લિપમાન, ગેબ્રિયલ (જ. 16 ઑગસ્ટ 1845, હોલેરિક, લક્ઝમબર્ગ, ફ્રાન્સ; અ. 13 જુલાઈ 1921) : વ્યતિકરણની ઘટના પર આધારિત ફોટોગ્રાફિક પદ્ધતિથી રંગો પેદા કરવાની રીત માટે 1908ની સાલનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની.

લિપમાન ઇકોલ નૉરમાલેમાં દાખલ થયા. પ્રયોગોમાં હોશિયાર અને આશાસ્પદ હોવા છતાં તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નહિ. ત્યારબાદ તેઓ હાઇડલબર્ગ ગયા. ત્યાં ખ્યાતનામ વિજ્ઞાની કીર્કહૉફથી પ્રભાવિત થઈને એમની સાથે સંશોધનકાર્ય શરૂ કર્યું. તેઓ વિદ્યુતકેશિક(electrocapillarity)ના વિષય ઉપર મુગ્ધ થઈ ગયા. તે પછી તેઓ 1883માં સૉર્બોનમાં પ્રાધ્યાપક થયા અને 1886માં લેબૉરેટરિઝ ઑવ્ ફિઝિકલ રિસર્ચના નિયામક બન્યા. કાચની સમતલ પ્લેટ ઉપર પ્રકાશ આપાત કરતાં તેનું પરાવર્તન થાય છે. આ પરાવર્તિત પ્રકાશ સપાટીથી લાક્ષણિક અંતરે વ્યતિકરણ રચે છે. આવું વ્યતિકરણ પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. આ સમગ્ર ઘટનાને આધારે તેમણે રંગીન ફોટોગ્રાફીની પ્રક્રિયા શોધી કાઢી.

ગેબ્રિયલ લિપમાન

લિપમાને મહત્વનાં સંખ્યાબંધ ઉપકરણોની રચના કરી. તેમાં સંપૂર્ણ અસ્થૈતિક (astatic), ગૅલ્વેનૉમિટર, તદ્દન નવીન પ્રકારનો ભૂકંપાલેખક (seismograph) અને જેને આધારે આકાશનો અમુક વિસ્તાર લાંબા સમય સુધી જોઈ શકાય છે તેવા તારાસ્થાપી(coelostat)નો સમાવેશ થાય છે. તેમણે કેશિકીય (capillary) ઇલેક્ટ્રૉમિટરની શોધ કરી, જેના વડે અત્યંત સૂક્ષ્મ વિદ્યુતદબાણ (voltage) માપી શકાય છે. આરંભમાં આ સાધનનો કેટલીક વખત ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રાફ યંત્રમાં ઉપયોગ થતો હતો.

આ રીતે તેમણે વિદ્યુત અને ભૌતિકવિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે.

આનંદ પ્ર. પટેલ