લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1)

January, 2004

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1) (અ. ઈ. પૂ. 152) : રોમન રાજપુરુષ. તેણે પ્રજાસત્તાકના ઉચ્ચ હોદ્દા ભોગવ્યા હતા. ગ્રીસ, સીરિયા અને ઇજિપ્તમાં રાજદૂત તરીકે તેણે કામ કર્યું હતું. તેણે કોઈ પણ ગ્રીક રાજ્ય સાથે લડાઈ ન કરવાની ચેતવણી આપતું આખરીનામું મૅસિડોનિયાના ફિલિપ 5માને આપ્યું હતું. ઈ. પૂ. 187 અને 175માં કોન્સલ, 179માં સેન્સર, 180 પછી પૉન્ટિફેક્સ મૅક્સિમસ અને ઈ. પૂ. 179થી 152 સુધીમાં પ્રિન્સેપ્સ સિનેટસના હોદ્દા તેણે ભોગવ્યા હતા. તે લિગુરિયનો સામે લડ્યો હતો. ઉત્તર ઇટાલીમાં ઇમિલિયા જિલ્લો તેની સ્મૃતિ સાચવી રાખે છે.

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (2) (અ. ઈ. પૂ. 77, સાર્ડિનિયા) : રોમન સેનેટર. તેણે સરમુખત્યાર સુલ્લા દ્વારા લાદવામાં આવેલ બંધારણ ફગાવી દેવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સુલ્લાને સત્તા પ્રાપ્ત કરવામાં તેણે ટેકો આપ્યો હતો. સુલ્લાએ વિરોધ કરવા છતાં, પૉમ્પીની મદદથી કૉન્સલના હોદ્દા પર લિપિડસ ચૂંટાયો હતો. સુલ્લા મરણ પામ્યો, પછી લિપિડસે તે સરમુખત્યારે કરેલાં કાર્યો રદ કરવા પ્રયાસ કર્યો. તેણે સસ્તું અનાજ વહેંચવાનું પુન: શરૂ કરાવવાની, હદપાર કરેલા લોકોને પાછા બોલાવવાની, જપ્ત કરેલી જમીનો પાછી આપવાની અને ટ્રિબ્યૂનનો હોદ્દો પુન:સ્થાપિત કરવાની માગણી કરી. તેની દરખાસ્તો સેનેટે રદબાતલ કરી ત્યારે તેણે ઈટ્રુરિયા અને સિસાલ્પાઇન ગોલમાં લશ્કરની ભરતી કરીને રોમ તરફ કૂચ કરી અને કૉન્સલની પુન:ચૂંટણી કરવાની માગણી કરી. તેને પૉમ્પીએ ઈટ્રુરિયામાં હરાવ્યો. તે ત્યાંથી સાર્ડિનિયા નાસી ગયો અને તે પછી થોડા સમય બાદ અવસાન પામ્યો. તેનો પુત્ર માર્કસ ઇમિલિયસ લિપિડસ ઈ. પૂ. 43 પછી રોમ ઉપર શાસન કરનાર ત્રિજનમાંનો એક હતો.

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (3) (અ. ઈ. પૂ. 13/12) : રોમન મુત્સદ્દી. ઈ. પૂ. 43 પછી રોમ ઉપર શાસન કરનાર ત્રિજન સંઘમાંનો એક. આ જ નામ ધરાવતા નામાંકિત રાજપુરુષનો તે પુત્ર હતો. સીઝર અને પૉમ્પીના વફાદારો વચ્ચેના આંતરવિગ્રહ (ઈ. પૂ. 49–45) દરમિયાન તે સીઝરના પક્ષમાં રહ્યો હતો. તેણે ઈ. પૂ. 48–47માં સ્પેનના પ્રદેશો પર શાસન કર્યું હતું અને ઈ. પૂ. 46માં કૉન્સલ થયો હતો. સીઝરની હત્યા થયા બાદ લિપિડસ માર્ક ઍન્ટનીના જૂથમાં, કાવતરાખોરોની વિરુદ્ધમાં જોડાયો હતો. લિપિડસ ઍન્ટનીની મદદથી ‘પોન્ટિફેક્સ મેક્સિમસ’ બન્યો અને ઑક્ટોબર 43માં લિપિડસે ઍન્ટની અને ઑક્ટેવિયન સાથે ત્રિજનસંઘની રચના કરી. ફરીથી ઈ. પૂ. 42માં લિપિડસ કૉન્સલ બન્યો, પરંતુ તેના બે સાથીઓએ તેને ઘણુંખરું સત્તાવિહીન કરી દીધો. ઈ. પૂ. 36માં ઑક્ટેવિયનની વિરુદ્ધમાં સિસિલીમાં બળવો કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેના સૈનિકોએ તેને સાથ આપ્યો નહિ અને તેણે જાહેર જીવન છોડી દેવું પડ્યું.

જયકુમાર ર. શુક્લ