લાલ કિલ્લો, દિલ્હી : મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હીમાં યમુના નદીના કાંઠે બંધાવેલો પ્રસિદ્ધ કિલ્લો. આ કિલ્લાનું મૂળ નામ ‘કિલા-ઇ-મુબારક’ કે ‘કિલા-ઇ-શાહજહાનાબાદ’ હતું, પરંતુ તેના બાંધકામમાં લાલ રંગનો રેતિયો પથ્થર વાપરવામાં આવ્યો હોવાથી તે ‘લાલ કિલ્લા’

લાલ કિલ્લો, દિલ્હી

તરીકે જાણીતો થયો. તેનો પાયો ઈ. સ. 1639માં નંખાયો હતો અને તેનું બાંધકામ ઈ. સ. 1648માં પૂરું થયું હતું. કિલ્લાની અંદર શાહજહાંએ પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ અને નહરે બહિશ્ત જેવી ઇમારતો આવેલી છે. દીવાને આમ અને દીવાને ખાસમાં મીનાકારી અને નકશીકામ આકર્ષક છે. દીવાને આમ અધિક અલંકૃત છે. બાદશાહ અહીં રાજકુમાર, સામંતો અને વિદેશી રાજદૂતોને મુલાકાત આપતો હતો.

આ કિલ્લાનું તલમાન (ground plan) પંચકોણીય છે. નદી તરફનો તેનો કોટ 18 મી. ઊંચો છે જ્યારે ખુલ્લા મેદાનમાં તે 33 મી. ઊંચો છે. કોટને ફરતી 22.86 મી. પહોળી અને 9.14 મી. ઊંડી ખાઈ આવેલી છે. કિલ્લાની ઉત્તર-દક્ષિણ લંબાઈ 914.41 મી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 548.65 મી. છે. કિલ્લાનો ઘેરાવો 2.41 કિમી. છે. તેના દરવાજામાં લાહોર દરવાજો અને દિલ્હી દરવાજો જાણીતા છે. દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઑગસ્ટના રોજ ભારતના વડાપ્રધાન આ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવે છે.

થોમસ પરમાર