લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ
January, 2004
લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ (જ. 15 સપ્ટેમ્બર 1613; અ. 16 માર્ચ 1680, પૅરિસ) : ફ્રેન્ચ લેખક. ‘મૅક્સિમ’ પ્રકારના ચતુરોક્તિ-સાહિત્યના મુખ્ય લેખકો પૈકીના એક. તેમના પિતા ફ્રાંસ્વા કાતે દ લા રૉશફૂકો અને માતા ગેબ્રિયલ દિક પ્લેસિલિયા કોર્ત હતાં. માત્ર 15 વર્ષની વયે તેમનું લગ્ન આન્દ્રે દ વિવૉન સાથે થયેલું. તેમનાં સંતાનોમાં ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. સ્પેન સામેના યુદ્ધમાં, ફ્રેન્ચ લશ્કર વતી, અનેક મોરચે લશ્કરી અધિકારી તરીકે લડેલા. ઉત્તમ કુળના નબીરા તરીકે પિતા-પુત્રને વિવિધ ઇલકાબો મળેલા અને રાજકારણના પલટાને લીધે તે છીનવાઈ પણ ગયેલા. કાર્ડિનલ મઝરિને લેખકને ગવર્નર બનાવેલા.
રૉશફૂકો રાજકારણમાં સક્રિય રસ લેતા હતા. બાસ્તીલના કિલ્લામાં તેમને આઠ દિવસની સજા કરવામાં આવી હતી. બે વર્ષ માટે તેમને વર્ત્યુઇલમાં દેશનિકાલ ભોગવવો પડેલો. સ્ત્રીઓને નિમિત્તે જાત જાતના કાવાદાવામાં તેઓ ફસાયેલા. આ અનુભવોનું બયાન તેમણે ‘મેમ્વાર્સ’માં કરેલું છે. કદાચ 1651ની ‘માડ્રિડની સંધિ’નો મુસદ્દો તેમણે તૈયાર કર્યો હોવાનું મનાય છે અને તેમાં તેમણે સહી પણ કરેલી. તેમનાં લખાણોમાં શૌર્ય અને અદાલતોનાં દાવા-ફરિયાદોની વાતોનો સવિસ્તર સંદર્ભ મળે છે. સૂત્રાત્મક કથનો અને કહેવતો સાહિત્યને અપાયેલી તેમની દેણગી છે. યુદ્ધમાં તેઓ અનેક વાર ઘવાયેલા. ચહેરા અને ગળા પર પડેલા ઘા(wounds)ને લીધે તેમની તબિયત નાદુરસ્ત રહેતી અને તેમના મનની શાંતિ પણ આથી હરાયેલી.
આર્થિક વિટંબણાએ તેમને ભારે મુસીબતમાં મૂકી દીધેલા. તેમનો મોટો સમય કૉર્ટ-કચેરીના દાવાઓ લડવામાં જતો. પોતાના કુટુંબના મોભા માટે તેઓ વાતવાતમાં દાવાઓ માંડતા. જોકે માદામ દ સબલ અને માદામ દ લાફાયેત જેવી સન્નારીઓની મૈત્રીને લીધે તેમણે રાજાનો વિશ્વાસ પુન: પ્રાપ્ત કરેલો અને 1661માં તેમને ‘સેંત એસ્પ્રિત’નો ઇલકાબ મેળવવામાં સફળતા મળેલી. કાવ્યશાસ્ત્રવિનોદમાં તેમનો સમય જતો. તેમની મંડળીમાં નિકોલસ બુવાલોનાં કાવ્યો અને પિયેર કોર્નેલનાં નાટકોના પાઠ વંચાતા. ભારતના ભોજરાજાના દરબારની જેમ તેમના વર્તુળમાં ચતુરોક્તિઓ સાંભળવા મળતી. તેમની હસ્તપ્રતોમાં કાળજીપૂર્વકની નોંધો લખાયેલી મળી આવે છે. ‘મૅક્સિમ’ની પાંચ આવૃત્તિઓ તેમના જીવનકાળ દરમિયાન પ્રસિદ્ધ થયેલી. તેની પ્રથમ આવૃત્તિ 1665માં ‘રિફ્લેક્સ્યાં સાંતાસ એત માક્સિમ મોરાલ’ નામે પ્રકાશિત થયેલી. આમાં ત્રણ પાનાંમાં ‘સ્વાર્થ’ અંગેનું કાવ્યાત્મક બયાન છે, પરંતુ પછીની આવૃત્તિઓમાંથી તે રદ કરવામાં આવેલું. આ પુસ્તકનું લખાણ મિતાક્ષરી પણ અર્થપ્રચુર છે. નર્યો ધિક્કાર નહિ, પરંતુ તેથી સવિશેષ તેમના આદર્શોની આડમાં તેમનો ઇશારો વ્યક્તિના સ્વાર્થ પરત્વે હંમેશ રહેતો. ‘નદીઓ જેમ સાગરમાં લુપ્ત થઈ જાય છે, તેમ તમામ સદગુણો અંતે સ્વાર્થમાં ખોવાઈ જાય છે, ‘અસત્ય અને સત્ય ઉભયને તેમના નાયકો હોય છે.’ ‘સ્વાર્થનું ઉત્તમ દૃષ્ટાંત સાગર છે; જેમ સાગરમાં ભરતી-ઓટ, તેમ વ્યક્તિના વિચારો અને ગતિમાં દરિયાનાં મોજાંની જેમ અવિરત ઊથલપાથલ થતી જ રહે છે.’ ‘મૅક્સિમ’માં આવી બધી ચિંતન-કણિકાઓ છે.
ફ્રેન્ચ શિષ્ટ સાહિત્યકારોના આકાશમાં રૉશફૂકો તેજસ્વી ગ્રહ સમાન છે. જોકે તેમને સાહિત્યકાર કરતાં ઉમરાવ તરીકે ઓળખાવું વધુ પસંદ હતું. ઇંગ્લૅન્ડના લૉર્ડ ચેસ્ટરફીલ્ડ અને ટૉમસ હાર્ડી, જર્મનીના ફ્રેડરિક નીત્શે અને જ્યૉર્જ ક્રિસ્ટૉફ લિચ્ટનબર્ગ, ફ્રાન્સના સ્તાંદાલ, સેંટ બવ અને આન્દ્રે જિદ – તે સૌ પર તેમની અસર હતી.
રૉશફૂકોનું મહત્વ ચિંતક તરીકે છે, તેના કરતાં કલાકાર તરીકે વિશેષ છે. શબ્દોને પાંખાળા બનાવવાની કળાને તેમણે સિદ્ધ કરી હતી. ‘મૅક્સિમ’નાં વાક્યોની રચના કરતી વખતે તે વર્ણન અને વ્યાખ્યા દ્વારા ધિંગા કોતરકામવાળું કલ્પન ઘડે છે. વિરોધાભાસનો સબળ ઉપયોગ તે વાક્યને છેડે એક-બે શબ્દો દ્વારા કરે છે. 1665થી 1678માં તેમણે ‘મૅક્સિમ’ની આવૃત્તિઓ ઉપરાંત 150 જેટલા પત્રો લખેલા, જે ‘રિફ્લેક્શન્સ ડાઇવર્સિઝ’ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલા. તેમનું સમગ્ર લખાણ ‘પ્લીયાદ સીરિઝ’ (1947, 1957, 1962) તરીકે પ્રસિદ્ધ થયું છે. તેમના ‘મૅક્સિમ’ની આવૃત્તિઓ ડી. સેક્રેતન અને જે. ત્રુચેતેએ અનુક્રમે 1967 અને 1969માં પ્રકાશિત કરેલી.
વિ. પ્ર. ત્રિવેદી