લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules) (જ. 16 ઑગસ્ટ 1860, મૉન્ટે વિડિયો, ઉરુગ્વે; અ. 20 ઑગસ્ટ 1887) : ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ તથા નવલિકાકાર. ફ્રાન્સના તાર્બમાં પરિવાર સાથે રહેવા ગયેલા. ત્યાં તેમણે શિક્ષણ લીધેલું. 1876માં તેઓ પૅરિસ ગયેલા અને ત્યાં તત્વજ્ઞાન અને લલિત કલાઓનો અભ્યાસ કર્યો. ‘ગાઝેલ દ ભોઝાર્ત’માં તેમણે કાર્ય કરેલું. જર્મનીમાં સમ્રાજ્ઞી ઑગસ્ટા માટે તેમની નિમણૂક (1881–1886) વાચક તરીકે થઈ હતી. 1887માં વાચક તરીકે નિવૃત્ત થયા પછી તેમણે એક અંગ્રેજ કન્યા સાથે લગ્ન કરેલું. તેમની તબિયત નાદુરસ્ત રહેવા લાગી અને યુવાન-વયે અવસાન પામ્યા. આ કવિની સ્થિતિ એકંદરે ગરીબ હતી.

લાફૉર્ગે સૌપ્રથમ ‘ફ્રી વર્સ’ના અનેકવિધ પ્રયોગો કરેલા. ‘લે કાપ્લેંત’ (‘ધ કમ્પ્લેન્ટ્સ’; 1885) અને ‘‘લ’ ઇમીતાસીંઓ દ નોત્ર દામ લા લીન’’ (‘ધી ઇમિટેશન ઑવ્ અવર લેડી, ધ મૂન’; 1886), ‘કોંસીલ ફેરીકે’ (‘મૅજિકલ એસેમ્બ્લી’; 1886) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. તેમની બાનીમાં લોકોની સીધેસીધી વાણી છે; જોકે વિજ્ઞાનની પરિભાષાના શબ્દોનો પણ ઉપયોગ કરતાં તેઓ અચકાતા નથી. તેમનાં ઊર્મિકાવ્યો ગેય છે. વક્રોક્તિની અભિવ્યક્તિ માટે તેમણે કાવ્યસર્જનમાં જે નવી ભાત પાડી તેની અસર વીસમી સદીના ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ જેવા મોટા ગજાના કવિઓ પર પણ થઈ હતી. તેમનું વલણ એકંદરે નિરાશાવાદી રહ્યું છે. તેમની કવિતામાં આવતાં કલ્પનો તદ્દન નવાં હોય છે, જોકે તેમની ગૂંથણી શિથિલ હોય છે.

ક્રેને 1922માં તેમનાં કેટલાંક કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો. ‘મોરાલિતી લેઝાદરે’ (1887) તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ઝૂલ લાફૉર્ગ : એસેઝ ઑન અ પોએટ્સ લાઇફ ઍન્ડ વર્ક’(1969)નું સંપાદન રૅમસે વૉરને કરેલું, જ્યારે ડેવિડ ઑર્કલે ‘લુકિંગ ફૉર લાફૉર્ગ’ (1980) પ્રકાશિત કરેલું.

વિ. પ્ર. ત્રિવેદી