લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે સેવા બજાવેલી. આસામ સાહિત્ય સભાની શાખા સવિતા સભાના તેઓ પ્રમુખ રહ્યા હતા.

તેમણે સામાજિક-સાંસ્કૃતિક માસિક ‘નામ નઇ’ અને અઠવાડિક ‘નામ અછે’ના સંપાદક તરીકે કામગીરી કરી હતી.

તેમણે કેટલાંક પુસ્તકોના સંપાદન ઉપરાંત 10 ગ્રંથો આપ્યા છે. ‘સ્વાધીન ચિતિયા અસમિયા ઇતિયાવ પદદલિત હોઈ થાકિલાનેય’ (1955) અને ‘મોર જીવન ધારા’ (1994) – એ બંને તેમની નોંધપાત્ર હાસ્યકૃતિઓ છે.

1962માં તેમને ‘આસામરત્ન’ અને 1994માં ‘સત્યાર્થી’ના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા. તેમણે સંખ્યાબંધ સંગૃહીત ગ્રંથો તથા સ્મરણોત્સવ ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેઓ ગૌહત્તી રંગોલી બિહુ ઉત્સવના સ્થાપક-પ્રમુખ રહેલા. તેમને આસામ સરકાર તરફથી સાહિત્યિક પેન્શન મળે છે.

બળદેવભાઈ કનીજિયા