લાલવાણી, જેઠો માધવદાસ [જ. 8 માર્ચ 1945, કાંઢિયારો (સિંધ) જિ. નવાબશાહ] : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમણે એમ.એ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી, બી.એડ. (વિશારદ) અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અને 1996માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

તેઓ સિંધી, હિંદી અને ઉર્દૂ ભાષાના જાણકાર છે, તે ઉપરાંત આકાશવાણી અને ટી.વી.ના કલાકાર છે. તેમણે દિલ્હી ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે અને ગુજરાત સરકારની સિંધી-હિંદી સાહિત્ય અકાદમીના મદદનીશ રજિસ્ટ્રાર તરીકે પણ સેવા આપી છે. વળી, તેઓ ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

તેમણે સિંધી લોકકથાઓ ઉપરાંત સિંધી, હિંદી અને ઉર્દૂ ભાષાનાં તથા અન્ય ભાષાઓમાંથી અનૂદિત કરેલાં કેટલાંક પુસ્તકો આપ્યાં છે. ‘પોસ્ટ મૉર્ટમ’ (1982), ‘તારાં દુ:ખ મારાં છે’, ‘સિંધી ભગત’ અને ‘સિંધી લોકકથાઓ’ જેવાં તેમનાં પુસ્તકો જાણીતાં છે. ‘સિંધી લોકકથાઓ’ બદલ તેમને 1998ના વર્ષનો ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે નાટ્યક્ષેત્રે ‘સિંધી નાટ્યભૂમિ’ અને ‘સિંધી નાટ્ય ઇતિહાસ’ જેવા ગ્રંથો આપ્યા છે. તે બદલ તેમને 2003ના વર્ષનો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ‘સિંધી લોકકથાઓ’માં સિંધી પ્રજાની મૌખિક પરંપરાની કથાસાહિત્યની મહત્વની ધારાનું એક અભ્યાસપૂર્ણ સંપાદન જોવા મળે છે.

તેમણે કુલ 23 ગ્રંથો આપ્યા છે. તે પૈકી સિંધીમાં : ‘મઝિયાજા ધૂંધલા આકાશ’ (1976), ‘ગુલ બાંજી અચિજા’ (1990) તેમની ગુજરાતીમાંથી અનૂદિત નવલકથાઓ છે. ‘નાટક એ રંગમંચ કલા’ (1981), ‘નાટક કલા જો વિકાસ’ (1983)  આ બંને રંગભૂમિની કલાના ગ્રંથો છે. ‘બનિયા જો સિંધી લોક અદબ’ (1992) લોકકથાનો ગ્રંથ છે. ઉર્દૂમાં ‘સિંધુ નાટ્યભૂમિ’ (1971) ગ્રંથ આપ્યો છે.

તેમને કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીનો એક પુરસ્કાર; પ્રૌઢ શિક્ષણ વિભાગના બે પુરસ્કાર; માહિતી અને પ્રસારણ મંત્રાલયનો એક પુરસ્કાર તથા સિંધી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્યના પાંચ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમણે ‘સ્ટેજ’ ત્રિમાસિકનું સંપાદન કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા