લાલ લીલ (રહોડોફાઇટા)
January, 2004
લાલ લીલ (રહોડોફાઇટા) : લીલનો એક વિભાગ. તે મુખ્યત્વે સમુદ્રનિવાસી છે અને દરિયાઈ અપતૃણોમાં સૌથી સુંદર છે. તેની બહુ ઓછી જાતિઓ ધ્રુવીય મહાસાગરોમાં થાય છે. તેઓ ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણકટિબંધીય ઊંડા અને હૂંફાળા સમુદ્રોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વિભાગમાં લગભગ 400 પ્રજાતિઓ અને 4,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી લગભગ 200 જેટલી જાતિઓ (દા. ત., Batrechospermum, Lemanea) ઉષ્ણકટિબંધમાં ઠંડા અને ઝડપથી વહેતા મીઠા પાણીમાં થાય છે. તેઓ મોટેભાગે ખડકો સાથે ચોંટેલી હોય છે. કેટલીક જાતિઓ લાલ લીલ, બદામી લીલ કે હરિત લીલ પર પરરોહી (epiphyte) તરીકે કે અંત:જીવી (endophyte) તરીકે થાય છે. બહુ ઓછી જાતિઓ પરોપજીવી (parasite) તરીકે પણ જોવા મળે છે. મોટાભાગની દરિયાઈ જાતિઓ નીચી ભરતીરેખાથી, સમુદ્રની સપાટીથી 100 મી.ની. ઊંડાઈ સુધી થાય છે. થોડીક જ જાતિઓ સમુદ્રતટે નીચી ભરતીએ પણ ભીના રહેતા ખડકો ઉપર જોવા મળે છે.
લાલ લીલનો સુકાય રંગે ચકચકિત લાલ અને જાંબલીથી માંડી ઘેરો બદામી લાલ, બદામી લીલો, નીલહરિત અને કાળો હોય છે. આ લીલમાં ચલિત સ્વરૂપો જોવા મળતાં નથી. એકકોષી (દા.ત., porphyridium) કે વસાહતી સ્વરૂપો પણ ક્વચિત જ હોય છે. બે પ્રજાતિઓના અપવાદ બાદ કરતાં તેનો સુકાય બહુકોષી અને સ્થૂળદર્શી (macroscopic) હોય છે. તે તંતુમય શાખિત (દા.ત., Goniotrichum), વિષમસૂત્રી (heterotrichous) અને ગુચ્છિત (tufted), પટ્ટી આકાર કે તક્તી આકારનો મૃદુતકીય (દા.ત., porphyra) અને કેટલીક વાર એક મીટરથી વધારે લંબાઈવાળો હોય છે. સુકાય એકાક્ષીય (uniaxial) કે બહુઅક્ષીય (multiaxial) હોય છે. તંતુમય સ્વરૂપો પિચ્છાકાર શાખાઓ ધરાવતાં હોઈ સુંદર દેખાય છે. Delesseria અને Plocamium પ્રજાતિઓ જોવાનો એક લહાવો ગણાય છે. સુકાય ખડક સાથે કે ઘન આધારતલ સાથે સ્થાપનાંગ (holdfast) દ્વારા જોડાયેલો રહે છે. મુક્તપણે તરતી અવસ્થામાં તે ભાગ્યે જ જોવા મળે છે. Corallina અને Lithothamnion જેવી લાલ લીલના સુકાયો કૅલ્શિયમ કાર્બોનેટના થતા પુષ્કળ સ્થાપનને કારણે સખત પથ્થર જેવા બને છે અને પ્રવાલશૈલ (coral reef) બનાવે છે. બગિયો-ફાઇસીડી સિવાય સુકાયની વૃદ્ધિ અગ્રસ્થ (apical) હોય છે. લાલ લીલમાં શાખન (branching) મુખ્યત્વે એકાક્ષિક (monopodial) હોય છે.
લાલ લીલના કોષો લાક્ષણિક સુકોષકેન્દ્રી (eukaryotic) રચના ધરાવે છે. તેની કોષદીવાલ બે પડની બનેલી હોય છે. બાહ્ય પડ પૉલિસલ્ફેટ ઍસ્ટરો ધરાવતાં પૅક્ટિક દ્રવ્યોનું અને અંત:પડ સેલ્યુલોઝનું બનેલું હોય છે. મોટેભાગે કોષદીવાલની બાહ્ય સપાટીએ શ્લેષ્મનું બનેલું આવરણ જોવા મળે છે; પરંતુ કેટલીક પ્રજાતિઓમાં બહારના પૅક્ટિનના સ્તરમાં કૅલ્શિયમ કાર્બોનેટનું સ્થાપન થયેલું હોય છે. બગિયેલ્સ, નેમેલિયોનેલ્સ, ક્રિપ્ટોનિમેલ્સ અને જિગાર્ટિનેલ્સ ગોત્રોમાં સામાન્યત: પ્રત્યેક કોષમાં એક જ કોષકેન્દ્ર હોય છે. અન્ય લાલ લીલમાં કોષો બહુકોષકેન્દ્રી હોય છે. આદ્ય લાલ લીલ (બગિયેલ્સ અને કેટલીક નેમેલિયોનેલ્સ) કોષની મધ્યમાં એક મોટું તારકાકાર રંજ્યાલવ (chromatophore) ધરાવે છે. રંજ્યાલવના કેન્દ્રમાં પ્રોટીનનું ઘટ્ટ કાય આવેલું હોય છે, જેને ઘણી વાર પ્રોભુજક (pyrenoid) કહે છે. જોકે હરિત લીલની જેમ આ પ્રોભુજક સ્ટાર્ચનું આવરણ ધરાવતો નથી. લાલ લીલની ઉદવિકસિત જાતિઓમાં એકથી વધારે રંજ્યાલવ હોય છે અને તેઓ કોષરસમાં ભિત્તીય (parietal) અને પ્રોભૂજકરહિત હોય છે. રંજ્યાલવમાં આવેલાં રંજકદ્રવ્યોમાં ક્લૉરોફિલ a અને d, α– અને β–કૅરોટિનો, ઝૅન્થોફિલ (લ્યુટિન, ટેરાઝૅન્થિન, ઝિયાઝૅન્થિન, વાયોલેઝૅન્થિન) અને બિલિપ્રોટીન(γ–ફાઇકોઇરિથ્રિન અને γ– ફાઇકોસાયનિન)નો સમાવેશ થાય છે. γ– ફાઇકોઇરિથ્રિન જલદ્રાવ્ય લાલ રંજકદ્રવ્ય છે અને લાલ લીલનું મુખ્ય સહાયક રંજકદ્રવ્ય છે. γ–ફાઇકોસાયનિન વાદળી રંજકદ્રવ્ય છે. લાલ લીલના રંગનો આધાર રંજ્યાલવમાં રંજકદ્રવ્યોના જથ્થા અને પ્રકાર પર રહેલો છે. ખોરાકસંગ્રહ મુખ્યત્વે ફ્લૉરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જે ગ્લાયકોજેન જેવો સ્ટાર્ચ અને ડેક્સ્ટ્રીન વચ્ચેના મધ્યવર્તી પૉલિસૅકેરાઇડ છે અને આયોડિન વડે પીળો કે બદામી રંગ આપે છે.
લાલ લીલનાં ઉચ્ચતર ગોત્રોમાં, પાસપાસેના કોષોની કોષદીવાલમાં ગર્તજોડાણો (pit connections) જોવા મળે છે. તેઓ કોષો વચ્ચે જીવરસીય સાતત્ય જાળવવામાં મદદ કરે છે. રેમસ(1971)ના મત પ્રમાણે ગર્તજોડાણો પાસપાસેના કોષો વચ્ચે રહેલા ગર્તો પણ નથી કે આંતરકોષીય જોડાણો પણ નથી. તે વિટપીય છિદ્રમાં રહેલો લેન્સ આકારનો ડાટો (plug) છે. ડાટાની બંને બાજુએ પટલ દ્વારા બદ્ધ ડાટાનું શિખર હોય છે.
લાલ લીલમાં કશાધારી પ્રજનનકોષોનો સદંતર અભાવ હોય છે. અપખંડન (fragmentation) દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન એકબીજાણુ (monospore), તટસ્થ બીજાણુ (neutral spores), ફળબીજાણુઓ (carpospores) અથવા અર્ધસૂત્રી બીજાણુઓ (meiospores) દ્વારા થાય છે. દ્વિબીજાણુઓ (bispores), ચતુર્બીજાણુઓ (tetraspores) કે બહુબીજાણુઓ (polyspores) અર્ધસૂત્રી બીજાણુઓ છે.
લિંગી પ્રજનન અંડયુગ્મીય (oogamous) પ્રકારનું જોવા મળે છે. લાલ લીલ એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોય છે. નર પ્રજનનાંગને અચલ પુંધાની (spermatangium) કહે છે, જે એક જ એકકોષકેન્દ્રી એકકોષી અચલિત નર-જન્યુ ઉત્પન્ન કરે છે. તેને અચલપુંજન્યુ (spermatium) કહે છે. માદા પ્રજનનાંગને ફલધાની (carpogonium) કહે છે. તે લાંબી નલિકાકાર રચના ધરાવે છે, જેને આદાનસૂત્ર (trichogyne) કહે છે. તેના તલસ્થ કંદમય ભાગને ફલધાનીય તલ કહે છે, જેમાં માદા કોષકેન્દ્ર આવેલું હોય છે.
ફલન પછી યુગ્મનજ (zygote) કાં તો તુરત જ અર્ધસૂત્રી ભાજનથી વિભાજન પામે છે અથવા દ્વિગુણિત (diploid) યુગ્મનજના કોષકેન્દ્રના અર્ધસૂત્રી ભાજનનો સમય લંબાય છે, જેથી ફલનોત્તર (post-fertilization) અવસ્થા જટિલ રચનાવાળી બને છે.
યુગ્મનજનું જો તુરત જ અર્ધસૂત્રી ભાજન થાય તો એકગુણિત (haploid) કોષકેન્દ્ર શ્રેણીબદ્ધ સમસૂત્રી ભાજનો પામી ટૂંકા એકગુણિત તંતુઓ ઉત્પન્ન કરે છે, જેમને ઉત્પાદી સૂત્રો (gonimoblast filaments) કહે છે. આ તંતુઓના ટોચ પરના કોષો ફલબીજાણુધાની (carposporongium) તરીકે વર્તે છે. પ્રત્યેક ફલબીજાણુધાની એક ફલબીજાણુ (carpospore) ઉત્પન્ન કરે છે. શિથિલ રીતે ગોઠવાયેલાં ઉત્પાદિત સૂત્રો, ફલબીજાણુધાનીઓ અને તેમની ફરતે આવેલા વંધ્ય આવરણ સહિતની ગોળાકાર રચનાને કોષ્ઠફળ (cystocarp) કે ફળબીજાણુજનક (carposporophyte) કહે છે. આ પ્રકારની લીલમાં એકગુણિત અવસ્થા મુખ્ય છે, જ્યારે દ્વિગુણિત (diploid) અવસ્થા માત્ર યુગ્મનજ દ્વારા અભિવ્યક્ત થાય છે. આ પ્રકારના જીવનચક્રને એકજનીક (haplobiontic) કહે છે.
લાલ લીલની ઉદ્વિકસિત જાતિઓમાં ફલધાની વિશિષ્ટ પાર્શ્ર્વીય શાખાની ટોચ ઉપર ઉત્પન્ન થાય છે, જેને પૂર્વફલધાની (procarp) કે ફલધાનીય તંતુ કહે છે. પૂર્વફલધાની સાથે સંકળાયેલા વિશિષ્ટ કોષને સહાયક કોષ (auxilliary cell) કહે છે. યુગ્મનજમાં થતું અર્ધસૂત્રી ભાજન લંબાતાં દ્વિગુણિત કોષ્ઠફળ અવસ્થા ઉદભવે છે, જેથી દ્વિગુણિત ફળબીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ ફળબીજાણુના અંકુરણ દ્વારા દ્વિગુણિત બીજાણુજનક (sporophyte) ઉદભવે છે, જેને ચતુર્બીજાણુજનક (tetrasporophyte) અવસ્થા કહે છે. આ અવસ્થા ચતુર્બીજાણુધાનીઓ (tetrasporangia) ઉત્પન્ન કરે છે, જેમાં ઉદભવતા ચતુર્બીજાણુઓ (tetraspores) અર્ધસૂત્રી ભાજનની નીપજ હોવાથી તેઓ એકગુણિત હોય છે અને તેમના અંકુરણ દ્વારા જન્યુજનક (gametophyte) અવસ્થાનું સર્જન થાય છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિજનિક (diplobiontic) કહે છે, જે બે સ્વતંત્ર દ્વિગુણિત અવસ્થાઓ અને એક એકગુણિત અવસ્થા ધરાવે છે. આવાં સ્વરૂપો સમરૂપી (isomorphic) કે વિષમરૂપી (heteromorphic) એકાંતરજનન (alternation of generations) દર્શાવે છે.
આ વિભાગ રહોડોફાઇસી નામના એક જ વર્ગનો બનેલો છે. આ વર્ગ બે ઉપવર્ગો–(1) બૅંગિયોફાઇસીડી કે બૅંગિયોઇડી અને (2) ફ્લૉરિડિયોફાઇસીડી કે ફ્લૉરિડી–માં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. બગિયોફાઇસીડીના કોષો ગર્તજોડાણરહિત હોય છે. આ ઉપવર્ગમાં કોષવિભાજન અંતર્વિષ્ટ (intercalary) હોય છે, આદાનસૂત્રનો અભાવ હોય છે. અથવા તે ટૂંકું હોય છે અને યુગ્મનજના વિભાજન દ્વારા સીધા જ ફળબીજાણુઓ ઉત્પન્ન થાય છે. તે બૅંગિયેલ્સ અને ગોનિયોટ્રાઇકેલ્સ ગોત્રો ધરાવે છે.
ફ્લૉરિયોફાઇસીડીના કોષો ગર્તજોડાણ ધરાવે છે. આ ઉપવર્ગમાં ભાગ્યે જ અંતર્વિષ્ટ કોષવિભાજન જોવા મળે છે. આદાનસૂત્ર લાંબું નલિકાકાર હોય છે. ઉત્પાદી સૂત્રો પર ઉદભવતી ફળબીજાણુધાનીઓમાં ફળબીજાણુઓ ઉદભવે છે. આ ઉપવર્ગ નેમેલિયોનેલ્સ, ગેલિડિયેલ્સ, જિગાર્ટિનેલ્સ, સિરામિયેલ્સ, ક્રિપ્ટોનેમિયેલ્સ અને ર્હોડીમેનિયેલ્સ ગોત્રોમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
લાલ લીલ દરિયાઈ પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. કેટલીક જાતિઓ ઢોરોને ખવડાવવામાં આવે છે. તેમનો માનવખોરાક તરીકે પણ નિયમિતપણે ઉપયોગ થાય છે. ડલ્સ, લીવર, એમાનૉરી, આઇરિશ મૉસ અને કાન્ટેન અગત્યની લાલ લીલ છે, જેનો ખોરાક તરીકે એશિયાઈ દેશો અને યુરોપ તથા ઉત્તર અમેરિકાના ખડકાળ દરિયાકિનારાના લોકો ઉપયોગ કરે છે.
જાપાનીઓ, ચીનાઓ અને અમેરિકીઓ દ્વારા porphyra પ્રજાતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂપના મહત્વના ઘટક તરીકે અને માંસને સુગંધિત કરવા તેનો ઉપયોગ થાય છે. જાપાનમાં તેને એક સ્વાદિષ્ટ વાનગી ગણવામાં આવે છે. આ પ્રજાતિને અંત:સમુદ્રીય (submarine) ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. Rhodymenia palmataને ડલ્સ કહે છે. આયર્લૅન્ડમાં તેને દૂધ સાથે ઉકાળી ખાવામાં આવે છે. તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે અને સૂકવીને સૂપ સાથે લેવામાં આવે છે.
ઔષધનિર્માણ અને અન્ય ઉદ્યોગોમાં મહત્વના પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાતા ગેલેઝિસ જેવા પૉલિસૅકેરાઇડ લાલ લીલની કોષદીવાલોમાંથી મળી આવે છે. તેમનો પ્રાણી-જિલેટિનની અવેજીમાં ઉપયોગ થાય છે. લાલ લીલમાંથી મેળવેલી નીપજો જૂતાંની પૉલિશ, સૌન્દર્યપ્રસાધનો, ગુંદર, જેલી, મુરબ્બો, કૅન્ડી, ટૂથપેસ્ટ, છિદ્રપૂરક (sizing) પ્રક્રિયક, ગાળણપત્ર અને આઇસક્રીમમાં સ્થાયીકારક (stabilizer) તરીકે ઉપયોગી છે. Chondrus crispus(આઇરિશ મૉસ)ના નિષ્કર્ષને કેરાજિનિન કહે છે. તેનો ચૉકલેટ-દૂધ, રેચકો (laxatives) અને સૌન્દર્યપ્રસાધનો બનાવવામાં ઉપયોગ થાય છે.
લાલ લીલનો ઍગાર(agar)ના નિર્માણમાં થતો ઉપયોગ ખૂબ જાણીતો છે. Gelidium, Gracilaria, Rhodymenia જેવી લાલ લીલમાંથી તેનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તે શુષ્ક સ્વરૂપે વેચાય છે. તે ગરમ પાણીમાં ઓગળે છે અને તેને ઠંડી પાડતાં ઘટ્ટ બને છે. તેનો રેચક (laxative) તરીકે, પ્રવાહીઓના સ્વચ્છનમાં અને બૅક્ટેરિયા, ફૂગ કે પેશીઓની વૃદ્ધિ માટે સંવર્ધન માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
Lithothamnion, Lithophyllum, Porolithon અને Goniolithion જેવી ચૂનામય લાલ લીલ શૈલ-પ્રવાલના નિર્માણમાં મહત્વનો ફાળો આપે છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ