લારી, નૂરુલ ઐન (જ. 4 જુલાઈ 1932, લાર, જિ. દેવરિયા, ઉત્તરપ્રદેશ) :  ઉર્દૂ પંડિત અને વિવેચક. તેમણે તેમનું તખલ્લુસ ‘અહમર લારી’ રાખેલું. ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ગોરખપુર યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રેરિત સંશોધન પ્રૉજેક્ટના પ્રમુખ સંશોધક રહેલા. 1968 –93 સુધી તેઓ એ જ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગના રીડર અને પ્રાધ્યાપક રહ્યા. તેઓ ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમીની કાર્યવાહક કમિટીના સભ્ય, ઉ.પ્ર. અંજુમન તરક્કી-એ-ઉર્દૂ લખનૌના સંયુક્ત સેક્રેટરી તથા મીર અકાદમીની કાર્યવાહક કમિટીના સભ્ય રહેલા છે.

તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગુલદસ્તા-એ-નાઝ્નિનાન’ (1972); ‘મુખ્તસાર તારિખ-એ-ગોરખપુર’ (1972), ‘તધ્કિરા-એ-શોઅરા એઝ હસરત મોહની’ (1972), ‘હસરત મોહની હયાત ઓર કારનામે’ (1973) અને ‘આરબાબ-એ-સોખન’ (1982, 2 ગ્રંથોમાં) એ સર્વ તેમના નોંધપાત્ર સંશોધનગ્રંથો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1991માં ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ અને મીર અકાદમી દ્વારા ઇફ્તકાર-એ-મીર ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા