, નમાવેલા માથાની બાજુએ અડકાડેલો હાથ ઊંઘની ક્રિયા કે મુખ ‘બોલવાની ક્રિયા’ સૂચવતાં હશે. જોકે એ સમગ્ર ચિત્રપટ કોઈ એક વિચારનું સૂચન કરતો; એનાં જુદાં જુદાં અંગઉપાંગ માટે કોઈ ધ્વનિસંજ્ઞાઓ બની નહોતી. ચિત્રાલેખન-પદ્ધતિમાં ચિત્રિત પદાર્થો કરતાં એ બધાંના સમવાયમાંથી નિષ્પન્ન થતા અર્થનું સૂચન મુખ્ય રહેતું. આ પદ્ધતિનાં ઘણાં પ્રાચીન દૃષ્ટાંતો મળે છે. મિસર, મેસોપોટેમિયા, ફિનિશિયા, ક્રીટ, સ્પેન, દક્ષિણ ફ્રાન્સ અને બીજા ઘણા દેશોના પ્રાગૈતિહાસિક નિવાસીઓ એમની સંસ્કૃતિના આદિમ કાળે ચિત્રાલેખનપદ્ધતિનો ઉપયોગ કરતા હશે. આજે પણ મધ્ય આફ્રિકા, ઉત્તર અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની કેટલીક આદિમ જાતિઓમાં લેખનની આ પદ્ધતિ પ્રચલિત છે. ઝાડની છાલ, લાકડાની તકતીઓ, પ્રાણીઓનાં ચામડાં, હાડકાં કે હાથીદાંત અને પર્વતોની શિલાઓ ઉપર આ પ્રકારનું ચિત્રાલેખન થયેલું મળે છે. આ ચિત્રાંકન-લિપિ લેખનની આદિમ અવસ્થાની સૂચક છે.

નીચેના ચિત્રાલેખનમાં બેરિંગ સમુદ્રને કાંઠે વસતા એક એસ્કિમોએ શિકારે જતાં પહેલાં એક લાકડાની તકતી ઉપર પોતાના પ્રવાસકાર્યક્રમની નોંધ ચિત્રો દ્વારા આલેખીને  પોતાના ઇગ્લૂ નિવાસસ્થાનનાં બારણાં પાસે મિત્રોની જાણ માટે મૂકી છે. ચિત્રને આ રીતે સમજાવી શકાય : ‘એસ્કિમો શિકારના સ્થળે હોડી લઈને જાય છે, એક ટાપુ પર એક રાત ગાળશે; બીજા ટાપુ પર જઈને બે રાત પસાર કરશે. સીલ માછલીનો શિકાર કરી પોતાના નિવાસસ્થાને પાછો ફરશે.’

ચિત્રાલેખનનો નમૂનો

વિચારસંકેતલિપિ (ideographic writing) : ચિત્રાલેખન-લિપિનો વિકાસ થતાં એમાંથી વિચારસંકેત-લિપિનો ઉદભવ થયો. ચિત્રાલેખન-લિપિમાં જુદા જુદા પદાર્થોનું આલેખન એ ઉદ્દેશ નહોતો. એમાં ચિત્રો વડે કોઈ શબ્દ વ્યક્ત થતો નહોતો. ચિત્રોનું ધ્વન્યાત્મક મૂલ્ય નહોતું. જેમ જેમ વિચારવિનિમયનું ક્ષેત્ર વ્યાપક બનતું ગયું તેમ તેમ પદાર્થ-સમવાયને બદલે અલગ અલગ પદાર્થોનાં ચિત્ર તે તે પદાર્થની સંજ્ઞારૂપે આલેખાવા લાગ્યાં. ક્રમશ: એ ચિત્રો વાસ્તવિક મટીને સરળ અને સંકેતરૂપનાં બન્યાં. આ પ્રકારના સંકેતોને વિચારસંકેત (ideographs) કહે છે. એમાં વિકાસ થતાં પ્રત્યેક સંકેત તે તે પદાર્થનાં નામોનો દ્યોતક બની રહે છે. અતિ પ્રાચીન ઇજિપ્તની હાઇરોગ્લાઇફિક લિપિ(ચિત્રસંકેત-લિપિ)ને એના જેવી જ સુમેરિયન લેખનપદ્ધતિ અને એમાંથી કાળક્રમે વિકસેલી પ્રાચીન બૅબિલોનિયન અને એસિરિયન કીલાકૃતિ લિપિ (Cuneiform writing) અને ચીનની ચિત્ર-લિપિ આ પ્રકારની વિચારસંકેત-લિપિનાં દૃષ્ટાંતો છે. પુરાતન ચિત્રાંકન-લિપિમાંથી ધીરે ધીરે વિચારસંકેતોનો ઉદભવ થવાનાં ઉદાહરણો મળે છે.

પ્રાગૈતિહાસિક માનવે વિચારસંકેતો પહેલાં પ્રાકૃતિક પદાર્થો ઉપરથી બનાવ્યા. પછી ક્રિયાઓ દર્શાવવા માનવશરીરનાં અંગોનાં ચિત્રો દોર્યાં. ચાલવાની ક્રિયા માટે પગનું ચિત્ર, જોવાની ક્રિયા માટે આંખનું ચિત્ર, રુદન માટે આંસુ ટપકતી આંખનું ચિત્ર વગેરે. આ ચિત્રો પ્રતીક રૂપનાં હતાં. પછી વિચારો વ્યક્ત કરવા માટે અમુક વિશિષ્ટ ગુણવાળા પદાર્થોનાં ચિત્ર આલેખ્યાં; જેમ કે, શક્તિ દર્શાવવા હાથનું ચિત્ર, વિવેક દર્શાવવા આંખનું ચિત્ર વગેરે.

આ રીતે વિચારસંકેત દ્વારા વિચારવિનિમયનું એક માધ્યમ નિર્માણ થયું. જુદી જુદી ભાષાઓ બોલનાર મનુષ્યો એ ગ્રહણ કરી શકતા, એ એની વિશેષતા હતી. એમાં સીધા વિચારો જ દર્શાવાતા; એના ધ્વનિઓ નહિ. પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિના પદાર્થો વગેરે દ્વારા મૂર્ત વિચારો દર્શાવાતા; પરંતુ શક્તિ, બળ, સંપત્તિ, ન્યાય જેવા અમૂર્ત વિચારો દર્શાવવાનું અશક્ય હતું. આ ઉપરાંત આ સંકેતો ભાષાનું પ્રાથમિક રૂપનું વ્યાકરણ  – નામ અને ક્રિયાપદ, નામનાં જાતિ અને વચન, ક્રિયાપદના કાળ અને અર્થ, જુદાં જુદાં પદોના પરસ્પર સંબંધ દર્શાવવા માટે પણ અસમર્થ હતા.

આ ઉપરાંત બીજી મુશ્કેલી સંકેતોની વિપુલતાની હતી. દરેક વિચાર માટે જુદા જુદા સંકેતો જેમાં હોય એવી લેખનપદ્ધતિવાળી ભાષામાં અસંખ્ય સંકેતો હોય. ચીની ભાષામાં આશરે 45,000 સંકેતો છે, જેમાંથી 9,000 જેટલા સંકેતો પ્રયોજાય છે.

પ્રાચીન ચીની વિચારસંકેતોને અર્વાચીન ચીની ભાષાના સંકેતો સાથે સરખાવી શકાય, જેનાં દૃષ્ટાંતો નીચે મુજબ છે :

મેસોપોટેમિયાના ચિત્રસંકેત :

લાંબા સમય સુધી કોઈ પણ લેખનપદ્ધતિ માત્ર વિચારસંકેતમૂલક રહી નહિ. ઇજિપ્તની હાઇરોગ્લાઇફિક અને પ્રાચીન મેસોપોટેમિયાની વિચારસંકેત-લિપિ વિકાસ પામતાં પામતાં ધ્વન્યાત્મક બનતી ગઈ. ધ્વન્યાત્મક ભાષા શ્રાવ્યરૂપે પ્રત્યેક જાતિને અતિ પુરાતન પ્રાગૈતિહાસિક કાળથી પ્રાપ્ત થઈ હતી. પ્રત્યેક પદાર્થનું ભાષામાં ધ્વન્યાત્મક નામ હતું જ. લેખનમાં ચિત્ર રૂપે એ પદાર્થ અંકિત થતાં ચિત્ર એ પદાર્થના નામથી ઓળખાવા લાગ્યું. એ નામ ચિત્રની એક ધ્વન્યાત્મક સંજ્ઞા બની રહી અને એ ધ્વનિસમૂહની લેખનસંજ્ઞા એ ચિત્રસંકેત બની. આમાંથી ધ્વન્યાત્મક લેખન-પદ્ધતિ(Phonetic writing)નો પ્રારંભ થયો. ભાષાના ધ્વનિઓનું સંજ્ઞા દ્વારા આલેખન એ માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્વનું સોપાન હતું.

ચિત્રધ્વનિસંકેતો રીબસ’ (rebus) : વિચારસંકેત(ideograph)માંથી મૂળાક્ષરો વિકસતાં વચ્ચે રીબસ કે ચિત્રધ્વનિસંકેતની એક સ્થિતિ આવી હોવાનો પૂરો સંભવ છે. ચિત્રો દ્વારા એ ચિત્રોનાં નામના ધ્વનિઓ દ્વારા – કોઈ વ્યક્તિનું નામ કે શબ્દ દર્શાવાય તેને ‘રીબસ’ કહે છે. ‘રીબસ’માં જે ચિત્રો આલેખેલાં હોય છે તે એ પદાર્થને દર્શાવવા નહિ પરંતુ એ પદાર્થના નામના ધ્વનિ વ્યક્ત કરવા માટે આલેખાયેલાં હોય છે; ઉ. ત., મધ્યયુગના ઇંગ્લૅન્ડમાં એક સમયે વ્યક્તિઓનાં કુળ-નામ દર્શાવવા ‘રીબસ’નો ઉપયોગ થતો. ઑક્સફર્ડ યુનિવર્સિટીની પરિચાયક સંજ્ઞામાં બળદ(ox)ને નદીના છીછરા ઉતરાણ(ford)માંથી પસાર થતો દર્શાવેલો જોવા મળે છે. ‘રીબસ’માંથી મૂળાક્ષરમાં પરિવર્તન થવું સહજ હતું. ભાષાવિકાસના સાહજિક ક્રમે ચિત્રસંકેતમાંથી ધ્વનિસંકેતમાં રૂપાંતર થયું હશે. જે ચિત્રસંકેત પહેલાં પદાર્થનું સમગ્ર નામ વ્યક્ત કરતો, તે પછી કાળક્રમે એ નામના ધ્વનિઓમાંથી પ્રથમ ધ્વનિનો નિર્દેશ કરતો થયો; ઉ. ત., ઇજિપ્તની હાઇરોગ્લાઇફિક લિપિમાં સિંહનો ચિત્રસંકેત પ્રથમ ‘labo’ નામ વ્યક્ત કરતો, એ પછી માત્ર ‘l’ વ્યક્ત કરતો થયો. બાળક જ્યારે ચિત્રપટ જોતાં જોતાં ‘કમળ’નો ‘ક’, ‘ખડિયા’નો ‘ખ’, ‘પતંગ’નો ‘પ’ વગેરેમાં તે તે અક્ષરની આકૃતિ પણ ધ્યાનમાં રાખે છે. જોકે આ ધ્વન્યાત્મક ચિત્રસંકેતોમાં સંકેતોની સંખ્યા પરિમિત જ હોય, જ્યારે વિચારો અપરિમિત છે. આથી એક જ સંજ્ઞા દ્વારા અનેક વિચારો દર્શાવવા આવશ્યક છે; ઉ. ત., કીલાકૃતિ-લેખનમાં ‘ગોળ’ આકૃતિ માત્ર ‘સૂર્ય’ જ નહિ, પણ સાથે સાથે ‘પ્રકાશ’, ‘દિવસ’ અને ‘ધવલતા’નું પ્રતીક છે. હાઇરોગ્લાઇફિક ચિત્રસંકેતોમાં આંખનું ચિત્ર ‘આંખ’ ઉપરાંત ‘દૃષ્ટિ’, ‘જ્ઞાન’ વગેરે વિચારો દર્શાવે છે. તે ભાષાઓમાં આ વિચારોનાં ધ્વન્યાત્મક નામ જુદાં જુદાં હોય છે. આથી ઉપરનાં પ્રતીકોને એની મુખ્ય ધ્વનિસંજ્ઞાઓ ઉપરાંત બીજી અનેક નવી ધ્વનિસંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે.

ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ (The Alphabet) : ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ એ લેખનની સૌથી વધુ વિકસિત પદ્ધતિ છે. આજે સભ્ય જગતમાં એનો ઉપયોગ લગભગ સાર્વત્રિક છે. ચિત્રાલેખનમાંથી ક્રમે ક્રમે વિકાસ પામતાં પામતાં પાંચ સોપાનો પસાર કરીને ધ્વન્યાત્મક વર્ણમાળાનો ઉદભવ થયો છે :

1. સૌપ્રથમ ચિત્રો સરળ અને સંકેતરૂપ બન્યાં.

2. ત્યારબાદ એ ચિત્રસંકેતો માત્ર સામાન્ય મનોગત વિચાર પ્રગટ કરવાને બદલે તે તે પદાર્થોનાં ધ્વન્યાત્મક નામોના પ્રતીકરૂપ બન્યા.

3. એ પછી એમાંથી કેટલાક સંકેતો સમગ્ર શબ્દને બદલે એક એક વ્યંજન વ્યક્ત કરતા થયા.

4. પછી એ અલગ અલગ વ્યંજનનાં પ્રતીકો જ બાકી રહ્યાં, બાકીની શબ્દધ્વનિસંજ્ઞાઓ નષ્ટ થઈ.

5. આ વ્યંજનસમવાયમાં સ્વરસંજ્ઞાઓ ઉમેરાઈ અને એ રીતે ધ્વન્યાત્મક લેખનપદ્ધતિ અસ્તિત્વમાં આવી. આ પદ્ધતિનો પ્રારંભ ઈ. પૂ. 1600ના અરસામાં થયો હોવાનું જણાય છે.

ફિનિશિયન પ્રજા પાસેથી ગ્રીકોએ પોતાની ધ્વનિમાળા (alphabets) પ્રાપ્ત કરી એમ મનાય છે. ગ્રીકોએ ફિનિશિયન લેખનના જે વ્યંજનાત્મક અક્ષરસંકેતો (syllables) પોતાની ભાષામાં નહોતા તેમને સ્વરધ્વનિ તરીકે અપનાવ્યા. આ રીતે ફિનિશિયનના ‘A’, ‘O’ અને ‘I’ એ ત્રણે સ્વરયુક્ત વર્ણોને ગ્રીકોએ વર્તમાન ધ્વનિમૂલ્યવાળા સ્વર બનાવી દીધા. અને વ્યંજન સાથે જોડીને અક્ષર દર્શાવવાનો આરંભ કર્યો; ઉ.ત., TA, TO, TI વગેરે. જોકે ગ્રીક ભાષાના બધા સ્વરો માટે પૂરતી સંજ્ઞાઓ ગ્રીક લિપિમાં નિર્માણ થઈ શકી નથી અને સ્વરોનાં કાલમાન –  હ્રસ્વદીર્ઘનો ભેદ દર્શાવાયો નથી. પછીના સમયમાં બે પ્રકારના accents-સ્વરભાર – માટેનાં ચિહન અને કેટલાંક વિરામચિહનો યોજવામાં આવ્યાં હતાં.

ગ્રીકો પાસેથી આ ધ્વન્યાત્મક વર્ણમાળા ભૂમધ્ય સમુદ્રના કાંઠે વસતી પ્રજાએ અપનાવી. ઇટાલીમાં લૅટિન અને ઍટ્રુસ્કન પ્રજાઓએ અપનાવી. આ પ્રજા એશિયા માઇનોરમાંથી ઈજિપ્તને માર્ગે ઈ. પૂ. અગિયારમી સદીમાં ઇટાલીમાં જઈને વસી. એમની પાસેથી રોમનો(લૅટિન પ્રજા)એ ગ્રીક વર્ણમાળા પ્રાપ્ત કરી હશે. ઈ. પૂ. બીજી સદીમાં રોમનોએ ગ્રીસ જીત્યું ત્યારે રોમન સંસ્કૃતિ ઉપર ગ્રીક શિલ્પ, સ્થાપત્ય અને વર્ણમાળાનો પ્રભાવ પડ્યો. ગ્રીક ધ્વનિમાળા લૅટિન ધ્વનિઓ માટે લગભગ પર્યાપ્ત હતી.

જર્મન બોલનારી પ્રજાઓએ આ ધ્વનિમાળા થોડા ફેરફાર સાથે સ્વીકારી. એમની ધ્વનિમાળાને રુનિક વર્ણમાળા (Runic Alphabet) કહે છે. એમાં ધ્વનિક્રમ ગ્રીક-લૅટિનથી જુદો હતો. એ ઉપરાંત એમની ભાષામાં પ્રચલિત કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે નવી સંજ્ઞાઓ ‘थ्’, ‘उव्’, ‘य्’ ઉમેરવામાં આવી. ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આ પ્રજાઓએ ‘રુનિક’ છોડીને લૅટિન ધ્વનિમાળા સ્વીકારી. ચોથા સૈકામાં બિશપ ઉલફિલસે બાઇબલના અનુવાદ માટે જે ધ્વનિમાળા પ્રયોજી તેમાં કેટલીક ‘રુનિક’ સંજ્ઞાઓ હતી.

આ રીતે સ્લાવૉનિક પ્રજાઓ માટે સીરિલ (Cyril) અને મેથોડિયસે (methodius) ધ્વનિમાળા રચી. એમાં એમણે સર્બિયન જેવી સ્લાવૉનિક ભાષાના કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે વધારાની સંજ્ઞાઓ ઉમેરી. ઉલફિલસે યોજેલી ગૉથિક (જર્મેનિક) ધ્વનિમાળા ખૂબ નિશ્ચિત અને સુંદર હતી. સીરિલ અને મેથોડિયસે ઘડેલી સ્લાવૉનિક વર્ણમાળા પણ ઉત્તમ હતી.

પૂર્વના દેશોમાં અરમાઇક ધ્વનિમાળાનો પ્રસાર થયો. જેમ ઇજિપ્તના હાઇરોગ્લાઇફિક ચિત્રસંકેતોનું ઉત્તરકાલીન લિખિત હાઇએરૅટિક (Hieratic — પુરોહિતોએ સર્જેલી) વર્ણમાળામાં અને એમાંથી ડિમૉટિક (Demotic — બહુજન માટે) વર્ણમાળામાં ક્રમિક રૂપાંતર થયું હતું તેમ ફિનિશિયન લિપિમાં પણ થયું. એ લિપિના ખૂણા ત્વરિત લેખનમાં ગોળ બન્યા; અક્ષરોના છેડા વાંકા વળ્યા ને એ રીતે અરમાઇક લિપિ અસ્તિત્વમાં આવી. આ લિપિ ભારતમાં પણ પ્રયોજાઈ અને એમાંથી મધ્ય એશિયાની ઘણીખરી લિપિઓ ઊતરી આવી એમ મનાય છે. આજે કોરિયન લિપિમાં પણ એના અવશેષ મળે છે.

જગતની અગ્રગણ્ય લિપિઓ :

મિસરની હાઇરોગ્લાઇફિક લિપિ : મિસરના પ્રાચીન રાજવંશોનો ઇતિહાસ લગભગ ઈ. પૂ. 3000થી શરૂ થાય છે. પહેલા બે રાજવંશોના સમયમાં હાઇરોગ્લાઇફિક લિપિ (ઈ. પૂ. 3400—2475) પ્રચલિત હતી. ‘હાઇરોગ્લાઇફિક’ એટલે પવિત્ર અંકન. આ લિપિ ઘણે અંશે ચિત્રાત્મક હતી, છતાં એમાં ધ્વન્યાત્મક સ્વરૂપની પણ શરૂઆત થઈ ચૂકી હતી. આ લિપિનાં લખાણ શિલા પર કોતરાતાં. આથી એનાં સંકેતચિહનોમાં બહુ પરિવર્તન થતું નહિ. પરંતુ જ્યારે આગળ જતાં (પેપિરસ) કાગળ ઉપર લખવાનું શરૂ થયું ત્યારે એનું ઝડપથી લખાય તેવા મરોડોમાં પરિવર્તન થયું, જેને ‘હાઇએરૅટિક’ લિપિ કહે છે (ઈ. પૂ. 2160–1788). આગળ જતાં ઈ. પૂ. 1580 બાદ મિસરના પચીસમા રાજવંશના સમયમાં એનું વધુ ઝડપી સ્વરૂપ વિકસ્યું, જેને ડિમૉટિક લિપિ કહે છે. ‘હાઇએરૅટિક’ લિપિ પુરોહિતોનાં લખાણો માટે અને ડિમૉટિક લિપિ વેપાર-ઉદ્યોગ નિમિત્તના રોજિંદા વ્યવહારનાં લખાણો માટે પ્રયોજાતી. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ગ્રીક વેપારીઓ દ્વારા ગ્રીક લિપિ પ્રચલિત થઈ ને ઈ. પૂ. ચોથી સદીમાં મિસરમાં ગ્રીક વંશની સત્તાની સ્થાપના થતાં એ લિપિ મિસરની રાજલિપિ બની.

ઈ. સ. 1798માં ફ્રાન્સના નેપોલિયને મિસર ઉપર ચડાઈ કરી ત્યારે નાઇલ નદીના મુખ પાસે રોસેટા નામના સ્થળે સૈનિકોને એક કોતરેલી શિલા પ્રાપ્ત થઈ. એ શિલા પર ત્રણ લિપિઓમાં લેખ કોતરેલો હતો. એમાં સહુથી નીચેનું લખાણ ગ્રીક લિપિમાં હતું. એ લેખ ઈ. પૂ. 196નો હતો. આ લેખ હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયો છે. શિલા પરનો પહેલો લેખ હાઇરોગ્લાઇફિક લિપિમાં છે. એનો ઉપરનો ભાગ નષ્ટ થયો છે, પરંતુ આ લેખની એક બીજી નકલ પરથી એ નષ્ટ ભાગ પ્રાપ્ત થયો છે. વચ્ચેનું લખાણ ડિમૉટિક લિપિમાં છે. ઉપરનું અને વચ્ચેનું બંને લખાણ મિસરની ભાષામાં છે. ઇંગ્લૅન્ડના ટૉમસ યંગે આ બંને લેખ ઉકેલવા કોશિશ કરી ને ત્રણેય લેખોમાં અનેક વાર આવતાં વિશેષ નામોની તુલના પરથી કેટલાક શબ્દો વાંચવામાં સફળતા મળી. મિસરની ભાષાની જાણકારી ધરાવતા શેમ્પોલિયોએ મિસરના પ્રાચીન અભિલેખોનો વધુ અભ્યાસ કર્યો અને લેખો ઉકેલ્યા. લેપ્સિયસે શેમ્પોલિયોનું સંશોધન આગળ વધારી હાઇરોગ્લાઇફિક લિપિ ઉકેલવામાં સફળતા મેળવી. એ લિપિમાં ભાવચિહનો અને ધ્વનિચિહનોનું સંયોજન થયેલું છે. એમાં 24 ચિહનો વ્યંજનોના ધ્વનિ માટે વપરાયાં છે.

અ. પ્રાચીન મિસરની હાઇરોગ્લાઇફિક લિપિનાં સંકેતચિહન; આ. એ જ સંકેતચિહનો હાઇએરેટિક લિપિમાં; ઇ. ડાબી બાજુ હાઇરોગ્લાઇફિક લિપિમાં ‘તોલેમી’ શબ્દ, જમણી બાજુ એ જ શબ્દ ડિમૉટિક લિપિમાં.

મેસોપોટેમિયાની ક્યૂનિફૉર્મ (Cuneiform) કીલાક્ષર લિપિ : ક્યૂનિફૉર્મ લિપિ એ જગતની પ્રાચીનતમ લિપિ છે. એનો સહુથી જૂનો પ્રયોગ ઈ. પૂ. 4000ની આસપાસ મળે છે. સુમેરના પ્રદેશમાં આ લિપિ પ્રાચીન કાલથી પ્રચલિત હતી. અક્કડ દેશની પ્રજાએ પોતાની સેમેટિક ભાષા માટે એ લિપિ ઈ. પૂ. 3000ના અરસામાં અપનાવી ત્યારથી એ પશ્ચિમ એશિયાના બીજા દેશોમાં પણ પ્રચલિત થઈ. સમય જતાં એમાં ભાવચિહનોની સંખ્યા ઘટતી ગઈ અને ધ્વન્યાત્મક ચિહનોની સંખ્યા વધતી ગઈ. આગળ જતાં શ્રુત્યાત્મક સ્વરૂપમાં થઈ વર્ણાત્મક સ્વરૂપમાં આવી. એમાં પહેલાં જે 600 જેટલા સંકેત હતા તે ધીમે ધીમે ઘટીને 41 જેટલા રહ્યા. એ સમયે આ લિપિ ઈરાનના હખામની સામ્રાજ્યમાં પ્રચલિત હતી. આ રાજ્યની સ્થાપના ઈ. પૂ. સાતમી સદીમાં થઈ. તેના અભિલેખોના અક્ષર શંકુ કે ફાચરના આકારના હોઈ તેને ‘કીલાકાર’ કે ‘કીલાક્ષર’ કહે છે. ‘ક્યૂનિફૉર્મ’ શબ્દ સહુ પ્રથમ ઑક્સફર્ડ યુનિવર્સિટીના હિબ્રૂના પ્રાધ્યાપક ટૉમસ હાઇડે ઈ. સ. 1700માં પ્રયોજ્યો. ‘ક્યૂનિફૉર્મ’ની વ્યુત્પત્તિ લૅટિન શબ્દ ‘cuneus – a wedge’ શબ્દમાંથી થઈ છે. કેટલાકે આ લિપિ માટે arrow headed writing પ્રયોગ કરેલો. આ લિપિને જર્મનો keilschrift = wedge script અને આરબો  = nail writing તરીકે ઓળખે છે.

ક્યૂનિફૉર્મ લિપિમાં લખાયેલા શિલાલેખો સૌપ્રથમ ઈ. સ. 1472માં વેનિસિયન મુસાફર જોસાફેટ બારબરોએ પર્શિયામાં આવેલા રેચમેટ પર્વત પરના પર્શિયાના જૂના રાજનગરનાં મંદિરો, મહેલો વગેરેના પુરાતન અવશેષોમાંથી શોધ્યા. સને 1711માં ઍમ્સ્ટરડૅમમાં પ્રકાશિત થયેલ જૉન ચાર્ક્લિનના પ્રવાસવર્ણનના પુસ્તકમાં પર્સેપૉલિસનાં ખંડેરોમાંથી મળેલા શિલાલેખોમાંનો એક પ્રકાશિત થયો. આ શિલાલેખો પર્શિયન, સુસિયન અને બૅબિલોનિયન – એ ત્રણ ભાષાઓમાં લખાયેલા હતા અને એની લિપિ ક્યૂનિફૉર્મ હતી. 1765ના માર્ચમાં ડેન્માર્કના કાર્સ્ટેન નિએબુહરે પર્સેપૉલિસ જઈ ત્યાં ત્રણ અઠવાડિયાં સુધી લેખોની નકલ કરી 1777માં પ્રકાશિત કર્યા. આ લેખો ડાબીથી જમણી બાજુ લખેલા છે. કાર્સ્ટેને આ લેખોને ત્રણ વર્ગમાં વહેંચ્યા. પહેલા વર્ગમાં સમાવિષ્ટ લેખોમાં 42 ચિહનો મળ્યાં. તેના પછી રૉસ્ટૉકના ઑલેવ ટાઇરશેન અને કૉપનહેગનના ફ્રેડરિક મ્યુન્ટરે આ ક્યૂનિફૉર્મ લિપિ પર સ્વતંત્ર કાર્ય કર્યું. તેમણે ત્રાંસી રેખા વિશે સંશોધન કરીને જણાવ્યું. ત્રાંસી રેખા જે શંકુ આકારના અક્ષરોને અલગ પાડે છે તે શબ્દને છૂટો પાડવા માટેની હોય છે.

ઇંગ્લૅન્ડના મેજર હેનરી રોલિન્સનને પશ્ચિમ ઈરાનના બેહિસ્તૂન પ્રદેશમાં એક ગામમાં મોટી શિલા પર પર્શિયન, સુસિયન કે ઍલેમાઇટ અને બૅબિલોનિયન – એ ત્રણ લિપિઓમાં કોતરેલા લેખ મળ્યા. એમાંનો પહેલો લેખ પ્રાચીન ઈરાનની કીલાક્ષર-લિપિમાં હતો. આ લિપિ 1847 સુધીમાં સંપૂર્ણપણે ઉકેલાઈ. એમાં 4 સંકેત ભાવાત્મક અને 36 સંકેત ધ્વન્યાત્મક છે.

પર્શિયામાં બેહિસ્તુનના ખડક પર જમીનથી 152.4 મીટર ઊંચે રાજા દરાયસ અને બંધકોનું ચિત્ર તથા ઉપરની બાજુએ દેવ અહુર્મઝ્દનું શિલ્પાંકન કર્યું છે. તેની બાજુમાં જમણી તરફ ચાર મોટી શિલાઓ ઉપર લેખો કોતરેલા છે. આ શિલાલેખ એલામી અને બૅબિલોનિયન ક્યૂનિફૉર્મ લિપિમાં છે. એલામ એ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો હતો અને એની રાજધાની સુસા નગરમાં હતી. એની એલામી કે સુસિયન લિપિમાં 111 કીલાક્ષર છે. આ લિપિ વર્ણાત્મક કે ભાવાત્મક નહિ, પણ શ્રુત્યાત્મક છે.

આ બૅલિલોનિયન ક્યૂનિફૉર્મ લિપિમાં કોતરેલા કેટલાક લેખ બૅબિલોનનાં પ્રાચીન સ્થળોએ મળ્યા હતા. એસિરિયાની રાજધાની નિનેવેહમાં રાજા અસુર બેનિપાલ(ઈ. પૂ. 668–627)ના સંગ્રહાલયમાં માટીના ફલક પર બૅબિલોનિયન કીલાક્ષરોમાં કોતરેલા સંકેતો સાથે પ્રાચીન સુમેરી કીલાક્ષરોમાં પર્યાય પણ આપવામાં આવ્યા હતા. આથી જ્યારે બૅબિલોની કીલાક્ષર ઊકલ્યા ત્યારે એનાથી પણ વધુ પ્રાચીન એવા સુમેરી કીલાક્ષરોને ઉકેલવાના પ્રયત્નો થયા. આ મેસોપોટેમિયાની સહુથી પ્રાચીન કીલાક્ષરી લિપિ હતી. એમાં ભાવચિત્રોના ધ્વનિસંકેતો તરીકે ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ઓગણીસમી સદીમાં આ લિપિનાં સંકેતચિહનો પણ ઊકલ્યાં. છેલ્લાં 100 વર્ષોમાં ઈંટો, માટીના કોન અને સિલિન્ડરો ઉપર લખાયેલ કીલાક્ષર-લેખો ટાઇગ્રિસ અને યુફ્રેટીસના પ્રદેશોમાંથી બૅબિલોન, બોરસિપ્પા, નિનેવેહ, કલહ, અશુર, કિશ, લગશ, ચાલ્ડીસના ઉર વગેરે પ્રાચીન નગરોમાંથી મળ્યા છે.

લગશના રાજા ઇન્નાડુની કોતરેલી સ્મારક-તક્તીઓ રૂપે ઈંટો પ્રાપ્ત થઈ છે, જેના ઉપર પ્રાચીન કીલાક્ષર-લિપિના અક્ષરો મળે છે. રાસ એસ શમરા (સીરિયાના દરિયાકાંઠા ઉપર) નામના સ્થળેથી સીરિયાના એક ખેડૂતને ખેતર ખેડતાં માટીના કોન મળ્યા, જેના ઉકેલ માટે અને બીજા પ્રાચીન અવશેષોની ચકાસણી માટે 1928માં બે ફ્રેન્ચ પુરાવિદોને નીમવામાં આવ્યા. આ કોન પર દક્ષિણ બૅબિલોનિયામાં આવેલ પ્રાચીન સભ્યતાના સ્થળ લગશના ગવર્નર મખ્નીનું નામ હતું અને એના ઉપર સુમેરિયન ભાષામાં ને કીલાક્ષર-લિપિમાં લખાણ કોતરેલું હતું. આ કોનનો સમય ઈ. પૂ. 2350 હતો. લગશના પ્રસિદ્ધ ગવર્નર ગુડિયાના સમયની માટીમાંથી બનેલ કૉનના આકારની એક તક્તી કમ્બરલૅન્ડ ક્લાર્કના સંગ્રહમાં છે, જેના ઉપર સુમેરિયન કીલાક્ષર-લિપિમાં કોતરેલ લખાણ મળ્યું છે, જેમાં રાજા ગુડિયા દ્વારા નગરદેવતા નિંગિર્સુનું એનિન્નુ મંદિર બંધાવ્યાને લગતી વિગતો દર્શાવાઈ છે.

લગશના ગવર્નર ગુડિયાના સમયની માટીની કોન આકારની તક્તી – ક્યૂનિફૉર્મ લિપિ

બૅબિલોનના મહાન રાજા નેબ્રુશડ્નેઝર બીજા(ઈ. પૂ. 604–561નો એક માટીનો નળાકાર (સિલિન્ડર) મળ્યો છે, જે 5I ઇંચ લાંબો છે અને તેના પર બે કૉલમમાં કીલાક્ષર-લિપિ અને બૅબિલોનિયાની ભાષામાં લખાણ છે. આ રાજાએ સિપ્પરમાં શમશ દેવના મંદિરનું પુનર્નિર્માણ કર્યા અંગેનો લેખ અને લેખના અંતમાં દીર્ઘાયુષ્ય, સલામતી અને સફળતા માટે સૂર્યદેવની પ્રાર્થના કરેલી છે. આ રાજાનો બીજો માટીનો નળાકાર (સિલિન્ડર) કીલાક્ષર-લિપિમાં લખેલો મળે છે. આ નળાકાર 81 ઇંચ લાંબો છે. એનું લખાણ બે કૉલમમાં છે. એમાં રાજા નેબ્રુશડ્નેઝરનાં નામ અને બિરુદોથી આરંભ થાય છે. આ રાજાએ બંધાવેલ ઇસાગિલે – એઝીડા અને એબારાના મહેલો, સિપ્પારમાં શમશ દેવનું મંદિર, ઔષધની દેવી નિંકર્રકનાં મંદિરો વિશે વિગતો આપેલી છે.

બૅબિલોનના પ્રાચીન રાજવંશોના ગૃહવિક્રય, અને ગીરોખત, લોન, ધંધાકીય ભાગીદારી, લગ્ન, લગ્નવિચ્છેદ, બાળક દત્તક લેવું વગેરે બાબતોને લગતી કીલાક્ષર-લિપિની તક્તીઓ ઉપલબ્ધ છે. બૅબિલોનિયાના આઠમા વંશના રાજા નબુ-અપલ-ઇદ્દિને (લગ. ઈ. પૂ. 870) માટીની તક્તી ઉપર આલેખેલ પ્રાચીન સૂર્યમૂર્તિને સુવર્ણ અને ભૂરા રંગના પથ્થરના ટુકડાઓથી સજાવી તક્તીના નીચેના ભાગમાં ત્રણ કૉલમમાં પોતાનાં કાર્યોને બિરદાવતો કીલાક્ષર-લેખ કોતરાવ્યો છે. આ તક્તી સૂર્યદેવ તક્તી (sungod tablet) તરીકે ઓળખાય છે. એસિરિયામાં ઈ. પૂ. 1600થી ઈ. પૂ. 612 સુધી કીલાક્ષર-લિપિનો પ્રયોગ થયેલો છે.

લગશના રાજા એન્નાડુના સમયની ક્યૂનિફૉર્મ લિપિમાં કોતરેલી ઈંટો

બોન(જર્મની)ના ક્રિશ્ચિયન લેસને કીલાક્ષર-શિલાલેખોમાંનાં ભૌગોલિક નગરોનો અભ્યાસ કર્યો. બૅબિલોનની પૂર્વે 8 માઈલ દૂર આવેલ ઉત્તર અક્કડ પ્રદેશમાંથી 1911માં મળેલ એક તક્તી ઉપર ક્યૂનિફૉર્મ-લિપિમાં પ્રાચીન સુમેરના વંશોના રાજાઓનાં નામોની સૂચિ કોતરેલી છે. એ તક્તી ‘કિશ ક્રૉનિકલ’ તરીકે જાણીતી છે. 1906માં ડૉ. એચ. વિન્કલરે બોઘાઝકૂઈ ખાતે ઉત્ખનન કરતાં તેમાંથી ઈ. પૂ. ચૌદમી સદીની 20,000 તક્તીઓ શોધી કાઢી, જેમાંની કેટલીક બૅબિલોનિયન કીલાક્ષર-લિપિમાં અને કેટલીક હિટાઇટ ભાષામાં લખેલી હતી. એનાથી પણ પૂર્વકાલીન ઈ. પૂ. 2300 સુધીની માટીની તકતીઓ કપ્પાડોસિયામાંથી પ્રાપ્ત થઈ છે, જેના પર સેમિટિક વેપારીઓએ વેપારને લગતી કેટલીક બાબતો લખેલી છે. આમાંની કેટલીક તકતીઓ હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં સંગૃહીત છે.

બૅબિલોનના રાજા નેબોનિડસ(ઈ. પૂ. 538)નો માટીનો નળાકાર (સિલિન્ડર) : ક્યૂનિફૉર્મ-લિપિ

એસિરિયાની ઉત્તરમાં લાગેવાનની આસપાસ રહેતા ખાલ્ડિયનોએ પોતાના સાહિત્યમાં આ લિપિ પ્રયોજી છે. પર્શિયનોએ ઈ. પૂ. 538 પછી 40 ચિહનોવાળી આ લિપિના સરળ સ્વરૂપને પોતાની ભાષામાં અપનાવ્યું.

આમ કીલાક્ષર-લિપિમાં કોતરેલ માટીની તકતીઓ, સિલિન્ડરો અને કોન એ સહુથી પ્રથમ સંગૃહીત લિખિત દસ્તાવેજો છે. આ લિપિનો પ્રયોગ લગભગ 3,000 વર્ષ જેટલા દીર્ઘકાલ સુધી થયેલો જોવા મળે છે. ઈ. પૂ. પહેલી સદીના અંતભાગમાં આ લિપિ લુપ્ત થઈ.

પ્રાચીન ચીની લિપિનાં સંકેતચિહનો

ચીનની પ્રાચીન લિપિ : પ્રાચીન લિપિઓના સહુથી જૂના નમૂના મિસરમાં મળ્યા છે; પરંતુ લેખનસ્વરૂપની પ્રાચીનતા ચીની લિપિમાં સહુથી વધુ જળવાઈ રહી છે. ચીની લેખનના સહુથી પ્રાચીન નમૂના શાઙ્ કાલ(ઈ. પૂ. 1523–1027)માં પશુઓનાં અસ્થિ તથા કાચબાના કવચ ઉપર કોતરેલાં લખાણો રૂપે મળ્યા છે. ચીની અનુશ્રુતિ અનુસાર ચીની લિપિ ફૂ-હ્સીએ (લગ. ઈ. પૂ. 2850) શોધી હતી ને સમ્રાટ હુઆઙ્-તી(ઈ. પૂ. 2687)ના મંત્રી ત્સાઙ્-ચીએ એ લિપિમાં સુધારા કરીને એને સ્થાયી રૂપ આપ્યું હતું. ચીની બૌદ્ધ વિશ્વકોશ ‘ફા-યુઅન્-ચુ-લિન’(ઈ. સ. 668)માં જણાવ્યું છે કે ચીનમાં ત્સાઙ્ની લિપિ પ્રચલિત છે, જે ઉપરથી નીચે લખાય છે. ચીની અનુશ્રુતિ મુજબ આ લિપિ બહુધા કાચબો, માણસ, પશુ, પક્ષી, માછલી, સર્પ, પર્વત, નદી, સૂર્ય, ચંદ્ર, ઘર વગેરે પદાર્થોના આકારોની રૂપરેખા દ્વારા પદાર્થોને વ્યક્ત કરતી ચિત્રલિપિના સ્વરૂપની હોવાનું સ્પષ્ટ થાય છે. આ લિપિના અક્ષર એકાક્ષરી છે. મંત્રી લિ-સ્સુએ (ઈ. પૂ. 213) ચીની લિપિને 3,300 જેટલા સંકેતોમાં સંયોજિત કરી હતી. હાલ ચીની લિપિમાં 50–60 હજાર જેટલા ચિત્રસંકેત છે. આથી આ લિપિ શીખવા માટે ઘણો લાંબો સમય લાગે છે. મુદ્રણકાર્ય પણ અટપટું બની રહે છે. આથી ચીનની વર્તમાન સરકાર સંકેતોની સંખ્યા ઘટાડી રહી છે. ત્યાંની રાષ્ટ્રભાષા માટે રોમન લિપિના પાયા પર એક નવી વર્ણાત્મક લિપિ પ્રયોજવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

જાપાનની પ્રાચીન લિપિઓ : જાપાનમાં ત્રીજી સદીમાં કોરિયા મારફતે ચીની લિપિ પ્રચલિત થઈ. જાપાની લિપિના સંકેત ભાવ-ચિત્રાત્મક છે ને સમય સમય પર અપનાવેલાં ચીની ભાવચિત્રો પરથી પ્રયોજાય છે. આઠમી સદીમાં જાપાનમાં એક શ્રુત્યાત્મક લિપિ પ્રયોજાઈ. એને ‘કાતાકાના’ કહે છે. એના પહેલા અક્ષર ‘અ’, ‘ઇ’, ‘ઉ’, ‘એ’ અને ‘ઓ’ છે. નવમી સદીમાં અહીં બીજી એક લિપિ પ્રચલિત થઈ. એને ‘હિરાકાના’ લિપિ કહે છે. એના  પહેલા ત્રણ અક્ષર ‘ઇ’, ‘રો’ અને ‘હા’ છે. એના સંકેત ચીની ભાવચિત્રો પરથી થયેલા છે. આ બંને લિપિઓમાં માત્ર 50 અક્ષર-સંકેત છે; છતાં લખવામાં આ લિપિ પણ ઘણી અટપટી છે.

એશિયામાઇનોરની હિત્તી લિપિ : સ્વિટ્ઝર્લૅન્ડના બર્કહાર્ડ અરબી સંસ્કૃતિનો અભ્યાસ કરવા અરબ દેશોના પ્રવાસે ગયા. સીરિયાના હામા શહેરમાં એમને કોઈ પ્રાચીન લિપિમાં કોતરેલી શિલા જોવા મળેલી. આવી બીજી શિલાઓ આગળ જતાં ઉપલબ્ધ થઈ. સીરિયાના ઇતિહાસપ્રેમી સૂબા પાશાએ શિલાઓ મ્યુઝિયમમાં મુકાવી. અભ્યાસ પરથી આ લેખો હિત્તી લોકોના હોવાનું માલૂમ પડ્યું. બોઘાઝ-કૂઈ નામના સ્થળે ઉત્ખનન કરતાં ક્યૂનિફૉર્મ લિપિમાં કોતરેલાં ઘણાં ફલક મળ્યાં. હિત્તી ભાષાનો અભ્યાસ કરતાં એ ભાષા ભારત-યુરોપીય કુળની માલૂમ પડી, ને હિત્તી કીલાક્ષર પણ ઊકલ્યા; પરંતુ કેટલાક હિત્તી લેખ ચિત્રલિપિમાં હતા અને કેટલાક કીલાક્ષર-લિપિમાં હતા. આ લિપિ ઉકેલવા માટે ઘણા વિદ્વાનોએ પ્રયત્ન કર્યા અને સફળતા મળી. ફિનિશિયન લિપિ અને હિત્તી ચિત્રલિપિમાં લખાયેલ દ્વિભાષી શિલાલેખની પ્રાપ્તિ પછી ફિનિશિયન લેખની તુલના પરથી હિત્તી લિપિ ઉકેલવામાં સરળતા પ્રાપ્ત થઈ.

ક્રીટની પ્રાચીન લિપિઓ : ગ્રીસની દક્ષિણે અને એશિયા માઇનોરની પશ્ચિમે ક્રીટ ટાપુ આવેલો છે. એના પાટનગર ક્નોસોસમાં ખોદકામ કરતાં બે-ત્રણ લિપિવાળા પ્રાચીન લેખ શૈલમુદ્રાઓ રૂપે પ્રાપ્ત થયા. એમાં એક ચિત્રલિપિ હતી, જે લગભગ ઈ. પૂ. 2000–1650માં પ્રયોજાતી. ક્નોસોસના મહેલમાંથી પ્રાપ્ત માટીની મુદ્રાઓ ઉપર ચિત્રાત્મક અને રેખાત્મક બંને પ્રકારની મિનોઅન લિપિમાં અક્ષરો કોતરેલા છે. એમાંની રેખાત્મક લિપિ લગભગ ઈ. પૂ. 1750થી 1400 દરમિયાન પ્રચલિત હતી. આ રેખાત્મક લિપિના બે તબક્કા હતા. બીજા તબક્કાની લિપિ ઉકેલવામાં ઇંગ્લૅન્ડના માઇકલ વૅન્ટ્રિસે ઘણો પ્રયત્ન કર્યો. અક્ષરોનું પૃથક્કરણ અને તુલનાત્મક અધ્યયન કરતાં જણાયું કે આ લેખ ગ્રીક ભાષાના આદ્ય સ્વરૂપમાં લખાયા છે. વૅન્ટ્રિસને ભાષાશાસ્ત્રી ચાડવિકની મદદથી ક્રીટની આ પ્રાચીન લિપિ ઉકેલવામાં સફળતા મળી.

રેખાત્મક લિપિના પહેલા તબક્કાના અક્ષરો ઉકેલવા માટે ઘણા પ્રયત્નો થયા છે; પરંતુ હજુ એ લિપિ પૂરેપૂરી ઉકેલાઈ નથી. એની પહેલાંની ચિત્રલિપિ પણ હજુ અણઊકલી રહી છે.

માટીના ફલક પર ક્રીટની બીજા તબક્કાની રૈખિક લિપિનો આદ્ય ગ્રીક ભાષામાં લખાયેલ લેખ

પશ્ચિમ એશિયાની સેમિટિક લિપિઓ : પશ્ચિમ એશિયાના દક્ષિણ ભાગમાં સેમિટિક કુળની લિપિઓ પ્રચલિત હતી. એમાં મુખ્ય બે પ્રકારની લિપિઓ છે : 1. ઉત્તરી સેમિટિક અને 2. દક્ષિણી સેમિટિક.

ઉત્તર સેમિટિક લિપિઓમાં અક્કદી, બૅબિલોની અને એસિરિયન લિપિઓ પૂર્વ ભાગમાં પ્રયોજાતી. હિબ્રૂ, ફિનિશિયન, આરમાઇક જેવી લિપિઓ પશ્ચિમ ભાગમાં પ્રયોજાતી.

પ્રાચીન પૅલેસ્ટાઇનમાં ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીના કેટલાક નાના ખંડિત લેખ મળ્યા છે, જેમાં માત્ર 14 અક્ષર જ મળે છે. આ લેખોની લિપિ વર્ણાત્મક હોવાનું જણાય છે. મિસરની ઉત્તર-પૂર્વે આવેલા સિનાઈ ટાપુમાં પણ આવા પ્રાચીન લેખ મળ્યા છે, જે સેમેટિક કુળની ભાષામાં છે. ઈ. પૂ. 1લી સહસ્રાબ્દીમાં આ પ્રદેશમાં પ્રાચીન હિબ્રૂ ભાષા અને લિપિ પ્રચલિત હતી, જે ઉત્તર સેમિટિક કુળની હતી. આ લિપિમાં 22 અક્ષર હતા.

ઉત્તર સેમિટિક કુળની મહત્વની લિપિ ફિનિશિયન લિપિ છે. ફિનિશ પ્રદેશમાં ઈ. પૂ. પહેલી સહસ્રાબ્દીના થોડા લેખ મળ્યા છે. ફિનિશ લોકોએ ભૂમધ્ય સમુદ્રના તટ પરનાં નગરોમાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં. ત્યાં ઘણા ફિનિશ લિપિના અભિલેખ મળ્યા છે. આ લિપિ જમણીથી ડાબી બાજુ લખાતી. યુરોપની ઘણી લિપિઓ આ લિપિમાંથી ઉદભવી છે. સાઇપ્રસ દ્વીપમાં મળેલા ફિનિશિયન લિપિના લેખ ઈ. પૂ. નવમી સદીના છે.

મેસોપોટેમિયાના ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં ઉત્તર સેમિટિક કુળની આરમાઇક લિપિ પ્રચલિત હતી. આરમાઇક લોકો દક્ષિણપશ્ચિમ અરબસ્તાનથી મેસોપોટેમિયા ગયા હતા. તેમનું રાજ્ય ઈ. પૂ. તેરમીથી ઈ. પૂ. આઠમી સદી સુધી ચાલ્યું. એ પછી તેમની ભાષા અને લિપિ એશિયાની આંતરરાષ્ટ્રીય ભાષા અને લિપિ બની. ઈરાનના હખામની સામ્રાજ્યની એ રાજભાષા તથા રાજલિપિ બની. આ લિપિમાં કોતરેલ સહુથી જૂનો લેખ સીરિયાના ઉત્તર ભાગમાં સિન્દજિર્લીમાંથી પ્રાપ્ત થયો છે, જે ઈ. પૂ. નવમી સદીનો છે. એસિરિયામાં મહત્વના દસ્તાવેજો માટીની તકતીઓ ઉપર કીલાક્ષર-લિપિમાં લખાતા; પરંતુ અનુક્રમણિકાના અક્ષરો આરમાઇક લિપિમાં લખેલા મળ્યા છે. આરમાઇક અક્ષરો વૃત્તાકાર હોય છે. તક્ષશિલાનાં ખંડેરોમાં પણ આરમાઇક લિપિના લેખ મળ્યા છે. હિબ્રૂ લિપિ આરમાઇક લિપિમાંથી ઈ. પૂ. બીજી સદીમાં વિકસી છે. આ લિપિમાં લખેલી અનેક હસ્તપ્રતો 1947માં મળી છે. હિબ્રૂ લિપિમાં 22 અક્ષર છે અને એ જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે.

દક્ષિણ સેમિટિક કુળની લિપિઓ અરબસ્તાનમાં પ્રચલિત હતી. આ કુળની લિપિઓમાં દક્ષિણ અરબસ્તાનની લિપિઓ વધુ પ્રાચીન છે. એ લિપિઓના લેખ ઈ. પૂ. છઠ્ઠી સદીના ને એનીય પહેલાંના છે. એમાં સાબી લિપિ સહુથી પ્રાચીન છે. એમાં કુલ 29 અક્ષર છે. એ લેખોમાં અરબી બોલીનું આદ્યરૂપ જોવા મળે છે.

ઉત્તર અરબસ્તાનમાં પ્રયોજાતી નબાતી લિપિમાંથી હાલની અરબી લિપિ બની છે. અરબી લિપિ ઇસ્લામના ઉદય પહેલાં ઘડાઈ હતી. એની મુખ્ય બે શૈલીઓ છે : કૂફી અને નસ્ખ. કૂફી શૈલી મેસોપોટેમિયાના વિદ્યાકેન્દ્ર કૂફા અને બસરામાં પ્રચલિત હતી, જ્યારે નસ્ખ શૈલી મક્કા અને મદીનામાં વપરાતી. અરબી લિપિમાં 28 અક્ષર છે. ફારસી ભાષા માટે એમાં બીજાં ચાર ચિહન ઉમેરાયાં ને ઉર્દૂ માટે વળી બીજાં 3 ચિહન ઉમેરાયાં. અરબી લિપિ જમણીથી ડાબી બાજુ લખાય છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં ઈરાની સામ્રાજ્યના શાસન દરમિયાન આરમાઇક લિપિ પરથી ખરોષ્ઠી લિપિ વિકસી. આ લિપિ ઈ. સ.ની શરૂઆતની સદીઓમાં ધીમે ધીમે લુપ્ત થઈ. મુસ્લિમ સમયનાં અરબી લખાણો દસ્તાવેજોમાંથી મળે છે. કૂફી શૈલી શિલાલેખો અને સિક્કાઓ પરનાં લખાણો પૂરતી મર્યાદિત રહી. કુરાને શરીફની સુશોભિત હસ્તપ્રતો તૈયાર કરવા માટે કૂફી શૈલી પ્રયોજાતી. રોજિંદા વ્યવહારમાં ઝડપથી લખવા માટે નસ્ખ શૈલીનો પ્રયોગ થયો. નસ્ખ શૈલીનાં લક્ષણોમાં થોડા ફેરફાર કરી બીજી પાંચ શૈલીઓ ઘડાઈ : 1. મુહક્કક, 2. રેહાન, 3. થુલ્થ, 4. તૌકીઅ અને 5 રિકાઅ. નસ્ખ અને એમાંથી નીકળેલી આ પાંચ શૈલીઓ ‘છ કલમ’ તરીકે ઓળખાય છે. 13મા સૈકામાં ઈરાનમાં ‘તાલીક’ નામે એક નવી શૈલી ઘડાઈ. આ શૈલી ઈરાનમાં બે સૈકા સુધી ખૂબ પ્રયોજાઈ. ચૌદમી સદીમાં નસ્ખ અને તાલીકના સમન્વયમાંથી ‘નસ્તાલીક’ નામે નવી શૈલી ઘડાઈ. સુલેખન શૈલીનું સહુથી આલંકારિક સ્વરૂપ તુગ્રા શૈલીમાં જોવા મળે છે. લેખનના અક્ષરોના વળાંકોમાં છૂટ લઈ એમાં બાજ, વાઘ, હાથી, ઘોડો વગેરે પશુપંખીના આકાર કાઢવામાં આવે છે. એમાં ‘નાદે અલી’નું સૂત્ર સહુથી વધુ પ્રચલિત છે. ભારતમાં તુગ્રા શૈલીનું સુંદર અને કલાત્મક સ્વરૂપ બંગાળના શિલાલેખોમાં જોવા મળે છે.

હખામની રાજ્યમાં અભિલેખો કીલાક્ષર-લિપિમાં કોતરાતા. વહીવટી ભાષા માટે આરમાઇક લિપિ પ્રયોજાતી. ઈ. પૂ. ત્રીજી સદીમાં આરમાઇક લિપિમાંથી પહલવી લિપિ ઘડાઈ.

ઈરાનમાં જરથોસ્તી ધર્મના અવેસ્તા ગ્રંથ માટે પાંજદ લિપિ પ્રયોજાઈ. એમાં 47 વર્ણ છે. આ લિપિ પ્રાય: પહલવી લિપિ પરથી ઘડાઈ છે.

બુખારા–સમરકંદવાળા સોગ્દ પ્રદેશ (હાલના ઉઝબેક)માં સોગ્દી લિપિ વિકસી હતી. તે મધ્ય એશિયાના ઘણા દેશોમાં પ્રચલિત હતી.

મૉંગોલિયામાં રહેતા ઉઇગુર લોકોની લિપિ સોગ્દી લિપિ પરથી બની છે. એમાં માત્ર 14 અક્ષર છે. સ્વર લખાતા નથી. મંગોલ અને મંચૂ લિપિ ઉઇગુર લિપિમાંથી ઉદભવી છે.

ગ્રીક લિપિ : યુરોપની લિપિઓમાં સહુથી જૂની ગ્રીક લિપિ છે. એના લેખ ઈ. પૂ. 800 સુધીના મળે છે. આ લિપિ ઈ. પૂ. 1000ના અરસામાં ઉદભવી હોવાનું જણાય છે. એના જૂના લેખ જમણી બાજુથી ડાબી બાજુ કોતરાયા છે. ઈ. પૂ. 500થી આ લિપિના લેખ ડાબી બાજુથી જમણી બાજુ લખાયા. ઉત્તર સેમેટિક લિપિના 22માંથી 11 અક્ષર આ લિપિમાં અપનાવાયા છે. અમુક વ્યંજનોમાંથી પાંચ સ્વર ઉપજાવ્યા છે. કેટલાક ધ્વનિઓ માટે નવા અક્ષર-સંકેત રચાયા. એમાં કુલ 24 અક્ષર છે. યુરોપમાં 1752માં સૌપ્રથમ પેપિરસ ઉપરનું ગ્રીક લખાણ શોધાયું. ઇજિપ્તમાં 1778માં ગ્રીક લિપિવાળાં 40થી 50 જેટલાં ઓળિયાં શોધાયાં છે. 1820માં મેમ્ફીસમાં સેરાપિયમ સાઇટ પરથી ઈ. પૂ. બીજી સદીનાં ગ્રીક લખાણો મળ્યાં છે.

ફિનિશિયનો પાસેથી ગ્રીકોએ પોતાની ધ્વનિમાળા પ્રાપ્ત કરી એમ મનાય છે. ફિનિશિયન વર્ણમાળાનાં બે સ્વરૂપો  મોએબાઇટ (ઈ. પૂ. નવમી સદી) અને સિડોનિયન(ઈ. પૂ. છઠ્ઠી સદી)માંના મોએબાઇટ સ્વરૂપમાંથી ગ્રીક વર્ણમાળાનો ઉદય થયો. કેટલાક પુરાતત્વવિદો ઇજિયન સંસ્કૃતિ પાસેથી પુરાતન ગ્રીસે મૂળાક્ષરપદ્ધતિ મેળવી એમ પ્રતિપાદિત કરે છે; છતાં ફિનિશિયન મૂળાક્ષરોની ગ્રીક મૂળાક્ષરો ઉપર પુષ્કળ અસર પડી છે અને ગ્રીકોએ આ મૂળાક્ષરો ફિનિશિયન કહ્યા છે. ગ્રીક મૂળાક્ષરોનાં નામો પણ ફિનિશિયન છે. ગ્રીકોએ ફિનિશિયન લેખના જે વ્યંજનાત્મક અક્ષરસંકેતો પોતાની ભાષામાં નહોતા તેમને સ્વરધ્વનિ તરીકે અપનાવી લીધા. આ રીતે ફિનિશિયનમાંના A, O અને I એ ત્રણેય સ્વરયુક્ત વર્ણોને ગ્રીકોએ એમના વર્તમાન ધ્વનિમૂલ્યવાળા સ્વરો બનાવી દીધા અને વ્યંજન સાથે એમને જોડીને અક્ષર દર્શાવવાનો આરંભ કર્યો; ઉ. ત., TA, TO, TI વગેરે. ગ્રીકોએ વર્તમાન અંગ્રેજી લિપિના કુલ 26 કૅપિટલ મૂળાક્ષરોમાંથી 22 જેટલા વિકસાવ્યા. આમ છતાં ગ્રીકો પોતાની ભાષાના બધા સ્વરો માટે પૂરતી સંજ્ઞાઓ નિર્માણ કરી શક્યા નહિ અને હ્રસ્વદીર્ઘનો ફરક દર્શાવી શક્યા નહિ. ઉત્તરકાલમાં એમણે એમના બે પ્રકારના સ્વરાઘાત (accent) માટેનાં ચિહન તેમજ કેટલાંક વિરામચિહનો યોજ્યાં હતાં.

ઇટાલીની એટ્રુસ્કન લિપિ : ઇટાલીમાં રોમનોની પહેલાં એટ્રુસ્કન પ્રજા વસતી હતી. આ પ્રજા એશિયા માઇનોરમાંથી ઇજિપ્તને માર્ગે ઈ. પૂ. અગિયારમી સદીમાં ઇટાલીમાં જઈને વસી હતી. ગ્રીકો પાસેથી એટ્રુસ્કનોએ ગ્રીક ધ્વન્યાત્મક વર્ણમાળા અપનાવી. એટ્રુસ્ક્ધા ભાષાનું સ્વરૂપ 1971માં બંધ બેસાડી શકાયું. એ ભાષા એશિયા માઇનોરની હિત્તી ભાષાને મળતી આવે છે.

એટ્રુસ્કન પ્રજા પાસેથી રોમનો(લૅટિનો)એ ગ્રીક ધ્વનિમાળા પ્રાપ્ત કરી હોવાનું મનાય છે. ઈ. પૂ. બીજી સદીમાં રોમનોએ ગ્રીસ જીત્યું; ત્યારે રોમન સંસ્કૃતિ ઉપર ગ્રીક શિલ્પ, સ્થાપત્ય અને વર્ણમાળાનો પુન: પ્રભાવ પડ્યો. ગ્રીક ધ્વનિમાળા લૅટિન ધ્વનિઓ માટે લગભગ સંપૂર્ણપણે પર્યાપ્ત હતી. ગ્રીકમાં C [k] તેમજ [g] બંને ધ્વનિઓ દર્શાવાતા; તેમાં લૅટિનોએ સુધારો કરીને [g] માટે C ઉપરથી – સંજ્ઞા બનાવી અને Cને [k] ધ્વનિ માટે રાખ્યો. Q, X, Z અને K વર્ણોનો વ્યવહારમાં ક્વચિત્ ઉપયોગ રોમનો કરતા. F ગ્રીકમાં w ધ્વનિ દર્શાવતો, તે લૅટિન F ધ્વનિ બન્યો. Y, V, U ત્રણેય ગ્રીક upsilon[u]નાં રૂપાન્તર હતાં. સ્વરોની હ્રસ્વદીર્ઘતા સંબંધે લૅટિનમાં અવ્યવસ્થા હતી. સ્વરસંજ્ઞા ઉપર દીર્ઘતાસૂચક ચિહન મૂકીને કે સ્વરને બેવડાવીને સ્વરની દીર્ઘતા દર્શાવાતી; ઉ. ત., વર્તમાન અંગ્રેજીમાં bazar કે bazaar. લૅટિનમાં સ્વરાઘાતસૂચક ચિહનો મૂકવાની આવશ્યતા નહોતી. આ લિપિમાં કુલ 26 અક્ષર હતા. પશ્ચિમ યુરોપની ઇટાલિયન, સ્પેન, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને રુમાનિયન ભાષાઓએ રોમન લિપિ અપનાવી. રોમન સામ્રાજ્ય અને ખ્રિસ્તી ધર્મના પ્રસારને લીધે લૅટિન ભાષા અને લિપિના પ્રસારને વેગ મળ્યો.

ઓગણીસમી સદીના અંતભાગમાં રોમમાં લૅટિન લિપિમાં કોતરેલા ત્રણ અવશેષો પ્રાપ્ત થયા :

1. ક્વિરનિલ અને વિમનિલ ટેકરીઓ ઉપર 1880માં માટીનો એક વિચિત્ર આકારનો પ્રાચીન કુંજો પ્રાપ્ત થયો, જેની મધ્યમાં ત્રણ જુદાં જુદાં મુખવાળાં પાત્રો જોડાયેલાં હતાં. આ કુંજાની ત્રણેય બાજુ અને મુખની નીચે લૅટિનમાં લેખ કોતરેલો છે. લખાણ ઉપરથી ઈ. પૂ. ચોથી સદીના આરંભનો લેખ લાગે છે. ડ્વેનોસ (Dvenos) અભિલેખ તરીકે ઓળખાતા આ લેખના સૂત્રધાર ડ્વેનોસે જમણીથી ડાબી બાજુએ લેખ લખ્યો હોય એમ જણાય છે.

2. પ્રેનેસ્ટ(રોમ પાસે)માંથી 1887માં સુવર્ણના બનેલા પગના હાડકાના આકારના ફિબ્યુલા (fibula) ઉપર લૅટિનમાં જમણીથી ડાબી બાજુએ લેખ કોતરેલો છે. આ લેખ ઈ. પૂ. છઠ્ઠી સદીનો જણાય છે. એમાં નીચે મુજબ લખાણ છે : MANIOS MED FHEFHAKED NVMASIOS – Manius made me for Numasius

ફિબ્યુલા ઉપરનું લૅટિન લખાણ

3. 1899માં રોમન ફોરમના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્તંભની ચારેય બાજુ રોમની લૅટિન લિપિમાં કોતરાયેલો લેખ મળ્યો છે. સ્તંભનો ઉપરનો ભાગ તૂટી ગયો છે. એનો સમય ઈ. પૂ. છઠ્ઠી સદીનો જણાય છે.

જર્મેનિક ભાષા બોલનારી પ્રજાઓએ આ લૅટિન ધ્વનિમાળા કેટલોક ફેરફાર કરીને સ્વીકારી. એમની ધ્વનિમાળાને રુનિક વર્ણમાળા કહે છે. એમાં ધ્વનિક્રમ ગ્રીક-લૅટિનથી જુદો હતો. ઉપરાંત એમની ભાષામાં પ્રચલિત કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે વિશિષ્ટ નવી સંજ્ઞાઓ ઉમેરવામાં આવી હતી. ખ્રિસ્તી ધર્મની અસર તળે આવ્યા પછી આ જર્મેનિક પ્રજાઓએ રુનિકને બદલે લૅટિન ધ્વનિમાળા સ્વીકારી. જોકે બિશપ ઉલફિલસે ચોથી સદીમાં બાઇબલના અનુવાદ માટે જે ધ્વનિમાળા યોજી તેમાં કેટલીક રુનિક સંજ્ઞાઓ હતી.

પૂર્વ યુરોપની સ્લાવૉનિક પ્રજાઓ માટે સિરિલ અને મેથોડિયસ ધ્વનિમાળા ઘડી. એમાં તેઓએે સર્બિયન જેવી સ્લાવૉનિક ભાષાના કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ માટે વધારાની સંજ્ઞાઓ ઉમેરી. ઉલફિલસે યોજેલી ગૉથિક (જર્મેનિક) ધ્વનિમાળાની જેમ નવમી સદીમાં ગ્રીક લિપિમાંથી ઘડાયેલી આ સ્લાવૉનિક વર્ણમાળા પણ સુંદર હતી.

સેર્વિયન અને રશિયનોએ સિરિલિક લિપિના વર્ણોનો પ્રયોગ કર્યો. દેવળોમાં પ્રાચીન ધાર્મિક ભાષાના પ્રયોગમાં ક્રોએશિયાના રોમન કૅથલિકોએ ગ્લૅગોલિટિક વર્ણોનો પ્રયોગ કર્યો. આ ગ્લૅગોલિટિક વર્ણો પ્રાચીન બુલ્ગેરિયન, અર્થાત્ પ્રાચીન ધાર્મિક સ્લાવૉનિક વર્ણોમાંથી વ્યુત્પન્ન થયા છે. ગ્લૅગોલિટિક લિપિના વર્ણો સિરિલિક વર્ણો કરતાં વાંચવા અઘરા હતા. આ વર્ણો ક્રોએશિયા અને ક્વૉર્નેરો ટાપુઓમાં સત્તરમી સદી સુધી સામાન્ય હેતુઓ માટે પ્રયોજાતા.

ઇટાલીની ઍટ્રુસ્કન વર્ણમાળામાંથી ટ્યુટૉનિક રુનિક અક્ષરો વ્યુત્પન્ન થયા છે. એના લેખો ઉત્તર ઇટાલીમાં મળ્યા છે. ડેનિશ વિદ્વાન એલ. એફ. એ. વિમરના મતે ટ્યુટૉનિક અક્ષર ઈ. સ.ની બીજી સદીના અંતમાં પ્રયોજાતા લૅટિન અક્ષરોમાંથી વિકાસ પામ્યા. લાકડાની પાતળી ચીપો પર કેટલાંક ચિહન કોતરાતાં. સફેદ કપડામાં તે એકઠી કરવામાં આવતી અને કુશળ વ્યક્તિ ચીપ ઉઠાવીને એમાંથી ભાગ્ય વાંચતી. હેમ્પલના મતે ટ્યુટૉનિક અક્ષરો પશ્ચિમી ગ્રીક અક્ષરોમાંથી ઈ. પૂ. 600ની આસપાસ વ્યુત્પન્ન થયા. એ અક્ષરો સૅબેલિક અને ઉત્તરી ઍટ્રુસ્કન વર્ણો સાથે મળતા આવતા હતા. ઇસાક ટેઇલરે આ અક્ષરો કાળા સમુદ્રની ગ્રીક વસાહતના વર્ણોમાંથી વ્યુત્પન્ન થયા હોવાનું જણાવ્યું.

બ્રિટન અને આયર્લૅન્ડના કેલ્ટિક લોકો ઑગમ-વર્ણોનો ઉપયોગ કરતા હતા. વૅલ્સના ઑગમ-લેખોમાં ઈ. સ. પાંચમી–છઠ્ઠી સદીનું લૅટિન લખાણ લખાતું. ઑગમ-અક્ષરોનાં ચિહ્નો નાની ઊભી રેખાનાં બનેલાં હતાં. પ્રાચીન કથાઓમાં વીરનું યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ થતું ત્યારે તેમની કબૂર ખોડી નાનો પથ્થર ઊભો કરવામાં આવતો અને ઑગમ-અક્ષરોમાં એ પથ્થર ઉપર વીરનું નામ કોતરાતું.

સાઇબીરિયાના પ્રદેશમાં ગ્રીક અક્ષરોને મળતા આવતા ફ્રિજિયન વર્ણો પ્રયોજાતા.

મય લિપિ : મધ્ય અમેરિકામાં પ્રાચીન કાલમાં જે સભ્યતા વિકસી હતી તેમાં ‘મય’ સભ્યતા પ્રસિદ્ધ છે. એનો વિકાસ લગભગ ઈ. પૂ. 1000માં થયો હતો. મય સભ્યતાના પાષાણ-સ્મારક પર કોતરેલા અનેક લેખ મળે છે. એ લિપિમાં કુલ 340 સંકેત છે. ‘મય’ લિપિમાં કુલ 340 સંકેત છે. આ લિપિ પૂરેપૂરી વર્ણાત્મક નથી, તેમ ભાવચિત્રાત્મક પણ નથી. પૂરી શ્રુત્યાત્મક પણ નથી. એમાં ત્રણેય સ્વરૂપોનું સંયોજન થયું છે. આ લિપિને ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા છે. હજુ એનો સર્વસંમત ઉકેલ પ્રાપ્ત થયો નથી.

ભારતીય લિપિઓ :

હડપ્પીય લિપિ : ભારતમાં સહુપ્રથમ જે લેખનનાં ઉદાહરણો મળે છે. તે મોહેં-જો-દડો અને હડપ્પા(ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી)ના પુરાતન અવશેષો રૂપે પ્રાપ્ત થયેલ માટીની પકવેલી લખાણયુક્ત મુદ્રાઓ અને મુદ્રાંકો છે. પશ્ચિમ પંજાબમાં હડપ્પા પાસેના ખંડેરોના ટીંબામાંથી જનરલ કનિંગહમને 1853–56 દરમિયાન મુદ્રાઓના નમૂના મળેલા, પરંતુ ત્યાં ખોદકામનો આરંભ 1921માં થયો. બીજે વર્ષે સિંધમાંના મોહેં-જો-દડોના ટીંબામાં પણ એવા અવશેષો મળી આવતાં ત્યાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. આ બે સ્થળોએ આવી હજારો મુદ્રાઓ મળી છે, જેમાં એક-બે લીટીનું ટૂંકું લખાણ જોવા મળે છે. આ મુદ્રાઓ બીબા રૂપે હોઈ તેમાં અક્ષર ઊલટા મરોડમાં ઊંડા કોતરેલા હોય છે. સૂલટા મરોડવાળા મુદ્રાંકોના પણ જૂજ નમૂના મળ્યા છે. ગુજરાતમાં પણ હડપ્પીય સભ્યતાના સ્થળ લોથલ(જિ. અમદાવાદ)માંથી આવી મુદ્રાઓ મળી છે. આ ઉપરાંત તાંબાની કેટલીક વસ્તુઓ, માટીનાં વાસણો વગેરે ઉપર આ લિપિના સંકેત મળે છે. મોટા ભાગનું લખાણ સેલખડી, ચિનાઈ માટીની મુદ્રાઓ પર મળે છે. એ આકારમાં ચોરસ છે. મેસોપોટેમિયાના નળાકારોના આકારની મુદ્રાઓ પણ મળી છે. વેપાર માટેની ગાંસડીઓ પર લગાવવાની છાપ માટે આ મુદ્રાઓ વપરાતી હોવાનું જણાય છે.

હડપ્પીય સભ્યતાની લિપિ પદાર્થ-આકૃતિમૂલક (schematic) અને સરળ રેખાંકિત (linear) છે. ડૅવિડ ડિરિન્જરના જણાવ્યા મુજબ આ લિપિ અને જેમાંથી ક્યૂનિફૉર્મ લિપિ તેમજ પ્રાચીન ઍલેમાઇટ લિપિ નીકળી એનો કોઈ આદિમ પુરાતન લિપિ વચ્ચે સંબંધ હોવો જોઈએ.

હડપ્પીય લિપિનાં લખાણોમાં આવતાં જુદાં જુદાં ચિહનોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની તથા એમાં ઉમેરાયેલાં માત્રાચિહનોની ગણતરી કરવાની કોશિશ થઈ છે. ડૉ. હન્ટરે કરેલા પૃથક્કરણ અને વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા 234 થઈ છે ને એમાં મૂળાક્ષરો સંખ્યા 102 છે. ડૉ. દાનીએ કરેલા પૃથક્કરણમાં 27 ચિત્રાક્ષરો, 27 ભૌમિતિક ચિહનો, કેટલાંક અંકચિહનો, કૌંસો અને બે જાદુઈ પ્રતીકો છે ને મૂળાક્ષરોમાં આંતરિક તથા બાહ્ય માત્રાઓ ઉમેરાઈ છે તેમજ કેટલાક મૂળાક્ષરોને બીજા મૂળાક્ષરો સાથે જોડેલા છે. મૂળાક્ષરોમાં સ્વરચિહનો અને સ્વરભારચિહનો જેવાં ચિહન ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંના કેટલાક ચિત્રાત્મક છે. એ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના દ્યોતક માનવામાં આવ્યા છે; ઉ.ત., મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. અનેક શબ્દોને અંતે આવતી અમુક સંજ્ઞાઓને વિભક્તિના પ્રત્યય ધારવામાં આવ્યા છે. આ લિપિમાંના ઘણા અક્ષર ચિત્રાત્મક ન હોઈ એનુ્ં સ્વરૂપ પૂર્ણત: ચિત્રાત્મક રહ્યું ન હોવાનું જણાય છે. કેટલાક વિદ્વાનો એમાં ભાવાત્મક અને ધ્વન્યાત્મક ચિહનો હોવાનું ધારે છે. તો કોઈ એને પ્રધાનત: શ્રુત્યાત્મક માને છે. ચિહનોની સંખ્યા પરથી ફલિત થાય છે કે આ લિપિ જેમ પૂર્ણત: ચિત્રાત્મક નથી તેમ બ્રાહ્મી વગેરેની જેમ પૂર્ણત: વર્ણાત્મક પણ નથી.

અક્ષરોના મરોડ પરથી તેમજ તેના ક્રમ પરથી આ લિપિના લખાણની દિશા નક્કી કરવાનો પ્રયત્ન થયો છે. એના અક્ષર ઉપરથી નીચે જતા મરોડના છે ને આડી લીટીમાં લખાય છે. આ લિપિનાં લખાણ મોટેભાગે એક નાની લીટી જેટલાં, કેટલીક વાર સવા કે દોઢ લીટી જેટલાં ને ક્વચિત્ ત્રણ લીટી જેટલાં ટૂંકાં હોય છે. આમાંનાં એક લીટીનાં લખાણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતાં; જ્યારે લખાણ બે લીટીનાં હોય તો તેની પહેલી લીટી જમણી બાજુથી ડાબી બાજુ અને બીજી લીટી ડાબી બાજુથી જમણી બાજુ લખાતી હોવાનું જણાયું છે. આ પદ્ધતિમાં કલમ જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ સળંગ ચાલુ રહે છે. ખેતર ખેડતી વખતે બળદ દર ચાસે દિશા ઉલટાવતો રહી સળંગ કદમ ભરે છે તેમ આ લિપિમાં દર લીટીએ દિશા ઉલટાવીને કલમની સળંગ ગતિનો સતત ઉપયોગ કરવામાં આવે છે. આથી આ પદ્ધતિને બલિવર્દ-આવર્તન પદ્ધતિ (boustrophedon) કહે છે. બેવડા કાંઠાવાળા ઊંચા વાસણના ઘાટનો એક અક્ષર, જે કેટલાય લેખોની લીટી પૂરી થતાં વધેલા અક્ષર તરીકે લેખનો છેલ્લો અક્ષર ઠરે છે. એ અક્ષર લખાણ પૂરું થતાં ડાબી બાજુએ છેલ્લો લખેલો હોય છે.

હડપ્પીય લિપિની સંજ્ઞાઓને ઉકેલવાનો પ્રયાસ વિદ્વાનોએ કર્યો છે. હડપ્પીય સભ્યતા મુખ્યત્વે દ્રવિડ પ્રજાની હોવાનું ધારીને કેટલાકે એના આકારોનાં પ્રાચીન તમિળ નામો પરથી લખાણોનો અર્થ તારવવા પ્રયત્ન કર્યો છે; ફાધર હેરાસે કોઈ કોઈ લેખોમાં તો પદ્ય-રચના દર્શાવી એને માત્રાઓની પણ ગણતરી કરી છે. જોકે દ્રવિડ ભાષાઓનું એટલું પ્રાચીન સ્વરૂપ હાલ ઉપલબ્ધ નથી.

બીજા કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃતિ જેવી હોવાનું ધાર્યું છે, ને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિનાં પ્રાચીનતમ ચિહનો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે. આ લિપિનાં કેટલાંક ચિહન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકારસામ્ય ધરાવે છે તેમજ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહનો ઉમેરવાની પદ્ધતિ જણાય છે. વળી ઐતિહાસિક કાલની એ પ્રાચીનતમ ભારતીય લિપિ આદ્ય-ઐતિહાસિક કાલની આ અણઊકલી લિપિમાંથી ઊતરી આવી હોય એ સંભવિત છે; છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબો ગાળો રહેલો છે અને બે લિપિઓ વચ્ચેના આંતરિક સામ્યની પ્રતીતિ થતી નથી. ડૉ. પ્રાણનાથ, સ્વામી શંકરાનંદ તથા ડૉ. બરુઆ જેવા કેટલાકે તાંત્રિક ચિહનોની રીતે ઉકેલવા પ્રયત્ન કર્યો છે. એમના મતે આ લિપિ વર્ણમાળાત્મક છે. 1971માં એસ. આર. રાવે ફિનિશિયન લિપિ સાથેના સામ્યના આધારે આ લિપિ ઉકેલવા પ્રયત્ન કર્યો છે. હડપ્પીય લિપિને અન્ય પ્રાચીન દેશોની સમકાલીન લિપિઓ સાથે સરખાવીને એને ઉકેલવાના તર્ક પણ થયા છે. વેડેલે સુમેરિયન લિપિના આધારે પ્રો. બી. હ્રોજનીએ હિટાઇટ લિપિના આધારે અને 1934માં હેવેસીએ ઈસ્ટર ટાપુની લિપિના આધારે તેને ઉકેલવા કોશિશ કરી છે. કેટલાકે આ લિપિનાં ચિહનોમાં શાક્ત કે તાંત્રિક સંપ્રદાયમાં છે તેવાં ગૂઢ સંકેતચિહનો ઘટાવીને એનાં લખાણો વાંચવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ કોઈ મંતવ્ય પ્રતીતિકર નીવડ્યાં નથી. ડૉ. ફતેહસિંહે હડપ્પીય લિપિમાં બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદોનાં પ્રતીક શોધ્યાં. સુધાંશુકુમાર રાયના મતે સિન્ધુ લિપિ વર્ણમાળાત્મક છે. વ્હી. એન. કૃષ્ણરાવે હડપ્પીય સભ્યતાની પશુપતિ-મુદ્રાના લિપિસંકેતોમાં ‘મખનાશન’ (ઇન્દ્ર) શબ્દ શોધ્યો. ફિનલૅન્ડ અને રશિયાના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રૉનિક ગણક-યંત્રોની મદદથી આ લિપિના કેટલાક સંકેતોનો અર્થ ઉકેલવા પ્રયાસ કર્યો છે.

લેખનકળાની દૃષ્ટિએ આ લિપિના અક્ષર મૌર્યકાલીન બ્રાહ્મી લિપિના અક્ષરોની જેમ સીધા, સ્પષ્ટ અને સુંદર મરોડના હોવાથી ડૉ. લૅંગ્ડને આ લિપિને બ્રાહ્મીની જનેતા માનીને બ્રાહ્મી લિપિના अ, इ, ई, ओ, क, ग, घ, छ, ज, ट, त, थ, प, ब, म, य, र, ल અને व એ 19 અક્ષરોને આ લિપિના જેવા આકારના અક્ષરોમાંથી ઉત્પન્ન થયેલા માને છે. ડૉ. સુનીતિકુમાર ચૅટરજી જેવા કેટલાક વિદ્વાનો પણ આ મતનું સમર્થન કરે છે. એમાં તેઓ અનેક અક્ષરોના નિકટના સાદૃશ્ય ઉપરાંત વ્યંજનોમાં સ્વરચિહનો ભેળવવાનો સિદ્ધાંત બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ જોવા મળે છે. એ મુદ્દા ઉપર ભાર મૂકે છે.

હડપ્પીય સભ્યતાની મુદ્રાઓ ઉપરનું લખાણ

હડપ્પીય સભ્યતાની લિપિને જગતની અન્ય પુરાતન લિપિઓ સાથે પણ સરખાવી જોવામાં આવી છે. અરબસ્તાનની સેબિયન લિપિના કેટલાક અક્ષર આ લિપિના અક્ષરો સાથે સામ્ય ધરાવે છે. આ લિપિના લગભગ બધા મનુષ્યાકાર અક્ષર સમકાલીન મિસરની લિપિના અક્ષરોને ઘણા મળતા આવે છે. જોકે લિપિના સામાન્ય મરોડ પરથી આ લિપિ મિસર કરતાંય સુમેરની લિપિ સાથે વધુ સામ્ય ધરાવે છે. આથીય વધુ સામ્ય આદ્ય-એલમ લિપિ સાથે જોવામાં આવે છે. બલૂચિસ્તાન અને એલમની સમીપતા જોતાં આ સ્વાભાવિક લાગે છે. સુમેર, એલમ અને હડપ્પાની લિપિઓ કોઈ આદ્ય-એશિયાઈ લિપિમાંથી વ્યુત્પન્ન થઈ હોય એમ પણ બને.

લોથલમાંથી પ્રાપ્ત મુદ્રા પરનું લખાણ

લોથલમાંથી પ્રાપ્ત મુદ્રાંકો પરનું લખાણ

જો હડપ્પીય લિપિના અક્ષર ઊકલે તો એમાંથી ઘણી મહત્વની માહિતી પ્રાપ્ત થાય. આ લિપિ અને ભારતીય બ્રાહ્મી લિપિનો સંબંધ છે કે નહિ તે નિશ્ચિત થાય ને એની ભાષાને સંસ્કૃત, પ્રાકૃત કે દ્રવિડ જેવી પ્રાચીન ભાષા સાથે કેવો સંબંધ છે તે જાણી શકાય. આ ઉપરાંત વિશેષ નામો પરથી લોકોની જાતિ, એમની ધાર્મિક કે વ્યાપારી માહિતી મળે ને એ મુદ્રાઓનો તથા એના પરથી આકૃતિઓનો ઉદ્દેશ જાણી શકાય. જોકે આ લિપિના લેખ પટ્ટિકાઓ અને મુદ્રાઓ પર અંકિત કરેલા છે અને બહુ ટૂંકા છે. આથી કોઈ મહત્વની સામાજિક કે રાજકીય માહિતી મળવાનો સંભવ નહિ હોવા છતાં એ લિખિત અવશેષોના લખાણની લિપિ, ભાષા અને હકીકતને આધારે અનેક પ્રશ્નો ઊકલી શકે તેમ છે.

ખરોષ્ઠી લિપિ : ખરોષ્ઠી લિપિ એ સેમિટિક વર્ગની લિપિ છે. આ લિપિનો પ્રયોગ ભારતમાં મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત કાળમાં થયો છે.

ઈરાની સામ્રાજ્યની સત્તા હેઠળના ગાંધાર પ્રદેશમાં (ઈ. પૂ. 321) એ સમય દરમિયાન જે ઈરાની ઢબના ચાંદીના ગોળ સિક્કા પડતા, તેના પર બ્રાહ્મી લિપિનો કે ખરોષ્ઠી લિપિનો એકેક અક્ષર મુદ્રાંકિત કરાતો. આ સિક્કાઓ સિગ્લોઈ (Sigloi) તરીકે ઓળખાતા. એ કંદહાર (અફઘાનિસ્તાન) અને સિસ્તાન(ઈરાન)માં મળ્યા છે. મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ શૈલલેખોની બે નકલ શાહબાઝગઢી (જિ. પેશાવર) અને મનસેહરા(જિ. હઝરા)માંથી પ્રાપ્ત થઈ છે, જે ખરોષ્ઠી લિપિમાં કોતરેલી છે. આ લેખો લગભગ ઈ. પૂ. 256ના છે. મૌર્યકાલ પછી ભારતના આ પ્રદેશોમાં બાહલિક યવન, શક-પહલવ, ક્ષત્રપ, કુષાણ વગેરે વિદેશી રાજવંશોનું શાસન પ્રવર્ત્યું. તેમના સિક્કાની એક બાજુ પર પ્રાકૃત લખાણ ખરોષ્ઠી લિપિમાં કોતરાતું. આ સિક્કાઓનો સમય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી સુધીનો છે. એ વિદેશી રાજ્યોના કેટલાક અભિલેખ માટી, પથ્થરનાં પાત્રો, તક્તીઓ, શિલાઓ, મૂર્તિઓ; સોના, ચાંદી અને તાંબાનાં પાત્રો પર કોતરેલા છે અને એ ગાંધાર પ્રદેશમાં તક્ષશિલા (હાલની શાહઢેરી), પુષ્કલાવતી (હાલની ચારસદ્દા), અફઘાનિસ્તાનમાં વર્ડક અને હિડ્ડી (જલાલાબાદથી 5 માઈલ દક્ષિણમાં) અને મથુરામાંથી મળ્યા છે. આ લેખો ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની પાંચમી સદી સુધીના છે. અફઘાનિસ્તાનના એક સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલ ભૂર્જપત્રો ઉપર આ લિપિ આલેખાઈ છે. ખોતાન(ચીની તુર્કસ્તાન)માંથી આ લિપિમાં લખાયેલ બૌદ્ધ ગ્રંથ ધમ્મપદની ઈ. સ.ની બીજી-ત્રીજી સદીની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. ડૉ. સર ઑરલ સ્ટાઇનને ચીની તુર્કસ્તાન(મધ્ય એશિયા)માંથી લાકડાના ફલક અને ચામડા પર લખેલાં (ઈ. સ. ત્રીજી સદીનાં) ખરોષ્ઠી લખાણ મળ્યાં છે. ખરોષ્ઠીમાં લખેલ છૂટક લેખ મુલતાન પાસે ભાવલપુર, મથુરા અને કાંગડા(હિમાચલ પ્રદેશ)માં મળ્યા છે. આમ આ લિપિનો પ્રયોગ અને પ્રસાર ગંધાર અને તેની આસપાસના પ્રદેશોમાં થયો હતો.

આરંભમાં આ લિપિને વિદ્વાનોએ ‘બૅક્ટ્રિયન’, ‘ઇન્ડોબૅક્ટ્રિયન’, ‘બૅક્ટ્રૉ-પાલી’, ‘કાબુલી’, ‘ગાંધારી’ વગેરે સંજ્ઞાઓ આપી હતી. પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ ‘લલિત-વિસ્તર’(ઈ. સ.ની બીજી સદી)માં જે 64 લિપિઓનાં નામ આપ્યાં છે તેમાં પહેલી અને બીજી લિપિ ક્રમશ: બ્રાહ્મી અને ખરોષ્ઠી છે. સાતમી સદીના ચીની બૌદ્ધ વિશ્વકોશમાં પણ બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. એ વિશ્વકોશમાં બ્રાહ્મી લિપિ ડાબીથી જમણી બાજુ અને ખરોષ્ઠી લિપિ જમણીથી ડાબી બાજુ લખાતી હોવાનો ઉલ્લેખ છે. એનું મૂળ નામ ‘ખરોષ્ટ્રી’ હતું, પણ ‘ખરોષ્ઠી’ નામ પછી રૂઢ થઈ ગયું.

‘ખરોષ્ઠી’ શબ્દની ઉત્પત્તિ અંગે એક તર્ક એવો થયો છે કે ખર (= ગર્દભ) અને ‘પોસ્ત’ (ઈરાનિયન શબ્દ posta = ચામડું) ઉપરથી ખરોષ્ઠ શબ્દ નીકળ્યો છે. ખરોષ્ઠીનો અર્થ ‘ગર્દભના ચામડા પરનું લખાણ’ એવો થાય. એની વધારે સંભવિત વ્યુત્પત્તિ ખરોષ્ઠ કે ખરોટ્ઠ નામના આચાર્ય દ્વારા સંસ્કરણ પામેલી લિપિ તે ખરોષ્ઠી  એવું લાગે છે.

ભારતમાં ચર્મપટ પરના લખાણની પરંપરા નથી. કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં અને સુબંધુની ‘વાસવદત્તા’માં ચર્મ પર લખવાનો ઉલ્લેખ મળે છે. પશ્ચિમ એશિયા અને મધ્ય એશિયામાં લખાણના સાધન તરીકે ચર્મપટોનો પ્રયોગ થતો.

ઉત્પત્તિ : ઈ. પૂ. 500ના અરસામાં ગાંધાર પ્રદેશ પર ઈરાનના હખામની શાસકોનું રાજ્ય હતું અને રાજકાજ માટે ઉત્તર સેમિટિક કુળની આરમાઇક ભાષા અને લિપિનો પ્રયોગ થતો. આથી ગાંધારવાસીઓએ પોતાની પ્રાકૃત ભાષા માટે આરમાઇક લિપિના આધારે એક કામચલાઉ લિપિ બનાવવાનો નિર્ણય કર્યો. આરમાઇક લિપિમાં સ્વરો માટે ચિહન નહોતાં. માત્ર ‘અલિફ્’નું ચિહન હતું, જેનો ઉપયોગ ‘અ’ તરીકે કરવામાં આવતો. ખરોષ્ઠી લિપિના નિર્માતાઓએ આરમાઇક લિપિના ‘અલિફ્’ને ‘અ’ અક્ષર માન્યો. ‘અ’ અક્ષર સાથે ચાર પ્રકારની માત્રાઓ જોડી એમાંથી इ, उ, ए અને ओ સ્વરો માટે અક્ષર બનાવ્યા; પરંતુ आ, ई, ऊ, ऐ તથા ऋ સ્વરો અને તેની માત્રાઓ માટે સંકેત બનાવ્યા નહિ. આથી ખરોષ્ઠીમાં આ સ્વરો અને એની માત્રાઓવાળા વ્યંજન મળતા નથી. ખરોષ્ઠી લિપિના 11 અક્ષરો — क, ज, द, न, व, य, र, व, ष, स અને ह –  સમાન ધ્વનિવાળા આરમાઇક અક્ષરો સાથે સવિશેષ મળતા આવે છે. આ લિપિનો મરોડ મેસોપોટેમિયાનાં તોલાં તથા ત્યાંની મુદ્રાઓ અને તક્તીઓ પરના આરમાઇક અક્ષરોના મરોડને મળતો આવે છે. આરમાઇક લિપિની જેમ આ લિપિ જમણીથી ડાબી બાજુ લખવામાં આવતી. આ લિપિમાં માત્ર 22 અક્ષરો જ હતા અને એમાં સ્વરોની અપૂર્ણતા હતી. સ્વરો અને એમની માત્રાઓમાં હ્રસ્વ-દીર્ઘનો ભેદ નહોતો. સંયુક્તાક્ષરો બહુ થોડા હતા અને તેમની આકૃતિઓ પણ વિલક્ષણ હતી. એથી સંસ્કૃત-લેખન માટે તો એ તદ્દન નિરુપયોગી હતી; પણ એમાં બૌદ્ધોનાં કેટલાંક પ્રાકૃત પુસ્તકો લખાયાં છે. આમ ઉત્તરીય પ્રદેશના ભારતીયોએ ઈ. પૂ. પાંચમી સદીની આસપાસ આરમાઇક લિપિના અક્ષરોમાં ઘટતો ફેરફાર કરી, જરૂરિયાત અનુસાર એમાં અક્ષરો ઉમેરી, સ્વરસંયોજન કરીને રાજકીય કામકાજ ને વેપાર આદિની સગવડો માટે આ ખરોષ્ઠી લિપિ બનાવી. ટૉમસ, ટેલર, કનિંગહમ, બ્યૂલર જેવા લિપિવિદોએ ખરોષ્ઠીની  ઉત્પત્તિ આરમાઇક લિપિમાંથી થઈ હોવાનું પ્રતિપાદિત કર્યું. ડૉ. રાજબલિ પાંડેયે ખરોષ્ઠી લિપિ ઉત્તર પશ્ચિમ ભારતમાં જ ઉત્પન્ન થઈ હોવાનું સૂચવ્યું છે.

મૂળાક્ષરોનો વળાંકદાર મરોડ, લેખનની દિશા (જમણીથી ડાબી બાજુ) અને કેટલાક મૂળાક્ષરોનું સામ્ય સેમિટિક કુળની આરમાઇક લિપિની સ્પષ્ટ અસર સૂચવે છે, જ્યારે કેટલાક અક્ષરોના આકારમાં થયેલું પરિવર્તન, સાધિત અક્ષરચિહનો, સ્વરમાત્રાઓ, સંયુક્તાક્ષરોની પદ્ધતિ ભારતીય ભાષાને અનુરૂપ સુધારાવધારા સૂચવે છે. આમ ખરોષ્ઠી લિપિના ઘડતરમાં આરમાઇક લિપિ અને ભારતીય ભાષા એ બંનેનું સંયોજન થયેલું છે.

ખરોષ્ઠી લિપિ ઈ. સ.ની ત્રીજી સદી સુધી પંજાબના પ્રદેશમાં ચાલુ રહી અને એ પછી ભારતમાંથી લુપ્ત થઈ.

ખરોષ્ઠી લિપિના અક્ષરો

બ્રાહ્મી લિપિ : બ્રાહ્મી લિપિ એ સમસ્ત ભારતવર્ષની પ્રાચીન લિપિ છે ને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે અદ્યપર્યંત પ્રચલિત છે.

ફિનિશિયન, આરમાઇક, ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિના અક્ષરો (સંખ્યા 22)

બૌદ્ધ સાહિત્યના ‘લલિતવિસ્તર’ નામે સંસ્કૃત ગ્રંથ(ઈ. સ. 300 પહેલાં લખાયેલ)માં 64 લિપિઓની યાદી આપી છે. એમાં બ્રાહ્મી, ખરોષ્ઠી વગેરે ભારતીય લિપિવિશેષોનાં નામ છે. જૈન આગમગ્રંથો પૈકીના ‘સમવાયાંગસૂત્ર’ (અનુશ્રુતિ મુજબ લગભગ ઈ. પૂ. 300) અને ‘પણ્ણવણા સૂત્ર’(અનુશ્રુતિ પ્રમાણે લગભગ ઈ. પૂ. 168)માં 18 લિપિઓની યાદી આપેલી છે; જેમાં બંભી (બ્રાહ્મી), ખરોઠ્ઠી (ખરોટ્ઠી) લિપિઓનાં નામ છે. ચીની બૌદ્ધ વિશ્વકોશ ‘ફા યુઅન ચુ લિન’(ઈ. સ. 668)માં બ્રાહ્મી અને ખરોષ્ઠીનો ઉલ્લેખ છે. બ્રાહ્મી ડાબીથી જમણી તરફ અને ખરોષ્ઠી જમણીથી ડાબી તરફ લખાતી હોવાનું વર્ણન છે.

બ્રાહ્મી લિપિના લેખો સામાન્ય રીતે ઈ. પૂ. ચોથા અને ત્રીજા શતકથી મળે છે. મૌર્ય સમ્રાટ અશોકના શૈલલેખો બ્રાહ્મીમાં છે. એ પૂર્વે નેપાળની તરાઈના પિપ્રાવાના સ્તૂપમાંથી મળેલા એક પાત્ર ઉપરનો ખરોષ્ઠી લેખ ઈ. પૂ. પાંચમી સદીનો છે. ઈ. પૂ. પાંચમી સદી પહેલાં બ્રાહ્મીમાં લખાયેલ કોઈ લેખ મળ્યો નથી.

ચીની બૌદ્ધ વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર બ્રાહ્મી લિપિ બ્રહ્માએ ઉત્પન્ન કરેલી મનાતી. જૈન અનુશ્રુતિ મુજબ ઋષભદેવે એની ઉત્પત્તિ કરી ને તેમણે આ લિપિ પોતાની બ્રાહ્મી નામે પુત્રીને શીખવી. એથી એ બ્રાહ્મી નામે ઓળખાઈ. ‘બ્રાહ્મી’ શબ્દ ‘બ્રહ્મ’ પરથી ઉદભવ્યો છે ને સંસ્કૃતમાં ‘બ્રહ્મ’ શબ્દના અનેક અર્થ થાય છે. એનો એક અર્થ ‘બ્રાહ્મણ’ થાય છે ને એ પરથી આ લિપિ બ્રાહ્મણોની લિપિ હોઈ ‘બ્રાહ્મી’ કહેવાઈ એવું ધારવામાં આવ્યું છે. ‘બ્રહ્મ’નો અર્થ ‘વેદ’ પણ થાય છે ને એ પરથી ‘બ્રાહ્મી’ એટલે વેદના સંરક્ષણ માટે ભારતીય આર્યોએ શોધેલી લિપિ એવું પણ સૂચવાયું છે.

બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ : પાશ્ચાત્ય વિદ્વાનોના મતે ભારતમાં લેખનકળાની પ્રાચીનતા ઈ. પૂ. પાંચમી સદી સુધી જ માલૂમ પડે છે ને તેથી બ્રાહ્મી લિપિ કોઈ વિદેશી લિપિમાંથી ઉદભવી હોવાનું ધારવામાં આવ્યું છે. ડૉ. આલ્ફ્રેડ મૂલરે અનુમાન કર્યું કે સિકંદરના આક્રમણ સમયે ભારતના લોકોએ ગ્રીક લોકો પાસેથી લિપિજ્ઞાન મેળવ્યું. પ્રિન્સેપ અને સેનાર્ત જેવા કેટલાક વિદ્વાનોએ પણ આવી કલ્પના કરી. હેલેવીએ લિપિના બ્રાહ્મી અક્ષરોનો ઉદભવ ઈ. પૂ. ચોથી સદીના આરમાઇક, ખરોષ્ઠી અને ગ્રીક અક્ષરોમાંથી થયો હોવાનું સૂચવ્યું.

કેટલાક વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમિટિક કુળની લિપિઓમાંથી થઈ હોવાની કલ્પના કરી. વિલ્સન, ક્રસ્ટ, વિલિયમ જોન્સ, વેબર જેવા વિદ્વાનોએ બ્રાહ્મીનો ઉદભવ ઉત્તરી સેમિટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. સ્ટીવન્સને અનુમાન કર્યું કે બ્રાહ્મી લિપિ ફિનિશિયન લિપિમાંથી કે મિસરના અક્ષરોમાંથી બની હોય. ડીકેએ સૂચવ્યું કે બ્રાહ્મી લિપિ કોઈ પ્રાચીન દક્ષિણી સેમિટિક લિપિ દ્વારા એસિરિયાની કીલાક્ષર–ક્યૂનિફૉર્મ-લિપિમાંથી ઉત્પન્ન થઈ છે. એડવર્ડ ક્લૉડના મતે ફિનિશિયન લિપિમાંથી સેબિયન (હિમિયરેટિક) લિપિ નીકળી અને એમાંથી બ્રાહ્મી ઉત્પન્ન થઈ.

સને 1895માં ડૉ. બ્યૂલરે ‘The Origin of the Indian Brhm Alphabet’ પુસ્તકમાં વેબરના મતનું સમર્થન કરીને પ્રતિપાદિત કર્યું કે બ્રાહ્મી લિપિના ઘણા અક્ષરો પ્રાચીન ફિનિશિયન અક્ષરોમાંથી, કેટલાક મોઅબના રાજા મેશાના લૅમ્બના ફિનિશિયન અક્ષરોમાંથી અને પાંચ હજાર એસિરિયાનાં તોલાં પર કોતરેલા અક્ષરોમાંથી ઉદભવ્યા છે. મૅક્ડૉનાલ્ડ, બાર્નેટ વગેરેએ બ્યૂલરના મતનું અનુસરણ કર્યું. ડૉ. બ્યૂલરે બ્રાહ્મી લિપિના અક્ષર ફિનિશિયન અભિલેખોમાંના ઉત્તરી સેમિટિક અક્ષરોના પ્રાચીનતમ મરોડ સાથે ઘણું સામ્ય ધરાવે છે એમ દર્શાવી ફિનિશિયન લિપિના 22 અક્ષરોમાંથી બ્રાહ્મીના 23 અક્ષર તારવી બતાવ્યા, અને કેટલાક અક્ષરોમાંથી એની નજીકના બીજા 19 અક્ષર સાધિત કરી બતાવ્યા; જેમ કે,

અલેફ્માંથી     अ      ઝાઇનમાંથી     ज      મેમમાંથી       म

બેથમાંથી       ब       છેથમાંથી       छ      નૂનમાંથી       न, ञ

ગિમેલમાંથી     ग       થેથમાંથી       थ       સામેખમાંથી     स, ष

દાલેથમાંથી     घ       યોદમાંથી       य       આઈનમાંથી     ए

હેમાંથી          ह     કોફ્માંથી        क      પેમાંથી       प

વાવમાંથી       व       લામેદમાંથી     ल      ત્સાધેમાંથી      स

કાફ્માંથી        क      શિનમાંથી       श

રેશ્માંથી       र       તેયમાંથી       त

સાધિત કરેલા 19 અક્ષર :

सમાંથી ष               अમાંથી आ              डમાંથી ढ

धમાંથી द             उમાંથી ऊ               पમાંથી फ

दમાંથી ड                उમાંથી ओ               चમાંથી छ

थમાંથી ठ               एમાંથી ऐ               बમાંથી भ

ठમાંથી ट               लમાંથી ळ              जમાંથી झ

एમાંથી इ                नમાંથી ङ

वમાંથી उ                नમાંથી ण

આ રીતે બ્રાહ્મી લિપિના કુલ 42 અક્ષરોની ઉત્પત્તિ ડૉ. બ્યૂલરે દર્શાવી. ડૉ. બ્યૂલરના મતે બ્રાહ્મીના ઘણા મરોડ ઈ. પૂ. 890ના અરસાના ફિનિશિયન અક્ષરોના છે, જ્યારે  અને રૂ મેસોપોટેમિયાના ‘હે’ અને ‘તેય’ના ઈ. પૂ. આઠમી સદીની મધ્યના મરોડમાંથી ઉત્પન્ન થાય છે. स —  ष તથા श ઈ. પૂ. છઠ્ઠી સદીના આરમાઇક અક્ષરો સાથે મળતા આવે છે. આમ બ્રાહ્મી લિપિને પૂર્ણ સ્વરૂપ ઈ. પૂ. પાંચમી સદીમાં મળી ચૂક્યું હોવાનું જણાય છે.

પંડિત ગૌરીશંકર ઓઝાના મતે બ્રાહ્મી લિપિના અક્ષરોને તે તે વિદેશી લિપિના સમાન ઉચ્ચારણવાળા અક્ષરો સાથે સરખાવતાં ખરેખરું સામ્ય ભાગ્યે જ માલૂમ પડે છે. ફિનિશિયન લિપિના અક્ષરો પૈકી માત્ર એક જ અક્ષર ‘ગિમેલ’ બ્રાહ્મી લિપિના સમાનાર્થ અક્ષર સાથે સામ્ય ધરાવે છે. ડૉ. બ્યૂલરે ફિનિશિયન લિપિના 22 અક્ષરોમાંથી બ્રાહ્મી લિપિના 23 અક્ષર તારવી બતાવ્યા છે, તેમાં ‘ગિમેલ’ ग નો અપવાદ બાદ કરતાં ફિનિશિયન લિપિમાંથી બ્રાહ્મી લિપિના અક્ષરોની તારવણીની પ્રક્રિયા કૃત્રિમ અને પ્રયત્નસાધિત છે. આ રીતે તો જગતની કોઈ પણ લિપિમાંથી ગમે તે બીજી લિપિના અક્ષર તારવી શકાય. તક્ષશિલાની આરમાઇક લિપિમાંથી તેમજ વર્તમાન રોમન (અંગ્રેજી) લિપિમાંથી બ્રાહ્મી લિપિના અક્ષર થોડાંક પરિવર્તનો દ્વારા દર્શાવી શકાય એમ પંડિત ઓઝાએ દૃષ્ટાંતો દ્વારા બતાવ્યું છે. તેમના મતે બ્રાહ્મી લિપિ ભારતવર્ષના આર્યોની પોતાની શોધમાંથી ઉત્પન્ન થયેલ મૌલિક આવિષ્કાર છે. એની પ્રાચીનતા અને સર્વાંગસુંદરતાને લીધે એના સર્જક બ્રહ્મા હોય અને એનું નામ બ્રાહ્મી પડ્યું હોય અથવા સાક્ષરસમાજ બ્રાહ્મણોની લિપિ હોવાથી બ્રાહ્મી કહેવાઈ હોય. આ લિપિનો ફિનિશિયન લિપિ સાથે કોઈ સંબંધ નથી.

બ્રાહ્મી લિપિ ભારતમાં જ ઉત્પન્ન થઈ છે એવો તર્ક કેટલાક વિદ્વાનોએ કર્યો છે. એમાં એડવર્ડ ટૉમસે જણાવ્યું છે કે બ્રાહ્મી લિપિ સુવિકસિત સંસ્કૃતિ ધરાવતી દ્રવિડ પ્રજાએ શોધી કાઢેલી અને પછીથી ભારતમાં આવેલા આર્યોએ એ લિપિ દ્રવિડો પાસેથી અપનાવેલી; પરંતુ દ્રવિડ લિપિઓ બ્રાહ્મીમાંથી ઉત્પન્ન થયેલી માલૂમ પડે છે. કનિંગહમ, ડાઉસન, લાસ્સેન વગેરે વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ ભારતની ચિત્રલિપિમાંથી બની હોવાની અટકળ કરી સિંધુપ્રદેશમાં ઈ. પૂ. બીજી – ત્રીજી સહસ્રાબ્દીની ચિત્રલિપિમાં કોતરેલી સંખ્યાબંધ મુદ્રાઓ મળી છે. આથી બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ ભારતની એવી પુરાતન લિપિમાંથી થઈ હોવાનો સંભવ છે.

હડપ્પીય મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપટ્ટિકાઓ ઉપર સીધી, આડી લીટીમાં જે ચિહન કોતરેલાં છે તે કોઈ લિપિના અક્ષરો હોવાનું સ્પષ્ટ છે. એમાં કેટલાક અક્ષરો મૂળાક્ષર જેવા લાગે છે. કેટલાક અક્ષરોમાં અમુક જુદા જુદા પ્રકારની માત્રાઓ ઉમેરેલી જોવા મળે છે. એના કેટલાક અક્ષર ચિત્રાત્મક છે; જ્યારે કેટલાક ભાવાત્મક, ધ્વન્યાત્મક અને શ્રુત્યાત્મક છે. આ લિપિ સિન્ધુ પ્રદેશમાં અને એની આસપાસના વિસ્તારોમાં ઈ. પૂ. 2500થી 1500 સુધી પ્રચલિત રહી. આ બાજુ બ્રાહ્મી લિપિ ભારતમાં ઈ. પૂ. 500થી પ્રચલિત બની. આ બે સમયગાળા વચ્ચે કેવી લિપિ પ્રચલિત હતી તે વિશે કંઈ માહિતી પ્રાપ્ત થતી નથી. સંભવત: ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ હડપ્પીય લિપિમાંથી ઉદભવી હોય.

હડપ્પીય લિપિમાં 100 કરતાં પણ વધુ મૂળાક્ષરો છે, જ્યારે બ્રાહ્મી લિપિમાં ઓછામાં ઓછા 46 મૂળાક્ષરો છે. ડૉ. લૅંગ્ડને આ બે લિપિઓના અક્ષરોનો તુલનાત્મક અભ્યાસ કરી બ્રાહ્મી લિપિના 19 અક્ષરોને હડપ્પીય લિપિના એવા આકારના અક્ષરોમાંથી ઉત્પન્ન થયેલા જણાવ્યા. એ 19 અક્ષરો अ, इ, ई, ओ, क, ग, घ, छ, ज, ट, त, थ, प, ब, म, य, र, ल અને व છે. ડૉ. હન્ટર પણ બ્રાહ્મી લિપિને એ લિપિમાંથી ઉદભવેલી માને છે. ડૉ. સુનીતિકુમાર ચૅટરજીની નોંધ અનુસાર વ્યંજનોનાં ચિહનોમાં સ્વરમાત્રાઓ જેવાં ચિહન બ્રાહ્મીની જેમ હડપ્પીય લિપિમાં પણ જોવા મળે છે. આથી એ બે લિપિઓ વચ્ચે સંબંધ હોવાના મતને સમર્થન મળે છે. આમ ભારતની આરંભિક ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ આદ્ય ઐતિહાસિક કાલની હડપ્પીય લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનો સંભવ છે; પરંતુ હડપ્પીય લિપિના અક્ષરો જો ઉકેલી શકાય તો એ અક્ષરો અને બ્રાહ્મીના અક્ષરો વચ્ચેનો સંબંધ જોડી શકાય.

વર્ણમાળા : બ્રાહ્મી લિપિની વર્ણમાળાના વર્ણ ધ્વનિશાસ્ત્રની પદ્ધતિએ ગોઠવાયા હતા. સ્વરોમાં अ, इ, उ, ऋ, लृ, ए અને ओનાં  ચિહન સ્વતંત્ર રીતે ઘડાયાં હતાં. आ, ई, ऊ, ऋ, लृ, ऐ અને औનાં ચિહન અનુક્રમે એ સ્વરચિહ્નોમાં દીર્ઘ માત્રા ઉમેરીને સાધવામાં આવતાં. વ્યંજનોમાં પહેલાં 25 સ્પર્શ-વ્યંજન આવે છે. એને કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય વ્યંજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. य, र, ल, व અંત:સ્થ વ્યંજનો કે અર્ધસ્વરો કહેવાય છે. श, ष, स અને ळ ઉષ્માક્ષર છે. દરેક વ્યંજનના મૂળ ચિહનમાં अ અંતર્ગત રહેલો છે. સ્વરરહિત વ્યંજનમાં अનો લોપ દર્શાવવા નીચે અલગ ચિહન ઉમેરાય છે. વ્યંજનોના સંયોજનમાં પહેલાં અનુગ વ્યંજનને પૂર્વગ વ્યંજનની નીચે જોડવામાં આવતો.

જોડાક્ષરોમાં र् પછી આવતા વ્યંજનને બેવડાવવાનો વિકલ્પ પંડિતોમાં લોકપ્રિય હતો; જેમ કે, अर्क्क, धर्म्म, वर्ग्ग, कार्य्य વગેરે. અનુસ્વારને બદલે તે તે વર્ગનો અનુનાસિક પ્રયોજવાનો વિકલ્પ હતો; જેમ કે, कलङक, पञ्च વગેરે. અનુગ र्ન્નું ચિહન પૂર્વગ વ્યંજનમાં ભળી જાય છે, જ્યારે પૂર્વગ र्ન્નું ચિહન (રેફ) અનુગ વ્યંજનની ટોચ ઉપર ઉમેરાય છે. સ્વરસંધિમાં अનો લોપ કરવા અવગ્રહનું ચિહન આરંભમાં પ્રયોજાતું નહોતું. અનુસ્વાર અને વિસર્ગની જેમ જિહવામૂલીય અને ઉપધ્માનીયનાં અલગ ચિહન પ્રયોજાતાં. क અને ख ની પહેલાં વિસર્ગનું વિલક્ષણ ઉચ્ચારણ થતું તેને જિહવામૂલીય કહે છે અને प — फની પહેલાં થતા વિસર્ગના વિલક્ષણ ઉચ્ચારણને ઉપધ્માનીય કહે છે. આ ચિહન વ્યંજનની ટોચે અક્ષરની ડાબી બાજુએ જોડવામાં આવતાં.

બ્રાહ્મીનાં અંકચિહનો પ્રાચીન શૈલીએ રજૂ થતાં. 1થી 9ના અંક માટે અલગ ચિહન હતાં. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90 માટે એકેક સ્વતંત્ર ચિહન હતું. એવી રીતે 100 અને 1,000 માટે પણ એક એક સ્વતંત્ર ચિહન હતું.

પ્રાચીન બ્રાહ્મી લિપિ (લગભગ ઈ. પૂ. 350થી ઈ. પૂ. 200) : બ્રાહ્મી લિપિ એ પ્રાચીન ભારતની શ્રેષ્ઠ લિપિ હતી. એના અક્ષરોના મરોડ વહેલામાં વહેલા ઈ. પૂ. પાંચમી સદી સુધીના મળ્યા છે. એમાં વધુ પ્રમાણમાં અક્ષરોના મરોડ મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના અભિલેખોમાં પ્રાપ્ત થયા છે. એમાં ઘણા અક્ષરોના મરોડ સીધા છે, જ્યારે કેટલાક વળાંકદાર છે.

બ્રાહ્મી લિપિના अ, उ, क, घ, च, छ, झ, ड, ढ, त, द, न, प, फ, भ, य, र, ल, व, ष, स અને ह વર્ણોના ઉપલા છેડા ઊભી રેખાવાળા છે; ओ, ङ, ज, ञ, ण અને बના ઉપલા છેડા આડી રેખાવાળા છે. ए, ग, म અને श ના ઉપલા છેડા ત્રાંસી રેખાવાળા છે. इ ત્રણ બિંદુરૂપે છે. ख, ट, ढ, थ અને धના ઉપલા છેડા વળાંકવાળા છે.

સ્વરમાત્રાઓ વિવિધ ચિહન રૂપે અલગ અલગ રીતે જોડાય છે.  आની માત્રા એક નાની આડી રેખારૂપે અક્ષરની જમણી બાજુએ, મોટેભાગે ટોચ પર ઉમેરવામાં આવે છે. इની માત્રામાં જમણી બાજુએ ટોચે નાની આડી રેખાને કાટખૂણે એવડી ઊભી રેખા ઉમેરાય છે. ईની માત્રામાં આડી રેખા પર વચ્ચે કાટખૂણે બે ઊભી રેખા ઉમેરાય છે. उ અને ऊ માત્રાઓ વ્યંજનના નીચલા છેડે જમણી બાજુએ આડી રેખાઓ રૂપે ઉમેરાય છે. નીચેના ભાગે ગોળ છેડાવાળા અક્ષરમાં ઊભી રેખા રૂપે ઉમેરાય છે. उ એક આડી રેખા અને ऊ બે આડી રેખા ઉમેરાય છે. ए અને ऐ ની માત્રા વ્યંજનની ડાબી બાજુએ ટોચે અનુક્રમે એક અને બે આડી રેખાઓ રૂપે ઉમેરાતી. ओની માત્રામાં જમણી અને ડાબી બંને બાજુએ નાની આડી રેખા સહેજ ઉપર નીચે જોડવામાં આવતી.

બ્રાહ્મી લિપિના સંયુક્તાક્ષરોમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે નાના કદનો અનુગ અક્ષર જોડવામાં આવતો. र् ના સંયુક્તાક્ષરમાં અનુગ र् ને પૂર્વગ અક્ષરની ઊભી રેખામાં र् નો સર્પાકાર મરોડ મૂકવામાં આવતો.

મૌર્ય સમ્રાટ અશોકના અભિલેખ ભારતના ઘણા પ્રદેશોમાં મળ્યા છે, જેમાં તત્કાલીન બ્રાહ્મી લિપિનો એકસરખો મરોડ જોવા મળે છે. થોડા અક્ષરોના મરોડમાં પ્રાદેશિકતાની અસર જોવા મળે છે.

મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનાં વર્ણો, માત્રાઓ અને સંયુક્તાક્ષરો

મૌર્ય સમ્રાટ અશોકનો રુમ્મિનદેઇ સ્તંભલેખ  બ્રાહ્મી લિપિ

રુમ્મિનદેઇ સ્તંભલેખનું લિપ્યંતર

અનુવાદ : દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાએ રાજ્યાભિષેકનાં વીસ વર્ષ બાદ જાતે આવીને આ સ્થાનની પૂજા કરી, કેમ કે, અહીં શાક્ય મુનિ બુદ્ધનો જન્મ થયો હતો. અહીં પથ્થરની દીવાલ બનાવી હતી અને પથ્થરનો એક સ્તંભ ઊભો કરાવ્યો હતો. અહીં ભગવાન જન્મ્યા હતા, એટલે લુંબિની ગામને કરમાંથી મુક્ત કર્યું હતું અને પેદાશનો આઠમો ભાગ પણ એ ગામને આપી દીધો હતો.

પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ : પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય ડૉ. બ્યૂલર અને પં. ઓઝા ઈ. પૂ. 350થી ઈ. સ. 350 સુધીનો મૂકે છે. આ સમયના મોટાભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. આ સમયગાળા દરમિયાન બ્રાહ્મી લિપિમાં રૂપાંતર થયેલાં જોવા મળે છે અને પ્રાદેશિક ભેદ પણ વિકસેલા જણાય છે. ડૉ. દાનીએ લગભગ ઈ. પૂ. 200થી ઈ. સ. 50 સુધીનાં બ્રાહ્મી સ્વરૂપોને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ તરીકે ઓળખાવ્યાં છે અને એના ચાર વિભાગ દર્શાવ્યા છે : 1. પૂર્વ ભારતીય, 2. ઉત્તર-પશ્ચિમ ભારતીય, 3. ઉત્તર-પશ્ચિમ દખ્ખણી અને 4 દક્ષિણ ભારતીય.

આ સમયગાળા દરમિયાન ई, ऊ, ऐ અને ळ નાં ચિહ્ન, ऋ અને औની સ્વરમાત્રા અને વિસર્ગનું ચિહન મળે છે. સંયુક્તાક્ષરોમાં પૂર્વગ र् (રેફ) અનુગ વ્યંજનની ઉપર એક ઊભી રેખા રૂપે લખાતો થયો. प જેવા અક્ષરોની ઊંચાઈ ઘટી અને અક્ષરની ઊભી રેખા ટોચથી સહેજ જાડી થઈ.

પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અભિલેખોમાં લિપિના સ્વરૂપનો ભેદ બહુ જણાતો નથી; પરંતુ દક્ષિણ ભારતના અભિલેખોની લિપિમાં કેટલીક વિલક્ષણતા જોવા મળે છે. ભટ્ટિપ્રોલુ(તમિલનાડુ)ના સ્તૂપના મંજૂષાલેખોમાં કેટલાક અક્ષરોના મરોડ જુદા છે. ळ જેવા દ્રવિડ અક્ષરનો ઉમેરો થયો છે. વ્યંજનોમાં अની સ્વરમાત્રા માટે તેની ટોચની જમણી બાજુએ આડી રેખા ઉમેરીને आની સ્વરમાત્રા માટે તેના જમણા છેડે નીચે સુધી ઊભી રેખા ઉમેરી છે.

ઈ. સ. 50થી ઈ. સ. 400 સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં પરિવર્તનો થયાં છે. વર્ણોને મથાળે નાની શિરોરેખા ઉમેરાય છે. घ, प, ष અને स જેવા બે ટોચવાળા અક્ષરોમાં ડાબી બાજુની ટોચે નાની શિરોરેખા કરાતી. ત્રણ ટોચવાળા ‘य’માં વચ્ચેની ટોચ ઉપર નાની શિરોરેખા ઉમેરાય છે. मમાં બંને ત્રાંસી ટોચ પર શિરોરેખા કરાતી.  अ, क અને र જેવા અક્ષર ઊંચા અને પાતળા થયા. घ, प અને ष  જેવા અક્ષરોની ઊંચાઈ ઓછી થઈ અને પહોળાઈ વધી. સીધા મરોડને બદલે વળાંકદાર મરોડ થતા ગયા. ઘણા અક્ષરોની ઊભી રેખાઓને નીચેના ભાગે ડાબી બાજુ વાળવામાં આવી. હલન્ત અક્ષરને લીટીના નીચેના ભાગમાં નાના કદમાં લખવામાં આવ્યો. અનુસ્વારનું બિંદુ અક્ષરની ટોચ ઉપર વચ્ચે લખાયું. સંસ્કૃત લખાણમાં જિહવામૂલીય અને ઉપધ્માનીયનાં ચિહન પ્રયોજાયાં.

શક-ક્ષત્રપોના સમયમાં મથુરાના પ્રદેશમાં અક્ષરની ઊભી રેખાઓ ટોચે ઘાટી અને નીચે જતાં પાતળી બની. સાતવાહન કાલ દરમિયાન પૂર્વ માળવામાં વિશિષ્ટ શૈલી ઘડાઈ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂર્વ માળવાની અસરવાળી શૈલી વિકાસ પામી. એમાં શિરોરેખા શરૂ થઈ. અક્ષરોનો મરોડ વળાંકદાર બન્યો. ગુપ્તકાલ દરમિયાન શિરોરેખા સ્પષ્ટ બની. અક્ષરોની આડી રેખાઓ વળાંકદાર બની, જ્યારે ઊભી રેખાઓના નીચલા છેડા સીધા રહ્યા. આ કાલમાં ગુપ્ત શૈલી જેવી કોઈ વ્યાપક શૈલી પ્રચલિત થઈ નહોતી; પરંતુ જુદા જુદા ભાગોમાં તે તે પ્રદેશની પૂર્વકાલીન શૈલીનો વિકાસ થયો હતો.

આદ્યપ્રાદેશિક લિપિઓ (લગભગ . . 400થી 800) : આ સમયગાળા દરમિયાન પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં. આ સમયની લિપિનું વિભાજન ચાર મુખ્ય વિભાગો અને પેટા વિભાગોમાં થઈ શકે :

1. ઉત્તર ભારત : એમાં મધ્ય ગંગાપ્રદેશ, પૂર્વ ભારત, બંગાળા અને નેપાળ, મથુરા અને ઉત્તર—પશ્ચિમ ભારતના પેટાભાગ.

2. ગુજરાત, રાજસ્થાન, મધ્ય ભારત : રાજસ્થાન, માળવા અને ગુજરાત

3. દખ્ખણ

4. દક્ષિણ ભારત : કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ

ગુજરાતના આ કાલના અભિલેખોમાં દખ્ખણની સવિશેષ અસર જોવા મળે છે. ગુપ્તકાલના લેખોમાં અક્ષરોની ટોચે નક્કર બિંદુ જોવા મળે છે. બે ઊભી રેખાઓવાળા અક્ષરોમાં શિરોરેખા ડાબી બાજુની ઊભી રેખાની ટોચે કરવામાં આવી. સ્વરમાત્રાઓનો મરોડ વળાંકદાર બન્યો. સંયુક્તાક્ષરોમાં પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર જોડાયો છે. નીચેના અનુગ અક્ષરની શિરોરેખા દૂર કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક અભિલેખોમાં દખ્ખણની લિપિની અસર વધુ જોવા મળે છે.

મૈત્રકકાલ(ઈ. સ. 470—788)ના વર્ણો સાદા અને વળાંકદાર મરોડના હોય છે. ऋ, ज, ढ, थ અને ध જેવા અક્ષરોમાં શિરોરેખા જોવા મળે છે. સ્વરમાત્રાઓમાં आ, इ, ई અને ए તથા ઇદ્ધના મરોડ નાગરી મરોડ જેવા બનવા લાગ્યા છે. एની સ્વરમાત્રાને પડિમાત્રાનું રૂપ અપાવા લાગ્યું છે. સંયુક્તાક્ષરોમાં પૂર્વગ અક્ષરની ટોચે જોડાતી સ્વારમાત્રાઓ ક્યારેક અનુગ અક્ષરની ટોચે જોડાય  છે. અંકચિહનો પ્રાચીન શૈલીએ લખાય છે. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહન બિંદુને બદલે નાની આડી રેખા રૂપે લખાય છે. વિરામચિહનમાં એક અને બે ઊભી રેખા પ્રયોજાય છે. શંખનું મંગલચિહન દક્ષિણાવર્તી હોય છે.

આ કાલ દરમિયાન ગુજરાતમાં પ્રયોજાયેલી પ્રાદેશિક લિપિ એકસરખી છે. આ કાલની ગુજરાતમહારાષ્ટ્ર અને કર્ણાટકની લિપિને ડૉ. બ્યૂલર અને પં. ઓઝાએ ‘પશ્ચિમી લિપિ’ કહી છે. ગુજરાતની શૈલીમાં મુખ્ય અસર દખ્ખણની શૈલીની છે, છતાં રાજસ્થાનની શૈલીની કેટલીક અસર જણાય છે. આથી ગુજરાતની આ કાલની લિપિને ‘લાટ લિપિ’ કહી શકાય. ‘विशेषावश्यकभाष्य’(લગભગ ઈ. સ. 610)માં તત્કાલીન લિપિઓની યાદીમાં ‘લાટ લિપિ — लाडलिवी’ જણાવવામાં આવી છે.

વાકાટક રાજ્યના અભિલેખોમાં અક્ષરોમાં શિરોરેખાને બદલે ડાબી ટોચ ઉપર નાના ચોરસ કરવામાં આવતા. ગોદાવરી-કૃષ્ણાના પ્રદેશમાં કદંબો, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોના લેખોમાં આદ્ય-કન્નડ લિપિ વિકસેલી જણાય છે. દક્ષિણ ભારતમાં અક્ષરોના મરોડ કલાત્મક બન્યા છે. સાતમી સદીમાં આ પ્રદેશમાં ગ્રંથલિપિ પ્રચલિત થઈ. સ્વરમાત્રાઓનો પૂર્ણ વિકાસ થયો. ચાલુ કલમે લખવાથી, ઊભી અને આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી તેમજ અક્ષરમાં ક્યાંક ક્યાંક ગાઢ કરવાથી આ લિપિનું સ્વરૂપ વિશિષ્ટ બન્યું. એમાં ઇની માત્રા અક્ષરની ડાબી બાજુએ અને અનુસ્વારનું ચિહન જમણી બાજુએ ઉમેરાય છે.

વર્તમાન પ્રાદેશિક લિપિઓ : ભારતની લગભગ બધી પ્રાદેશિક લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિઓનો પણ સમાવેશ થાય છે.

નાગરી લિપિ : ભારતની વર્તમાન લિપિઓમાં નાગરી લિપિ સહુથી વધુ પ્રદેશોમાં પ્રચલિત છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં તથા દખ્ખણમાં. ‘નાગરી’ એ ‘દેવનાગરી’નું ટૂંકું રૂપ છે. આ નામ ઘણું કરીને ‘દેવનગર’ નામે યંત્રમાં પ્રયોજાતા સાંકેતિક અક્ષરોને લઈને પ્રયોજાયું હોય તેમ જણાય છે. દક્ષિણ ભારતમાં એને ‘નંદિનાગરી’ કહે છે.

આ લિપિનો પ્રયોગ દખ્ખણમાં આઠમી સદીથી અને ઉત્તર ભારતમાં દસમી સદીથી જોવા મળે છે. દાનશાસનના દાતા રાજાઓના હસ્તાક્ષર નાગરી લિપિમાં લખાયેલા છે. ઉત્તર ભારતમાં કનોજના પ્રતીહારો, મેવાડના ગુહિલો, રાજસ્થાનના ચાહમાનો, ગુજરાતના ચૌલુક્યો, આબુ-માળવાના પરમારો, મધ્ય પ્રદેશના કલચુરીઓ વગેરે અનેક રાજવંશોના શિલાલેખો તથા તામપત્રોમાં નાગરી લિપિનો પ્રયોગ થયેલો છે.

દસમી સદીના અભિલેખોમાં બે ઊભી રેખાવાળા અક્ષરો – अ, ध, प, म, य, ष અને स-માં નાની શિરોરેખા અક્ષરની દરેક ટોચ પર અલગ અલગ લખાતી; પરંતુ અગિયારમી સદીથી એક લાંબી સળંગ શિરોરેખા લખાવા લાગી. અક્ષરની ડાબી બાજુએ ઊભી રેખા રૂપે પડિમાત્રા કરવામાં આવતી. धમાં હજુ શિરોરેખા પ્રચલિત નહોતી. ओનું ચિહ્ન સ્વતંત્ર હતું. હલન્ત અક્ષર દર્શાવવા અક્ષરની નીચે ત્રાંસી રેખા લખાતી. સ્વરસંધિમાં ए અને ओ પછી થતો अનો લોપ દર્શાવવા અવગ્રહનું ચિહ્ન પ્રયોજાયું.

બારમી—તેરમી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયો. આ સદીના અભિલેખોમાં इ, च, थ, ध અને भ જેવા થોડા અક્ષરો ઉકેલવામાં મુશ્કેલી પડે. अ, ए અને ज જેવા અક્ષરો વિલક્ષણ છે.

વર્તમાન નાગરી લિપિ બ્રાહ્મી લિપિમાંથી ક્રમશ: વ્યુત્પન્ન થયેલી છે. એની સ્વરમાત્રાઓમાં પણ ક્રમિક વિકાસ જોવા મળે છે.

સંયુક્તાક્ષરોમાં કેટલાક અક્ષર ઉપર-નીચે જોડાતા; જેમ કે, , , . અનુગ અક્ષર બે ટોચવાળો હોય કે પૂર્વગ અક્ષર બે પાંખાવાળો હોય તો અનુગ અક્ષરની ડાબી ટોચને પૂર્વગ અક્ષરના જમણા પાંખાના નીચલા છેડા સાથે જોડવામાં આવતી; જેમ કે, द्म. કેટલીક વાર પૂર્વગ અક્ષરની જમણી રેખા અને અનુગ અક્ષરની ડાબી રેખા એકાકાર બને ત્યારે એ બે અક્ષર સરખી સપાટીએ જોડાય છે, જેથી પૂર્વગ અક્ષરમાં જમણી ઊભી રેખાનો લોપ થાય છે; જેમ કે, ग्य, ण्ठ, त्प, न्म, म्य, व्य વગેરે. અનુગ જ્રન્ પૂર્વગ અક્ષરની ઊભી રેખાની વચ્ચે નીચે ડાબી બાજુએ જતી ત્રાંસી રેખા રૂપે ઉમેરાય છે; જેમ કે, क्र, प्र, ब्र, व्र, म्र વગેરે. त्त માટે तની ડાબી આડી રેખાની ઉપર એને સમાંતર આડી રેખા ઉમેરાતી.

ઉત્તર ભારતના નાગરી અક્ષરોમાં અમુક અક્ષરોના જુદી જાતના મરોડ વિકસ્યા, જ્યારે દખ્ખણમાં એને બદલે अ, झ, ण,  भ અને क्ष એવા મરોડ પ્રચલિત થયા.

ગુજરાતમાં નાગરી લિપિ પહેલીવહેલી દક્ષિણ ગુજરાતના ગુર્જર રાજાઓના અભિલેખો(ઈ. સ. 628—735)માં કોતરેલા તે સજાઓના હસ્તાક્ષરમાં પ્રયોજાયેલી જોવા મળે છે. અનુમૈત્રકકાલ (ઈ. સ. 788—942) દરમિયાન ગુજરાતમાં નાગરી લિપિ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થવા લાગી. પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈન્ધવ રાજાઓના, દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય વંશના તથા ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રના ચાપ વંશના રાજાઓનાં તામ્રપત્રોમાં ઉત્તરી નાગરી લિપિનો પ્રયોગ થયો છે. રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં લાટ લિપિની સાથે નાગરી લિપિ પ્રચલિત થઈ. અંકચિહ્નોમાં નવીન શૈલી પ્રચલિત થઈ.

ચૌલુક્ય કાલ (ઈ. સ. 942—1304) દરમિયાન ગુજરાતમાં નાગરી લિપિ લગભગ વર્તમાન નાગરી લિપિ જેવી બની. આ કાલ દરમિયાન इ, च, ठ, ध, न અને ब જેવા અક્ષરનો મરોડ અર્વાચીન બન્યો. ऋ, ओ, क, ङ, छ, झ, फ અને भ જેવા થોડા અક્ષરોના મરોડ વિલક્ષણ રહ્યા છે. इ અને ईની સ્વરમાત્રામાં શિરોરેખા ઉમેરાઈ નથી. एની માત્રા માટે પડિમાત્રાનું પ્રચલન વિશેષ છે. શિરોરેખા आ અને एની માત્રા સુધી વિસ્તરે છે. મૂળાક્ષરોનાં अ, ण, ल અને श-ની સરખામણીએ એના ઉત્તરી મરોડ વિશેષ પ્રચલિત છે. झ અને भના બંને મરોડ પ્રચલિત છે.

બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ :

ઈ. સ.ની તેરમીથી પંદરમી સદી દરમિયાન ङ અને छનો વર્તમાન મરોડ થયો. डનો ઉત્તરી મરોડ પ્રચલિત હતો. शનો દખ્ખણી મરોડ

1       2       3       4       5       1       2      3       4       5       6       7       8       9

જૈન નાગરી લિપિ

વધારે પ્રચલિત થયો. अ અને ण જેવા અક્ષરોમાં ઉત્તરી મરોડ વધુ વપરાતો. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહ્નોમાં પોલાં મીંડાંને બદલે બિંદુ વધુ પ્રચલિત બન્યું. इની માત્રામાં અક્ષરની શિરોરેખા એ માત્રા સુધી લંબાવા લાગી.

ઈ. સ.ની પંદરમી  અઢારમી સદી દરમિયાન ओ-નું સ્વતંત્ર ચિહ્ન લુપ્ત થયું ને એને બદલે अ પરથી સાધિત થયેલું ओ-નું રૂપ પ્રચલિત થયું. क, ध અને फ ના અર્વાચીન મરોડ ઘડાયા. झનો મરોડ ઉત્તરી રહ્યો.  अ, उ, ण, भ, ल અને क्षના ઉત્તરી મરોડ વધુ પ્રચલિત હતા. ल ને બદલે શિરોરેખાવાળા ગુજરાતી  લ જેવો મરોડ વધુ પ્રચાર પામ્યો.  ए અને ओ-ની માત્રામાં પડિમાત્રાને બદલે શિરોમાત્રા પ્રચલિત બની. इ અને ईની માત્રામાં અક્ષરની શિરોરેખા માત્રા સુધી લંબાવાઈ; જેમકે, कि, की, गि, गी વગેરે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મુદ્રણાલયના બાળબોધ મરોડનાં બીબાં મારફતે ગુજરાતમાં મહારાષ્ટ્રના બાળબોધ મરોડ વધુ પ્રચલિત થયા.

જૈન નાગરી લિપિ : ઈ. સ.ની પંદરમીથી અઢારમી સદી દરમિયાન જૈનોના આશ્રયે લખાતા ગ્રંથોમાં લહિયાઓએ સુલેખનની એક વિશિષ્ટ પરિપાટી વિકસાવી, જેને ‘જૈન નાગરી લિપિ’ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમણ સંસ્કૃતિએ લેખનકળામાં પોતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારા-વધારા અને સંકેતોનું નિર્માણ કર્યું. જૈન નાગરી લિપિમાં મુખ્યત્વે ઉત્તરી મરોડનાં જૂનાં સ્વરૂપ પ્રચલિત રહ્યાં છે. આ લિપિ હસ્તલિખિત પ્રતોમાં પ્રચલિત છે, અભિલેખોમાં એનો પ્રયોગ થયો નથી.

જુદી જુદી ટેવો, પસંદગી વગેરેને લઈને જૈન લિપિ અનેક ભાગોમાં વહેંચાઈ; જેમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકોની લિપિ વગેરેનો સમાવેશ થાય છે. પશ્ચિમ ભારતમાં આ લિપિનો પ્રયોગ થયો હેવાથી જૈન લિપિની તાડપત્ર અને કાગળ પર લખેલી હસ્તપ્રતો અ પ્રદેશમાં ઉપલબ્ધ થાય છે. આ લિપિમાં લખાયેલી પ્રાચીન હસ્તપ્રત ‘પંચમી કથા’ (વિ. સં. 1109 = ઈ. સ. 1052—53)ની પ્રાપ્ત થઈ છે.

ગુજરાતી લિપિ : ગુજરાતમાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું, જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરોડનો આરંભ ઈ. સ.ની પંદરમી સદીથી જોવા મળે છે. આ મરોડ ના પ્રાદેશિક નાગરી મરોડમાં જોવા મળે છે. ગુજરાતી પ્રજાનો મોટો વર્ગ વેપારધંધામાં પડેલો હોઈ રોજિંદા હિસાબ-કિતાબ લખવા માટે શિરોરેખાવાળા અક્ષરોને બદલે સળંગ શિરોરેખા તરીકે એક આખી લીટી દોરી એની નીચે શિરોરેખા વિના અક્ષરો લખવાની પદ્ધતિ પ્રચલિત થઈ. ઝડપથી લખવા માટે અક્ષરોને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. આથી ઘણા અક્ષરોના ઉપરના ડાબા છેડાને અને નીચેના જમણા છેડાને ગોળ મરોડવાળા કરવામાં આવ્યા; જેમ કે, ગ, ઘ, ઞ, ત, થ, ધ, પ, મ, ય, શ, ષ, સ અને હ. ट અને ढ જેવા અક્ષરોમાં માત્ર ઉપરના છેડાને અને न, ल તથા व જેવા અક્ષરોમાં માત્ર નીચેના છેડાને વળાંકદાર મરોડ આપવાની જરૂર પડી; જેમ કે, ટ, ડ, ન, લ અને વ. ઠ અને ડ જેવા અક્ષર જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે. તેમાં ઉપલા છેડાને જમણી બાજુનો વળાંક આપવામાં આવ્યો છે. ङ, छ, ड, द, ह જેવા અક્ષરોમાં શિરોરેખાને જોડતી ઊભી નાની રેખાનો લોપ કરવામાં આવ્યો છે. ‘ણ’ના મરોડમાં ડાબા પાંખાના નીચલા છેડાને અને વચલા પાંખાના ઉપલા છેડાને ડાબી બાજુનો વળાંક આપવામાં આવ્યો છે. ર્મિાં ઉપલા છેડાને ડાબી બાજુનો વળાંક આપવામાં આવ્યો; જેમ કે, ‘ઉ’. ऊમાં એ વળાંકને જમણી બાજુએ લંબાવી છેક નીચે ઉતારવામાં આવ્યો; જેમ કે, ‘ઊ’. આ રીતે ઉ, ઊ, ગ, ઘ, ઙ, છ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ અને હ-ના ગુજરાતી મરોડ નાગરી મરોડમાં સહેજ ફેરફાર કરવાથી તૈયાર થયા છે.

अના ઉત્તરી મરોડને શિરોરેખા વિના સળંગ કલમે લખતાં ‘અ’નો ગુજરાતી મરોડ થયો. इ-ને એ રીતે શિરોરેખા વિના સળંગ કલમે લખતાં એના નીચલા છેડાને જમણી બાજુએ ઊંચે લંબાવવામાં આવ્યો; જેમ કે, ‘ઈ’. ईમાંએના ઉપલા વળાંકને ‘ઇ’ના જમણા છેડા સાથે જોડવામાં આવ્યો. ગુજરાતી લિપિમાં ‘એ’નું સ્વતંત્ર સ્વરૂપ લુપ્ત થયું અને એ, ઐ, ઓ અને ઔ  એ ચારે અક્ષરોને ‘અ’માં તે તે સ્વરમાત્રા ઉમેરીને સાધિત કરવામાં આવ્યા.

શિરોરેખા વિના લખાતાં कનો મરોડ જમણી બાજુ પોણા ભાગ જેટલો ઝૂકતો ગયો; જેમ કે, ‘ક’. ष માંથી ‘ખ’ જેવું વિલક્ષણ રૂપ બન્યું. चમાં વચલી રેખાને આડી-ઊભી રેખાથી અલગ પાડતાં અને એનું આખું ડાબું પાંખું સળંગ લખતાં ‘ચ’નો મરોડ બન્યો. ‘ज’માં વચલી ટોચથી શરૂ કરી ડાબા પાંખાને ચાલુ કલમે લખી જમણા પાંખાને ઉપર ત્રાંસ આપતાં ‘જ’નો મરોડ થયો. फમાં ‘ક’ના મરોડની જેમ જમણી બાજુ પોણા ભાગ સુધી ગોળ વાળવામાં આવ્યો અને ‘ક’થી અલગ પાડવા એની નીચે દીર્ઘ ‘ઊ’ની માત્રા જોડવામાં આવી; જેમ કે, ‘ફ’. ब ને શિરોરેખા વિના ઝડપી કલમે લખતાં ‘બ’ અક્ષર બન્યો. भમાં મનો ડાબો ઉપલો છેડો ડાબી તરફ ગોળાકાર બનાવી નીચે ઉતારતાં ‘ભ’નો મરોડ બન્યો. ळમાં શિરોરેખા અને તેને જોડતી વચ્ચેની નાની ઊભી રેખાનો લોપ થતાં ઝડપી કલમે લખતાં ડાબા પાંખાનો ઉપલો ભાગ અને જમણા પાંખાનો નીચલો ભાગ સીધો થયો; જેમ કે, ‘ળ’.

સ્વરમાત્રાઓમાં કાનાનો નીચેનો ભાગ વળાંકદાર બન્યો. ‘જ’માં ‘ઈ’ની સ્વરમાત્રા જોડાતાં ડાબી બાજુ ગોળ લંબાવવામાં આવતાં ‘જી’નો આકાર બન્યો. સંયુક્તાક્ષરોમાં કેટલાક પૂર્વગ અક્ષરોની જમણી ઊભી રેખાનો લોપ કરીને એની સાથે પછીનો અક્ષર જોડાય છે; જેમ કે, ખ્ય, ગ્મ, ધ્ય, ચ્છ, ણ્ય, ત્પ, ધ્મ, ન્ય, પ્સ, બ્ય, ભ્ય, મ્ય, લ્વ, વ્ય, સ્ત અને સ્મ. કેટલાક અક્ષરોનાં ગુજરાતી સ્વરૂપ જુદાં હોવા છતાં એના સંયુક્તાક્ષરો નાગરીની રીતે લખાય છે; જેમ કે, દ્ધ, દ્મ, દ્ય, દ્વ, શ્ર્ચ, હ્મ, હ્ય વગેરે. કેટલીક વાર અમુક સંયુક્તાક્ષરોમાં પૂર્વગ અક્ષરને હલન્ત દર્શાવવો પડે છે; જેમ કે, છ્વ, ટ્વ, ઠ્વ, દ્બ, દભ, હ્વ વગેરે. ‘હ’ સાથેના જોડાક્ષરમાં ‘હ’ના નીચેના ભાગની અંદર અનુગ અક્ષરને લખાય છે; જેમ કે, હ્મ, હ્ન વગેરે. રેફને અનુગ અક્ષરની ટોચ ઉપર ચાપાકારે લખવામાં આવે છે; જેમ કે, ર્ક, ર્ત, ર્પ, ર્મ, ર્લ વગેરે. અનુગ ‘ર’ને સીધા ઊભા પાંખાવાળા અક્ષરોમાં વચ્ચેથી ડાબી બાજુએ નીચે જતી નાની ત્રાંસી રેખા રૂપે જોડવામાં આવે છે; જેમ કે, ગ્ર પ્ર, બ્ર, ભ્ર મ્ર, વ્ર, સ્ર વગેરે. ‘ત્ર’માં ડાબી બાજુની આડી રેખા ત્રાંસી બને છે. છ, ટ, ડ જેવા અક્ષરોમાં કાકપાદ રૂપે અનુગ ‘ર’ જોડાય છે; જેમ કે, છ્ર, ટ્ર, ડ્ર વગેરે.

અંકચિહનોમાં 2, 7 અને 8 મરોડદાર બન્યા. 1, 3, 4, 5, 6 અને 8નાં ચિહન સીધા મરોડનાં અને એના છેડા વળાંકદાર બન્યા. નાગરી ‘રૂ’ અને ‘દ્દ’માં નીચેનું પાંખું લુપ્ત થયું.

આરંભમાં ગુજરાતી લિપિ વેપારીઓના હિસાબ-કિતાબમાં વપરાતી હોવાથી એ ‘વાણિયાશાઈ લિપિ’ કે ‘મહાજની લિપિ’ તરીકે ઓળખાતી. સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથો ‘શાસ્ત્રી અક્ષરો’માં અર્થાત્ નાગરી લિપિમાં લખાતા. પંદરમી સદીથી ગુજરાતી લિપિ સરળ અને ઝડપી હોઈ ગુજરાતી ગ્રંથો લખવા માટે પ્રચલિત બની. અઢારમી સદીમાં મુદ્રણકલાના આરંભે પારસી જેવા ધંધાદારી વર્ગોએ આ લોકભોગ્ય લિપિ પ્રયોજી. શરૂઆતમાં શિલાછાપથી મુદ્રણ થતું ત્યારે સળંગ લીટી દોરાતી અને લખાણ છપાતું. અક્ષરોનાં અલગ બીબાં તૈયાર થતાં સળંગ લીટી દૂર કરવામાં આવી. મુદ્રણ માટે ગુજરાતી લિપિના બધા મૂળાક્ષર, માત્રાઓ, સંયુક્તાક્ષરો વગેરેનો વિકાસ થયો છે.

ગુજરાતી લિપિ

મોડી લિપિ : મરાઠી ભાષાની લિપિ નાગરી છે; પરંતુ નાગરી લિપિના અક્ષર ઝડપથી લખાય એ હેતુથી એમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોરવામાં આવતી ને એક અથવા વધુ શબ્દ કે આખી લીટી સળંગ કલમે લખવામાં આવતી. એ લિપિને મોડી લિપિ કહે છે. એમાં ऋ, ग, घ, ङ, छ, झ, ड, ढ, त, न, भ, म, श અને ष જેવા અક્ષરો નાગરી અક્ષરોને મળતા આવે છે. ‘ઈ’ અને ‘જ’ ગુજરાતી અક્ષરો જેવા છે.  ख, प, ब અને र પ્રાચીન તેલુગુ-ક્ધનડ અક્ષરોને મળતા છે. ट નો આકાર ठ જેવો હોવાથી અંદર બિંદુ ઉમેરવામાં આવે છે. अ, उ, क, च, ञ, थ, द, ध, फ, ब, य, ल, व, स, ह અને ळ ના મરોડ થોડા વિલક્ષણ છે. અક્ષરોનો મરોડ વળાંકદાર છે. इ, ख, ट, ठ, थ, द, ध, प, य, र, स અને ह એ અક્ષરોના નીચેના ભાગ ગોળ છે. સ્વરમાત્રાઓમાં  इ-ई અને उ-ऊની માત્રાઓ સરખી છે. અંકચિહનોમાં 3 અને 4 ગુજરાતી અંકો જેવા છે.

મોડી લિપિનું નિર્માણ યાદવ રાજાઓના મંત્રી હેમાદ્રિ કે હેમાડ પંતે કર્યું છે. ખરેખર આ લિપિનું ઘડતર શિવાજીના ચિટનીસ બાલાજી અવાજી તથા વિવલકર નામે વિદ્વાને કર્યું છે. પત્રવ્યવહાર અને હિસાબોમાં આ લિપિ લાંબો સમય પ્રચલિત રહી. પેશવાઓના શાસનકાલમાં આ લિપિ ખૂબ પ્રચલિત હતી. મરાઠી ઇતિહાસ-વિષયક પુરાણા દસ્તાવેજોના અધ્યયન માટે આ લિપિનું ઘણું મહત્વ છે. મરાઠીની પ્રાથમિક શાળાઓમાં આ લિપિ શીખવાતી. મરાઠાકાલના મોડી લિપિના બે શિલાલેખ રાજસ્થાનમાંથી મળ્યા છે. મુદ્રણકલામાં નાગરી લિપિ અપનાવાતાં મોડી લિપિ લુપ્ત થઈ.

આ પ્રમાણે રાજસ્થાનમાં મહાજની કે રાજસ્થાની તળપદી લિપિપ્રકાર પ્રચલિત થયેલો; પરંતુ નાગરીના પ્રચાર સાથે ત્યાં પણ એ વિલક્ષણ લિપિપ્રકાર લુપ્ત થયો.

શિવાજીના એક મોડી લિપિના પત્ર(ઈ. સ. 1667)નો એક અંશ

મરાઠી ભાષામાં અને નાગરી લિપિમાં લિપ્યંતર :

1. तैसे आम्हीही बरे करुन प्रस्तुत जरी आमचे सेवेस अंगी-

2. कार असाल तरी जे जमेती तुम्हापासी असेल ते धेउने येणे

ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં નાગરી લિપિ સાથે થોડી મળતી આવતી કેટલીક લિપિઓ વિકાસ પામી. એમાં શારદા, ટાકરી અને ગુરુમુખી એ ત્રણેય લિપિઓ પ્રાચીન શારદા લિપિમાંથી ઊતરી આવી છે. આ પ્રાચીન શારદા લિપિ લગભગ દસમી સદીથી આદ્ય-નાગરી જેવી લિપિમાંથી વિકસી હતી.

શારદા લિપિ : ‘શારદા દેશ’, ‘શારદા મંડલ’ તરીકે ઓળખાતા કાશ્મીર પ્રદેશની આ લિપિ છે. એમાં अ, उ, क, ग, ढ, प, म, य, र, ल, व અને ष જેવા અક્ષરો નાગરી અક્ષરો જેવા છે. બાકીના અક્ષરો વિલક્ષણ છે. એમાં एની જેમ ओનું પણ સ્વતંત્ર રૂપ મળે છે. इ, ढ, प, म અને स સળંગ શિરોરેખા વિના છે. च નાગરી म જેવો, ज નાગરી ण જેવો, ट નાગરી ए જેવો, त નાગરી उ જેવો, ष નાગરી थ જેવો, म નાગરી भ જેવો, श નાગરી म જેવો, અને स નાગરી भ જેવો લાગે છે. સ્વરમાત્રાઓમાં इ, ई, उ, ऋ, ए, ऐની માત્રાઓ નાગરી માત્રાઓ જેવી છે. इ અને ईની માત્રાઓમાં શિરોરેખા કરાતી નથી. आ, ओ અને औની માત્રાઓ તરંગાકાર છે.

શારદા લિપિ પંજાબના ઘણા ભાગોમાં અને કાશ્મીર પ્રદેશમાં પ્રાચીન શિલાલેખો, દાનપત્રો, સિક્કાઓ તથા હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાયેલી જોવા મળે છે. આ લિપિ ઉત્તર ભારતવર્ષની કુટિલ લિપિમાંથી નીકળી હોવાનું પં. ઓઝા મંતવ્ય ધરાવે છે. ચંબાના રાજા મેરુવર્માના ઈ. સ.ની આઠમી સદીના લેખો પરથી આ સમય સુધી અહીં કુટિલ લિપિનો પ્રચાર હોવાનું જણાય છે. સ્વાઇમ્ (સઈ) ગામમાંથી મળેલી દેવી ભગવતીની પ્રતિમાની બેસણી પર કોતરેલા, સોમટના પુત્ર રાજાનક ભોગટના લેખની લિપિ પણ શારદા કરતાં કુટિલ લિપિને વધુ મળતી આવે છે. શારદા લિપિમાં કોતરેલો સૌપ્રથમ લેખ સરાહાંની પ્રશસ્તિરૂપે મળ્યો છે, જે લગભગ ઈ. સ.ની દસમી સદીનો છે. વારાણસી અને કાશ્મીરના પંડિતો પોતાના ગ્રંથો દસમી સદી પહેલાં કુટિલ લિપિમાં લખતા. શારદા લિપિનો પ્રચાર ઉત્તર-પશ્ચિમ ભારત અને વારાણસી સુધી હતો. 1911માં પ્રસિદ્ધ પુરાવિદ ડૉ. ફૉજલે ચંબા રાજ્યના શારદા લિપિના શિલાલેખો અને દાનપત્રોનો મોટો સંગ્રહ ‘ઍન્ટિક્વિટિઝ ઑવ્ ચંબા સ્ટેટ’ નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યો, જે શારદા લિપિના અભ્યાસીઓ માટે ખૂબ મહત્વનો અને ઉપયોગી છે.

શારદા લિપિમાંથી નીકળેલી આધુનિક લિપિઓમાં ટાકરી, સિરમૌરી, ડોગરી, ચમિઆલી, મંડેઆલી, જૌનસારી, કોછી (સિમલાના પશ્ચિમ ભાગમાં), કુલ્લુઈ (કુલ્લુ ઘાટી), કશ્ટવારી (દ. પૂર્વમાં કશ્ટવાર ઘાટીની) વગેરેનો સમાવેશ થાય છે.

ટાકરી લિપિ : ટાકરી લિપિ જમ્મુ અને ઉત્તર પંજાબમાં પ્રચલિત છે. ટાકરી નામ ‘ઠક્કુરી’ – ‘ઠાકુરી’ ઉપરથી આવ્યું હોવાનું જણાય છે. રાજપૂત ઠાકુરોની લિપિ અથવા ટાંક (લવાણા) જાતિના વેપારીઓની લિપિને ટાકરી લિપિ કહે છે. જમ્મુ પ્રદેશમાં એનું સ્વરૂપ ‘ડોગરી’ અને ચંબામાં ‘ચમિયાલી’ પ્રચલિત હતું. આ લિપિ એ શારદા લિપિનું વળાંકદાર સ્વરૂપ છે. એમાં इ, क, ख, ण અને म જેવા અક્ષર શિરોરેખા વિનાના છે; જ્યારે उ, ए, घ, ङ, छ, ज, झ, ञ, ट, ठ, ड, ढ, त, द, न, प, फ, ब, भ, म, र, ष અને ह માં એ શિરોરેખા ડાબી બાજુની નાની રેખા રૂપે લખાય છે. આખી સળંગ શિરોરેખા अ, ग, च, थ, ध, य, ल, व, श અને स જેવા અક્ષરોમાં જોવા મળે છે. उ ગુજરાતી ઉ જેવો છે. ख શિરોરેખા વિનાનો ષ છે. थ નાગરી ष જેવો, फ ગુજરાતી ઢ જેવો અને ह નાગરી उ જેવો આકાર ધરાવે છે. ओ અને औનાં ચિહન अ પરથી સાધિત કરવામાં આવ્યાં છે. સ્વરમાત્રાઓમાં आની માત્રા ઊભી ત્રાંસી રેખાનું, उની માત્રા અંતર્ગોળ રેખાનું, एની માત્રા સીધી આડી રેખાનું અને ओની માત્રા તરંગાકાર રેખાનું સ્વરૂપ ધરાવે છે. इ, उ, ए, ग, घ, च, ञ, ट, ठ, ड, ढ, त, थ, द, ध, प, भ, म, य, र અને ल નું સ્વરૂપ શારદા લિપિના વળાંકદાર મરોડ જેવું છે :

ટાકરી લિપિ

ગુરુમુખી લિપિ : પંજાબના વેપારી વર્ગોમાં ‘લંડા’ નામે મહાજની લિપિ પ્રચલિત હતી, જેમાં સ્વરમાત્રાઓ લગાવવામાં આવતી નહિ. શીખ ધર્મના ગ્રંથો એ લિપિમાં લખાવા શરૂ થયા ત્યારે એ શુદ્ધ રીતે વાંચી શકાતા નહિ. આથી ગુરુ ગોવિંદસિંહે (ઈ. સ.ની સોળમી સદી) ધર્મગ્રંથો લખવા માટે ‘લંડા’ લિપિમાંથી સ્વરમાત્રાઓવાળી શુદ્ધ લિપિ વિકસાવી, જેને ગુરુમુખી લિપિ કહે છે. આ લિપિના उ, ऋ, घ, च, त, थ, द, प, भ, म એ અક્ષર શારદા લિપિના અક્ષરોને મળતા આવે છે. अ, ख, घ, प, म એ ष અક્ષરો પર શિરોરેખા બાંધેલી નથી. ओનું સ્વરૂપ સ્વતંત્ર છે. ख અને षનું સ્વરૂપ સરખું છે. ज એ નાગરી भ  જેવો, त એ નાગરી उ જેવો, थ નાગરી ष જેવો, फ નાગરી ढ જેવો, म નાગરી भ જેવો, स નાગરી म જેવો, આકાર ધરાવે છે. सની આડી રેખાની નીચે બિંદુ ઉમેરવાથી श થાય છે. સ્વરમાત્રાઓમાં आ, इ, ई, ए અને ऐની માત્રાઓ નાગરી માત્રાઓ જેવી છે; જ્યારે उ, ऊ, ओ અને औની માત્રાઓ વિલક્ષણ છે. અંકચિહનો નાગરી અંકચિહનો જેવાં છે.

ગુરુમુખી (પંજાબી) લિપિ

સોવિયેત રશિયાના અજરબૈજાન પ્રદેશની રાજધાની બાકૂ પાસે જ્વાલામાઈના જૂના મંદિરમાંથી અઢારમી સદીના તેર જેટલા દેવનાગરી અને બે ગુરુમુખી લિપિમાં કોતરેલા લેખ મળ્યા છે. આજે પણ શીખોના ધર્મગ્રંથ ગુરુમુખી લિપિમાં લખાય છે, એની ભાષા પંજાબી હોય છે.

કૈથી લિપિ

કૈથી લિપિ : બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું. એને કૈથી લિપિ કહે છે. આ લિપિનાં સામાન્ય લક્ષણ ગુજરાતી લિપિને મળતાં આવે છે. એમાં ઝડપથી લખવા માટે અક્ષરોની અલગ અલગ શિરોરેખા છોડી દેવામાં આવી છે અને અક્ષરોનો મરોડ થોડો વળાંકદાર કરવામાં આવ્યો છે. આ લિપિનો અ ગુજરાતી અક્ષર શ્ર જેવો છે. ષમાંથી સાધિત થયેલો ખ ગુજરાતી ખ જેવો છે. ભ એ મ કરતાં સહેજ વધુ ત્રાંસો છે. લ ગુજરાતી લ જેવો છે. બ અને વ સરખા છે. એ બંને અક્ષર ઓળખવા માટે વની નીચે બિંદુ કરવામાં આવે છે. સ્વરમાત્રાઓ અને અંકચિહનો નાગરી મરોડ જેવા છે. ગુજરાતી લિપિની જેમ પહેલાં આખી સળંગ રેખા દોરી નીચે અક્ષરો લખવામાં આવતા. મુદ્રણની સરળતા માટે સળંગ રેખા દૂર કરવામાં આવી. મિથિલા, મગધ અને ભોજપુરના પ્રદેશોમાં કૈથી લિપિનાં થોડાં જુદાં જુદાં સ્વરૂપ પ્રચલિત છે :

ઈ. સ.ની દસમી સદીથી પૂર્વ ભારતમાં આદ્ય-નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થવા લાગ્યું. સમય જતાં એમાંથી બંગાળી, મૈથિલી અને નેવારી લિપિઓ ઘડાઈ.

બંગાળી લિપિ : બંગાળી લિપિ ભારતના પૂર્વ ભાગ – મગધ તરફની નાગરી લિપિમાંથી નીકળી છે અને બંગાળા, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસાના પ્રાચીન અભિલેખોમાં તેમજ હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઈ છે. હાલ આ લિપિ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. બંગાળી લિપિનો પ્રયોગ સૌપ્રથમ પૂર્વ ભારતના દસમી સદીના અભિલેખોમાં મળે છે. બારમી સદીથી એનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળે છે. બંગાળાના પાલ રાજાઓનાં દાનપત્રોમાં આ લિપિના કેટલાક અક્ષર મળે છે. કામરૂપના શાસકોના લેખોમાં બંગાળી લિપિ પ્રયોજાઈ છે.

બંગાળી લિપિ

બંગાળી લિપિમાં व અને ब ના મરોડ સરખા છે. બંગાળીમાં બંને અક્ષરો માટે બ જ ઉચ્ચારાય છે. એમાં ओનું સ્વતંત્ર સ્વરૂપ સચવાયું છે. ऋ, लृ, ए, ऐ, ओ, औ, ख, ग, ङ, ञ्, ण, थ, ध, फ અને श એ અક્ષરોને શિરોરેખા નથી. ट અને ठમાં શિરોરેખા ઉપર ए-ની નાગરી માત્રા જેવી ત્રાંસી વળાંકદાર રેખા ઉમેરાય છે. ण અને नનો મરોડ લગભગ સરખો છે. માત્ર ण-માં શિરોરેખા કરેલી નથી. व માટે પણ बનું ચિહન જ પ્રયોજાય છે. र-નો મરોડ પણ  ब જેવો છે. જોકે અલગતા દર્શાવવા र-ના ડાબા પાંખાની નીચે બિંદુ ઉમેરવામાં આવે છે. त અને भમાં શિરોરેખા અક્ષરથી અલગ સહેજ ઉપર કરાય છે. आની સ્વરમાત્રા શિરોરેખાના જમણા છેડાથી નીચે ઊતરી પાછી ઊંચે જાય છે. ઉપરની બાજુએ સહેજ ખાંચો પડે છે. उની માત્રા ऊની નાગરી માત્રા જેવી લાગે છે. ए-ની માત્રા ડાબી બાજુએ ઊભી પડિમાત્રા પ્રયોજાય છે. અનુસ્વારનું ચિહન અક્ષરની જમણી બાજુએ ઉમેરાય છે અને પોલા મીંડાની નીચે ત્રાંસી રેખા કરવામાં આવે છે. અંકચિહનોમાં માત્ર ર-ના અંકનું ચિહન નાગરીના ર-ના અંકચિહનને મળતું છે. બીજાં બધાં અંકચિહનો વિલક્ષણ છે. ત્રણનું ચિહન નાગરીના 7ના ચિહન જેવું છે. અનુસ્વારને બદલે તે તે વર્ગનો અનુનાસિક પ્રયોજાય છે. यનો ઉચ્ચાર ज જેવો થતો હોવાથી જ્યાં य ઉચ્ચારવાનો હોય ત્યાં यના ડાબા પાંખા નીચે બિંદુ ઉમેરવામાં આવે છે.

મૈથિલી લિપિ : મૈથિલી લિપિ એ બંગાળી લિપિનું રૂપાંતર છે. મિથિલ (તિરહુત) પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા માટે આ લિપિનો પ્રયોગ કરતા. આ લિપિમાં व અને ब જુદા છે. સ્વરમાત્રાઓમાં उની માત્રા નાગરી માત્રા જેવી છે. અંકચિહનોમાં 2, 3 અને 4નાં ચિહન નાગરી અંકો જેવાં છે. બંગાળી અક્ષરોના ઝડપથી લખી શકાય તેવાં વળાંકદાર રૂપાંતર એ મૈથિલી લિપિના અક્ષરો છે :

મૈથિલી લિપિ

ઊડિયા લિપિ : ઓરિસા પ્રદેશની લિપિને ઊડિયા લિપિ કહે છે. આ લિપિ પ્રાચીન બંગાળી લિપિમાંથી નીકળી છે; પરંતુ સળંગ કલમે લખાય તેવા મરોડ અને ગોળાઈદાર શિરોરેખાને લીધે આ લિપિના અક્ષર વિલક્ષણ લાગે છે. ए, ए, ओ અને औ – એ ચાર અક્ષર બંગાળી જેવા છે. સ્વરમાત્રાઓનાં ચિહન પણ બંગાળી ચિહન જેવાં છે. અંકચિહનોમાં  અને નાં ચિહનો નાગરી ચિહનોને મળતાં આવે છે. બીજાં અંકચિહન વિલક્ષણ છે :

ઊડિયા લિપિ

પ્રાચીન તેલુગુ-કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઈ વધવા લાગી અને ઝડપથી લખવાને લીધે અક્ષરોના મરોડ બદલાતા ગયા. એમાંથી વર્તમાન તેલુગુ અને કન્નડ લિપિઓ વિકાસ પામી.

તેલુગુ લિપિ : તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશ અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. પલ્લવ, કદંબ, પશ્ચિમી અને પૂર્વી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, ગંગવંશીઓ અને કાકતીયો વગેરે રાજવંશોના શિલાલેખો, દાનપત્રો વગેરેમાં આ લિપિનો પ્રયોગ થયો છે. ઈ. સ.ની અગિયારમી સદીથી આ લિપિના ઘણા અક્ષરો પ્રાપ્ત થાય છે.

તેલુગુ લિપિમાં अ થી औ સુધીના બધા સ્વરો માટે સ્વતંત્ર ચિહનો છે. ए અને ओ-નાં હ્રસ્વ અને દીર્ઘ એવાં બે ચિહન પ્રચલિત છે. વ્યંજનોમાં कનું ચિહન ल-ના ચિહ્નની નીચે બિંદુ મૂકી ઉપર જમણી બાજુએ ઉપર સહેજ વળાંકદાર નાની રેખા ચાલુ કલમે ઉમેરેલી છે.  उ અને उની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. અંકચિહનોમાં  અને નાં ચિહન અનુક્રમે ગુજરાતી અને નાગરી અંકચિહનો જેવાં છે. તેલુગુ લિપિના અક્ષર ગોળ આકાર ધરાવે છે. એમાં શિરોરેખા હોતી નથી. તેલંગ (તેલંગણ) પરથી ‘તેલુગુ’ નામ પડ્યું છે :

તેલુગુ લિપિ

કન્નડ લિપિ : કન્નડ લિપિ એ કર્ણાટક પ્રદેશની લિપિ છે. હાલ આ લિપિ મૈસૂર રાજ્ય અને એની આસપાસના વિસ્તારમાં પ્રચલિત છે. કન્નડ ભાષાનો અને લિપિનો સહુથી જૂનો શિલાલેખ બાદામીની વૈષ્ણવ ગુફાની બહાર ચાલુક્ય રાજા મંગલેશ(ઈ. સ. 598–610)નો મળે છે. કાકુસ્થવર્મન્નો હળેબીડુ લેખ પણ કન્નડમાં છે. કન્નડ લિપિની સહુથી જૂની હસ્તપ્રત ‘કવિરાજમાર્ગ’ ઈ. સ. 877ની છે.

કન્નડ લિપિ

કન્નડ લિપિના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો જેવા છે. માત્ર उ, ऊ, ऋ, क, त, स અને ह જુદા પડે છે. अ-માં उ ની માત્રા ઉમેરવાથી उ બન્યો છે. આ લિપિમાં બબ્બે જાતના ए અને બબ્બે જાતના ओ છે; હ્રસ્વ અને દીર્ઘ. क लમાંથી બન્યો છે. કેટલાક અક્ષરોમાં આડી શિરોરેખા છે; જેમ કે, त થી फ, म થી र અને व થી ह. उ અને ऊ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે.

ગ્રંથલિપિ

ગ્રંથલિપિ : જે પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે તેલુગુ-કન્નડ લિપિને મળતી આવતી ખાસ લિપિ વિકસી, તેને ગ્રંથ-લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી-આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વિલક્ષણ બની. એમાં ओનું સ્વતંત્ર ચિહ્ન છે. ए અને ओ માં હ્રસ્વ- દીર્ઘના ભેદ નથી. इની માત્રા જમણી બાજુએ જોડાય છે. एની માત્રા ડાબી બાજુએ જોડાય છે. ऐ માટે બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. ओ માટે જમણી બાજુએ आની અને ડાબી બાજુએ एની માત્રા ઉમેરાય છે; પરંતુ औ  માટે જમણી બાજુએ ए અને आની સંયુક્ત માત્રા અને ડાબી બાજુ एની માત્રા ઉમેરાય છે. મુદ્રણકલાના આરંભે સંસ્કૃત ગ્રંથ ગ્રંથલિપિમાં લખાતા. હવે આ ગ્રંથો નાગરીમાં છપાય છે.

તમિળ લિપિ : તામિલનાડુના પ્રદેશમાં પ્રયોજાતી લિપિને તમિળ લિપિ કહે છે. ‘તમિળ’ એટલે દ્રમિલ — દ્રવિડ. આ ભાષાની વર્ણમાળામાં ઘણા ઓછા વ્યંજન છે. क, ङ, च, ञ, ट, ण, त, न, प, म, य, र, ल, व અને ळ. તમિળ વર્ણમાળામાં સંસ્કૃતના ख, ग, घ, छ, ज, झ, ठ, ड, ढ, थ, द, ध, फ, ब, भ, श, ष અને स એ 18 અક્ષર ખૂટે છે. આથી આ લિપિ તમિળ ભાષા માટે જ ઉપયોગી છે, સંસ્કૃત ભાષા માટે નહિ. તમિળ લિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે સામ્ય ધરાવે છે. આ લિપિમાં आ અને इની માત્રા અક્ષરની જમણી બાજુએ, ईની માત્રા અક્ષરની ઉપર અને ए તથા ऐની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. ओમાં आની માત્રા જમણી બાજુએ અને एની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિમાં 1થી 9 સુધીનાં અંકચિહનો ઉપરાંત 10, 100,  1,000 વગેરેનાં અલગ ચિહન પ્રચલિત છે. સંયુક્ત વ્યંજન એક બીજા અક્ષરની સાથે લખાય છે, જોડાક્ષર તરીકે નહિ.

વર્તમાન તમિળ લિપિ પલ્લવ-ગ્રંથ લિપિમાંથી વિકસિત થઈ. આથી આરંભિક તમિળ લિપિને પલ્લવ-તમિળ કે ગ્રંથ-તમિળ લિપિ કહે છે. પલ્લવોના કેટલાક લેખ તમિળ ભાષા અને તમિળ લિપિમાં છે; જેમ કે, દંતિવર્મા અને તિરુવેલ્લર લેખ.

તમિળ લિપિ

વટ્ટેળુત્તુ લિપિ : દક્ષિણ ભારતમાં પાંડ્ય રાજાઓના પ્રદેશમાં તમિળ ભાષાના લખાણ માટે વટ્ટેળુત્તુ લિપિનો વિકાસ થયો હતો. આ લિપિ બ્રાહ્મી લિપિમાંથી વિકાસ પામી છે. આ લિપિનો અક્ષર ગોળાકાર છે. પાંડ્ય રાજાઓનાં દાનપત્રોનું તમિળ લખાણ વટ્ટેળુત્તુ લિપિમાં છે. કેરળના રાજા ભાસ્કર રવિવર્માનું તામ્રપત્ર (ઈ. સ. 1021) તમિળ ભાષા અને વટ્ટેળુત્તુ લિપિમાં છે. આ લિપિનો પ્રચાર સાતમી સદીના અંત ભાગમાં ચોળ, પાંડ્ય વગેરે રાજાઓના શિલાલેખો અને દાનપત્રોમાં મળે છે. ગોળાકાર અક્ષર પથ્થર પર કોતરવામાં મુશ્કેલી પડે એટલે ચોળ રાજા રાજરાજે વટ્ટેળુત્તુ લિપિના સ્થાને સીધા અક્ષરોવાળી કોલ-એળુત્તુ લિપિ પ્રયોજી. દક્ષિણમાં સત્તરમીઅઢારમી સદી સુધી આ લિપિનો પ્રયોગ ચાલુ રહ્યો.

મલયાળમ લિપિ : કેરળ પ્રદેશમાં મલયાળમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ-લિપિનું વળાંકદાર રૂપાંતર છે. મલયાળમ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. તેલુગુ, કન્નડ લિપિની જેમ મલયાળમ લિપિમાં પણ ए તથા ओ-માં હ્રસ્વ-દીર્ઘનો ભેદ રહેલો છે. आ, इ અને ई ની માત્રા અક્ષરની જમણી બાજુએ ઉમેરાય છે ને ए-ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે.

દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે પ્રયોજાતી તુળુ લિપિ મલયાળમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ છે :

મલયાળમ લિપિ

તુળુ લિપિ

ઉર્દૂ લિપિ : ભારતમાં ઈ. સ.ની બારમીતેરમી સદીના મુસ્લિમ અભિલેખો અરબીમાં લખાતા. ખલજી સલ્તનત(ઈ. સ. 1290–1320)ના અમલ દરમિયાન આ અભિલેખો મોટેભાગે અરબીના સ્થાને ફારસીમાં લખાવા લાગ્યા. અરબી લિપિનો સહુથી જૂનો નમૂનો ભારતમાં ત્રિવેણી(પ. બંગાળ)માં ઈ. સ. 1313–14નો મળ્યો છે. ફારસી લિપિનો સૌથી જૂનો નમૂનો અલાઉદ્દીન ખલજીના સમય(ઈ. સ. 1296–1316)નો હાંસીનો શિલાલેખ છે.

સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્ય સ્થપાતાં ફારસી રાજ્યની સત્તાવાર ભાષા બની અને અરબી ભાષા લુપ્ત થઈ. ફારસી ભાષા અને લિપિ વધુ પ્રમાણમાં પ્રચલિત થઈ. સમય જતાં ફારસીનું મહત્વ ઘટતાં ઉર્દૂ ભાષા અને લિપિનો પ્રચાર થયો. ભારતીય વિશિષ્ટ વર્ણો માટે ફારસી લિપિમાં સુધારા કરીને ઉર્દૂ લિપિ ઉત્પન્ન કરવામાં આવી. ઉર્દૂમાં લખાયેલો સૌથી જૂનો અભિલેખ દિલ્હીમાં હજરત નિઝામુદ્દીન ઓલિયાના સ્થાનકમાં ઈ. સ. 1755નો મળ્યો છે. ઉર્દૂ અભિલેખો વધુ પ્રમાણમાં ઈ. સ. 1857 પછી ઉપલબ્ધ થાય છે.

ઉર્દૂ લિપિ પણ અરબી-ફારસીની જેમ જમણીથી ડાબી બાજુ લખાય છે. એમાં કુલ 46 વર્ણ છે. તેમાં 28 વર્ણ અરબી છે, 4 ફારસી છે અને બાકીના 14 વર્ણ સાધિત કરેલા છે. ट, ड અને ड અનુક્રમે त, द અને र પરથી તેમજ  भ, फ, थ, ठ, झ, छ, ध, ढ, ढ, ख અને  घ અનુક્રમે ब, प, त, ट, ज, च, द, ड, ड, क અને ग પરથી સાધિત કરવામાં આવ્યા છે. ઉર્દૂમાં ञ, ङ, ण, ष અને ळ જેવા વ્યંજનો નથી તેમજ अ સિવાયના સ્વરો નથી, પણ તેને સાધિત કરવામાં આવ્યા છે. વળી क, ख, ग, ज, झ, ड, ढ અને फ એવા જુદા ઉચ્ચારણવાળા ધ્વનિઓ છે. ઉર્દૂ લિપિનાં અંકચિહન ડાબીથી જમણી બાજુ તરફ લખાય છે :

ઉર્દૂ લિપિ

પ્રાચીન લિપિવિદ્યા (palaeography) : અભિલેખો તે તે સમયની પ્રચલિત લિપિમાં કોતરેલા હોઈ તેમજ લિપિમાં સમય જતાં પરિવર્તન થતું રહેતું હોઈ, પ્રાચીન અભિલેખો વાંચવા માટે તે તે સમયના લિપિમરોડોથી માહિતગાર થવું પડે છે. લેખ જેમ વધારે પ્રાચીન, તેમ તેની લિપિ વધારે વિલક્ષણ લાગે છે. લિપિના ક્રમિક વિકાસના પરિચય વિના અત્યંત પ્રાચીન મરોડ ઉકેલી શકાતા નથી. કેટલીક વાર કોઈ અભિલેખ બે લિપિઓમાં કોતરેલો હોય તો એમાંની એક લિપિનું જ્ઞાન હોય તો તેના પરથી બીજી અજ્ઞાત લિપિ ઉકેલી શકાય છે. આથી પ્રાચીન અભિલેખો વાંચવા માટે સૌપ્રથમ તેની પ્રાચીન લિપિનો તથા તેના તે તે સમયના મરોડોની જાણકારી હોવી આવશ્યક છે. આ પ્રાચીન લિપિઓના અભ્યાસની વિદ્યા વિકસી છે. જેને પ્રાચીન લિપિવિદ્યા કહે છે. તે તે દેશની કે પ્રદેશની તે તે સમયની લિપિ જાણી, એ લિપિમાં કોતરેલા અભિલેખ વાંચવા એ અભિલેખવિદ્યાનું પ્રથમ પગથિયું છે. લિપિના જ્ઞાન વિના અભિલેખો વાંચી શકાય નહિ અને તેમાંની વિગતો જાણી શકાય નહિ. પ્રાચીન લિપિવિદ્યા અભિલેખો ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, સિક્કાઓ વગેરેનાં લખાણો વાંચવા માટે ઉપયોગી છે.

પ્રાચીન અભિલેખોના લિપિમરોડોની જાણકારી લુપ્ત થતી ગઈ તેમ તેમ ભારતીય પંડિતો અને લહિયાઓ વધુમાં વધુ સાતમી સદી સુધીનાં જૂનાં લખાણ મહામહેનતે વાંચી શકતા; પરંતુ એની પહેલાંનાં લખાણોના મરોડ ઉકેલી શકાયા નહિ. ઈ. સ. 1356માં દિલ્હીના સુલતાન ફીરોઝશાહ તઘલકે ટોપરા(જિ. અંબાલા, પૂર્વ પંજાબ)માંથી એક જૂનો શિલાસ્તંભ ઘણી જહેમતથી ખસેડાવી દિલ્હીમાં ‘ફીરોઝશાહ કોટલા’માં અને મેરઠ(ઉ. પ્રદેશ)માંથી એક એવો બીજો શિલાસ્તંભ ખસેડાવી દિલ્હીમાં ‘કુશ્ક શિકાર’ પાસે ઊભો કરાવેલો. આ બંને સ્તંભો પર કોતરેલા લેખ કોઈ પંડિત ઉકેલી શક્યા નહિ.

સને 1781માં અંગ્રેજ અધિકારી ચાર્લ્સ વિલ્કિન્સે મોંઘીર(બિહાર)માંથી મેળવેલું બંગાળાના પાલ વંશના રાજા દેવપાલનું નવમી સદીનું તામ્રપત્ર ઉકેલ્યું. એ પછી 1785માં એણે પૂર્વ બંગાળાના દીનાજપુર જિલ્લાના બહાલ ગામ પાસેના સ્તંભ ઉપર કોતરાયેલો પાલ વંશના રાજા નારાયણ પાલનો નવમી સદીનો લેખ વાંચ્યો. ભારતીય પંડિત રાધાકાંત શર્માએ દિલ્હીના ટોપરાવાળા સ્તંભ પર કોતરાયેલા લેખો પૈકી અજમેરના ચૌહાણ રાજા વીસલદેવના બારમી સદીના ત્રણ લેખ વાંચ્યા. અર્વાચીન કાલમાં ભારતીય લિપિવિદ્યાનાં પગરણ ત્યારે મંડાયાં ગણાય.

આ અભિલેખ નવમી સદી સુધીના હતા, તેથી થોડા પ્રયત્ને વાંચી શકાયા; પરંતુ એ પહેલાંના લેખોની લિપિનો મરોડ વધારે જુદો હોઈ એ બરાબર વાંચી શકાતા નહિ. સને 1818થી 1823 સુધી કર્નલ જેમ્સ ટૉડે રાજસ્થાન અને સૌરાષ્ટ્રના ઘણા પ્રાચીન લેખો ઈ. સ.ની સાતમી સદીથી પંદરમી સદી સુધીના શોધ્યા અને યતિ જ્ઞાનચંદ્રે એ લેખો વાંચ્યા.

બી. જી. બૅબિંગ્ટને મામલ્લપુરના કેટલાક સંસ્કૃત અને તમિળ ભાષાના પ્રાચીન લેખોને વાંચી 1828માં એની વર્ણમાળા તૈયાર કરી. એ પ્રમાણે વૉલ્ટર ઇલિયટે પ્રાચીન કન્નડ લેખોને વાંચી 1833માં એની વર્ણમાળા તૈયાર કરી. 1834માં કૅપ્ટન ટ્રોયરે અલ્લાહાબાદના અશોકના લેખવાળા સ્તંભ પર કોતરેલા ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના લેખનો કેટલોક ભાગ વાંચ્યો અને ડૉ. મિલે એ પૂરો ઉકેલ્યો અને 1837માં ભિટારીના સ્તંભ પરનો સમુદ્રગુપ્તનો લેખ પણ ઉકેલ્યો. 1835માં ડબ્લ્યૂ. એચ. બોથને વલભીનાં દાનપત્રો ઉકેલ્યાં. 1837–38માં જેમ્સ પ્રિન્સેપે દિલ્હી, કહાઉં અને એરણના સ્તંભલેખો, સાંચી અને અમરાવતીના સ્તૂપો પરના તથા ગિરનારના શૈલ પરનો ગુપ્તલેખ વગેરે ઉકેલ્યા. આમ ગુપ્તવંશી રાજાઓનાં શિલાલેખ, તામ્રપત્ર અને સિક્કાઓ પરનાં લખાણ વાંચી શકાયાં. ઓરિસાની હાથીગુફામાંનો પ્રાકૃત ભાષામાં લખાયેલો રાજા ખારવેલનો લેખ પ્રિન્સેપ, કનિંગહમ, ભગવાનલાલ ઇંદ્રજી, બ્યૂલર, જયસ્વાલ, સ્ટેનકોનો, મુનિ જિનવિજયજી, બરુઆ વગેરે અનેક વિદ્વાનોએ વાંચ્યો છે.

ગુપ્તકાલ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાના પ્રયત્નો 1795માં સર ચાર્લ્સ મૅબેટે કર્યા. એમણે ઇલોરાની ગુફાઓમાંના નાના નાના લેખોની છાપ તૈયાર કરી સર વિલિયમ જૉન્સ અને વિલ્ફર્ડને મોકલી. પરંતુ વિલ્ફર્ડે વાંચેલ એ લેખ અને એના અનુવાદ કપોલકલ્પિત સાબિત થયા.

1834–35માં જેમ્સ પ્રિન્સેપે અલ્લાહાબાદ, રધિયા અને મથિયાના સ્તંભો પરની છાપોને દિલ્હીના લેખ સાથે સરખાવતાં એ ચારેય લેખ એક જ હોવાનું જણાયું. પ્રિન્સેપે પ્રત્યેક અક્ષરને અલ્લાહાબાદ સ્તંભલેખના અક્ષરો સાથે સરખાવ્યો. આમ ગુપ્તલિપિની વર્ણમાળા તૈયાર થઈ. આ વર્ણમાળામાં ખૂટતા અક્ષરો માટે પ્રિન્સેપે 1837માં સાંચીના સ્તૂપો પર કોતરેલા નાના નાના લેખોની છાપો એકઠી કરી વધુ અક્ષરો બેસાડવા પ્રયત્ન કર્યો. આમ દિલ્હી, અલ્લાહાબાદ, સાંચી, મથિયા, રધિયા, ગિરનાર, ધૌલી વગેરે લેખો સરળતાથી વાંચી શકાયા અને એ રીતે પ્રિન્સેપ જેવા વિદ્વાનોના અથાગ શ્રમથી ગુપ્તકાલીન બ્રાહ્મી અક્ષરો વંચાતાં અગાઉના મૌર્ય કાલ (ઈ. પૂ. ત્રીજી સદી) સુધીના લેખો સરળતાથી વાંચી શકાયા અને એ રીતે ઈ. પૂ. ત્રીજી સદી સુધીની બ્રાહ્મી લિપિ ઉકેલી શકાઈ. આથી જ જેમ્સ પ્રિન્સેપને ભારતીય પ્રાચીન લિપિવિદ્યાના પિતા ગણવામાં આવે છે.

એ જ પ્રમાણે 1834થી 1838 દરમિયાન જેમ્સ પ્રિન્સેપ, નૉરિસ અને જનરલ કનિંગહમના પ્રયત્નોથી ખરોષ્ઠી લિપિની પૂરી વર્ણમાળા અને સંયુક્તાક્ષરો ઊકલી શક્યા.

આમ લેખનકળા એ સંસ્કૃતિ અને સભ્યતાનું એક વિચ્છિન્ન અંગ છે. લેખનકળાનાં વિવિધ માધ્યમો અને પદ્ધતિઓ દ્વારા સંસ્કૃતિ અને સમાજની સાચી સમજ કેળવી શકાય છે. લિપિનું કાર્ય ભાવોનું અંકન કરવાનું છે. પ્રાચીન ભાવમૂલક અને ધ્વનિમૂલક લિપિઓની પોતાની મર્યાદાઓ હતી. અક્ષરાત્મક (syllabic) લિપિની તુલનામાં વર્ણાત્મક (alphabetical) લિપિ વધુ વૈજ્ઞાનિક અને ઉપયોગી છે; કેમ કે, એ લિપિ દ્વારા ધ્વનિઓનું અંકન વધુ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક ઢબથી કરાયું છે; આમ છતાં આ લિપિઓમાં પણ હજુ સુધારાને અવકાશ છે.

આધુનિક કાલમાં લિપિ-વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓની વર્ણમાળાઓ વચ્ચે આંતરિક સામ્ય; વિભિન્ન દેશો, સંસ્કૃતિઓ અને ભાષાઓની લિપિઓની ઉત્પત્તિ; તે તે લિપિના પ્રાચીન ઉપલબ્ધ લેખોનું પઠન વગેરે વિષયો પરત્વે મહત્વપૂર્ણ કાર્યો થયાં છે; આમ છતાં જગતની અપૂર્ણ લિપિઓને પૂર્ણ તથા વૈજ્ઞાનિક બનાવવા માટેના સઘન પ્રયાસો થાય એ જરૂરનું છે.

ભારતીય લિપિઓની વિશેષતા એ છે કે તે ઉચ્ચાર પ્રમાણે લખાય છે. ગઈ સદીના ચાળીસના દાયકામાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં ‘લિપિ સુધારણા સમિતિ’ સ્થપાઈ હતી. એક સમાન રાષ્ટ્રીય લિપિ માટે વિનોબા ભાવેએ પણ પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત નરસિંહરાવ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, બચુભાઈ રાવત, સ્વામી આનંદ, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત, શાંતિભાઈ આચાર્ય, મહેન્દ્ર મેઘાણી વગેરે વિદ્વાનોએ પણ લિપિ-સુધારણા માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સૂચવેલા સુધારા તેમના લખાણ પૂરતા અમલમાં મુકાયા હતા. તે સર્વમાન્ય થયા ન હતા. ભાષાવિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને વિશ્વભાષાના સંદર્ભે ‘એક્સ્પેરેન્ટો’ લિપિ શોધાઈ છે પરંતુ તે ઘણી અઘરી હોવાને કારણે વ્યાપક બની નહિ.

ભારતી શેલત