લિપિડ (lipid – lipide અથવા lipin)

January, 2004

લિપિડ (lipid, lipide અથવા lipin) : જીવો(organisms)માંથી ઍસિટોન, ઈથર, ક્લૉરોફૉર્મ, કે બેન્ઝીન જેવાં અધ્રુવીય (nonpolar) દ્રાવકો દ્વારા નિષ્કર્ષણ કરી મેળવાતાં ચરબી અને ચરબી-નિગમિત (ચરબીજન્ય, fat-derived) દ્રવ્યો માટે વપરાતી વ્યાપક (inclusive) સંજ્ઞા (term). આ સંજ્ઞામાં બંધારણની ર્દષ્ટિએ તથા કાર્યપદ્ધતિ(function)ની રીતે ભિન્ન ભિન્ન પદાર્થો આવી જાય, કારણ કે આવાં દ્રાવકોમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય ગુણધર્મની બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરી શકાતી નથી. આ કારણે લિપિડ અને બિનલિપિડ વચ્ચેની ભેદરેખા અસ્પષ્ટ રહી જવા પામી છે. ચરબી માટેના ગ્રીક શબ્દ ‘Lipos’ પરથી ‘લિપિડ’ શબ્દ ઊતરી આવ્યો છે. લિપિડ એ છોડવા, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો(microorganisms)માં જોવા મળતાં લાંબી શૃંખલાવાળાં એલિફૅટિક (ચક્રીય કે બિનચક્રીય) હાઇડ્રોકાર્બનોનાં (ચરબીજ) ઍસિડ, આલ્કોહૉલ, એમાઇન-સંયોજનો, એમાઇનો, આલ્કોહૉલ તથા આલ્ડિહાઇડ જેવા વ્યુત્પન્નો ધરાવતાં કાર્બનિક સંયોજનોનો વૈવિધ્યપૂર્ણ સમૂહ છે. તેમાં (i) પાણીમાં પ્રમાણમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય; (ii) ચરબીજ ઍસિડોમાં ઍસ્ટરો, ચરબીજ આલ્કોહૉલ, સ્ટિરૉલ (sterols), મીણ (waxes) વગેરે સાથે સંકળાયેલા અને (iii) જીવસમુદાય (animal-organisms) દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા પદાર્થોનો સમાવેશ થાય છે. તેઓ જીવંત કોષોના સંરચનાકીય (structural) ઘટકોમાંનાં છે. સ્પર્શે તે ગ્રીઝ જેવાં (greasy) હોય છે.

બધા જીવંત કોષોમાં લિપિડ હોય છે, પણ પેશીવાર તેમનું પ્રમાણ જુદું જુદું હોય છે; દા.ત., સફેદ બટાટામાં તે 0.2 %, તો કેટલાંક કાષ્ઠફળોનાં મીંજ(nut kernels)માં 70 % જેટલું હોય છે. ટ્રાઇગ્લિસરાઇડો (triglycerides) માનવીની ઍડિપોઝ પેશીઓમાં તથા છોડવાનાં બીજમાં હોય છે. પ્રોટીનો સાથે સંકળાયેલાં વધુ સંકીર્ણ લિપિડો કોષના પટલો (membranes) અથવા ઉપકોષી (subcellular) કણોમાં જોવા મળે છે. વધુ ક્રિયાશીલ પેશીઓ સામાન્ય રીતે સંકીર્ણ લિપિડોનો વધુ જથ્થો ધરાવે છે; દા.ત., સસ્તનોનાં મગજ, કલેજું (liver), મૂત્રપિંડ, ફેફસાં અને લોહી ફૉસ્ફેટાઇડ(phosphatides)નું વધુમાં વધુ સંકેન્દ્રણ ધરાવે છે. મત્સ્ય-તેલો (fish-oils) વિટામિન A અને Dના અગત્યના સ્રોતો છે. વિટામિન K મુખ્યત્વે છોડવા અને સૂક્ષ્મ જીવોમાં જોવા મળે છે, જ્યારે કૅરોટિનૉઇડ સંયોજનો પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિમાં વિસ્તૃતપણે વિતરિત થયેલાં હોય છે. મીણ (waxes) જેવા પદાર્થો કીટકોમાં તથા વનસ્પતિનાં પર્ણો પર તેમજ ફળો અને વનસ્પતિની બાહ્યત્વચા (cuticle) પર સંરક્ષણકારકો તરીકે જોવા મળે છે

જીવંત વસ્તુઓમાં લિપિડનો મોટો અંશ પ્રોટીન સાથે બિનસહસંયોજક (non-covalent) બળો દ્વારા જોડાયેલો હોય છે. તેમાં પાણીના અણુઓ પણ સામેલ હોય છે. જો તેમાંથી પાણી દૂર કરવામાં આવે તો આ બળો તૂટે છે. આ કારણસર લિપિડના નિષ્કર્ષણ (extraction) માટે ઇથેનૉલ, મીથેનૉલ, કે ઍસિટોન જેવાં નિર્જલીકારક (dehydrating agents) દ્રાવકોને ઈથર, પેટ્રોલિયમ ઈથર કે ક્લૉરોફૉર્મ સાથે વાપરવામાં આવે છે. ઇથેનૉલ તથા ઈથરનું મિશ્રણ એ સામાન્ય રીતે વપરાતું દ્રાવક છે. તેનું નિષ્કર્ષણ સામાન્ય તાપમાને કરવામાં આવે છે. નિષ્કર્ષણ કર્યા બાદ દ્રાવકનું આંશિક શૂન્યાવકાશે બાષ્પાયન કરી વધેલા દ્રાવણનું ઈથર, પેટ્રોલ ઈથર કે ક્લૉરોફૉર્મ સાથે નિષ્કર્ષણ કરી આ દ્રાવકો શૂન્યાવકાશમાં દૂર કરાય છે. આ રીતે મળતા લિપિડ અવશેષમાં સામાન્યત: શર્કરા, ઍમિનોઍસિડ તથા અકાર્બનિક આયનો જેવી બિન-લિપિડ અશુદ્ધિઓ રહેલી હોય છે, જે પાણી વડે ધોવાથી દૂર કરી શકાય છે.

ફૉસ્ફોલિપિડો બીજાં લિપિડોને મુકાબલે ઍસિટોનમાં ઓછાં દ્રાવ્ય હોય છે અને મિશ્રણમાં ઍસિટોન ઉમેરતાં (અવક્ષેપન પામતાં હોવાથી) છૂટાં પાડી શકાય છે. તેઓ ભિન્ન ભિન્ન કાર્બનિક દ્રાવકો દ્વારા પણ અલગ કરી શકાય છે.

મોટાભાગનાં લિપિડો સિલિસિક ઍસિડ ભરેલા સ્તંભ દ્વારા વર્ણલેખન (chromatographic) પદ્ધતિથી જુદાં પાડવામાં આવે છે. પત્ર-વર્ણલેખન (paper-chromatography) પણ આ માટે ઉપયોગી છે. આ ઉપરાંત તનુ-પ્રવાહી-વર્ણલેખિકી (thin-liquid chromatography) નામની રીત પણ પ્રયોજાય છે. હવે આ માટે વધુ ઉપયોગી પુરવાર થયેલી વાયુ-પ્રવાહી વર્ણલેખિકી (gas-liquid chromatography) પદ્ધતિને પસંદ કરવામાં આવે છે. લિપિડોને ઉષ્મીય વાહકતા (thermal conductivity) દ્વારા સ્તંભમાં પારખી તેનું પ્રમાણ નક્કી થઈ શકે છે. આ રીત ખૂબ સંવેદનશીલ છે. દા.ત., રક્ત-જીવદ્રવ્ય(blood plasma)માં રહેલો 10 mg/100 ml (માઇક્રોગ્રામ/મિલી.) જેટલો મુક્ત ચરબીજ ઍસિડ પણ આ રીતે નક્કી કરી શકાય છે.

સામાન્ય ગુણધર્મો : મોટાભાગનાં લિપિડ પાણીમાં અદ્રાવ્ય; પરંતુ ઈથર, ક્લૉરોફૉર્મ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે. કેટલાંક ટૂંકી શૃંખલા ધરાવતા ચરબીજ ઍસિડ અને ગ્લિસેરાઇડ તથા લાઇસો-ફૉસ્ફોલિપિડ ઠીક ઠીક પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય હોય છે. હાઇડ્રોકાર્બન જેવા જલવિરાગી (hydrophobic) અને ધ્રુવીય ભાગો[જલરાગી (hydrophilic) ભાગો અથવા સમૂહો]ના સાપેક્ષ પ્રમાણ ઉપરથી લિપિડના ગુણધર્મો નક્કી થાય છે. તટસ્થ લિપિડ ઍસિટોનમાં દ્રાવ્ય થાય છે, પણ ફૉસ્ફોલિપિડ તેમાં અવક્ષિપ્ત થાય છે. ઇથાઇલ આલ્કોહૉલમાં લેસિથીન (lecithin) નામનું ફૉસ્ફોલિપિડ દ્રાવ્ય થાય છે, પરંતુ તેમાં ફૉસ્ફોટાઇડિલ ઇથેનૉલ એમાઇન (સિફાલીન) અવક્ષિપ્ત થાય છે.

ચરબીજ ઍસિડ લિપિડનો લાક્ષણિક ઘટક છે; પરંતુ સ્ટેરૉલ, ચરબી-દ્રાવ્ય વિટામિન વગેરે હંમેશાં ચરબીજ ઍસિડ સાથે સંકળાયેલાં હોતાં નથી. ઘણાં લિપિડ જલવિરાગી તથા જલરાગી એમ બંને સમૂહો ધરાવે છે. આને લીધે તે તેલ-પાણી આંતરપૃષ્ઠમાં એવી રીતે ગોઠવાય છે કે જલવિરાગી ભાગ તૈલી ભાગ તરફ અને જલરાગી ભાગ પાણી તરફ ગોઠવાયેલો હોય.

મોટે ભાગે ફૉસ્ફોલિપિડ એકબીજા સાથે તેમજ વિવિધ પદાર્થો સાથે સંકીર્ણ બનાવવાની તીવ્ર વૃત્તિ ધરાવતાં હોય છે. સ્થિરવૈદ્યુત (electrostatic) આકર્ષણ અને લાંબી શૃંખલાની પરસ્પર દ્રાવ્યતાના લીધે સંકીર્ણો બનતા હોય છે. આમ લિપોપ્રોટીન અને પ્રોટિયોલિપિડ એ પ્રોટીન અને વિવિધ પ્રકારનાં લિપિડ – જેવાં કે કૉલેસ્ટેરૉલ, ફૉસ્ફોલિપિડ, ગ્લિસેરાઇડ અને ગ્લાયકોલિપિડ – સાથેનાં સંકીર્ણ સંયોજનો છે. પ્રોટીન અને ફૉસ્ફોલિપિડમાંના ધ્રુવીય સમૂહો જલરાગી હોવાથી તેઓ સંકીર્ણની બહારની તરફ ગોઠવાય છે; જ્યારે લિપિડમાંના હાઇડ્રોકાર્બન-સમૂહો કેન્દ્ર તરફ ગોઠવાયેલા રહે છે.

મગજ તથા તંત્રિકા(nerves)નાં પ્રોટિયોલિપિડની ગોઠવણી જુદી હોઈ શકે છે, કારણ કે તેઓ જલદ્રાવ્ય હોતાં નથી. આ પ્રકારના સંકીર્ણોમાં લિપિડો પ્રોટીનની આજુબાજુ આવરણ બનાવી દે છે.

પરઑક્સિડેશનક્રિયા ન્યૂનતમ બનાવીને અલગ પાડવામાં આવેલાં કેટલાંક લિપિડ રંગવિહીન, ગંધરહિત અને સ્વાદવિહીન હોય છે. તેમના રંગ, ગંધ, સ્વાદ વગેરે ગુણો તેમના કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા સમૂહો(જેવાં કે, આલ્ડિહાઇડ, ઍસ્ટર, કીટોન વગેરે)ની હાજરીને આભારી હોય છે. પરઑક્સિડેશનક્રિયાથી ઉદભવેલી નીપજોને કારણે પણ આવા ગુણધર્મો ઉદભવી શકે છે. લિપિડો કેટલાક રંગીન વર્ણકોને તેમજ અન્ય કાર્બનિક અણુઓને દ્રાવ્ય બનાવી શકતાં હોઈ કેટલીક વાર રંગીન પણ દેખાય છે.

લિપિડોને સાદા લિપિડ (ચરબીજ ઍસિડ તથા તેના ઍસ્ટર) તથા સંકીર્ણ લિપિડ(ચરબીજ ઍસિડના એવા ઍસ્ટર કે જેને વધારામાં કૉલીન ફૉસ્ફેટ જેવા અવશેષ (residue) લાગેલા હોય)માં વહેંચી શકાય :

(I) સાદાં લિપિડ : સાદાં લિપિડ ચરબીજ ઍસિડ અને તેના આલ્કોહૉલ સાથેના ઍસ્ટરો છે. અહીં ચરબી(fat)માં આલ્કોહૉલ તરીકે ગ્લિસરૉલ, વૅક્સ ઍસ્ટરમાં 16 કે વધુ કાર્બન ધરાવતો મૉનોહાઇડ્રિક આલ્કોહૉલ તથા સ્ટેરૉલ ઍસ્ટરમાં આલ્કોહૉલ તરીકે કૉલેસ્ટેરૉલ કે અન્ય સ્ટેરૉલ હોય છે.

() ચરબી (fats) : તે ટ્રાઇગ્લિસરાઇડનું મિશ્રણ છે. અહીં ગ્લિસરૉલના ત્રણેય હાઇડ્રૉક્સી સમૂહનું ચરબીજ ઍસિડ દ્વારા ઍસ્ટરીકરણ થયું હોય છે. ચરબી તથા તેલ વચ્ચે કોઈ ચુસ્ત (sharp) ભેદરેખા નથી, પરંતુ ટૅકનિકલ રીતે ‘ચરબી’ શબ્દ બંને માટે વપરાય છે. સામાન્ય ભાષામાં ‘તેલ’ શબ્દ પ્રવાહી ચરબી માટે વપરાય છે. જીવંત સસ્તન પ્રાણીઓ(mammals)માં પણ ચરબી પ્રવાહી સ્વરૂપમાં હોય છે.

ટ્રાઇગ્લિસરાઇડનું સામાન્ય સૂત્ર નીચે મુજબ છે :

– જેમાં RCOOH, R´COOH અને R´´COOH ચરબીજ ઍસિડના અંશ છે; જ્યારે R COOH  અને R´´ COOH જુદા હોય ત્યારે * ચિહન વડે દર્શાવેલ કાર્બન અસમમિત (asymmetric) કાર્બન હોય છે. ચરબીમાં માત્ર એક જ પ્રતિબિંબી (હાજર એવા પ્રત્યેક અસમમિત ટ્રાઇગ્લિસરાઇડનો) હોય તે સંભવિત છે; પરંતુ આ નક્કી નથી અને તેમની સંરચના (configuration) અંગે કોઈ સાબિતી મળી નથી. સાદા ટ્રાઇગ્લિસરાઇડમાં ત્રણેય ચરબીજ ઍસિડ એકસરખા જ હોય છે; જ્યારે મિશ્ર ટ્રાઇગ્લિસરાઇડમાં તે જુદા જુદા હોય છે.

જળવિભાજન દ્વારા ચરબીમાંથી ગ્લિસરૉલ તથા ચરબીજ ઍસિડ મળે છે. આધુનિક રીત મુજબ ચરબીજ ઍસિડનું વિભાગીકરણ વાયુ-પ્રવાહી-વર્ણલેખન(GLC)થી સારી રીતે થઈ શકે છે. ચરબીમાંથી મળતા મોટાભાગના ચરબીજ ઍસિડમાં સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે; જેના છેડે – COOH સમૂહ હોય છે તથા તેમાં બેકી સંખ્યામાં કાર્બન-પરમાણુઓ હોય છે.

ગ્લિસરાઇડમાંના મુખ્ય ચરબીજ ઍસિડ બ્યુટિરિક, કેપ્રૉઇક, કેપ્રીલિક, કેપ્રીક, લૉરિક, મિરિસ્ટિક, પામિટિક તથા સ્ટિયરિક, ઑલિક, લિનોલેનિક વગેરે હોય છે. (વધુ વિગત માટે જુઓ ચરબીજ ઍસિડ.)

કેટલીક ચરબીમાં ચરબીજ ઍસિડનું પ્રમાણ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે :

કેટલીક ચરબીમાં ચરબીજ ઍસિડનું પ્રમાણ (composition) :

ચરબીજ ઑલિવ લિનસીડ ગાયના
ઍસિડ ઑઇલ (કપાસિયાનું તેલ) દૂધમાંની ચરબી
C4થી C12 સંતૃપ્ત 10
મિરિસ્ટિક 10
પામિટિક 15 7 26
સ્ટિયરિક 2 5 13
ઑલિક 70 25 32
લિનોલિક 12 20
લિનોલેનિક 40

ઉપરના કોષ્ટક મુજબ ઑલિક ઍસિડ વધુ વ્યાપ્ત મુખ્ય અસંતૃપ્ત ચરબીજ ઍસિડ છે; પરંતુ કેટલીક વનસ્પતિજન્ય–ચરબી(દા.ત., શણ, હેમ્પ ઑઇલ)માં લિનોલિક અને લિનોલેનિક ઍસિડના લગભગ 70 % મિશ્રણરૂપે હોય છે. વનસ્પતિ–ચરબીમાં સૌથી વધુ વ્યાપ્ત ચરબીજ ઍસિડ પામિટિક ઍસિડ છે. પ્રાણિજ ચરબીમાં અસંતૃપ્ત ચરબીજ ઍસિડનું પ્રમાણ સામાન્યત: ઓછું હોય છે. સસ્તન પ્રાણીના શરીરમાં લિનોલિક કે લિનોલેનિક ઍસિડનું સંશ્લેષણ થતું નથી. દૂધમાંથી મળતી ચરબીમાં C10 થી C14 વાળા ઍસિડનું પ્રમાણ વધુ હોય છે.

() મીણ (waxes/વૅક્સ) : લિપિડ-દ્રાવકોની મદદથી જીવંત સ્નાયુપેશીઓમાંથી નિષ્કર્ષણ દ્વારા મળતાં સંયોજનોના સમૂહને મીણ કે વૅક્સ કહે છે. તેઓ લાંબી ચરબીજ ઍસિડ શૃંખલાના ઍસ્ટર છે, જે 6 કે વધુ કાર્બન ધરાવતા મૉનોહાઇડ્રિક એલિફેટિક આલ્કોહૉલ દ્વારા બને છે (દા.ત., સિટાઇલ આલ્કોહૉલ CH3(CH2)14 CH2OH). આ અણુઓમાંના ધ્રુવીય ઍસ્ટર-સમૂહો આખા અણુનો ઘણો નાનો ભાગ હોવાથી તેમના ગુણધર્મો ઉચ્ચ (higher) પૅરેફિન (જે મીણમાં મળે છે) જેવા જ હોય છે.

() સ્ટેરૉલ ઍસ્ટરો : સસ્તનીઓમાં સૌથી અગત્યનો સ્ટેરૉલ ઍસ્ટર કૉલેસ્ટેરૉલ છે. આ બ્લડ પ્લાઝ્મા (રક્તજીવ-દ્રવ્ય), લિવર (કાળજા) તથા એડ્રીનલમાં હોય છે.

(II) સંકીર્ણ લિપિડો : આ પ્રત્યેકમાં ફૉસ્ફૉરિક ઍસિડ અવશેષ જેવો જળાકર્ષીય (hydrophilic) સમૂહ તથા ચરબીજ ઍસિડ શૃંખલા જેનો જળ-અપાકર્ષીય (hydrophobic) સમૂહ હોય છે, તેમનું વર્ગીકરણ કરવું મુશ્કેલ છે; પરંતુ તેના બે મુખ્ય પ્રકારો નીચે મુજબ છે :

(अ) ડાઇગ્લિસરાઇડોના વ્યુત્પન્નો (ગ્લિસરોલિપિડો) : તેમનું બંધારણ નીચે મુજબ હોય છે :

— જેમાં R અને R´ 14થી 22 (મુખ્યત્વે 16 અને 18) કાર્બન-પરમાણુવાળા ચરબીજ ઍસિડ છે. ગ્લિસરૉલ અવશેષનો C2 કાર્બન અસમમિત છે. ગ્લિસરોલિપિડોમાં ગ્લિસરૉલનો હાઇડ્રૉક્સી સમૂહ પાણીરૂપે દૂર થઈ ઑર્થો-ફૉસ્ફૉરિક ઍસિડ, કૉલીન ફૉસ્ફેટ, ઇથેનૉલ એમાઇન ફૉસ્ફેટ, સિરાઇન ફૉસ્ફેટ, ગ્લિસરૉલ ફૉસ્ફેટ, માયો-ઇનોસિટૉલ ફૉસ્ફેટ અને ગેલેક્ટોઝ કે અન્ય શર્કરા સાથે જોડાયેલાં હોય છે :

(आ) N — એસાઇલ  સ્ફિંગોસાઇનના વ્યુત્પન્નો (સ્ફિંગોલિપિડો) :

સ્ફિંગોસાઇનના બંધારણ મુજબ અસમમિત કાર્બન C2 તથા C3 ઉપરની સંરચના D-પ્રકારની છે અને હાઇડ્રોજનની રચના દ્વિબંધથી વિપક્ષ સ્થિતિમાં છે.

N-એસાઇલ સ્ફિંગોસાઇનનું સૂત્ર નીચે મુજબ થશે :

જેમાં R સંતૃપ્ત/અસંતૃપ્ત ચરબીજ ઍસિડ અવશેષ (મુખ્યત્વે 24 કાર્બનવાળો) છે. દા.ત., લિગ્નોસેરિક ઍસિડ

CH3(CH2)22COOH

તેમનાં બંધારણ ડાઇગ્લિસરાઇડમાંથી બનતાં સંકીર્ણ લિપિડો જેવાં હોય છે. કોઈક સંકીર્ણ લિપિડોમાં સ્ફિંગોસાઇનને બદલે ફાયટોસ્ફિંગોસાઇન પણ જોડાયેલું હોય છે. આ બધાં જ લિપિડોને સ્ફિંગોલિપિડો વર્ગમાં મુકાય છે.

(III) આઇસોપ્રીનૉઇડો : તે મુખ્યત્વે છોડવાઓમાં, પણ કોઈ વાર જાનવરોમાંયે મળે છે. તે આઇસોપ્રીન (β-મિથાઇલ બ્યુટાડાઇન) એકમમાંથી બને છે. આઇસોપ્રીનમાં 5 કાર્બન હોવાથી મોટાભાગના આઇસોપ્રીનોઇડો હાઇડ્રોકાર્બનમાં કાર્બન સંખ્યા 5ના ગુણાંકમાં હોય છે. છોડનાં બાષ્પશીપ સુગંધિત તેલોમાં આઇસોપ્રીનોઇડ હોય છે. તેઓ ટર્પેન્ટાઇલ તેલમાં હોવાને કારણે તેમને ટર્પીન્સ પણ કહે છે. આ બધા પદાર્થો છોડવાઓમાંના આઇસોપેન્ટિનૉલ પાયરોફોસ્ફેટ દ્વારા બને છે.

લિમોનીન એક સાદું ટર્પીન છે. થોડાક ટર્પીન હાઇડ્રોકાર્બનો નીચે દર્શાવ્યા છે.

સ્ટેરૉઇડોના જીવસંશ્લેષણમાં સ્ક્વેલીન મહત્વનો મધ્યવર્તી છે. ગુલાબના તેલમાં રહેલું જિરેનિયૉલ તેમજ કૅમ્ફર અથવા કપૂર પણ ટર્પીન છે.

કૅરોટિનૉઇડો પણ અગત્યનાં આઇસોપ્રીનોઇડો છે, જે પ્રાણિજ તથા વનસ્પતિજ ચરબીમાં હોય છે. તેમનાં બંધારણ a-કૅરોટિન (C40H56) જેવાં હોય છે. વિટામિન A પણ અગત્યનું કૅરોટિનૉઇડ છે. રબર, ગટ્ટા પર્ચા વગેરે આઇસોપ્રીન બહુલકો છે.

(IV) સ્ટેરૉઇડો (steroids) : સ્ટેરૉઇડ એ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં મળી આવતાં સંયોજનો છે. તેમાં સ્ટેરૉલ (sterols) કે જેના પરથી ‘સ્ટેરૉઇડ’ શબ્દ ઉદભવ્યો છે તથા વિટામિન D, પિત્ત(bile)–ઍસિડો, લિંગ-અંત:સ્રાવો (sex hormones) બાહ્યક-અધિવૃક્ક (adrenal cortex) અંત:સ્રાવો, કેટલાક કૅન્સરજનક હાઇડ્રોકાર્બનો અને કેટલાંક સેપોજેનિનો-(sapogenins)નો સમાવેશ થાય છે. સ્ટેરૉઇડની સંરચના 1, 2સાઇક્લોપૅન્ટિનોફિનાન્થ્રીન માળખા ઉપર આધારિત છે.

સ્ટેરૉલ-સંયોજનો પણ કુદરતમાં વ્યાપક પ્રમાણમાં વિતરિત થયેલાં હોય છે અને બધાં જ જીવંત કોષોના પ્રાથમિક ઘટકો ગણાય છે. તે સ્ટેરૉઇડ વર્ગનાં આલ્કોહૉલ-સંયોજનો છે અને તેમના અણુમાં આલ્કાઇલ-શૃંખલા હોય છે. તે પ્રાણિજ ચરબી અને વનસ્પતિજ તેલોમાં મુક્ત સ્વરૂપે અથવા એલિફૅટિક ઍસિડના ઍસ્ટર તરીકે મળી આવે છે; દા.ત., કૉલેસ્ટેરૉલ એ પ્રાણીકોષોમાં હોય છે અને અન્ય સ્ટેરૉલની ઉત્પત્તિ માટે શરૂઆતના પદાર્થ તરીકે જરૂરી છે. તે પિત્ત-ઍસિડ, વિટામિન D, એસ્ટ્રોજન (estrogen), ટેસ્ટોસ્ટેરૉન, કૉર્ટિસૉલ, ગ્લુકોકૉર્ટિકૉઇડ વગેરે સંયોજનોના સંશ્લેષણ માટેની જૈવિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.

સ્ટેરૉઇડોની માફક ઘણા વનસ્પતિજ વર્ણકો (દા.ત., કૅરોટિનૉઇડો) પણ લિપિડ તરીકે કુદરતમાં મળી આવે છે. આ અણુઓ પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે.

(V) પૉર્ફિરિનો (porphyrins) અને ક્લૉરિનો (chlorins) : પૉર્ફિનના વ્યુત્પન્નોને પૉર્ફિરિનો કહે છે. પાયરૉલ વલયોને Iથી IV ક્રમ (અથવા A, B, C, D સંજ્ઞા), તેમના β-કાર્બનને 1થી 8 ક્રમાંક તથા વચ્ચેના ચાર મીથાઇન સેતુ(methine bridges)ને α થી δ સંજ્ઞા આપવામાં આવે તથા વચ્ચેના ચારેય નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે એકસરખી રીતે બંધ બનાવે છે (એટલે આનું બીજું સ્વરૂપ લખી શકાય, જેમાં હાઇડ્રોજન I તથા III વલયના નાઇટ્રોજન ઉપર હોઈ શકે).

લોહ સાથે સંયોજાઈને પૉર્ફિરિન જીવંત વસ્તુમાં અગત્યનો ભાગ ભજવે છે. હીમોગ્લોબિન, માયોગ્લોબિન અને સાઇટ્રોક્રોમ પ્રોટીન સાથે જોડાયેલાં હોય છે. લીલી વનસ્પતિમાં પ્રકાશ-ઊર્જા શોષવા માટે જાણીતો ક્લોરોફિલ એ ડાઇહાઇડ્રોપૉર્ફિન (ક્લૉરીન) વ્યુત્પન્નો સાથે મૅગ્નેશિયમનો સંકીર્ણ છે. કુદરતમાં મળતા પ્રત્યેક પૉર્ફિનમાં એસિડિક કાબૉર્ક્સિલ સમૂહ હોય છે, જેથી પૉર્ફિનમાં રહેલા નાઇટ્રોજનને લીધે કુદરતી પૉર્ફિનો ઉભયગુણધર્મી હોય છે. હિમી (heme) તથા બીજાં લોહયુક્ત પૉર્ફિરિનોમાં ચાર નાઇટ્રોજન સાથે ધાતુ સવર્ગસંયોજક બંધથી જોડાયેલી હોવા ઉપરાંત બીજા બે વધારાના સમૂહ પણ હોય છે.

જ. પો. ત્રિવેદી