લાલા હરદયાળ (જ. 1884, દિલ્હી; અ. 4 માર્ચ 1939, ફિલાડેલ્ફિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભારતના મહાન દેશભક્ત, ક્રાંતિકાર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પક્ષના સ્થાપક. હરદયાળનો જન્મ મધ્યમ વર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગૌરીદયાળ માથુર ફારસી અને ઉર્દૂના અભ્યાસી હતા. તેમનાં માતા ધાર્મિક વૃત્તિનાં શિવભક્ત હતાં. તેમણે મૅટ્રિકની પરીક્ષા 14 વરસની વયે પસાર કરી અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજમાં જોડાયા. કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ ‘ગીતા’, ‘મનુસ્મૃતિ’ તથા ‘ઋગ્વેદ’નો પણ અભ્યાસ કરતા હતા. તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમને શિષ્યવૃત્તિ પણ મળી. તેઓ ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.માં જોડાયા અને 1903માં પહેલા નંબરે પરીક્ષા પસાર કરી. બીજે વરસે તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા.

બ્રિટિશ સરકારે તેમને વાર્ષિક 200 પાઉન્ડની શિષ્યવૃત્તિ ઇંગ્લૅન્ડ જઈને વધુ અભ્યાસ કરવા માટે આપી. તેઓ 1905માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડની સેંટ જૉન્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને આધુનિક ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. લંડનમાં પ્રસિદ્ધ ક્રાંતિકાર અને ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ સાપ્તાહિકના તંત્રી શ્યામજી કૃષ્ણવર્મા, મૅડમ ભિખાઈજી કામા, વિનાયક દામોદર સાવરકર વગેરેના સંપર્કથી ક્રાંતિકારી વિચારોથી આકર્ષાયા અને સરકારી શિષ્યવૃત્તિનો ત્યાગ કર્યો.

હરદયાળ 1908માં ઇંગ્લડથી ભારત આવ્યા અને લાહોરમાં યુવકો માટે વર્ગો ચલાવ્યા. તેમાં તેમણે યુવકોને શાંત પ્રતિકાર તથા બહિષ્કાર દ્વારા બ્રિટિશ સરકારને દૂર કરવાનો બોધ આપ્યો. એ જ વરસે તેઓ યુરોપ પાછા ફર્યા. તેમણે રૂસો, વૉલ્તેર, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્કસ, ટૉલ્સ્ટૉય, રસ્કિન વગેરે લેખકોના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેમના વિચારોથી પ્રભાવિત થયા.

યુરોપમાં કેટલોક સમય રોકાઈને તેઓ અમેરિકા ગયા. ત્યાં પેસિફિક સમુદ્રકાંઠાનાં અમેરિકાનાં રાજ્યોમાં વસતા ભારતીયોમાં ક્રાંતિકારી પ્રચાર કરવા લાગ્યા. તેમણે ત્યાંનાં વિવિધ નગરોનો પ્રવાસ ખેડીને ભારતીયોની વિશાળ સભાઓને સંબોધી. તેથી તે વિસ્તારમાં ભારતીયોના આદરણીય આગેવાન તરીકે પ્રસિદ્ધ થયા. તેમની તેજસ્વી વાક્છટા, તર્કશુદ્ધ દલીલો તથા વિનયશીલ વર્તાવને કારણે ભારતવાસીઓ હરદયાળમાં પ્રતિષ્ઠિત તથા આદરણીય રાષ્ટ્રીય નેતાનાં દર્શન કરવા લાગ્યા.

જૂન 1913માં ઍસ્ટોરિયામાં ભારતવાસીઓની એક સભા યોજવામાં આવી. તેમાં પૅસિફિક કોસ્ટ હિન્દુસ્તાની ઍસોસિયેશન સ્થાપવામાં આવ્યું. હરદયાળ આ ઍસોસિયેશનના મહામંત્રી બન્યા. સોહનલાલ ભકના તેના પ્રમુખ તથા મુનશીરામ તેના મંત્રી અને કોષાધ્યક્ષ બન્યા. થોડા સમય બાદ, આ સંસ્થાનું નામ બદલીને ગદર પાર્ટી રાખવામાં આવ્યું. ‘ગદર’ એટલે બળવો. આ પક્ષની સ્થાપના વિશે જુદા જુદા હેવાલો પ્રાપ્ત થાય છે. ગદર પાર્ટીની પ્રવૃત્તિઓમાં ‘ગદર’ સાપ્તાહિકના પ્રકાશનનો સમાવેશ થતો હતો. આ પાર્ટીનો ઉદ્દેશ ભારતમાં સામ્રાજ્યવાદી સરકારને ઉથલાવી દઈને તેને સ્થાને સમાનતા અને સ્વતંત્રતા પર આધારિત રાષ્ટ્રીય પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરવાનો હતો. તેનું કાર્યાલય સાન ફ્રાંસિસ્કોમાં હિલ સ્ટ્રીટ ખાતે આવેલું હતું. તે ‘યુગાન્તર આશ્રમ’ નામથી ઓળખાતું હતું. ‘ગદર’ સાપ્તાહિકના લેખોમાં યુવાન ભારતીયોને સશસ્ત્ર બળવો કરી, અંગ્રેજોની હત્યા કરવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. ગદર પાર્ટીના સૌથી મહત્વના આગેવાન હરદયાળ હતા.

આ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સની સરકારની નવી ભેદભાવવાળી ઇમિગ્રેશન નીતિને હરદયાળે સખત શબ્દોમાં વખોડી કાઢી, કારણ કે તેમાં ભારતીયોને અન્યાય થતો હતો. આ તકનો લાભ લઈ બ્રિટિશ સરકારે અમેરિકન નેતાઓમાં હરદયાળ વિરુદ્ધ ઉશ્કેરણી કરી. એટલે અમેરિકાની સરકારને હરદયાળ જોખમકારક લાગ્યા. તેથી બ્રિટિશ કાઉન્સિલની ફરિયાદના આધારે, 25 માર્ચ, 1914ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી; પરંતુ ભારતની રાષ્ટ્રવાદી ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર યુનાઇટેડ સ્ટેટ્સના ગૃહખાતાના સેક્રેટરી ડબ્લ્યૂ. જે. બ્રાયનની દરમિયાનગીરીથી તેમને જામીન પર છોડવામાં આવ્યા. હરદયાળ અમેરિકા છોડી, સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા જતા રહ્યા. ત્યાં તેમણે ‘વંદે માતરમ્’ નામનું અખબાર શરૂ કરી બ્રિટિશવિરોધી પ્રચાર કર્યો. યુનાઇટેડ સ્ટેટ્સની સરકારે જામીન માટે ભરેલી રકમ જપ્ત કરી લીધી. હરદયાળના વફાદાર સાથી રામચન્દ્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટીની પ્રવૃત્તિ ચાલુ રાખી.

હરદયાળ જિનીવાથી બર્લિન (જર્મની) ગયા. જર્મનીની વિદેશકચેરીના સચિવ વૉન વેસેનડૉન્ડ અને હરદયાળે સાથે મળીને ઇન્ડિપેન્ડન્સ કમિટીની રચના કરી. ભારતીય રાષ્ટ્રવાદીઓ તથા વિદ્યાર્થીઓની સભાઓ ભરીને જર્મન અમલદારોએ ભારતમાં બ્રિટિશવિરોધી પ્રચાર કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં જર્મન-ઇન્ડિયન પ્રતિનિધિમંડળ મોકલવા તથા તેના સભ્યો નક્કી કરવામાં હરદયાળે મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન ભારતમાં વ્યાપક બળવો કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું; પરન્તુ બ્રિટિશ સરકારને આખા કાવતરાની જાણ થઈ જવાથી તેમાં નિષ્ફળતા મળી. કોમાગાટા મારુ નામના જહાજમાં ગયેલા ભારતીયોના બળવાની યોજના ઘડવામાં પણ હરદયાળે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી, યુરોપના દેશોમાં રહેતા ભારતીય ક્રાંતિકારોમાં ભાગલા પડી ગયા હોવાથી, ત્યાંની પ્રવૃત્તિઓના જુદા જુદા હેવાલો મળે છે. ભૂપેન્દ્રનાથ દત્તે બર્લિન કમિટીમાં ભાગલા પડાવવાનો હરદયાળ ઉપર આક્ષેપ કર્યો છે અને તેમના ગ્રંથ ‘ફૉર ઇયર્સ ઇન જર્મની’ને જૂઠાણાંથી ભરેલ ગણાવ્યો છે; જ્યારે બીજા લેખકોએ ઇન્ડો-જર્મન યોજનામાં હરદયાળનાં કાર્યોની પ્રશંસા કરી છે.

હરદયાળને જર્મન સરકારનો કડવો અનુભવ થયો હતો. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ જવાની માગણી કરી ત્યારે, તેમને જર્મનીવિરોધી માની લઈને દોઢ વર્ષ માટે અટકાયતમાં રાખવામાં આવ્યા. તે દરમિયાન તેમની તબિયત બગડી અને યુદ્ધવિરામની જાહેરાતના એક મહિના અગાઉ તેમને સ્ટૉકહોમ જવા દેવામાં આવ્યા. તેમને સ્વાનુભવથી સમજાયું કે જર્મન સામ્રાજ્યવાદ માનવતાના વિકાસ માટે જોખમરૂપ હતો. જર્મનીના અનુભવોથી હરદયાળના રાજકીય વિચારોમાં પરિવર્તન આવ્યું. તેઓ એવા તારણ ઉપર આવ્યા કે બ્રિટિશ સામ્રાજ્યનાં રાષ્ટ્રોએ સામ્રાજ્યમાં રહીને સ્વરાજ મેળવવું જોઈએ અને પોતાના દેશના રક્ષણ માટે ઇંગ્લડને સહકાર આપવો જોઈએ. તે પછી હરદયાળે ક્રાંતિકારી પ્રવૃત્તિનો ત્યાગ કર્યો, જે તેમના જીવનની નોંધપાત્ર ઘટના હતી. તેઓ ભારતમાં હોમરૂલ લીગની પ્રવૃત્તિના હિમાયતી બન્યા. તેઓ સ્ટૉકહોમમાં દસ વરસ રહ્યા. તે દરમિયાન સ્વીડિશ ભાષામાં ભારતીય કલા, સાહિત્ય અને તત્વજ્ઞાન વિષે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપીને તેઓ જરૂરી આવક મેળવી લેતા હતા.

હરદયાળ 1927માં લંડન ગયા અને લંડન યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે સંશોધન કરવા માંડ્યું. તેમને ‘ધ બોધિસત્વ ડૉક્ટ્રિન ઇન બુદ્ધિસ્ટ સંસ્કૃત લિટરેચર’ વિશે લખેલ મહાનિબંધ માટે પીએચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી. તે પછી ‘હિન્ટ્સ ફૉર સેલ્ફકલ્ચર’ નામના પોતાના ગ્રંથમાં તેમણે તેમના દાર્શનિક તથા નૈતિક વિચારો દર્શાવ્યા.

હરદયાળને પોતાની માતૃભૂમિ ભારતમાં આવીને રહેવાની તીવ્ર ઝંખના હતી, પરંતુ પંજાબની સરકાર તેમના પ્રવેશનો વિરોધ કરતી હતી. ભારતમાં પ્રવેશવાની તેમની વિનંતીઓનો વારંવાર અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હરદયાળ યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ફિલાડેલ્ફિયામાં તેમનું અવસાન થયું.

ડૉ. હરદયાળ એક મહાન ક્રાંતિકાર અને દેશભક્ત હતા. તેઓ એક તેજસ્વી વક્તા અને ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ તથા તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. તેમને અંગ્રેજી, હિંદી, ગુરુમુખી, ફ્રેન્ચ, જર્મન તથા સ્વીડિશ ભાષાઓનો ઘણો સારો અભ્યાસ હતો. તેઓ ક્રાંતિકારી મટીને સ્વરાજના હિમાયતી બન્યા હતા.

જયકુમાર ર. શુક્લ