લાર્ક સ્પર : દ્વિદળી વર્ગમાં આવેલા રેન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delphinium majus છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુજરાતમાં શિયાળામાં થાય છે. તેના છોડ 50 સેમી.થી 60 સેમી. ઊંચા હોય છે. કેટલાક છોડ તેથી પણ નીચા રહે છે. તેનાં એકાંતરિક પર્ણોમાં પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન થયેલું હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો હોય છે. વજ્ર દલાભ (petaloid) હોય છે. પશ્ચ વજ્રપત્રનું લાંબા નલિકાકાર દલપુટ(spur)માં રૂપાંતર થયેલું હોય છે. પશ્ચ બે દલપત્રો પણ મધ ધરાવતા લાંબા દલપુટમાં ફેરવાઈ પશ્ચ વજ્રપત્ર દ્વારા બનતા દલપુટમાં લંબાય છે. પુષ્પ જાંબલી કે ગુલાબી રંગનાં અને આકર્ષક હોય છે.

લાર્ક સ્પર

તેનાં બીજ નીચા તાપમાને અને ભેજવાળી જગાએ સારી રીતે ઊગે છે. બધાં બીજ એકસાથે ઊગતાં નથી, પરંતુ થોડાં થોડાં ઊગે છે. વળી, તેના રોપને ઉપાડીને ફેરરોપણી કરતાં ઘણા છોડ મરી જાય છે. તેથી બીજ છૂટાં છૂટાં નાખી ઊગ્યા પછી બે છોડ વચ્ચે 25 સેમી.થી 30 સેમી. જેટલું અંતર રાખી બાકીના છોડ કાઢી નાખવામાં આવે છે. બીજ રોપ્યા પછી લગભગ બે માસમાં પુષ્પનિર્માણ થાય છે અને આ ક્રિયા બેથી ત્રણ માસ સુધી ટકે છે. સમગ્ર છોડ પુષ્પોથી લદાતાં સુંદર અને અત્યંત આકર્ષક લાગે છે.

સમુદ્રના સમતલના પ્રદેશોમાં પુષ્પો સામાન્ય પ્રકારનાં હોય છે, જ્યારે મધ્યમ કે વધારે ઊંચાઈવાળા પ્રદેશોમાં પુષ્પો ડબલ અને ખૂબ ભરાવદાર આવે છે. ‘કટ ફ્લાવર’ તરીકે ફૂલદાનીમાં આ પુષ્પો ઘણાં સુંદર રહે છે.

લાર્ક સ્પરનું પ્રસર્જન બીજથી થાય છે. બહારથી મંગાવેલાં બીજ કરતાં સ્થાનિક બીજ વધારે સારું પરિણામ આપે છે. છોડ ઉપર થયેલાં બીજ એકત્રિત કરી સૂકવીને તેનો સુરક્ષિત જગાએ સંગ્રહ કરવામાં આવે છે.

છોડને કૂંડામાં પણ ઉછેરી શકાય છે. સામાન્ય રીતે કૂંડામાં 3થી 4 છોડ રોપવામાં આવે છે. રોપતી વખતે મૂળ તૂટે નહિ તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.

આ છોડને સ્વતંત્ર ક્યારીઓમાં રોપી શકાય છે. તેને બીજા એકવર્ષાયુ કે બહુવર્ષાયુ છોડ સાથે પણ રોપવામાં આવે છે.

લાર્ક સ્પરની બીજી જાતિઓમાં Delphinium brunonianum Royle (મસ્ક લાર્ક સ્પર), D. consolida Linn. (ફૉર્કિગ લાર્ક સ્પર), D. elatum Linn. (કૅન્ડલ લાર્ક સ્પર), અને D. zalil Aitch and Hemsl.(ઝલીલ લાર્ક સ્પર)નો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ