લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert)

January, 2004

લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert) (જ. 12 જૂન, 1899, કિનિગ્સ્બર્ગ, જર્મની; અ. 1986) : સન 1953ના તબીબી વિદ્યા અને દેહધાર્મિકવિદ્યાના હાન્સ ક્રેબ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. સન 1917થી 1922માં તેઓ કિનિગ્સ્બર્ગ, બર્લિન અને મ્યૂનિકની યુનિવર્સિટીઓમાં ભણ્યા અને સન 1924માં બર્લિન ખાતે ડૉક્ટર તરીકેની એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે સન 1923માં પ્રાધ્યાપક રોના પાસે જૈવરસાયણવિદ્યાનો અભ્યાસ કર્યો અને આમસ્ટરડૅમની યુનિવર્સિટીના ઔષધવિદ્યા વિભાગમાં ફેલો તરીકે જોડાયા. તેઓ ત્યાંથી કિનિગ્સ્બર્ગ ખાતે પાછા ફરીને પ્રાધ્યાપક કિલંગર પાસે રસાયણવિદ્યા ભણ્યા. સન 1926માં તેઓ બર્લિનમાં આવેલી ઑટો મેયેરહૉફની પ્રયોગશાળામાં પીએચ.ડી.ની ઉપાધિ માટે સંશોધન કરવા જોડાયા. સન 1927માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. સન 1930માં તેમણે સ્નાયુઓમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ અંગે અને સન 1930માં તેમણે પેશી-સંવર્ધનમાં જૈવરાસાયણિક પ્રક્રિયાઓ અંગે પ્રયોગો કર્યા. સન 1931–32માં રૉકફેલર ફેલો તરીકે ન્યૂયૉર્કમાં રહ્યા અને ફૉસ્ફો-પ્રોટીન અંગે સંશોધન કર્યું. સન 1932માં કાર્લ્સબર્ગ ખાતેની જૈવવિદ્યાની ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન-સહવૈજ્ઞાનિક તરીકે જોડાયા અને ત્યાં તેમણે ગર્ભમાંના ગ્લાઇકૉલિસિસ પર મહત્વનું સંશોધન કર્યું. સન 1939થી તેઓ ન્યૂયૉર્ક આવ્યા સન 1941થી પોતાના સંશોધનજૂથના વડા બન્યા. તે સમયે તેઓ મૅસેચૂસેટ જનરલ હૉસ્પિટલ સ્કૂલ, ન્યૂયૉર્કમાં હતા. સન 1949માં તેઓ બોસ્ટનની હાર્ડવર્ડ મેડિકલ સ્કૂલમાં જૈવરસાયણવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. તેમણે તે પદ છોડીને કાર્બામિલ ફૉસ્ફેટ અંગે અગત્યનું સંશોધન કર્યું. ત્યારબાદ તેમણે પૅપ્ટાઇડ અને પ્રોટીન સંશ્લેષણ અંગે પણ સંશોધન આદર્યું. તેઓ એલ્ફ્રેડા હૉલ સાથે 1931માં પરણ્યા હતા અને તેનાથી તેમને એક પુત્ર થયો હતો.

શિલીન નં. શુક્લ