લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે તથા રાવલપિંડીથી દક્ષિણે 257 કિમી. અંતરે આવેલું છે. તેર દરવાજા ધરાવતા કોટવિસ્તારમાં જૂનું લાહોર વસેલું છે. શહેરના પૂર્વ તેમજ દક્ષિણ ભાગમાં પરાં વિસ્તરેલાં છે. શહેરની અગ્નિ દિશામાં આશરે 8 કિમી.ને અંતરે લશ્કરી છાવણીનો વિશાળ વિભાગ પથરાયેલો છે. આ રીતે લાહોરનો સમગ્ર વિસ્તાર આશરે 337 ચોકિમી. જેટલો થાય છે.

ભૂપૃષ્ઠઆબોહવા : લાહોરનું ભૂપૃષ્ઠ રાવી નદીની આજુબાજુના મેદાની પ્રદેશથી બનેલું છે. સૉલ્ટ રેન્જ-હારમાળાનો પૂર્વ છેડો અહીં ઉત્તર તરફ થોડે અંતરે આવેલા સિયાલકોટમાં પૂરો થાય છે. રાવી અહીંથી પસાર થતી એકમાત્ર મુખ્ય નદી છે. અરબી સમુદ્રથી દૂર આવેલું હોવાથી તે ખંડસ્થ આબોહવા ધરાવે છે, તેથી ઉનાળા-શિયાળા વચ્ચે તાપમાનનો ગાળો વિશેષ રહે છે. અહીંના જૂન અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 31° સે.થી 33° સે. અને 10° સે.થી 12° સે. જેટલાં રહે છે, ઉનાળામાં ક્યારેક તાપમાન 46° સે. સુધી પણ પહોંચી જાય છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 452 મિમી. જેટલો પડે છે. ઉત્તર તરફ હિમાલયની હારમાળા આવેલી હોવાથી શિયાળા દરમિયાન ઠંડા પવનો ફૂંકાય છે.

ખેતી : લાહોરની આજુબાજુનું ભૂપૃષ્ઠ મેદાની હોવાથી અહીંની જમીનો ફળદ્રૂપ કાંપથી બનેલી છે, પરિણામે ખેતીનો વિકાસ સારા પ્રમાણમાં થયેલો છે. લાહોરની આજુબાજુ નહેરો મોટા પ્રમાણમાં પથરાયેલી છે. આ વિસ્તારને બારી દોઆબ નહેર દ્વારા સિંચાઈની સુવિધા મળી રહે છે. અહીં બાજરી, તેલીબિયાં, શેરડી, કપાસ વગેરે જેવા કૃષિપાકો લેવાય છે.

ઉદ્યોગો : આ શહેરમાં કપાસ, ઊન અને રેશમ મળી રહેતાં હોવાથી કાપડની મિલો, હાથવણાટ, ગાલીચા, શેતરંજીઓ, ઊની અને રેશમી કાપડના એકમો વિકસ્યા છે. આ ઉપરાંત શહેરમાં ઇજનેરી, રસાયણો, વીજસામગ્રી, દવાઓ, સાઇકલો, કાચ બનાવવાનાં, રેલ-સાધનસામગ્રી, હોઝિયરી, ચામડાં અને ધાતુને લગતાં કેન્દ્રો પણ સ્થપાયેલાં છે.

લાહોરનું ભૌગોલિક સ્થાન

પરિવહન–પ્રવાસન : લાહોર દેશનાં મુખ્ય શહેરો – રાવલપિંડી, ઇસ્લામાબાદ, પેશાવર, મુલતાન, બહાવલપુર, સક્કર, હૈદરાબાદ, ક્વેટા, જેકોબાબાદ, સિયાલકોટ, કરાંચી વગેરે – સાથે સડકમાર્ગ તેમજ રેલમાર્ગ અને હવાઈ માર્ગથી સંકળાયેલું છે. લાહોર અને અમૃતસર પણ સડકમાર્ગથી તથા લાહોર–અમૃતસર–જમ્મુ, બથિંડા (ભટિંડા), ફીરોજપુર રેલમાર્ગથી જોડાયેલાં છે. કરાંચીથી લાહોર અને લાહોરથી ક્વેટાને સાંકળતો ગ્રાન્ટ ટ્રન્ક રોડ પસાર થાય છે.

કિલ્લાની અંદરના જૂના શહેર વિભાગમાં ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે. અહીંના વિશાળ કિલ્લાની રચના મુઘલ શહેનશાહ અકબરે 1556માં કરેલી. જહાંગીરે મોતી મસ્જિદ, ખ્વાબગાહ બંધાવેલાં. અહીંની વજીરખાન મસ્જિદ પણ જોવાલાયક છે. અહીંની મોતી મસ્જિદનો શીખોએ તથા અંગ્રેજોએ ખજાનાની જાળવણી માટે ઉપયોગ કરેલો. શાહજહાંએ બંધાવેલા શીશમહેલનો રણજિતસિંહે મહેમાનોના સ્વાગત માટે ઉપયોગ કરેલો. શહેરની પૂર્વે 8 કિમી.ને અંતરે શાહજહાંએ બનાવડાવેલો 32 હેક્ટર વિસ્તાર ધરાવતો શાલીમાર બાગ આવેલો છે. નદીને સામે કાંઠે ‘લાહોરના રત્ન’ તરીકે ઓળખાતી જહાંગીરની કબર આવેલી છે. ઔરંગઝેબે નિર્માણ કરાવેલી ‘બાદશાહી મસ્જિદ’ દુનિયાની મોટી મસ્જિદો પૈકીની એક ગણાય છે.

જહાંગીરની કબર, લાહોર

વસ્તી : 1998 મુજબ લાહોરની વસ્તી 50,63,499 જેટલી છે. શહેરની મુખ્ય વસ્તી મુસ્લિમોની છે. પાકિસ્તાનની સૌથી જૂની ગણાતી પંજાબ યુનિવર્સિટી લાહોર ખાતે આવેલી છે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિનયન, વિજ્ઞાન અને વાણિજ્યની કૉલેજો પણ છે. અહીં આવેલા પંજાબ ગ્રંથાલયમાં અતિપ્રાચીન અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાની હસ્તપ્રતો જાળવી રખાયેલી છે. અહીંના સંગ્રહાલયમાં ગ્રીક, બૌદ્ધ અને ગાંધાર શિલ્પો તથા ઈરાની-મુઘલ ચિત્રો જોવા મળે છે. લાહોરમાં ઇસ્લામિક અને યુરોપિયન બાંધણીના આવાસો, હોટેલો, થિયેટરો આવેલાં છે. લાહોર ઉર્દૂ સાહિત્ય તથા પત્રકારત્વનું કેન્દ્ર બની રહેલું છે. ચલચિત્રોના નિર્માણનું મથક પણ અહીં આવેલું છે.

ઇતિહાસ : શ્રીરામના પુત્ર લવના વખતથી લાહોરનું અસ્તિત્વ શરૂ થયું હોવાની અનુશ્રુતિ છે. આજના લાહોર નગરનો પ્રાચીન વિભાગ હજારેક વર્ષ જૂનો છે. ઈ. સ. 1241માં મૉંગોલોએ લાહોર પર આક્રમણ કરી ત્યાં લૂંટ કરેલી અને નગરને ઉજ્જડ બનાવી મૂકેલું. અહીંનાં ઘણાંખરાં ભૂમિચિહનો મુઘલ કાળની જાહોજલાલીની યાદ અપાવે છે. અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા મુઘલ શહેનશાહો સાથે તેનો ઇતિહાસ સંકળાયેલો છે. સોળમી અને સત્તરમી સદી દરમિયાન તે પાટનગર પણ રહેલું. મુઘલોના સમયમાં લાહોર ઇસ્લામી સંસ્કૃતિનું કેન્દ્ર હતું. મુઘલ સમ્રાટ જહાંગીર (1605–28) લાહોરમાં વધુ સમય રહેતો હતો. તેણે ત્યાં મોતી મસ્જિદ અને શાહદારા નામનો બગીચો બંધાવ્યાં હતાં. ઉત્તર તરફ રાવી નદીની સામેની બાજુએ મુઘલ સમ્રાટ જહાંગીરની આરસની બનાવેલી ભવ્ય કબર છે અને તેની ચારેબાજુ બગીચાઓનું નિર્માણ કરાવેલું છે. બ્રિટિશ શાસન અગાઉ લાહોર શીખ મહારાજા રણજિતસિંહનું પાટનગર હતું. અહીં ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનાં ઘણાં ગુરુદ્વારા આવેલાં છે. શહેરમાં રણજિતસિંહની સમાધિ પણ છે. શહેરના જૂના વિભાગની ચારેય બાજુ 4.5 મીટર ઊંચી ઈંટોથી બનેલી દીવાલ છે. જૂના શહેરની બહાર, દક્ષિણ તરફ 1846માં અંગ્રેજોના આવાસો બાંધવામાં આવ્યા હતા. અહીંનાં ઘણાં મકાનોમાં ઝરૂખા તથા બારીઓમાં કાષ્ઠકોતરણીની અનન્ય ગૂંથણી જોવા મળે છે. શહેરમાં એક ભવ્ય મકબરો તેમજ શાહી મહેલ પણ છે. 1885માં લાલા લજપતરાયે લાલા હંસરાજની મદદથી લાહોરમાં દયાનંદ ઍંગ્લો-વૈદિક કૉલેજ સ્થાપેલી. લાલા હંસરાજના સમર્થ માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સમગ્ર પંજાબની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. તેણે ભગતસિંહ જેવા ખ્યાતનામ દેશભક્ત અને ક્રાંતિકારો આપ્યા હતા. 31 ડિસેમ્બર, 1929ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળેલી કૉંગ્રેસના અધિવેશને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો. 1947માં ભારત-પાકિસ્તાન અલગ થતાં અખંડ પંજાબના ભાગલા પડવાથી તેનું સાંસ્કૃતિક અને રાજકીય મહત્વ ઘટી ગયું. પરિણામે તેના અર્થતંત્રને પણ ફટકો પડેલો. તેમ છતાં તે પછીથી તેનો ઔદ્યોગિક વિકાસ થતો ગયો છે. ભારત સરકારના સદભાવદર્શક પ્રયત્નરૂપે લાહોર–અમૃતસર વચ્ચે અવરજવર માટે સમઝૌતા એક્સપ્રેસ રેલમાર્ગ તેમજ બસ-સેવા શરૂ કરવામાં આવેલી, તે કારગિલ પરના આક્રમણ પછી બંધ થયેલી, જે 2003માં ભારતના વડાપ્રધાનના શાંતિપ્રયાસોના ભાગરૂપે જાન્યુઆરી 2004માં ફરીથી ચાલુ થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ