લાહુલ અને સ્પિટી (Lahul and Spiti) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. તે 32° 40´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 13,835 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.  તેની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખની સીમા, પૂર્વમાં તિબેટ (ચીન), અગ્નિકોણમાં કિન્નૌર જિલ્લો, દક્ષિણમાં કુલુ અને કાંગડા જિલ્લા અને પશ્ચિમમાં ચમ્બા જિલ્લો આવેલા છે. જિલ્લા મથકો કાયલાન્ગ અને સ્પિટી ખાતે આવેલાં છે. પડોશી જિલ્લા કુલુના સ્થાનિક ભારતીય લોકો લાહુલને લાહુલ નામથી, જ્યારે લાહુલના સ્થાનિક તિબેટી લોકો તેને ગારઝા નામથી ઓળખે છે. રાજ્યમાં આ જિલ્લો વિસ્તારમાં સૌથી મોટો છે, પરંતુ તે ભૌગોલિક અને ઐતિહાસિક દૃષ્ટિએ બે અલગ એકમોથી બનેલો છે : લાહુલ વિસ્તાર ચંદ્રા અને ભાગા નદીઓથી રચાયેલા ચંદ્રભાગા ખીણપ્રદેશને તથા સ્પિટી વિસ્તાર સ્પિટી અને તેની સહાયક પિન નદીથી રચાયેલા ખીણપ્રદેશને આવરી લે છે. આ બે ખીણપ્રદેશો, વચ્ચે ઊંચાઈ ધરાવતી હિમાચ્છાદિત હિમાલય હારમાળાથી વર્ષના આઠેક મહિના માટે અલગ પડી જાય છે, પરંતુ આશરે 4,500 મીટરની ઊંચાઈના કુંઝુમ ઘાટ મારફતે બંને પ્રદેશો વચ્ચે જુલાઈથી ઑક્ટોબર સુધી અવરજવર થઈ શકે છે.

લાહુલ અને સ્પિટી જિલ્લો (હિમાચલ પ્રદેશ)

ભૂપૃષ્ઠ : લાહુલ અને સ્પિટીના ખીણપ્રદેશો તેમનાં પ્રાકૃતિક લક્ષણોમાં અલગ પડી આવે છે. લાહુલ ખીણ સાંકડી, બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી અને શંકુદ્રુમ જંગલોની હરિયાળીથી છવાયેલી છે; જ્યારે સ્પિટી ખીણ પહોળી, સુંદર કુદરતી દૃશ્યો ધરાવતી અને વધુ પડતાં ઊંચાણનીચાણવાળી છે. લાહુલ ખીણ ચંદ્રભાગાના મૂળ પાસે આશરે 4,200 મીટર તથા તેના નિર્ગમમાર્ગ પાસે 2,000 મીટરની ઊંચાઈ ધરાવે છે; જ્યારે સ્પિટી ખીણ કુંઝુમ ઘાટ પાસે આશરે 4,500 મીટર અને તેના પ્રવેશ નજીક 3,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. બંને પ્રદેશોમાં દળદાર હિમજથ્થા, હિમનદીઓ અને હિમગુફાઓ આવેલાં છે. આ હિમનદીઓ 6,000 મીટરની ઊંચાઈએથી નીકળે છે. આ પૈકી ‘બડા શિગરી’ મોટી અને જાણીતી હિમનદી છે, નજીકમાં ‘છોટા શિગરી’ હિમનદી પણ છે. અન્ય હિમનદીઓમાં ગંગસ્તાંગ, સોનાપાની અને પિરાદનો સમાવેશ થાય છે.

જળપરિવાહ : આ જિલ્લામાં ઘણાં નદીનાળાં વહે છે, તે પૈકી લાહુલ વિસ્તારમાં ચંદ્રતાલમાંથી નીકળતી ચંદ્રા (અથવા લાહુલ) તથા સૂરજતાલમાંથી નીકળતી ભાગા મુખ્ય નદીઓ છે; ભાગા ચંદ્રાને મળે છે અને ચંદ્રભાગા અથવા ચિનાબ બને છે, હિમાચલ પ્રદેશ છોડ્યા પછી તે જમ્મુ-કાશ્મીરમાં થઈને પાકિસ્તાનમાં વહે છે. સ્પિટી નદી સ્પિટી ખીણના કુંઝુમઘાટના ઊંચાઈવાળા ભાગમાંથી નીકળે છે, ભાભા ઘાટમાંથી નીકળતી પિન નદી સ્પિટીને જમણે કાંઠે મળે છે; લિંગતી, ગુમટો અને પરેચુ નદીઓ ડાબા કાંઠે મળે છે.

ખેતી : અહીંના સ્થાનિક લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જવ, બકવ્હીટ, કઠોળ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં અવરજવર માટે માર્ગો બંધાયા હોવાથી લોકો હવે ધાન્ય પાકોને બદલે બટાટાનું બિયારણ તૈયાર કરે છે. પત્તન ખીણમાં ગોરમા ખાતે સરકારે બટાટાના બિયારણનું એક મોટું ક્ષેત્ર ઊભું કર્યું છે. કૃષિપેદાશોની સાથે સાથે લાહુલના લોકો ઢોર પણ પાળે છે. રાજ્યનો પશુવિભાગ ઢોરની ઓલાદ સુધારવા પ્રયાસ કરે છે. જિલ્લામાં 8 પશુદવાખાનાં અને 15 પશુચિકિત્સાલયો આવેલાં છે.

ઉદ્યોગો : આ જિલ્લામાં મહત્વના ગણી શકાય એવા કોઈ ઉદ્યોગો વિકસેલા નથી. ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ કાચો માલ મળતો નથી તેમજ તે માટેની પેદાશોનાં કોઈ બજાર પણ વિકસ્યાં નથી. અહીંના સ્થાનિક લોકો ગાલીચા, ઊન, પશમીના, શાલ અને અન્ય કાપડ તૈયાર કરે છે. અહીંના લામા લોકો ચિત્રકામ, કોતરણીકામ કરવા ઉપરાંત માટીની ચીજવસ્તુઓ પણ બનાવે છે. આર્થિક મહત્વ ધરાવતું ઍન્ટિમની અયસ્ક બડા શિગરીના ગ્રૅનાઇટ ખડકોમાંથી મળે છે. અહીં મોટા પાયા પર ચિરોડી, ગંધક, તાંબાના અયસ્ક તથા ચૂનાખડક પણ મળે છે; પરંતુ જિલ્લાના ઊંચાઈ પર આવેલા પહાડી સ્થાનને કારણે તેનું ખનનકાર્ય મુશ્કેલ છે.

વેપાર : આ જિલ્લામાંથી વેપાર અર્થે હેરફેર થતી ચીજવસ્તુઓમાં ઊન, મીઠું, ટંકણખાર, લીલી ચા, ધાતુઓની ચીજો, કાપડ, ખાંડ, તમાકુ તેમજ અન્ય પેદાશો કે જરૂરિયાતોનો સમાવેશ થાય છે. મોટેભાગે અહીં ચીજવસ્તુઓનો વિનિમય થાય છે. કુલુ જિલ્લામાં આવેલું સુલતાનપુર જે એક વખતે આ જિલ્લા માટેનું વેપારી મથક હતું, તે માર્ગોની સુવિધા થઈ હોવાથી કાયલોંગ ખાતે ખસ્યું છે. અગાઉ વેપાર માત્ર અમુક ઋતુ પૂરતો જ મર્યાદિત હતો તે હવે બારમાસી થયો છે. મોટાભાગની વસ્તુઓની હેરફેર રાજ્યની દેખરેખ હેઠળ સહકારી મંડળીઓ મારફતે થાય છે. બટાટાનું બિયારણ આ જિલ્લાની મહત્વની વેપારી ચીજ બની રહેલી છે.

પરિવહન : લાહુલ વિભાગ 21 નંબરના રાષ્ટ્રીય માર્ગથી મનાલી અને લદ્દાખ સાથે જોડાયેલો છે; સ્પિટી વિભાગ 22 નંબરના રાષ્ટ્રીય માર્ગથી જોડાયેલો છે, આ માર્ગ કિન્નૌર જિલ્લામાંથી પસાર થાય છે અને બંને જિલ્લા બસવ્યવહારથી સંકળાયેલા રહે છે. અહીં રાષ્ટ્રીય ધોરી માર્ગોને જોડતા નાના વેપારી માર્ગો પણ વિકસ્યા છે. પારંગલા લદ્દાખ સાથે, કુંઝુમ ઘાટ લાહુલ-સ્પિટી સાથે, રોહતાંગ ઘાટ કુલુ સાથે અને ભાભા ઘાટ કિન્નૌર જિલ્લા સાથે જોડાયેલા છે.

પ્રવાસન : લાહુલ-સ્પિટી જિલ્લો તેના મઠો તથા પુરાતત્ત્વીય અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતો બનેલો છે. અહીંના કારદાંગ, કાઈ અને તબોના મઠ તથા ત્રિલોકનાથનું મંદિર જોવાલાયક સ્થળો ગણાય છે. આ બધા મઠ ઈ. સ. 600થી 800 વચ્ચેના અરસાના હોવાનું કહેવાય છે. તે બૌદ્ધ ધર્મનો પ્રસાર કરનાર ઉદયનના  પદ્મસાંભના વખતના છે. ત્રિલોકનાથનું મંદિર મઠ પહેલાંની તવારીખનું હિન્દુ મંદિર હતું, આજે પણ તે હિન્દુઓ તેમજ બૌદ્ધો માટેનું પવિત્ર સ્થાનક ગણાય છે. કારદાંગ અને તબોના મઠની દીવાલો પરનાં ભિત્તિચિત્રો બેનમૂન છે, કેટલાંક તો અજંટાનાં ચિત્રો સાથે સામ્ય ધરાવે છે. કાઈના મઠમાં બુદ્ધના સમયનાં પવિત્ર ધર્મપુસ્તકો જાળવી રખાયેલાં છે. ચંદ્રા ખીણમાં આવેલો ગુરુ ઘંટાલ મઠ 8મી સદીના બૌદ્ધ ધર્મોપદેશક પદ્મસાંભ સાથે સંકળાયેલો છે, તેમાં ભગવાન બુદ્ધની અને બ્રિજેશ્વરી દેવીની મૂર્તિઓ જોવા મળે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ મઠ, હિમનદીઓ, હિમગુફાઓ, ચંદ્રાતાલ, સૂરજતાલ, ચંદ્રભાગા નદી, ઊંડાં કોતરો, રોહતાંગ ઘાટ વગેરે જોવા આવે છે. લાહુલ ખીણની સુંદરતા કાયલોંગની રાણીના ઉલ્લેખ વિના અધૂરી ગણાય. કાયલોંગની સામેની ટેકરીની ટોચ પરથી બરફમાંથી કુદરતી રીતે આકાર પામેલી, પ્રાર્થના કરતી હોય એવી સ્ત્રી વર્ષોથી દેખાય છે, તે  એક અદભુત બાબત છે. અહીંનાં કિલર, કાઝા અને કાયલોંગ સ્થળોએ અગાઉ જે વાર્ષિક મેળા ભરાતા હતા અને ભારત-તિબેટના વેપારીઓ તેમાં ચીજવસ્તુઓના વેપાર અર્થે ભેગા થતા હતા, તે હવે તિબેટની સીમા પરનાં નિયંત્રણોને કારણે અટકી ગયા છે, તેથી આ સ્થળોનું ઐતિહાસિક મહત્ત્વ ઘટી ગયું છે. તેને બદલે હવે પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય-દિન જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા દિવસોએ આવા મેળા તેમજ પ્રદર્શનો ભરવા ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના સ્થાનિક લોકો વારતહેવારે ઉત્સવો યોજે છે અને મોજ માણે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી માત્ર 33,224 જેટલી જ છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. બધી જ વસ્તી ગ્રામીણ છે. લાહુલની ચંદ્રા ખીણમાં તિનાન, ભાગા ખીણમાં બુનાન અને ચંદ્રભાગા ખીણમાં મંચાત ભાષાઓ બોલાય છે; જ્યારે તિબેટ નજીક આવેલા સ્પિટીમાં તિબેટિયન ભાષા બોલાય છે. લાહુલની ત્રણેય ભાષાઓ સંભવત: ભારતના આર્યયુગ અગાઉ અહીં વસતી જાતિઓના વખતથી ચાલી આવતી હોવાનું કહેવાય છે. જિલ્લામાં હિન્દુઓ અને બૌદ્ધોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોનું પ્રમાણ તદ્દન ઓછું છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 50 % જેટલું છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને હાઈસ્કૂલો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ સંતોષકારક છે. 18 % ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકા અને 2 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં નગરો નથી, માત્ર 403 (131 વસ્તીવિહીન) ગામડાં જ છે.

ઇતિહાસ : જે. હચિનસન અને વૉગેલ મુજબ લાહુલનો ઐતિહાસિક ઉલ્લેખ 629–645 વચ્ચેના ગાળા દરમિયાન કુલુની મુલાકાત લેનાર હ્યુ-એન-ત્સાંગ(યુઅન શ્વાંગ)ના અહેવાલોમાંથી મળે છે. તેણે લાહુલનો ઉલ્લેખ લો-ઉ-લો (LoULo) તરીકે કરેલો છે, જેનો અર્થ કુલુ(Kiu-lu-to)ની ઉત્તરે આવેલો પ્રદેશ એવો થાય છે.

એવી માન્યતા પ્રવર્તે છે કે પ્રાચીન સમયમાં લાહુલ પર સ્થાનિક મુખિયા જોસ(રાણો અથવા ઠાકોર)નું શાસન હતું. તે મૂળ તિબેટનો વતની હતો. પ્રજા તરફથી રાજાને વાર્ષિક રકમ મળતી. શાહી કુટુંબીઓ ગુશાલ, કારદાંગ, દરચા, બારબોંગ જેવાં સ્થળોએ રહેતા. ઈ. સ. 600થી 19મી સદીની શરૂઆતનાં વર્ષો સુધી લાહુલ કુલુચમ્બા, લદ્દાખ અને તિબેટના રાજવીઓનું લડાઈનું મેદાન બની રહેલું. તાંડી (તિંડી) અને થિરોટ નાળા વચ્ચેનો ભાગ ચમ્બાના રાજાને હસ્તક, ચંદ્રા અને ભાગાના સંગમથી બરાલચા ઘાટ સુધીનો ભાગ કુલુના રાજાને હસ્તક તથા ભાગાનો ખીણપ્રદેશ લદ્દાખના રાજાના કબજામાં હતો. એક એવો પણ નિર્દેશ મળે છે કે મધ્ય એશિયા(યારકંદ)ના કેટલાક આક્રમકોએ ચંદ્રા અને ભાગા ખીણો જીતી લઈને તેઓ ચમ્બામાં આવેલા બ્રહ્મપુર (બ્રહ્મોર) સુધી પણ પહોંચેલા. લાહુલની ખીણ મધ્ય એશિયાઈ આક્રમકોના કબજે રહેલી. આ કારણે તેની કેટલીક સાંસ્કૃતિક–ધાર્મિક પરંપરાઓ પર મધ્ય એશિયાઈ છાપ જોવા મળે છે.

એ જ રીતે સ્પિટી પર પણ પ્રાચીન કાળમાં, સેના (Sena) નામના કોઈ હિન્દુ રાજાનું શાસન હતું. નિર્મૅડ ખાતેના પરશુરામ મંદિરના તામ્રપત્રમાં સ્પિટીના તત્કાલીન રાજાનો ઉલ્લેખ મળે છે. લાહુલની જેમ સ્પિટી પણ 600થી 19મી સદીની શરૂઆત સુધી ચમ્બા, કુલુ, બુશહર, લદ્દાખ તેમજ મધ્ય એશિયાઈ રાજાઓના શાસન હેઠળ હતું. અહીં પણ લોકો શાંતિ જળવાઈ રહે તે માટે તેમના રાજાને વાર્ષિક રકમ ભરતા.

1840–41માં શીખોએ કુલુ પર હુમલો કરી કુલુના રાજા પાસેથી લાહુલ અને સ્પિટી જીતી લીધેલાં. 1846 સુધી અહીં શીખ શાસન રહેલું. ત્યારપછીથી થયેલી અંગ્રેજ-શીખ લડાઈમાં રાવીથી સિંધુનો ખીણપ્રદેશ જમ્મુના રાજા ગુલાબસિંહના સાર્વભૌમત્વ હેઠળ આવ્યો. તે જ વર્ષે અન્ય કોઈ પ્રદેશના બદલામાં, ઊનનો વેપાર કરવા માર્ગ બનાવી આપવા માટે સ્પિટી આપી દેવાયું અને તેને કુલુમાં ભેળવી દેવાયેલું. આ જ વ્યવસ્થા હેઠળ, કુલુ અને લાહુલ બ્રિટિશ હકૂમત હેઠળનો પ્રદેશ બન્યાં. તે પછીથી જ આ આખાય પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવ્યાં. બ્રિટિશ હકૂમત હેઠળ આ વિસ્તારો કાંગડા જિલ્લાનો ભાગ રહેલા. 1941માં લાહુલ અને સ્પિટીનો એક અલગ તાલુકો બનાવાયો અને કાયલોંગને તેનું મુખ્ય મથક બનાવ્યું. 1960માં બંને વિભાગની એક જિલ્લા તરીકે પુનર્રચના થઈ  કાઝા મુખ્ય મથક સાથેનો સ્પિટી વિભાગ અને કાયલોંગ મુખ્ય મથક સાથેનો લાહુલ વિભાગ.

ગિરીશભાઈ પંડ્યા