લાલ, લક્ષ્મીનારાયણ [જ. 4 માર્ચ 1927, જલાલપુર, જિ. બસ્તી (ઉત્તરપ્રદેશ); અ. 20 નવેમ્બર 1987] : હિંદીના નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક, રંગકર્મી અને રંગશિલ્પી. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર તથા વિવેચક પણ હતા. પિતા શિવસેવક લાલ, માતા મૂંગામોતી. માતા ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં. બી.એ.ની ડિગ્રી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી. 1950માં હિંદી વિષય સાથે એમ.એ. થયા. 1952માં ‘હિંદી કહાનિયોં કી શિલ્પવિધિ કા વિકાસ’ પર ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. એમનું 16 વર્ષની વયે આરતી સાથે લગ્ન થયેલું.

1953થી અધ્યાપક. 1958થી ‘નાટ્યકેન્દ્ર’ શરૂ કર્યું. તેના અધ્યક્ષ તરીકે પુરુષોત્તમદાસ ટંડન તથા સભ્યો તરીકે કવિ પંત અને અશ્કજી હતા. 1964માં અલ્લાહાબાદ છોડીને દિલ્હી આવ્યા ને ત્યાં નૅશનલ બુક ટ્રસ્ટમાં કામ કર્યા પછી લેખનની પ્રવૃત્તિને જ સ્વધર્મ તરીકે સ્વીકારી. આમ લેખન-ધર્મિતા એ જ એમનો ‘પ્રેમ-પરિશ્રમ’નો ‘આશ્રમ’ બન્યો.

લક્ષ્મીનારાયણ લાલ લિખિત 31 જેટલાં નાટકોમાં ‘અંધા કુઆ’ (1955), ‘માદા કૈક્ટસ’ (1959), ‘તીન આંખોંવાલી મછલી’ (1960), ‘સૂખા સરોવર’ (1960), ‘રાતરાની’ (1962), ‘સૂર્યમુખ’ (1968), ‘મિસ્ટર અભિમન્યુ’ (1971), ‘કરફ્યૂ’ (1972), ‘અબ્દુલ્લા દીવાના’ (1973), ‘વ્યક્તિગત’ (1974), ‘નરસિંહ કથા’ (1975), ‘એક સત્ય હરિશ્ચંદ્ર’ (1976), ‘ગંગા માટી’ (1977), ‘પંચમુખ’ (1978), ‘કજરી વન’ (1980), ‘લંકાકાંડ’ (1983), ‘બલરામ કી તીર્થયાત્રા’ (1984), ‘કથાવિસર્જન’ (1987) અને ‘હંસનેવાલી લડકિયા’ (1987) ઉલ્લેખનીય છે.

તેમના આઠ એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે તેમાં ‘તાજમહલ કે ઑસૂ’ (1945), ‘પર્વત કે પીછે’ (1952), ‘નાટક બહુરંગી’ (1961), ‘નાટક બહુરૂપી’ (1964), ‘મેરે શ્રેષ્ઠ એકાંકી’ (1972), ‘દૂસરા દરવાજા’ (1975), ‘ખેલ નહીં નાટક’ (1978) અને ‘નયા તમાશા’(1982)નો સમાવેશ થાય છે.

નાટકકાર તરીકેની ધ્યાનાર્હ ખ્યાતિ ધરાવતા લક્ષ્મીનારાયણ લાલે 1951થી 1985ના ગાળામાં 15 નવલકથાઓ, 1960થી ’87ના ગાળામાં 6 વાર્તાસંગ્રહો, 1974થી ’87ના ગાળામાં 3 જીવનકથાઓ, 1977થી ’81ના અવકાશમાં 3 સાંપ્રત સાહિત્યના ગ્રંથો આપ્યા છે. સાથે સાથે સંશોધન તથા સમીક્ષાત્મક સાહિત્ય અન્વયે તેમણે 7 જેટલા મૂલ્યવાન ગ્રંથો આપ્યા છે, તેમાં ‘રંગમંચ ઔર નાટક કી ભૂમિકા’ (1965) તેમજ ‘આધુનિક હિન્દી નાટક ઔર રંગમંચ’ (1973) મહત્વનાં પ્રદાનો ગણાય છે.

રંગભૂમિની વિરાટતાને વિશેષ પ્રસરાવવા તેઓ 1964માં બુખારેસ્ટ, 1986માં કેમ્બ્રિજ, ઑક્સફર્ડ, પૅરિસ અને 1987માં ટૉરન્ટો વિશ્વવિદ્યાલયમાં પ્રવચનો માટે ગયા હતા. તેઓ પાશ્ચાત્ય નાટ્યસાહિત્યના પણ અભ્યાસુ હતા. સરવાળે, સ્વાતંત્ર્યોત્તર હિંદી નાટકના ક્ષેત્રે એક નાટકકાર, અદાકાર અને સમીક્ષા-ક્ષેત્રે મૂર્ધન્ય પ્રદાનકર્તા લક્ષ્મીનારાયણ લાલને 1967માં ‘રાતરાની’ તથા 1970માં ‘કરફ્યૂ’ નાટક માટે અખિલ ભારતીય કાલિદાસ પુરસ્કાર; 1977માં ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી પુરસ્કાર; 1977માં રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર; 1979માં તેમના નાટ્યપ્રદાન માટે ‘સાહિત્ય કલા પરિષદ’ (દિલ્હી) તરફથી સન્માન; 1987માં ‘ગલી અનારકલી’ નામની નવલકથાને પણ હિંદી અકાદમી  દિલ્હી તરફથી અને તેમના દેહાવસાન પછી 1988માં ‘ભારતીય નાટ્ય સંઘ’ તરફથી પુરસ્કારો અપાયા હતા.

રજનીકાન્ત જોશી

લલિત પૂજારા