લાવણ્યવિજયસૂરિ (જ. 1897, બોટાદ, સૌરાષ્ટ્ર; અ. 1964) : દેરાવાસી જૈન મુનિ તથા વ્યાકરણવિદ. સંસારી નામ લવજીભાઈ જીવણભાઈ બગડિયા. તેમના બાળપણ અંગેની માહિતી ઉપલબ્ધ નથી, છતાં દીક્ષા સ્વીકાર્યા પૂર્વેથી તેમનામાં જૈન ધર્મ પ્રત્યેની નિષ્ઠા તથા જ્ઞાનપિપાસા જાગ્રત થઈ હતી, જે માટે તેમની સ્વાધ્યાયપરાયણતા જવાબદાર હતી. તેમણે 1916માં રાજસ્થાનમાં સાદડી મુકામે દીક્ષા લીધી હતી. તેઓ આચાર્ય નેમિસૂરીશ્વરજીના શિષ્ય હતા. વિદ્યાર્થી-અવસ્થામાં જ તેમણે 18 હજારી કંઠસ્થ કરી હતી. ‘વિક્રમચરિત્ર’ પણ તેમને લગભગ કંઠસ્થ હતું. 1931માં અમદાવાદ મુકામે તેમને પ્રથમ પ્રવર્તક-પદ પ્રદાન થયું હતું. 1934માં ભાવનગર મુકામે ગણિપદ, બે દિવસ બાદ પન્યાસપદ, 1935માં મહુવા ખાતે વાચક(ઉપાધ્યાય)પદ અને 1936માં આચાર્યપદ અર્પવામાં આવ્યું હતું. તેઓ અહોરાત્ર ચિંતન, મનન, વાચન અને લેખન કરતા હતા. લેખક અને ભાષ્યકાર તરીકે તેમના નામ સાથે સંકળાયેલા ગ્રંથો નીચે મુજબ છે :
વ્યાકરણવિષયક કૃતિઓ : (1) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત ‘શબ્દાનુશાસન’ પર તેમણે લઘુવૃત્તિ રચી છે તે 6 હજાર, પછી 12 હજાર અને અંતે 18 હજાર શ્ર્લોકપ્રમાણ છે. તેની ઉપરનો બૃહન્ન્યાસ 84,000 શ્ર્લોકપ્રમાણ છે. તેના ત્રુટિત ભાગનું અનુસંધાન કરી 7 ભાગ બહાર પાડેલ છે. (2) ‘ધાતુરત્નાકર’ના 8 ભાગો તેમની ખ્યાતનામ રચના છે. (3) ‘કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્’ દ્વારા કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. (4) ‘વિભક્ત્યર્થનિર્ણય’માં વિભક્તિની ચર્ચા કરી છે. (5) ‘હેમચંદ્રિકા’ નામની લઘુપુસ્તિકા બાળકોને સરળતાથી વ્યાકરણના મહત્વના સિદ્ધાંતો સમજાવતી સુંદર પુસ્તિકા છે.
દર્શનશાસ્ત્રવિષયક કૃતિઓ : (1) સિદ્ધસેનકૃત ગહન દાર્શનિક રચના ‘દ્વાત્રિંશિકા’ પર ‘કિરણાવલિ’ નામની અર્થગંભીર ટીકા રચી છે. (2) હરિભદ્રસૂરીશ્વરજીના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચયં’ ઉપર ‘સ્યાદવાદવાટિકા’ નામની પ્રૌઢ ટીકા રચી છે. (3) ઉપાધ્યાય યશોવિજયજી ગણિવરના કેટલાક ગ્રંથોની ટીકાઓમાં ‘સપ્તભંગીનયપ્રદીપ’ ઉપર ‘બાલબોધિની’ વૃત્તિ, ‘નયરહસ્ય’ ઉપર ‘પ્રમોદા’ વિવૃત્તિ, ‘નયોપદેશ’ ઉપર ‘તરંગિણી-તરણિ વૃત્તિ’ અને ‘અનેકાન્તવ્યવસ્થા પ્રકરણમ્’ ઉપર ‘તત્વબોધિની’ વૃત્તિ રચેલી છે. (4) ‘નયગોચરભ્રમનિવારણ’ દ્વારા નય-સંબંધે બહુશ્રુત પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને તેમાં થતા ભ્રમનું વિવરણ સુંદર રીતે કર્યું છે. (5) ધર્મશાસ્ત્રમાં ‘તત્વાર્થત્રિસૂત્રિપ્રકાશિકા’ રચીને તત્વજ્ઞાનની સૌરભને વ્યાપક રૂપે વિસ્તારી છે.
સાહિત્યવિષયક કૃતિઓ : (1) કવિ ધનપાલરચિત ‘તિલકમંજરી’ ઉપરની ‘પરાગ’ ટીકા – પાંડિત્યથી શોભતી સંસ્કૃતમાં વૃત્તિ. (2) હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ ‘કાવ્યાનુશાસન’ ઉપર ‘પ્રકાશ’ નામક ટીકા. (3) હેમચંદ્રાચાર્યના ‘છંદોનુશાસન’ ઉપર ‘પ્રદ્યોત’ નામક ટીકા. (4) ‘દેવગુર્વાષ્ટક’માં એમણે નેમિનાથ ભગવાન અને નેમિસૂરીશ્વરજી આચાર્યનું જીવન-કવન સુંદર રીતે ગૂંથ્યું છે. દ્વયર્થક એવી આ રચનામાં શબ્દલાલિત્ય અને અર્થગાંભીર્ય રહેલાં છે.
જ્ઞાનગંભીર પ્રતિભા ધરાવતા આ જૈન મુનિ પ્રભાવશાળી વક્તા પણ હતા. જૈન તત્વચિંતનના અઘરામાં અઘરા સિદ્ધાંતોને પણ દૃષ્ટાંતો દ્વારા સુલભ બનાવવાની તેમની કુશળતા અદભુત હતી. કઠિન સમસ્યાઓનો સમાધાનકારી ઉકેલ શોધવાની તેમની કળા પણ પ્રભાવક હતી.
તેમનો શિષ્ય-પ્રશિષ્યસમુદાય બહોળો છે.
ઈન્દુભાઈ દોશી