લિપમૅન, વૉલ્ટર (જ. 23 સપ્ટેમ્બર 1889, ન્યૂયૉર્ક શહેર; અ. 14 ડિસેમ્બર 1974, ન્યૂયૉર્ક શહેર) : વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ ધરાવનાર અમેરિકન પત્રકાર અને રાજકીય લેખક. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો અને 1909માં સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વિલિયમ જેમ્સ અને જ્યૉર્જ સાંતાયાના જેવા ચિંતકોના ચિંતનથી તેઓ પ્રભાવિત થયા હતા.

વૉલ્ટર લિપમૅન

પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે કારકિર્દીનો આરંભ કર્યો અને 1931 સુધી ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ના કર્મચારી રહ્યા. તે પછી તેઓ ‘ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’માં જોડાયા. આ પત્રમાં 8 સપ્ટેમ્બર 1931થી તેમની ‘ટુડે ઍન્ડ ટુમૉરો’ કટારનો આરંભ થયો, જે 1967 સુધી સતત 36 વર્ષ સુધી ચાલુ રહી. તેમની આ દૈનિક કટાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી હતી. તેમાંના નોંધપાત્ર લેખો પ્રસંગોપાત્ત, વિવિધ 250 વર્તમાનપત્રો અને સામયિકોમાં પુનર્મુદ્રિત થતા હતા. આ સંદર્ભમાં તેઓ દુનિયાના દેશોનો પ્રવાસ કરી જાતમાહિતી એકત્ર કરતા. આ કટારે તેમને બે પુલિત્ઝર પારિતોષિકના અધિકારી બનાવ્યા, જેમાં 1958માં તેમને સ્પેશિયલ પુલિત્ઝર સાઇટેશન અને 1962માંના પુલિત્ઝર પારિતોષિકનો સમાવેશ થાય છે. આ બંને પારિતોષિક તેમની ઉપર્યુક્ત કટારમાંના આંતરરાષ્ટ્રીય હેવાલો, સમાચારો તથા તે અંગેનાં સ્પષ્ટ અને વિચારપ્રેરક લખાણો માટે એનાયત થયાં હતાં. તેમની 60 વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં વિશ્વના સૌથી વધુ સન્માનનીય રાજકીય કટારલેખક તરીકેનું સ્થાન તેમણે સિદ્ધ કર્યું હતું. વ્યક્તિ-સ્વાતંત્ર્યના તેઓ પ્રખર હિમાયતી હતા.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બ્રિટન-અમેરિકાના સહકારની તેમણે હિમાયત કરી હતી. અમેરિકાની અલગતાવાદની વિદેશનીતિની અવ્યવહારુતા તેમણે દર્શાવી તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તાજગીભર્યા વિચારો દ્વારા આધુનિક અમેરિકાના રાજકીય ચિંતનને પ્રભાવિત કર્યું. અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન તેમનાં લખાણોથી પ્રભાવિત હતા. આ પ્રભાવ હેઠળ પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ને અંતે પ્રમુખ વુડ્રો વિલ્સને 14 મુદ્દાનો જે કાર્યક્રમ ઘડ્યો અને લીગ ઑવ્ નેશન્સની રચનાની હિમાયત કરી, તેમાં લિપમૅનની કટારમાં પ્રગટ થતા વિચારોનો પ્રભાવ છતો થતો હતો. તેઓ તે સમયના યુદ્ધમંત્રી ન્યૂટન ડી. બેકરના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર તરીકે કામ કરતા હતા. 1919માં વર્સાઇલ્સની સંધિ અંગેની મંત્રણાઓમાં ભાગ લેવા પ્રમુખ વિલ્સને તેમને પસંદ કર્યા હતા.

તેમનો પ્રથમ ગ્રંથ ‘અ પ્રિફેસ ટુ પૉલિટિક્સ’ હતો, જેમાં તેઓ નરમ સમાજવાદી રૂપે પ્રગટ થયા છે. ‘અ પ્રિફેસ ટુ મૉરલ્સ’ (1929) અને ‘ધ મેથડ્ઝ ઑવ્ ફ્રીડમ’ (1934) આંતરરાષ્ટ્રીય રાજકારણ અને નીતિને સ્પર્શતા ગ્રંથો છે. ‘યુ.એસ. વૉર ઍઇમ્સ’ (1944) ગ્રંથ તથા ‘ધ કોલ્ડ વૉર’ (1947) તેમના ખૂબ જાણીતા બનેલા ગ્રંથ છે. આ ઉપરાંત ‘આઇસોલેશન ઍન્ડ એલાયન્સિઝ’ (1952) તથા ‘વેસ્ટર્ન યૂનિટી ઍન્ડ કૉમન માર્કેટ’ (1962) જેવા ઘણા ગ્રંથો પણ તેમણે રચ્યા છે.

રક્ષા મ. વ્યાસ