લાબ્રાડોરનો પ્રવાહ : આર્ક્ટિક મહાસાગરમાંથી ઉદભવતો ઠંડો દરિયાઈ પ્રવાહ. તે કૅનેડાના લાબ્રાડોરના કિનારા પર થઈને ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ સુધી વહે છે.

લાબ્રાડોરનો પ્રવાહ

આ પ્રવાહ ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ નજીક દક્ષિણ તરફથી આવતા ગરમ અખાતી પ્રવાહને મળે છે. આ ઠંડા પ્રવાહની અસર યુ.એસ.માં ન્યૂ ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગ સુધી વરતાય છે. લાબ્રાડોરનાં બારાં વર્ષના છ માસ સુધી આ ઠંડા પ્રવાહ સાથે ખેંચાઈ આવતા બરફથી ભરાઈ જાય છે અને અવરોધાય છે. બ્રિટિશ ટાપુઓ આ જ અક્ષાંશો પર આવેલા હોવા છતાં, તેમના કિનારા નજીક થઈને ગરમ અખાતી પ્રવાહ વહેતો હોવાથી ત્યાંનાં બારાં બારે માસ ખુલ્લાં રહે છે. ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ નજીક લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ અને ગરમ અખાતી પ્રવાહ મળે છે ત્યાં હૂંફાળા ભેજવાળા પવનો વાય છે, ત્યાંના ભાગોમાં ગાઢું ધુમ્મસ છવાઈ રહે છે.

જાહ્નવી ભટ્ટ