લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de)
January, 2004
લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de) (જ. 11 જુલાઈ 1885, ફ્રાન્સ; અ. 27 નવેમ્બર 1925, ફ્રાન્સ) : ઋજુ અને સંમોહક રંગો વડે ઘનવાદી ચિત્રોનું સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર.
પૅરિસ ખાતેની ઇકોલે દ બ્યુ-આર્ત્સ (Ecole des Beaux-Arts) અને અકાદમી રેન્સોં (Academic Ranson) મહાશાળાઓમાં તેમણે કલાભ્યાસ કર્યો. 1909 સુધીનાં એમનાં ચિત્રોમાં ચિત્રકાર મૉરિસ દેનિસનાં પ્રતીકવાદી ચિત્રોની અસર દેખાય છે. 1910થી 1913 સુધીનાં ચાર વર્ષો દરમિયાન તેમણે ઘનવાદી ચિત્રો ચીતર્યાં અને ઝાક વિલોં (Jaques Villon) નામના ચિત્રકારના સ્ટુડિયો પર ભેગા થતા ‘સેક્શન દોર’ નામના ઘનવાદી જૂથના કલાકારો સાથે ઘનિષ્ઠતા કેળવી. લા ફ્રેસ્નેયેનાં ચિત્રો એમની કલાગત સ્વાભાવિકતાના કારણે આકર્ષક થયાં.
1915માં બીજા વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ સૈનિક તરીકે તેમણે ભાગ લીધો, પણ 1917માં શારીરિક ઈજા થતાં સૈન્યે તેમને તગેડી મૂકતાં તેઓ દક્ષિણ ફ્રાન્સમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે નયનરમ્ય જળરંગોમાં મનોહર ચિત્રો ચીતર્યાં. તે ચિત્રોમાં રોમૅન્ટિક ભાવ સ્ફુટ થાય છે. 1920 પછી તેઓ વાસ્તવદર્શન તરફ ઢળ્યા હતા.
અમિતાભ મડિયા