લાલ અને કાળાં મરિયાં : Aulacophora foveicollis, A. atripennis અને A. atevensiના વૈજ્ઞાનિક નામે ઓળખાતી કીટકીય જીવાતો. ઢાલપક્ષ (Coleopfera) શ્રેણીનાં ક્રાયસોમેલીડી કુળ(family)માં તેનો સમાવેશ થયેલ છે. દૂધી, કોળું, ગલકી અને અન્ય વેલાવાળાં શાકભાજીમાં તેનો ઉપદ્રવ થતો હોય છે. આવા પાકો ઉગાડતા ભારતના વિવિધ પ્રદેશોમાં તેનો ફેલાવો જોવા મળે છે. મરિયાં કીટક વેલાનાં પાંદડાંનો લીલો પદાર્થ ખાય છે. તેને પરિણામે પાનમાં અનિયમિત આકારનાં નાનાં કાણાં પડે છે. લાલ મરિયાં (A. foeillis) રંગે લાલ હોય છે. તે એક જ જગ્યાએથી પાંદડાં ખાઈને મોટાં કાણાં પાડે છે. જ્યારે કાળાં મરિયાં (A. atripennis), જે વધારે ચપળ હોય છે તે આખા પાન પર નાનાંમોટાં કાણાં પાડી નુકસાન પહોંચાડે છે. લાલ અને કાળાં મરિયાં લગભગ 18 મિમી. જેટલાં લાંબાં હોય છે. માદા મરિયાં 89 ઈંડાંનાં ઝૂમખાંમાં કુલ 150થી 300 જેટલાં, પીળાશ પડતાં બદામી રંગનાં લાંબા આકારનાં ઈંડાં વેલાની નીચે જમીનમાં મૂકે છે. ઈંડા અવસ્થા 5થી 8 દિવસની હોય છે. આ અવસ્થા પૂર્ણ થતાં નીકળેલ ઇયળ છોડ/વેલાનાં નાનાં મૂળિયાં ખાય છે. વળી થડ અને જમીનને અડકેલાં ફળને નુકસાન કરે છે. ઇયળ પીળાશ પડતા સફેદ અને બદામી માથાવાળી હોય છે. પૂર્ણવિકસિત ઇયળ લગભગ 12 મિમી. લાંબી હોય છે. કીટકની ઇયળ અવસ્થા 2થી 3 અઠવાડિયાંની હોય છે. પુખ્ત ઇયળ જમીનમાં લગભગ 10થી 12 સેમી.ની ઊંડાઈએ ઊતરી જઈ સફેદ રંગના આવરણવાળા કોશેટામાં પરિણમે છે. આ કોશેટાની સુષુપ્ત અવસ્થા 7થી 17 દિવસમાં પૂર્ણ થતાં તે પુખ્ત કીટકમાં રૂપાંતર પામે છે. આ કીટકનું સંપૂર્ણ જીવનચક્ર 4થી 7 અઠવાડિયાંમાં પૂરું થતું હોય છે. વાતાવરણની સાનુકૂળતા મુજબ વર્ષમાં આ જીવાતની 3થી 8 પેઢી થતી હોય છે. જોકે અતિશય ઠંડીમાં પુખ્ત કીટક સુષુપ્ત અવસ્થામાં સમય પસાર કરે છે. આ જીવાતનો ઉપદ્રવ માર્ચથી ઑક્ટોબર સુધી વધારે, જ્યારે શિયાળામાં ઉપદ્રવ ઓછો જોવા મળે છે. મરિયાંના નિયંત્રણ માટે મિથાઇલ પેરાથિયોન 2 % અથવા ક્વિનાલ- ફોસ 1.5 % ભૂકી હેક્ટરે 25 કિગ્રા. પ્રમાણે છાંટવી પડે છે. જમીનમાં વસતી જીવાતને મારવા ક્લૉરપાયરિફોસ 0.04 % અથવા એન્ડોસલ્ફાન 0.07 %નું પ્રવાહી મિશ્રણ વેલાના થડની આસપાસ રેડવાથી, સારું પરિણામ મેળવી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ